STORYMIRROR

Jignesh Solanki

Others Tragedy

2  

Jignesh Solanki

Others Tragedy

નવરાત્રીની કાલ અને આજ

નવરાત્રીની કાલ અને આજ

4 mins
15.1K


નવરાત્રી એટલે નારીશક્તિના પુરાવાઓને ફળીભૂત કરતું પર્વ. આસોની અજવાળી આ નવલી રાત્રિ એટલે મા આદ્યશક્તિના મહિમા ગાવાનો અનેરો ઉત્સવ નવ દિવસના યુદ્ધમાં અસુરોને હંફાવી મહિષાસુરનો વધ કરી નારીને અબળા સમજનાર લોકોની મનોસ્થિતિને ભાંગીને ભુક્કો કરી દેતું એક ઝળહળતું ઉદાહરણ.

                  આ નવલા દિવસોમાં આદ્યશક્તિને રીઝવી રિદ્ધિ સિદ્ધિ સુખ સંપત્તિ ધન ધાન્ય સ્વસ્થ સ્વાસ્થય પ્રેમ શોર્ય અભય વરદાન નીડરતા વૈભવ દ્રઢ સંકલ્પની ઝંખના મનગમતો માણીગર ખોળાનો ખુંદનાર જેવી અનેક મનમાં સેવેલી ઝંખનાને માની આગળ મૂકી તેને પૂર્ણ કરવા માતાજીની થતી આજીજી. 

                 ધરે ઘરે માના જવારા નંખાય માંડવડી રોપાઈ ચોકે સાથિયા પૂરાય ઝળહળતા દિવલડા પ્રગટાઈ ડાકને દાખલીએ માના ભુવા ધૂણતા હોય એકબાજુ નોબતું વગાડી માના વધામણા થાય આઠમને દિવસે અગાસી હવન અને ઘરમાં કુળદેવીની ભાણા ચડાવાયને મધ્યરાત્રિએ શક્તિના પર્વને ઉજવવા ગરબા ગવાય.

                 પ્રાચીન કાળમાં ગરબો માથે લઈ નારીઓ ધેર ધેર જઈ દીવામાં તેલ પૂરાવી ગામના ચોકમાં ભેગી થઈ મન મૂકી મધુર કંઠે ગરબો ગાતી ને ગરબે ઘુમતી. ગરબો એ ગુજરાતનું લોક નૃત્ય તો ખરું જ પણ તેનો પણ ઊંડો ઈતિહાસ છે. ગરબાની ફરતે પગની ઠેસ ને તાળી ઓના તાલે ગરબે ધુમી મનમાં માતાજીનું સ્મરણ કરી તેમની આરાધના કરતું એક નૃત્ય. 

                  માના ગર્ભમાંથી અખિલ બ્રહ્માંડનું સર્જન થયું છે. તેના પ્રતિક રૂપે ગરબો મુકાય. ગરબો એ માતાજીના ગર્ભનું પ્રતિક છે તેની એક લાઈનમાં નવ કાણા હોઈ ઘડાની ઉપર મધ્ય અને નીચેના ભાગમાં મળી ત્રણ લાઈન હોઈ જેમાં નવ નવ કાણાં હોઈ. આવા ઘડામાં જયારે અંદર દિપક પ્રજ્વલિત કરવામાં આવે છે ત્યારે તે શક્તિ સ્વરૂપ ગણવામાં આવે છે. તેને શક્તિનું કેન્દ્ર ગણી ચોકની મધ્યમાં મુકવામાં આવે છે ને તેનેે ફરતે ગરબો ઘૂમી આરાધના સાધવામાં આવે છે. ગરબો માત્ર સ્ત્રીઓ જ રમે છે જયારે ગરબી (દાંડિયા) પુરુષો જ રમતા હોઈ છે.

              જોકે પ્રાચીન કાળની નવરાત્રી અને આજની આધુનિક યુગની નવરાત્રીમાં જમીન આસમાનનો તફાવત છે.

