ફોનની ઉજાસમાં બાળકનું ભાવિ
ફોનની ઉજાસમાં બાળકનું ભાવિ
આ લેખનું મુખ્ય હેડિંગ જોતા જ સમજાય જાય કે આજે વાત છે કરવાની મારે મોબાઈલ અને આજના બાળકની. આ ટેકનોલોજીના સમયમાં સમય સાથે ન ચાલીએ તો પાછળ રહી જઈએ એ વાત ખરી પણ શું આ ટેક્નોલોજીનો ભોગ નાના બાળકો બને તો એ કોઈ અંશે વ્યાજબી ના જ ગણાય. આજે તો બાળક જન્મે ને થોડું સમજણ આવે એટલે હાથમાં મોબાઈલ પકડાવી દેવાનો એટલે એ જ એની દુનિયા થઈ જાય પણ શું એ પાછળ થી બાળકના ભાવિ ઉપર અને એના માતાપિતા ઉપર કેવી નકારાત્મક અસરો કરે છે એ અંગે કોઈ એ વિચાર પણ કર્યો છે ખરી.
આ તો બાળકને સાચવું ના પડે અને પોતાની જાતે મોબાઈલમાં પડ્યું રહે એ માટે નાનપણથી જ મોબાઈલ સાથે વળગાડી દેવાય છે. તમારા બાળકનું ભાવિ એ જ મોબાઇલની બ્રાઈટનેસમાં ધૂંધળું થઈ જાય છે જે હાલ તો તમે જોઈ જ શકતા નથી અત્યારે તો તમને આ મોબાઈલ બાળકને સાચવી લે છે એ જ દેખાય છે પણ એ જ મોબાઈલ તમારા બાળકના માનસને સંકુચિત કરી નાખે છે. એની વિચારવાની શક્તિઓ સમજણ અને સાથે આંખો ને પણ ભારે નુકશાન કરે છે. થોડો સમય બાળક મોબાઈલ સાથે રમે એનો વાંધો નહિ પણ એ જ મોબાઈલ જ વળગણ થઈ પડે તો તો બાળકનું ભાવિ એમાં બગડે જ એ પાકી વાત છે.
મોબાઈલ એ જોઈએ તો બાળકો સાથે યુવાવર્ગને પણ સારો એવો ભરડો લઈ ચૂક્યું છે.પણ યુવાનો તો સમજણ શક્તિ ધરાવતા હોય જેથી એને સમજાવામાં જાજો સમય ના લાગે પરંતુ બાળકો ને આ વળગણ થી દુર રાખવા મા-બાપ એ એની પાછળ સમય આપવો જ પડે છે. તેને મોબાઈલમાં પણ માઈન્ડ ડેવલોપમેન્ટ વાળી ગેમો અને વીડિયો દેખાડવા જોઈએ એ ઉપરાંત અન્ય રમતો બાળકોને ઘરમાં રમાડવી જોઈએ જેથી કરીને બા
ળકનું મોબાઈલ પ્રત્યેનું વળગણ ઓછું થાય. કેમ કે મેં હાલના સમયમાં ઘણા બાળકોને જેની ઉંમર ૩થી ૧૨ વર્ષ હોય તેવા આખો દિવસ કોઈપણ સ્થળે મોબાઇલની સ્ક્રીન ઉપર જ ચોંટેલા હોય છે અને એમાં જ પોતાનું ભવિષ્ય ધૂંધળું કરી મૂકે છે અને આમ જોઈએ તો મૂળ વાંક તો મા-બાપનો જ છે કેમ કે પોતે બાળકને સમય ના આપવો પડે અને બાળક હેરાન પણ ના કરે માટે નાનપણથી જ મોબાઈલ પકડાવી દે છે અને પોતે જ પોતાના બાળકના ભાવિ સાથે અજાણ્યે ચેડાં કરી મૂકે છે. મોબાઈલ હાલના સમયમાં એક લત કુટેવ જેવું થઈ ગયું છે જેમ એક જાતનું વ્યસન હોય તે રીતે.
બાળકને આ ઉંમરમાં મગજનો વિકાસ ધીમી ગતિએ થતો હોય છે અને એ કુમળા છોડ જેવું હોય જે બાજુ તમે વાળો એ તરફ જ એ વળતું હોય છે એટલે નાનપણથી જ મોબાઈલ વળગાડી દેવામાં આવે એટલે પછી એના માટે તો એ ૫ઇંચ ની ડિસ્પ્લે માં જ એની દુનિયા સમાઈ જાય છે પછી કુવામાંના દેડકા જેવી સ્થિતિ બાળકની બને છે.બહારની મેદાનોમાં રમાતી રમતો બહારની અદભુત દુનિયા બધું એ ભૂલી જાય છે. હાલ તો મોટા મોટા મોલોમાં પણ ગેમ ઝોન હોય છે અનેક પ્રકારની ગેમો હોય છે તો પણ એ સમયે તો એને મોબાઈલ જ પકડેલો હોય છે.
માટે ટૂ ધ પોઇન્ટ વાત એટલી જ કહેવાની કે તમારા બાળકને બને એટલું મોબાઈલ ટેબલેટથી દુર રાખવું એને કુદરતી વાતાવરણમાં રમવા મોકલવું ધરતી સાથે જોડાયેલી રમતો રમતા પ્રેરવું જેથી કરીને એના શરીર સાથે મનનું પણ ઘડતર થાય. બાકી મોબાઈલ ની બ્રાઈટનેસમાં બાળકનું ભાવિ ધુધળું થઈ જ જશે એ વાત તો પાકી જ છે માટે હવે નક્કી આપે કરવાનું છે બાળકનું ભાવિ....