STORYMIRROR

Parmi Desai

Others

3  

Parmi Desai

Others

દત્તક

દત્તક

8 mins
27.9K


જીવન સંધ્યા

સવારના સાડા પાંચ વાગ્યે અચાનક રીનાની આંખ ઉઘડી ગઈ કે દિકરાને સ્કુલ જવાનું છે પણ પછી યાદ આવ્યું કે આજે તો રવિવાર છે અને એક લાંબો શ્વાસ લઈ ફરીથી બોનસની ઉંઘ લેવા ગઈ ત્યાં જ તો અવાજ આવ્યો, “હ..ળળ..   હ..ળળળ..."

“હે ભગવાન, એક આ ડોસાને ના પાડી છે તો યે સવારના પહોરમાં આટલે મોટેથી કોગળા કરીને લોહી પી જાય છે.” સખત ગુસ્સામાં રીના ઉભી થઈને બાથરૂમ પાસે ગઈ અને જેંતીકાકાને બરાબરના રીમાન્ડ પર લીધા. સૌરભ આ બધુ સાંભળી ને ય રૂમમાંથી બહાર ન આવ્યો. હવે આ રોજનો ક્રમ બની ગયો હતો. પોતે આ પરિસ્થિતિથી એટલો કંટાળ્યો હતો કે હવે તે કોઈ ને કશું કહી શકતો નહોતો.

બિચારા જેંતીકાકા ચૂપ ચાપ વહુના કઠોર વચનો સાંભળીને  જાણે ભીખમાં મળી હોય એમ ચા પીને છાપું લઈ બહાર ઓટલે ચાલ્યા ગયા. ત્યાં એમની પાસે એક દંપતી આવ્યું, જેંતીકાકાને પગે લાગ્યા અને કહ્યું, “કાકા, અહીં સામેના ઘરમાં અમે ભાડે રહેવા આવ્યા છે. આ અમારો દિકરો ‘શુભ’ – બેટા, દાદાને પગે લાગ." એમ કહી તેમના સંસ્કાર છતા કર્યાં.  રીના પણ આ નવા પડોશીને જોઈ બહાર આવી થોડું સ્મિત બતાવી વળી પાછુ પોતાના અસલ સ્વરૂપે આવીને કહ્યું, “હવે બહુ ચોંટ્યા, થોડા ટાંટીયા હલાવી શાક લેતા આવો. બધું મેં એકલીએ કરવાનો ઠેકો લીધો છે ?” જેંતીકાકા નીચુ જોઈને ઉભા થયા. થેલી લઈ જુતા પહેરીને શરમના માર્યા ચાલતા થયા. પેલા દંપતીની હાલત તો ‘કાપે તો લોહી ન નીકળે’ એવી થઈ ગઈ. કોઈ કશું જ બોલ્યું નહીં અને તેઓ પોતાના ઘર તરફ વળ્યા.રીનાનો સ્વભાવ દિવસે ને દિવસે ખરાબ થતો જતો હતો. તેણીને સાસુના અવસાન બાદ સસરાની હાજરી જાણે પળોજણ લાગતી હતી. વારંવાર તે અપમાનજનક શબ્દોનો પ્રહાર કરતી.. અને જેંતીકાકા તો જાણે આ બધું ઘડપણનો જ એક ભાગ છે તેમ સમજી ચલાવ્યે જતા. જ્યારે સૌરભ, એકનો એક દિકરો હોવા છતાં પત્નીના કર્કશ સ્વભાવને લીધે કંઈ જ બોલી શકતો નહીં. – હા, પોતાના બાપ માટે લાગણી જરૂર હતી પણ તેનું કંઈ જ ચાલતું નહીં અને આ ઘરમાં જાણે “વુમન પાવર”નો રોફ વર્તાવા લાગ્યો. પોતાના દિકરા ને પણ રીના દાદા સાથે બેસવા નહીં દેતી અને કહેતી “તારે પણ નવરા બેસી નખ્ખોદ વાળવાનું છે.” અને તે પણ તેના પિતાની જેમ નીચી મુંડીએ ચાલ્યો જતો. રીનાના દરેક પ્રહાર આસપાસ ચાર ઘર સુધી સંભળાયા કરતા. હવે તો પડોશી પણ ટેવાઈ ગયા હતા.

