Nayan Nimbark

Others

3  

Nayan Nimbark

Others

માવઠું

માવઠું

4 mins
14.5K


પડોશીની બૂમ સાંભળીને 'પૂર્ણા' ગેલેરીમાં તાર ઉપર સુકાતાં કપડાં લેવા દોડી. આમ તો બે-ત્રણ દિવસથી વાતાવરણ ઘેરાયેલું હતું જ, અને આજે તો વરસી જ ગયો આ વિણ મોસમ વરસાદ.

કપડાં બેડરૂમમાં બેડ ઉપર મૂકીને બેડરૂમની ગેલેરીનાં દરવાજે અઢેલી ઊભી 'પૂર્ણા' બહાર જોઈ રહી હતી વરસતાં ફોરાંઓને, પલળતાં ઝાડને, ધોવાતાં રસ્તાઓને, દોડાંદોડી કરતાં રાહદારીઓને.. અને કોણ જાણે કેમ, કોઈપણ કારણ વિનાં મનમાં 'એ' ડોકાઈ ગયો. એનો એ હસતો ચહેરો યાદ આવી ગયો. 

જાણે કહેતો હોય, "લે! આજે તો હું પણ આવી ગયો છું, આ માવઠાની જેમ!"

અને એ સાથે જ 'પૂર્ણા' જાણે ડૂબકી મારી ગઈ યાદોનાં સરોવરમાં..

લગભગ વીસેક વરસની જ એ હશે કે જ્યારે એને જોવા માટે 'એ' આવ્યો હતો. એય પણ આમ તો તમારો હમઉમ્ર જ હતો ને! ખબર નહીં શું ગમવા જેવું હતું એનામાં! પણ એવું કાંઈક જરૂર હતું જે આકર્ષી જાય! એને જ્યારે તમે 'ચ્હા' આપવા ગયેલા, ત્યારે ક્ષણાર્ધ માટે તમારી નજરો મળેલી. ને કદાચ ત્યારે જ તમે નક્કી કરી નાખેલું કે, "બસ, હવે તો આ જ હશે મારો માણીગર." અને પછી તમે બંને જોડાયા સગાઈથી. એકાદ વર્ષનો સમયગાળો કાંઈ નાનોસૂનો તો નથી જ હોતો! કેવી કેવી યાદો મૂકી ગયો છે ને એ સમય!

એકમેકની બાજુમાં હાથમાં હાથ પકડીને બેઠાં હતાં એ દરિયાની રેતમાં, ને આથમતાં સૂરજને જોતાં ગૂજરેલી એ સાંજ! ત્યારે દરિયાની રેતમાં તમારા ખોળામાં એનું માથું મુકીને એનું સૂવું, અને દૂરથી આવતો દીવાદાંડીનો પ્રકાશ બતાવીને એનું તમને કહેવું, "મારું જીવન હવે તારા જ સહારે છે! હું મારા જીવનમાં ક્યાંય અને ક્યારેય કોઈ ખરાબે ન ચઢી જાઉં એટલે તું હંમેશા મારી દિવાદાંડી બની રહેજે!"

અને એ પછીની મુલાકાતોમાં તમારું એનાં ઘરે જવું, રોકાવું. એનું તમારા ઘરે આવવું, રોકાવું. તમારી એ મુલાકાતોમાં એનું કોઈ વાતોમાં ગુસ્સે થાવું, અને તમારું એને સોરી કહેવું. તરત જ એનું હસીને તમને આંખ મીંચામણા કરવું! એ જોઈને તમારું મોઢું ખીલતા ગુલાબ જેવા સ્મિતથી ભરાઈ જવું.

એનું એની જિંદગીમાં કાંઈક બનવા માટેની ગડમથલ, સંઘર્ષ. એનું એમાં હારવું, થાકવું, નિરાશ થવું! પણ ક્યારેય એ નિરાશા તમારા સુધી ન જ પહોંચી હોત, જો એ દિવસે પોતાનાં આંસુઓને રોકી શક્યો હોત. પણ તમારા સાંત્વને એનામાં જાણે નવું જોશ ભરી દીધું હતું. તમારું બસ એટલું કહેવું કે, "તમે એક હજાર લાવશોને, તો એમાંય હું ચલાવી લઈશ. તમે કોઈ ચિંતા ન કરો."

