Nayan Nimbark

Others

4  

Nayan Nimbark

Others

મોર્નિંગ વોક

મોર્નિંગ વોક

4 mins
14.4K


નજર સામેથી કાંઈ કેટલાય ચહેરાઓ, વાહનો, દૃશ્યો, મકાનો રોજ સવારનાં તમારા 'મોર્નિંગ વોક'નાં રસ્તામાં આવે છે, અને કાંઈ સ્પેશિયલ ધ્યાને આવ્યા વિનાં એ ચહેરાઓ, વાહનો, દૃશ્યો, મકાનો દુનિયાની ભીડમાં ખોવાઈ જાય છે. આજે સાતેક વર્ષથી અનિવાર્ય સંજોગો સિવાય તમારો એ મોજીલો 'મોર્નિંગ વોક'નો સીલસીલો ચાલી રહ્યો છે. અને આ સાતેક વર્ષોનાં ગાળામાં કેન્દ્ર અને રાજ્યની સરકારો તો ઠીક, તમારા શહેરની મ્યુનિસિપાલીટીનું શાસન પણ બે-ત્રણ વખત બદલાઈ ગયું. મેરાથોન અને સાઈક્લોથોન જેવી 'વર્લ્ડ ક્લાસ' ઈવેન્ટો પણ આ વર્ષોમાં તમારી નજર સામે તમારા રોજિંદા રસ્તા પર જોવાઈ ગઈ.

સીંગલ પટ્ટીનાં રસ્તાથી મહાનગરનો બદલાતો મિજાજ બી.આર.ટી.એસ. માં ફેરવાવો, એ પણ તમારી નજર સામેની ઘટનાઓમાંની એક હતી. એ જ રીતે રસ્તામાં મકાનોનાં આકારો અને પ્રકારો બદલાવા, એ પણ તો મહાનગરની બદલાતી તાસીર બતાવતું હતું.

ચાલતા જતાં બાળકો સાઈકલ પર અને હવે પીળાં રંગી બસોમાં પોતાનાં સ્કૂલો અને કોલેજોમાં જવા લાગ્યા, એય તો આ મહાનગરમાં થાતો બદલાવનો દાખલો હતો.

પરંતુ આ સાતેક વર્ષોમાં તમારા મોર્નિંગ વોકનાં એ છ કિલોમીટરનાં રસ્તામાં તમે રોજ અજાણતાં જ તમારા મનચક્ષુમાં જે નોંધતા રહેતા, એ ઘરની બહાર આજે કોઈ બિલ્ડરનું એક મોટું બોર્ડ લાગી ગયું હતું.

આામ તો કોશેટોમાંથી પતંગિયા બને એમ આ આધુનિક નગરનાં જંગલમાં ટેનામેન્ટો એપાર્ટમેન્ટોમાં પરિવર્તિત થવા એ ખૂબ જ સ્વાભાવિક હતું. પરંતુ સાતેક વર્ષ પહેલાં તમે મોર્નિંગ વોકમાં જવાનું શરૂ કર્યું ત્યારથી ફક્ત ગ્રાઉન્ડ ફ્લોરનું એ ટેનામેન્ટ હંમેશા તમારી નજર ખેંચતું. પાંસઠી ઉંમરનું દંપતિ અને લગભગ પચ્ચીસેક વર્ષનો છોકરડો એ ઘરનાં વરંડાની અંદરની દુનિયામાં નજર આવતાં. એ વૃધ્ધ દંપતિ હાથમાં કપ લઈને કિચુડ કિચુડ કરતાં એ હિંચકાને ધીમા પગે ઠેલતું, ત્યારે મધનો પ્યાલો મોઢે માંડતું હોય એમ મલકાતું, પરસ્પરની વાતોમાં તલ્લીન બનેલું જોવા મળતું. અને એ છોકરડો એ દંપતિની સામે લાકડાની ખુરશીમાં એક હાથમાં છાપું અને એક હાથમાં સ્ટીલનાં ગ્લાસમાં બોર્નવીટાનાં દૂધ જેવો જ ટેસડો મારતો બેઠો હોય.

ક્યારેક ત્રણેય જણાં વાતોએ વળગ્યાં હોય. લગભગ આવો જ રોજનો ક્રમ. દિવાળી જેવાં તહેવારે એ ઘરમાં થોડી ભીડભાડ લાગતી. ત્રીસેક વર્ષની આસપાસની લાગતી ત્રણેક બહેનો અને પાંચ-છ છોકરડાંઓની બૂમાબૂમથી ઘરમાં ખરેખર ઉજાસ પથરાયેલ લાગતો. એ જ ચહેરાઓ દિવાળીનાં પાંચ-છ દિવસો પછી ઉનાળાનાં વેકેશન જેવા ગાળામાં પંદર-વીસ દિવસો સુધી જોવાં મળતાં. અને પછી પાછી ફેલાઈ જતી નિરવ શાંતિ ત્રણ જણનાં એ માળામાં.