આમને આમ દરેક પોતાની જિંદગીમાં વ્યસ્ત હતા ત્યાં જ રીનાના મનમાં એક મોટા રાક્ષસે જન્મ લીધો. તેણે સૌરભને કહ્યું,"અહીં આપણા શહેરમાં જ એક વૃધ્ધાશ્રમ છે, ત્યાં મારી બહેનપણી ગયેલી અને કહેતી હતી કે ત્યાં આવા ‘સીંગલ વૃદ્ધ’ ને તો બહુ મજા આવે તેવી જિંદગી હોય છે. સવારે ઉઠીને યોગા, પ્રાર્થનાને કસરત કરવી, પછી નાશ્તો આપે અને આખો દિવસ જેને જે કરવુ હોય તે કરવાનું. બે ટાઈમનું જમવાનું પણ ખરૂં અને રાત્રે દૂધ પણ..બોલો."

સૌરભ મનમાં રીનાનો ઈરાદો માપી ગયો અને કોઈ જ ઉત્તર આપ્યા વિના ઉભો થયો ત્યાં જ રીના એ કહ્યું, "સૌરભ, બિચારા પપ્પાને અહીં મમ્મી વગર ક્યાંથી ગમે?  આપણે જો એમને ત્યાં મૂકીએ તો એમના જેવા કેટલાયે લોકો જોડે એમનું મન મળી જશે, અને એમને જીવવાની પણ મજા આવશે. શરૂઆતમાં તો સૌરભે સ્પષ્ટ ના પાડી પરંતુ રીના ના રોજના કકળાટ આગળ છેવટે તેને એક વાર ઝુકવું પડ્યું.

સૌરભે કહ્યું,“બાપુજી, મારા સ્ટાફના બધા લોકો ફેમિલી સાથે અઠવાડિયાના પ્રવાસે જવાના છે તો તમને તકલીફ ના પડે એ માટે માત્ર એક અઠવાડિયું હું તમને એક ઠેકાણે મૂકી આવું છું, જ્યાં બધા વડીલો આવા કોક કારણે જ આવતા હોય અને પાછા અઠવાડિયા – દસેક દિવસે પોતાના ઘરે આવી જવાનું. જેંતીકાકાને દિકરાની વાતમાં વિશ્વાસ બેઠો અને તેઓએ હા પાડી."

બીજા દિવસે સવારે 'રીનાબેન'નું તો વર્તન જ જાણે બદલાઈ ગયું. બાપુજી-બાપુજી કરી તેમને બધો સામાન ભરી આપ્યો અને હસતા મોંએ બાપ-દિકરાને વિદાય કર્યા, અને એક મોટો હાશકારો લીધો.

ત્યાં પહોંચી સૌરભે ઓફીસમાં જઈને આવું – કહી જૈંતીકાકાને બહાર બેસાડ્યા. થોડીવારે પાછો આવ્યો અને કહ્યું,“બસ ફક્ત અઠવાડીયું જ બાપુજી પછી આવતા સોમવારે તો હું લઈ જઈશ." જો કે આ વખતે તે 'બાપ' જોડે આંખો મેળવી શકતો નહોતો. જૈંતીકાકાએ હસતા મોંએ છોકરાને આશીર્વાદ આપ્યા. અને 'દિકરો' ત્યાંથી ચાલતો થયો. આંખના ખૂણે ભીનાશ હતી પણ પત્નીના વર્તન આગળ આ ભીનાશ પણ તેણે સૂકવી નાખી હતી.

પોતાના આશ્રમમાં નવા મેમ્બર ને જોઈ અન્ય વડીલો પણ ‘એક નવી કંપની મળી’ કરીને જૈંતીકાકાની આજુબાજુ ઘેરી વળ્યા.

