Krupa Soni

Others

3  

Krupa Soni

Others

મુલાકાત

મુલાકાત

1 min
368


એ સાંજની વાત છે, સાવ અજાણ્યા એક યુવાન સાથે મુલાકાત થવાની હતી. શિક્ષકની ભૂમિકામાં એટલી ગભરામણ નહતી જેટલી એ દિવસે અનુભવાતી હતી. ન જ હોય ને ! વાલીઓ સાથેનો સંવાદ અને અજાણ્યા યુવક, જે કદાચ જીવનસાથી પણ બને એમના સાથેનો સંવાદ કેટલી ભિન્નતા. થોડી મુંઝવણ પણ ઈશ્વરની અતૂટ શ્રદ્ધા. હૃદયમાં થોડી નમણાશ પણ આંખોથી આત્મવિશ્વાસ. કદાચ એ આત્મવિશ્વાસ પિતાને કરેલી અઢળક યાદોનું વળતર હોય શકે.  

અંતરની ઊર્મિને હજુ મહેસૂસ કરું ત્યાં મહેમાન આવ્યા. જે પણ ઔપચારિકતા હતી પૂર્ણ થઈ. હવે સમય હતો જીવનની પરિક્ષાનો. પરિક્ષાની જીંદગી તો પૂરી થઈ ગઈ હતી. એક વ્યક્તિની પરખ એક મુલાકાતમાં કરવી એટલી સહજ બાબત નહતી. પણ વર્તણુકથી એમના મનોભાવ ખૂબ સરળતાથી અભિવ્યક્ત થતાં હતાં. એમની ગભરામણ ચહેરા પર વર્તાતી હતી. પણ આંખોમાં તેજ અને વિસ્મય ભાવ સાથે સંવાદ થયો.

 "તમને શેનો શોખ છે ?"

"કવિતા લખવી ખૂબ ગમે છે સાથે જીપીએસસીની તૈયારી કરું છું."

" સારું કહેવાય.." 

"તમને ?"

"શોખ તો નવી વસ્તુ જાણવાનો, ફરવાનો અને ડ્રોઈંગ ગમે, બાકી તો બિઝનેસમાંથી ફુરસદ નથી મળતી"

સંવાદો ચાલુ રહ્યા. અંતે એમણે પૂછ્યું. "બીજા કોઈ સવાલ ?"

મારાથી સંતોષપૂર્વક બોલાઈ ગયું. "બસ"

અને હર્ષિત બનીને મલકતા મુખે જાણે આંખોને શાતા વળી હોય એવા ભાવ સાથે ચહેરો સ્મિત કરી ગયો. ખબર નહિ કેવો સંયોગ હોય. સ્વર્ગસ્થ પિતાનો જાણે પડછાયો હોય. એ કદાચ ભગવાન પાસે બેસીને લાગવગ ચલાવતા હશે. અને નસીબ એનો યશ મેળવી લેતું હશે.


Rate this content
Log in