ત્યાં એક દિવસ એ ઘરનો સામાન બહાર હતો. અને કલરનાં ડબલાંઓ પણ બહાર પડેલાં હતાં. નવાં કલેવર સજીને ઘર કાંઈક અલગ જ રીતે દિપી રહ્યું હતું. વળી થોડાં દિવસો પછી એ ઘર આગળ માંડવો હતો. ઢોલ ઢબુકી રહ્યા હતા. મહેમાનોનો કોલાહલ અને છોકરાંવની દોડાદોડી હતી. બે-ત્રણ દિવસનાં આવા ધમધમાટ પછી પાછી શાંતિએ ઘરમાં ડોકું કર્યું અને પાછી આવીને રહી ગઈ. હવે એ ઘરમાં બે સફેદ પારેવડાંઓની સાથે મોરલાંની જોડીનો પણ થનગનાટ થઈ રહ્યો હતો.

હિંચકા ઉપર બેસીને હિંચકતા એ વૃધ્ધ દંપતિની સામે હવે પ્લાસ્ટિકની બે ચેરમાં બીજા બે કપમાં મધનો ઘૂંટડો ભરતાં નવયુવાન દંપતિ હતા. એક દિવસ એક ગાડી એ ઘર આગળ ઉભી હતી, ને એમાં સામાન મુકાતો હતો.

એ વૃધ્ધની આંખોમાં આંસુઓ છૂપાતાં નહતાં, એમ એ વૃધ્ધા ઝાંપો પકડીને ઉભા હતા, સાવ જ ભાવશૂન્ય થઈને!! એ ઘટનાંને બીજે દિવસે સવારે એ જ ઘર હતું, એ જ વૃધ્ધો હતાં. પણ ન તો હિંચકો ચાલી રહ્યો હતો કે ન તો એ દંપતિનાં હાથમાં કપ હતો. બંને સફેદ પારેવડાંનો ઘૂઘવાટ એકદમ શાંત હતો. એનું કારણ કદાચ એ હતું કે સામે કોઈ ખુરશી પણ ન હતી. અને ખુરશીમાં બેસવાવાળાઓ પણ ન હતાં.

રોજની જેમ સવારો વિતતી જ જતી. ધીરે ધીરે ફરી એ જ દંપતિ-એ જ હિંચકો- એ જ કપ. ફરી એક સવારે ઘર પાસે સફેદ કપડાં પહેરેલાં સજ્જનો અને સન્નારીઓની ભીડ હતી. હિંચકો ખાલી હતો. અને ઘરમાંથી રડવાનો અવાજ આવી રહ્યો હતો. થોડાં દિવસો એ ઘર સામે નજર કરવાની પણ હિંમત ન ચાલી. પરંતુ દિવસો પછી જ્યારે નજર પડી ત્યારે વૃધ્ધ નજર નીચી રાખીને ગુમસુમ, એ હિંચકા ઉપર બેઠા હતા. ન તો હિંચકો ચાલી રહ્યો હતો, ન તો એ હાથમાં કપ હતો.

એ સવાર પછી તો ક્યારેય એ હિંચકો હાલતો ન જોયો. કે ન જોયો એ હાથોમાં કપ.

દિવાળીનાં બે-ચાર દિવસોમાં ઘર સવારથી કલબલાટથી ઉભરાતું જોવા મળ્યું, એમાં એક નાનકાનો ઉમેરો હતો, જે હિંચકા ઉપર બેસવા માટે જિદ કરતો હતો અને એ 'મોરલી' એ નાનકાને તેડીને રસ્તાનાં વાહનો બતાવવામાં મશગૂલ હતી. પણ પાછું એ ઘર સન્નાટાને સમાવીને બેઠું હતું. એક સવારે એ હિંચકો પણ ખાલી હતો. સફેદ કપડાંમાં સજ્જનો કોઈ 'બેસણાં'ની તૈયારીઓ કરી રહ્યા હોય, એમ લાગતું હતું.

થોડાં દિવસ એ વેકશનીયા ચહેરાઓ સફેદ કપડાંમાં દેખાયા અને પછી ઘરનાં દરવાજા ઉપર, ઝાંપા ઉપર લટકતું તાળું દેખાયું. હિંચકો હતો. પણ ખાલી.  અને થોડાં દિવસોમાં એ ઘરની બહાર એક મોટું બોર્ડ જોવા મળ્યું. "ફોર બી.એચ.કે. લઝરીયસ ફ્લેટ" એ ઘરને કેટલાંક દિવસો પછી પતરાંઓ વીંટી વળ્યા. હવે એ હિંચકો પણ દેખાતો ન હતો. અને હવે ક્યારેય દેખાવાનો પણ નહોતો.


Rate this content
Log in