જૈંતીકાકાએ હસીને કહ્યું,"અરે, હું તો ફક્ત અઠવાડિયું જ છું અહીં સોમવારે તો જતો રહીશ..." અને બધા વડીલો એકબીજાની સામે જોઈ મનમાં હસ્યા, પણ કોઈ કંઈ જ બોલ્યું નહીં. કદાચ એ બધા પણ આવાજ કોક સંજોગના ભોગ બનેલા હશે!

એકાદ દિવસ ગયો ત્યાં જૈંતીકાકા હીંચકે બેઠા હતા ને જોયું કે જે પડોશમાં જે નવું દંપતી આવ્યું હતું તે જ આજે અહીં આવ્યું છે. રીનાના સુવચનોના લીધે તેમના નામ પણ નહીં જાણી ન શકનાર જૈંતીકાકા તેમને ‘દિકરા – એ દિકરા..' કહી તેમની તરફ ઝડપથી ચાલ્યા. પેલું દંપતી નામે સૂરજ અને મેઘા તો જૈંતીકાકાને અહીં જોઈ દંગ જ રહી ગયા. અરે કાકા, તમે અહીં ક્યાંથી!"

હાંફી રહેલા જૈંતીકાકાએ કહ્યું; “અરે.. દિકરો-વહુ અઠવાડિયાના પ્રવાસે ગયા છે ને એટલે મને અહીં મૂક્યો છે, સોમવારે તો આવી જઈશ." “પણ, રીનાભાભીને તો મેં...” મેઘા કંઈ બોલે તે પહેલાં જ સૂરજે તેનો હાથ દબાવ્યો અને ચૂપ રહેવા કહ્યું.

“પણ તમે અહીં કેમ આવ્યા?” જૈંતીકાકાએ આતુરતાથી પૂછ્યું. સૂરજે કહ્યું, “કાકા, અમારો નિયમ છે, દર મહિને એક વખત અમે વૃધ્ધાશ્રમની મુલાકાત લઈએ જ છીએ. પછી ગમે તે શહેરમાં હોઈએ ને! અમે વડીલો સાથે ચાર-પાંચ કલાક કાઢીએ અને મારો દીકરો શુભ પણ તેમની સાથે રમે...સૌને આનંદ આવે."

પછી તે ઓફીસમાં ગયો જ્યાં જાણવા મળ્યું કે સૌરભ તેમને કાયમ માટે અહીં મૂકી ગયો છે. ખૂબ જ વ્યથીત હૈયે તે બહાર નીકળ્યો અને કંઈ જ બોલ્યા વિના પત્ની અને દિકરા સાથે ત્યાંથી નીકળી ગયો. જૈંતીકાકા તેની પાછળ હાથ લંબાવી વધ્યા પણ ત્યાં સુધી તો સૂરજે ગાડી હંકારી મૂકી હતી.

પછીના ત્રણ દિવસ દરમિયાન જૈંતીકાકાને અન્ય વડીલો દ્વારા જાણવા મળ્યું કે તેમનો દિકરો હવે ક્યારેય તેમને લેવા નહીં આવે, એ લોકોને પણ આવા જ કોક બહાને અહીં મૂકવામાં આવ્યા હતા... અને જૈંતીકાકા પોક મૂકીને રડી પડ્યા.

“જે દિકરા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું એ દિકરાએ આજે મને જ ત્યજી દીધો!” સતત જિંદગીના પ્રસંગો, પત્ની, પુત્ર બધાના વિચાર કરીને જૈંતીકાકા તો જાણે ડિપ્રેશનમાં આવી ગયા હતા. તેમના મિત્રો તેમને આશ્વાસન આપી રહ્યા હતા. ત્યાં જ એકે કહ્યું, “અરે! સૂરજભાઈ... આજે ફરી કેમ આવ્યા? તે દિવસે તો તમે તરત જ નીકળી ગયા, શુભને લાવ્યા નહીં ?”

