દરિયાકાંઠે અહેસાસ
દરિયાકાંઠે અહેસાસ
ક્રોધથી વ્યાકુળ થયેલી સ્વરા ઘરથી નીકળીને અજાણ્યા રસ્તે ચાલી રહી હતી. અત્યંત ગુસ્સાની આગમાં એમના આંસુ સુકાઇ રહ્યા હતા. અંતે પગે એમને સાથ ના આપ્યો દરિયા કિનારે બેસીને અભિવ્યક્તિનું માધ્યમ શોધતી હતી.
સામે નજર પડી તો સૂર્ય આથમી રહ્યો હતો અને સોનેરી સંધ્યાને જાણે પોતાની આપવીતી કહેતી હોય એમ એકીટશે જોઈ રહી હતી. એમનો ગુસ્સો જાણે પંચ મહાભૂતમાં વિલીન થઈ રહ્યો હોય. ભૂમિ, વાયુ, આકાશ, અને જલ નજરે આવતા હતા. અગ્નિની જ્વાળા એમના હદય સમક્ષ હતી. એ અગ્નિ એમની લાગણીમાં કદાચ એમની લાગણીનું બળતણ હતું. સૂર્યને નિહાળતા નિહાળતા એમની આંખ ભીની થઇ રહી. સૂર્ય જાણે એક નવીન ઊર્જા આપી રહ્યો હોય એવો એહસાસ થતો હતો. સ્વરાની લાગણીઓને એ પોતે કદાચ આ રીતે અભિવ્યક્ત કરી શકે.
"સમાજ એક સ્ત્રી અસ્તિત્વને આમજ નિમ્ન અંદાજિત કરતો રહેશે ? જો આજ પરિસ્થિતિ કાયમ રહેશે તો આ સૂર્ય મારી નજર સમક્ષ જેવી રીતે આથમી રહ્યો છે એવી રીતે દરેક સ્ત્રીના સ્વપ્ન આથમી જશે."
આંખ ખૂલતાં જ પળભરમાં એક અત્યંત શક્તિશાળી સોનેરી અજવાશ મારી આત્માને જગાડી રહ્યો હોય એવું લાગ્યું. જાણે એક નવી ઊર્જા મારામાં સંચારિત થતી હોય. સૂર્યના અજવાશથી દરિયાનું શાંત પાણી ચાંદીની જેમ છલકતું હતું. પ્રકૃતિના સાનિધ્યમાં જાણે સ્વરા ઓગળી રહી હોય અને ઈશ્વરીય શક્તિ એક દ્રઢ આત્મવિશ્વાસ આપી રહી હોય એવો એહસાસ થયો. એની એકલતા જાણે એકાંતમાં પરિવર્તિત થઈ ગઈ.
અચાનક એમનું ધ્યાન ચકલી અને નાના બચ્ચા પર ગયું. અનેક વખત ઉડતા ઉડતા પડતું, પણ એક નવા અંદાજથી ફરીથી પ્રયત્ન કરે. આ નાનકડી ચકલી અને એમના બચ્ચાએ સ્વરાને એમની માની યાદ અપાવી. જાણે એના મમ્મી કંઇક અલગ રાહ ચિંધડતા હોય એવો અહેસાસ થયો.