શેરી શેરીએ હવે ઘરડી ડોસીમાના મીઠા ટહુકાને ઢોલીડાના ઢોલનું સ્થાન હાર્ટ બીટના ધબકારા વધાવી દેતું કાનના પરદા ફાડી ધ્વનિ પ્રદુષણ ફેલાનાર ડી.જે લઈ લીધું છે. ચોકમાં ગવાતા ગરબા હવે પાર્ટી પ્લોટ અને સ્ટેડીઅમો સુધી પહોંચી ગયા છે. ત્યારે ચોકમાં મન મૂકીને ગરબે ધુમી શકતા હતા તેની જગ્યા પર ટ્રેડિશનલ વેરને જ મુખ્ય ભાગમાં રમવાની છૂટ બીજા બધા એ દૂરથી જ મજા લેવાની અને તેમાંય ગાંઠના ગોપી ચંદન કરી મોંઘી દાટ ટિકિટો લેવાની! ત્યાં જઈને આરાધના રૂપી ગરબો તો રમવાનો જ નહીં બસ અટકચાળા કરવા કાં તો અવનવા દોઢીયા કરવા. હવે ગરબાના ઉત્સવોમાં પણ સ્પર્ધાઓએ સ્થાન લીધું છે દિવાની ઝાકમઝોળની જગ્યાએ આર્ટિફિશ્યલ લાઈટો આવી તો જ્યાં ચોકના મધ્યમાં માતાજીનો ગરબો સુશોભિત હોય ત્યાં વચ્ચે કાહળા(જૂતા ચંપલ) મૂકી કુદાકુદ કરવામાં આવે છે. નવરાત્રીની આ તદ્દન નવી જ વિપરીત ઉજવણી જોઈ પહેલાની નવરાત્રિ જે અમે ખરેખર માણી છે તે ખુબ સાંભરી આવે છે.

               નવપલ્લવીત થયેલા પર્ણોની જેમ થનગની ઉઠેલું યૌવન જયારે સોળે કળાએ મહોરી ઉઠે છે ને ચંદન જેવી શીતળતા અર્પતું રજનીનું વૃંદ જયારે તારલાઓથી ઝગમગી ઉઠે છે ત્યારે સૈયર સંગે ગરબે ઘુમવાની એક નોખી જ મજા આવે છે.

પરિવારની છત્ર છાયામાં મન મૂકી ગરબે ઘુમવાની મજા જ જુદી હોઈ છે. એ પ્રેમ ઉત્સાહને વિશ્વાસની ગાંઠે બધા એકસાથે મોજમાં ઝુમતા હોઈ છે પણ બહુ અફસોસ સાથે લખવું પડે છે કે મા બાપ જે વિશ્વાસ સાથે આજના યુવાનોને બહાર રહેવાની છૂટ આપતા હોઈ છે તેજ યુવાનો - યુવાની મોજમાં મળેલી સ્વતંત્રતાનો બહુ મોટો ગેરફાયદો ઉઠાવતા હોઈ છે. નવરાત્રી દરમ્યાન વર્તમાનપત્રમાં બનેલા કિસ્સા વાંચી હ્રદય થંભી જાય છે. નવરાત્રિમાં જેટલા દાંડિયા નથી વેચાતા એના કરતા વધારે નિરોધ અને ગર્ભપાતની ગોળીઓનું વેચાણ વધી જાય છે. જેટલા સ્ટેડિયમના પાસ વેચાય તેટલા જ હોટેલના રૂમ બુક થતા હોઈ છે ને નવ દિવસના માતાજીની આરધના કરી પાપોમાંથી મુક્તિ મેળવાની જગ્યાએ નવ દિવસ કરેલા પાપનું પરીણામ જગતથી છુપાવવા એ માસુમ જીવને કચરાપેટી કે જંગલઝાડી નસીબ થાય છે. કામમાં વશ થયેલો પુરુષ બધી સીમા ભૂલી ન કરવાના કૃત્યો કરી બેસતો હોઈ છે. આ બધી જ સત્ય ઘટના જે ઘટી છે તે લખતા હાથ હજુ પણ ધ્રુજી ઉઠે છે પણ આ જ છે આજની આધુનિક નવરાત્રીના પરિણામો અને આ કડવા સત્યથી પણ પરિચિત થવું જ રહ્યું.

                  નવરાત્રી વિષે લખવા જેવું તો ઘણું બધું છે પણ જે હતું તે હવે નથી રહ્યું ને હવે જે છે તે તદ્દન અર્થવિહોણું છે તો તેની જાજી ચર્ચામાં ઉતરવું હવે પોસાય એમ નથી. બસ હ્રદયથી માતાજીને એક પ્રાર્થના કે સૌ કોઈને સદબુદ્ધિ આપે. નવરાત્રીમાં માતાજીના પૂજનનો મહિમા સમજી તેમની યોગ્ય પૂજાની સાથે જે લુપ્ત થઈ રહેલો ગરબો અવિચળ રહે, લોકોને ગરબાના મહત્વનું ભાન થઈ, નવ દિવસ મળતી સ્વતંત્રતા ખોટા કર્મ કરવામાં નહીં પણ શક્તિના પર્વની ઉજવણીમાં વ્યતીત કરીએ અને પ્રેમથી નવલી નવરાત્રી ઉજવીએ એ જ અભ્યર્થના સાથે સૌને જય માતાજી.


Rate this content
Log in