સૂરજ કંઈ જ બોલ્યો નહીં. માત્ર નાનુ સ્મિત ફરકાવીને જૈંતીકાકા સામે જોયું પણ અત્યારે જૈંતીકાકા તેની સાથે નજર મેળવી શકવાની સ્થિતિમાં પણ નહોતા. સૂરજ પણ કંઈ બોલ્યા વિના ઓફીસ ભણી ચાલ્યો. ત્યાં જ મેઘા અને શુભ પાછળ આવ્યા. શુભ દાદા..દાદા કહી જૈંતીકાકાને વળગી પડ્યો. જૈંતીકાકા કંઈ જ બોલી ન શક્યા,  બસ એમને રડવા માટે બહાનું જોઈતું હતું... ને શુભને ભેટીને તે ખૂબ રડ્યા.

ઓફીસમાં જઈ સૂરજ મેનેજરની સામે બેઠો. મેનેજરે કહ્યું, “બોલો સૂરજ ભાઈ, આજે શું સેવા આપવી છે તમને?”  સૂરજે કહ્યું, “આજે મને કંઈક જોઈએ છે, આપશો ?”

મેનેજર કહે, "અરે તમને ના પડાય બોલોને ભાઈ!"

“જી... મને એક પિતા દત્તક જોઈએ છે.” સૂરજે કહ્યું.

મેનેજરના પગ તળેથી જમીન જાણે ખસી ગઈ. “હેં!.. અહીં જેટલા પુત્રો આવ્યા છે તે મા-બાપને મૂકવા માટે જ આવ્યા છે. કોઈ પોતાના જનેતાને પાછા લેવા નથી આવતું, અરે.. વડીલના અવસાન પછી ઘણા તો અગ્નિસંસ્કાર માટે પણ નથી લઈ જતાં..અને તમને પિતા દત્તક જોઈએ છે?"

સૂરજે કહ્યું,"હું તમને વિસ્તારથી કહું તો ખ્યાલ આવશે."

હકીકતમાં નાનપણથી જ મેં મારા માતા-પિતાને જોયા નથી. હું એક અનાથ આશ્રમમાં ઉછરેલો યુવક છું. ભણવામાં હોંશિયાર હોવાથી મને સારૂં ભણતર પુરું પાડવામાં આવ્યું અને અન્ય એક અનાથ કન્યા સાથે જ મેં લગ્ન કર્યા. જેથી તે મને સમજી શકે. આ જ કારણસર હું અહીં દર મહિને આવું છું કે જે પ્રેમ અમને નથી મળ્યો એની થોડી ઘણી પૂર્તિ  કરી શકીએ. પોતાના નહીં તો પારકાં... પણ આ બધાંય છે તો મા-બાપ જ ને! મારી પાસે અત્યારે પુષ્કળ પૈસો છે પણ કોઈ વડીલની છત્રછયા માટે અમે બંને તરસીએ છીએ. જો તમે મારી વાત માનો તો અમને વડીલ અને મારા પુત્રને દાદાનો પ્રેમ મળે. હું...એક્ચ્યુલી... જૈંતીકાકાને લઈ જવા માંગું છું... જો તમે..." અને સૂરજ ગળગળો થઈ ગયો.

મેનેજર રૂમાલ વડે આંખો લુછી બોલ્યા; “જો તમારા જેવો એકાદ દિકરો દરેક ઘરમાં હોય તો ખરેખર હું આ વૃધ્ધાશ્રમને તાળુ મારી દઉં. તમને મારા તરફથી છૂટ છે પણ એક વાર તમે જૈંતીકાકાને પૂછી જૂઓ.”

 

સૂરજ ફટાક દઈને ઊભો થયો અને તરત જ બહાર ગયો. શુભને જૈંતીકાકાના ખોળામાં જોઈ તેની તેની આંખો ભરાઈ આવી. તે એમની પાસે ગયો અને બે હાથ જોડી બોલ્યો, “જિંદગીમાં ઘણું બધું મેળવ્યું છે પણ એક પિતાનો પ્રેમ નથી મળ્યો. શું મારા પિતા બની તમે મુજ અનાથને તમારો પ્રેમ આપશો?  મારા ઘેરે, અમારી સાથે અમારા ઘરના વડીલ તરીકે, મારા પિતા તરીકે અમને સ્વીકારશો?”

