STORYMIRROR

Parmi Desai

Others

2  

Parmi Desai

Others

નિર્ણય

નિર્ણય

3 mins
14.4K


આજે કનિષ્કાના પગ જાણે ધરતી પર નહોતા. ન કામમાં મન લાગે કે ના રસોઈમાં કોઈ જાતનો ભલીવાર... બસ, મગજ વિચારે ચઢ્યું. “સાંજે શું પહેરીશ? વેસ્ટર્ન જ પહેરુંને! પહેલાં જેવી જ લાગીશ. ઓહ માય ગોડ, હજુ તો શેમ્પુ પણ કરવાનું છે.” મનનાં માળખાંમાં કેટકેટલાયે વિચારો ગોઠવાતા ને દર પાંચેક મિનિટે એક વૈચારીક શૂળ જાણે એના પેટમાં ઉપડતી, પણ પાછી એ મનને ગમતાં ઘાટમાં રેડી જ દેતી!

અનિમેષ… કેટલો ગંભીર હતો એનો અવાજ… આજેય એટલો જ પ્રભાવશાળી જેટલો 10 વર્ષ પહેલાં… કદાચ એની આંખોમાં પણ એવી જ ચમક હશે… હા, એની એ જ આંખો રૂપી ઘરમાં જાણે હું પુરાઈ રહેવા માંગતી હતી. કોણ જાણે એ અળખામણા સમયે અમારો મેળાપ ન કરાવ્યો– પણ, આજે જ્યાં એ સામેથી મળવા મને આવે છે, હું ના પણ કેમની કહું? ને જોકે, ના પાડું જ શું કામ? આજ તો મારી ગમતી ઘડી છે. આટલા વર્ષોની વેદના, એને ખોયાનો અફસોસ બધું જ આજે ઠાલવી દઈશ... હા હા, એ હથેળીઓમાં મારી મુઠ્ઠીઓ ખોલીશ… બસ સાંજ પડે એટલી વાર… વળી પાછી એક શૂળ ઉપડી ને એકાદ ક્ષણમાં શમી ગઈ.

ચાર વાગતાં જ જાણે પરણવાનો ઉમળકો હોય એમ તે તૈયાર થવા લાગી. ની-લેન્થના ફ્રોકમાં પરી જેવી લાગતી કનિષ્કા ટ્રેન્ડી લોકેટ પહેરવા લાગી ને ગળામાં રહેલ મંગળસૂત્રએ ચાડી ખાધી. હા, પેલી શૂળ અત્યારે પણ ઉપડી જ… પણ, તેણે હાથે કરીને જાણે એને દાબી દીધી. “હું ક્યાં કોઈ આડો સંબંધ રાખું છું… અત્યારે તો મળવા જ જઉં છું ને…!” તે મનોમન બબડી, ફટાક દઈને મંગળસુત્ર કાઢીને ક્લચમાં મૂકી દીધું ને સડસડાટ ગાડી હંકારી નીકળી પડી.

નક્કી કરેલ કાફેમાં સમય કરતા પંદર મિનિટ વહેલી પહોંચી ગઈ. આજે આ કાફે જાણે એને સપ્તરંગી આકાશ જેવું લાગતું હતું. “અનિમેષ આવે ત્યાં સુધી દરેક રંગના સપનાં જોઈ લઉં…” મનમાં મલકાતી તે રાહ જોવા લાગી. એટલામાં જ મોબાઈલ રણક્યો. નામ-નંબર કંઈ જ જોયા વિના બોલી ઉઠી, “હા હા, હું પહોંચી ગઈ છું.” સામેથી અવાજ આવ્યો, “પણ બેન તમે ક્યાં છો? અહીં ગેટ પાસે આવો. આ તમારો બાબો ક્યારનો રડે છે. સ્કુલ છૂટે એક કલાક ઉપર થઈ ગયો. હજુ તમે લેવા કેમ નથી આવ્યા?” અત્યારે જે શૂળ કનિષ્કાને ઉપડી તે પેટથી લઈ છાતીને વીંધી સીધી મગજ સુધી પહોંચી ગઈ.

“… આટલી બેદરકારી, આટલી સ્વાર્થી હું બની ગઈ? મારા દિકરા સુદ્ધાંને હું ભૂલી ગઈ?!

એણે જવાબ આપ્યો, “તમે તેનું ધ્યાન રાખજો, હું હમણાં જ આવી પહોંચું છું.”

ફટાફટ કાફેમાંથી બહાર નીકળતી હતી, ત્યાં સામે જ અનિમેષ ભટકાયો, “અરે કનિષ્કા… તું… તું… બહુ વખતે તને જોઈ…” આગળ અનિમેષ કંઈ બોલે એ પહેલાં જ કનિષ્કાએ કહ્યું, “આઈ એમ સોરી અનિમેષ… પણ મારા પતિ અને મારો દિકરો મારી પહેલી પ્રાયોરિટી છે.” આંસુને લીધે ધૂંધળા દેખાતા અનિમેષના ચહેરા કે આંખોમાં જોયા વિના જ એણે ક્લચમાં મૂકેલું મંગળસૂત્ર પહેરી લીધું અને જાણે ચાર પગે ત્યાંથી દોડી ગઈ.

પોતાનાંયે ધૂંધળા ઘરના દરવાજા બંધ કર્યા ને અનિમેષનીએ આંખો તેનાં ગાલને ધોતી રહી.


Rate this content
Log in