અને એનું તમને વચન કે, "હું તને ખુશ રાખવા મારાથી બનતું બધું જ કરી છૂટીશ. બસ તારો હાથ મારા હાથમાં રાખજે!"

પણ એ હાથ તમે જ છોડાવેલો.
બદલાતા સંજોગોમાં તમે એક નિર્ણય લીધો કે, "હવે મારી જિંદગીમાં એ ન જ જોઈએ." તમારી આંખોમાંય આંસુઓ તો હતાં જ ને એ વખતેય!

તમે એની સાથે વાત કરવાનું પણ ઉચીત ન માન્યું, એ નિર્ણય લેતાં પહેલાં... કદાચ એની કોઈ વર્તણૂંક જ તમને મજબૂર કરી ગઈ હતી આવો કોઈ નિર્ણય લેવા માટે! જો કે, "એનાં ઉપર શું વિતશે?" અરે! "વિતશે કે નહીં?" એવો કોઈ વિચાર કર્યા વિનાં તમે પથ્થર દિલ થઈ ગયેલાં. ત્યારે મધ્ય ડિસેમ્બરમાં આવો જ અણધાર્યો વરસાદ વરસી ગયેલો! અને કદાચ એ માવઠું નો'તું! પણ... કોને પરવા હતી?

એ પછીનાં લગ્નની મોસમમાં તમારા લગ્ન લેવાઈ ગયાં. તમે હ્યદયનાં કોઈ અંધારિયાં ખૂણાંમાં એને પૂરી ચૂક્યાં હતાં. તમે જિંદગીમાં ક્યાંય આગળ વધી ચૂક્યાં છો આટલાં વિતેલાં વર્ષોમાં... અને બે બાળકો તથા પતિ સાથે સુખેથી જાણીતાં શહેરનાં પોશ વિસ્તારમાં વૈભવી ફ્લેટમાં જીવન જીવી રહ્યાં છો!

તમે આજદિન સુધી એ જાણવાની કોઈ દરકાર પણ નથી લીધી કે, એ ક્યાં છે? શું કરે છે? પણ ખબર નહીં કેમ આજે એનો ચહેરો હ્યદયનાં અંધારિયાં ખૂણાંમાંથી છટકીને કેમય કરીને આંખો સુધી પહોંચી શક્યો હતો!

ત્યાં જ દોડી આવેલી નાની આશ્કાએ તમને પૂછ્યું. "મમ્મી! આજે વરસાદ કેમ આવ્યો?" અને તમે કીધું કે, "બેટા, આ વરસાદ નથી. આને માવઠું કહેવાય! વિણ-મોસમનો વરસાદ! એનાં આવવાની કોઈને રાહ ન હોય, એમ ચાહ પણ ન હોય! આ પાણીમાં ભીંજાઈએ તો બસ બીમાર જ થવાય! કોઈ કામનો નથી આ મેહ! કારણ કે એની મોસમ ચાલી ગઈ છે! હવે એ ના આવે એ જ સારૂં, સૌનાં માટે!!"

આટલું બોલતાં બોલતાંય તમારી નજર રસ્તા પર વરસાદી પાણીનાં ભરાઈ રહેલાં ખાબોચીયાં પર સ્થિર હતી. નાનકડી આશ્કા તમારી પાસેથી ક્યારે ચાલી ગયેલી, એની પણ તમને કોઈ ખબર ન હતી. પણ સાચી હકીકત પણ એ જ હતી કે, આ વરસાદની કોઈને કદર ન હતી. કારણ કે એનો કોઈને ઈંતઝાર ન હતો. પણ મનમાં કોઈ ખૂણાની જેમ હવામાનમાં કોઈ ડિસ્ટબર્ન્સને કારણે ઘેરાયેલાં આ વાદળો કોઈ મોકો જોયાં વિનાં વરસી રહ્યાં હતાં.

પોતાનાં જ વજનથી ભારેખમ થઈ ગયેલાં પાણીની બુંદો આજે ગડગડાટ કરતી તૂટી પડી હતી, કોઈ દેખીતાં કારણ વિનાં! પણ ફરી પાછા આ વાદળો વિખેરાશે. સૂરજ આવશે. તપશે. લોક ફરી પોતાની રોજિંદી જિંદગીમાં પરોવાઈ જાશે. અને ભૂલી જાશે કોક'દિ જીવનમાં વરસેલાં એ 'માવઠા'ને!


Rate this content
Log in