સૂરજ અને મેઘા વિનંતીભર્યા હાથે જૈંતીકાકાને પગે લાગ્યા. પણ જૈંતીકાકા... મોમાં એટલા બધા ડુસકાં હતા કે શ્વાસ પણ વચ્ચે લઈ નહોતા શકતા. શું કરવું તેમણે સમજાતું નહોતું. તેમના મિત્રોએ તેમને ખૂબ સમજાવ્યા અને પોતે સૂરજ સાથે જવા તૈયાર થયા. જૈંતીકાકા, સૂરજ, મેઘા અને શુભ એક આખું પરિવાર ગાડી તરફ આગળ વધી રહ્યું અને વૃધ્ધાશ્રમના અન્ય સભ્યો ભીની આંખે તેમને વિદાય આપતાં રહ્યા.

                         ***

સોમવારની જ સવાર, સાડા પાંચનો સમય અને અવાજ સંભળાયો "હ..ળળળ. ..હળ..ળ..."

ત્યાં જ સફાળી બેઠી થયેલી રીનાને પરસેવો છુટી ગયો. મનમાં થયું, "અરે! એવી તે આ ડોસાએ હેરાન કરી છે કે ઉંઘમાંયે તેને ભૂલી શકતી નથી. સાતેક વાગ્યાના સુમારે સૌરભ બહાર નીકળ્યો ત્યાંતો તે છક થઈ ગયો – અરે ! સામેના ઓટલે ખુરશી પર જોઈને "અરે..આ તો બાપૂજી...!"

તે દોડતો સામે ગયો સૂરજને ત્યાં, “બાપૂજી, તમે...તમે અહીં ક્યાંથી? તમે તો ...” એ કંઈ જ બોલી ન શક્યો. પિતાની આંખમાં પોતાના પ્રત્યેનો ગુસ્સો તે ભાળી ગયો.

જૈંતીકાકા ઉભા થયા અને કહ્યું; “કેમ? મારે તો આમેય ત્યાં રવિવાર સુધી જ રહેવાનું નહોતું? સોમવારે તો હું આવી જ જવાનો હતો... અને આવી જ ગયો છું, મારા દિકરાને ત્યાં.” સૌરભ કંઈ બોલેતે પહેલા જૈંતીકાકાએ અટકાવીને કહ્યું- “દિકરો સૂરજ અને મારી વહુ મેઘા અને પૌત્ર શુભ પાસે!” સૌરભ નીચું માથું રાખી ઉભો રહ્યો અને જૈંતીકાકા અંદર ચાલ્યા ગયા.

સૌરભને પોતાના કર્યા પર ખૂબ પસ્તાવો થયો પણ હવે કંઈ થઈ શકે તેમ નહોતું. એ આખી રાત તે ઉંઘી ન શક્યો. તેણે નક્કી કર્યું કે પોતાના પાપનું પ્રાયશ્ચિત ચોક્કસ કરશે, અને મનમાં કંઈક નિર્ણય કરી તે સૂઈ ગયો.

બીજા દિવસે સવારે તે સૂરજને ત્યાં ગયો. જોયું તો તાળું હતું. તેણે ઉપર રહેતા મકાન-માલિકને પૂછ્યું, તો જાણવા મળ્યું એ તો માત્ર થોડાંક સમય માટે જ અહીં આવ્યા હતા. ગઈ કાલે રાતની ટ્રેનમાં તેઓ મુંબઈ ચાલ્યા ગયા...“એમનાં બાપૂજી ને પણ સાથે લઈને!” મકાન-માલિક ના એ વાક્યમાં 'એમનાં' શબ્દ પર ભાર હતો.

સૌરભ સમજી ગયો કે મકાન-માલિક શું કહેવા માંગતો હતો.

આંખે ઝળઝળીયા સાથે એક લથડીયુ ખાઈ ગયેલ સૌરભ હવે ખૂબ પસ્તાતો હતો પણ...શું કામનું!

ત્યાં જ અવાજ આવ્યો; “આ સવારના પહોરમાં ક્યાં રખડવા નીકળી પડ્યો?... થોડા ટાંટીયા હલાવી શાક લેતો આય, બધું મેં એકલીએ કરવાનો ઠેકો લીધો છે!"

-પાર્મી દેસાઈ

   

 


Rate this content
Log in