લધુકથા : ભૃણહત્યા
લધુકથા : ભૃણહત્યા
એ આખી રાત એણે પડખા બદલવામાં જ કાઢી. તેના મન-મગજમાં આજે વિચારોનો વંટોળ ચાલતો હતો. હું એક સ્ત્રી છું, એનો અર્થ મારે હંમેશા કીધેલું જ કરવાનું! મને મારો કોઈ નિર્ણય લેવાનો હક નહીં? આજે પત્ની અને પુત્રવધુ મટીને તેની અંદરથી એક “મા”નો આત્મા પોકારતો હતો. શું પહેલેથી એક દિકરી હોય તે ઘરમાં બીજી દિકરીને જન્મવાનો કોઈ અધિકાર નહીં? અને જ્યાં હું માં થઈ તેની વેદના સહન કરવા તૈયાર છું, તેને પાલવવા તૈયાર છું ત્યાં તેના જ કહેવાતા આ પરિવારજનો તેને મારવાની વાત કરે છે! આ ક્યાંનો ન્યાય છે પ્રભુ? જે રીતે આજે મને ચૂપ-ચાપ ક્લિનિક લઈ જવાઈ, સોનોગ્રાફી કરાવી અને જાણે ડોક્ટર સાથે કોઈ ડીલ કરી હોય એમ... મને ઘરે આવીને કહે કે 'કાલે એબોર્શન માટે જવાનું છે. સવારે વહેલી તૈયાર થઈ જજે...' આવું બોલતા એમનું હૃદય સહેજેય કંપી ના ગયું! એક દીકરાની લાલચમાં તેઓ આટલું મોટું પાપ કરતા ય અચકાતા નથી! અરે... જે પ્રેમ અને લાગણી એક દીકરી આપશે એ કદાચ 100 દીકરા ભેગા મળીનેય નહીં આપી શકે. પણ આ લોકોને જાણે કંઈ સમજાતુ જ નથી. અત્યાર સુધી બહુ સહન કર્યું, પણ હવે તો વાત મારામાં વિક્સી રહેલા મારા જ અસ્તિત્વના નાશની છે – હવે હું કઈ રીતે ચૂપ રહું? મને મારી દીકરીને કોઈ પણ હિસાબે જન્માવવી જ છે, હે પ્રભુ હવે તું જ મને કોઈ રસ્તો સૂઝાડ."
અને જાણે અચાનક કંઈક વિચારે તેની આંખો ચમકી ઊઠી. એક ઠોસ નિર્ણય કરી તેનું મન થોડીક ક્ષણો માટે શાંત થયું. વહેલી સવારે ઊઠીને ઘરના બધા પોત-પોતાની રીતે તૈયાર થયા. હોસ્પિટલ લઈ જવાની થેલી પણ ભરાઈ ગઈ. ત્યાં જ ડોરબેલ વાગ્યો. એક મહિલા સહિત ત્રણ પોલીસ અધિકારીને બારણે જોઈ બધાને બોલવાના ફાંફાં પડી ગયાં, ત્યાં જ વહુરાણી બોલ્યા... "મેડમ, તમને મેં એટલે બોલાવ્યા છે કે અમારા વિસ્તારમાં આજકાલ કન્યાભૃણ હત્યાના કેસ ખૂબ વધી ગયા છે અને મને બાતમી મળી છે કે ફલાણા ડોક્ટરને ત્યાં આજે એવો જ એક કેસ જવાનો છે... તમે જરા એલર્ટ રહેજો! અતિશય શાંત વાતાવરણમાં બધા એકબીજાની સામે માત્ર જોઈ જ રહ્યાં...
આખરે આજે એક દીકરીને જન્માવવા એક સ્ત્રીમાં રહેલ દુર્ગાશક્તિએ સમાજ સામે માથુ ઉંચક્યું જ.
