Nayan Nimbark

Others

4  

Nayan Nimbark

Others

અકબંધ કવર

અકબંધ કવર

5 mins
14.4K


આજ ફરી અે નામ અને સરનામું લખ્યા વિનાનું કવર તમારા હાથમાં લીધું. અને સમય જાણે હાથ પકડીને ખેંચી ગયો તમને ચૌદ વર્ષ પહેલાંની ક્ષણોમાં...

ઢોલ ઢબકી રહ્યા હતાં, ને જાનડીઓ લગ્નગીતો અને ફટાણાઓની મોજ માણી રહી હતી. લગ્નનો પૂરો માહોલ જામેલો હતો. તમારી બાજુમાં બેઠેલ 'રૂપ' પાનેતરમાં ઝબકી રહ્યું હતું. એ નીચી નમેલી આંખો ક્યારેક તમને જોઈને મલકી જતી ત્યારે તમારે સાતેય કોઠે જાણે દિવાળી દીપી ઉઠતી. ને વારંવાર તમારી નજરો તમારી શરમની ઝંઝીરોને તોડીને પાનેતરમાં છુપાઈને બેઠેલા એ 'રૂપ'ને સ્પર્શી આવતું. અને હસ્ત મેળાપની એ ક્ષણો, જ્યારે તમે અનુભવેલું કે, "છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ, મારોય હાથ આજ તો સુંદર બની ગયો..."

એ ક્ષણનો એ પ્રથમ સ્પર્શ, જાણે સમય એ સમયે તમારી હર લાગણીઓનાં સિતારને છંછેડી રહ્યો હતો. એ વિધિ-વિધાન પૂરાં થયા અને એ 'રૂપ' તમારાં ઘરમાં આવ્યું, જાણે લક્ષ્મી રુમઝુમતાં તમારા આંગણાંમાં આવ્યાં! એ રીતે તમારા 'એરેન્જડ મેરેજ' થયેલાં. તમારા પિતાનાં બાળપણનાં ઓળખાણને એમ સામાજિક દરજ્જો મળેલ. તમારી ઈચ્છા પૂછ્યા વિનાં થયેલા સંબંધમાં તમારી હામી તમારો ખીલેલો ચહેરો જ વ્યક્ત કરી દેતો હતો...

આંગણે આવેલ એ 'રૂપ'ની સાથે શરૂ થયેલું તમારું જીવન-સહજીવન એ સ્વર્ગને ધરતી પર ઉતારી દેનારું હતું. એ 'રૂપ' જેટલું લાવણ્યસભર હતું, એ 'રૂપ'માં ગુણ એટલાં જ અદભૂત હતાં. ક્યારે એ 'રૂપ' ગુણ તમારામાં અને તમારાં કુટુંબીજનોમાં ઓતપ્રોત થઈ ગયું એ ખબર જ ન પડી!

હા... સિવાય કે...

સિવાય કે તમારા જીવનમાં ઝંઝાવાત બનીને આવેલ એ પ્રસંગ. તમારા 'રૂપ' સાથે જોડાયાને હજુ સમય જ કેટલો થયો હતો! કોઈ દેખીતા કારણ વિનાં કે તમારાં સંબંધથી નજાણે ના-ખુશ એવા 'રૂપ'નાં મામાએ સર્જેલ તોફાન...

'રૂપ'નાં એ મામા સાથે થયેલી તમારી વાતચીત! એ 'રૂપ'નાં મામાના અવાજનો એ ટોન, એ શબ્દો, એ તીખાશ, એ વ્યંગ! અને તમારી સહનશક્તિનું કવચ તૂટી જાય ત્યાં સુધી કરવામાં આવેલો શબ્દોનો મારો! અને ત્યારે નાછૂટકે તમે પ્રત્યુત્તરમાં છોડેલાં એ શબ્દતીર!

ત્યારે કહેવાયેલ એ અંતિમ શબ્દો, "અમને એમ હતું કે કુમારનાં મોઢામાં તો જીભ જ નથી!"

ત્યારે ત્યાં હાજર રહેલ 'રૂપ' નીચી નજરો રાખીને રોઈ રહી હતી. ઘણી અંગત વાતો ચર્ચાઈ તમારી આગળ, જે માત્ર તમારી અને 'રૂપ'ની વચ્ચેની હતી! અને એ દુર્ઘટના પછી, એ જ દિવસે મળેલા એકાંતમાં તમે 'રૂપ'ની સાથે બેઠાં હતાં. કોઈ શબ્દો ન હતાં તમારી અને 'રૂપ'ની વચ્ચે. જાણે મોટી ખાઈ સર્જાઈ ચૂકી હતી. સ્વાભિમાન - અભિમાનની અદ્રશ્ય દિવાલો તમારી વચ્ચે હતી. તમને અંદાજ પણ ન હતો કે દિવાલો દરિયા જેટલી મોટી થાતી જાશે, અને તમને એક કિનારો બનાવી દેશે!

તમને બિલકુલ યાદ છે એ ૧૩ ડિસેમ્બરની રાતનાં ૯.૩૦નો સમય. એનાં મામાનો આવેલ ફોન-સંદેશો. 'રૂપ' હવે તમારી સાથે રહેવાની 'ના' પાડે છે. તમારો પરિવાર જમવા બેસવાની તૈયારીમાં હતો, અને પછી એ રાતે તો બધાની ભૂખ મરી ગઈ!

બીજા દિવસે તમે તમારાં મામીજીને ફોન કર્યો. ત્યારે બહુ જ ઉદત જવાબ હતો, "કુમાર! તમે મારા દિકરા જેવા છો! પણ હોય હવે! તમે દુનિયામાં પહેલાં વ્યક્તિ થોડાં છો કે જેનાં લગ્ન તૂટતાં હોય!"

તમને વિશ્વાસ નહોતો આવતો એ શબ્દોની ઉપર કે જે તમે સાંભળી રહ્યા હતાં! તમારી સતત આજીજી, એ 'રૂપ'ની સાથે વાત કરાવવા માટેની, અને સામેથી મળતો જવાબ, "એ તમારી સાથે વાત જ કરવા નથી માંગતી." "એની ઈચ્છાથી જ ના પાડી છે." "હવે કાંઈ થઈ શકે એમ નથી." અને બધું જ ખતમ!

અને એ રાતે, તમારા રૂમનાં એકાંતમાં તમે લખેલ શબ્દો! તમે લખતાં જ ગયાં! તમારી કલમમાં શ્યાહી ખૂટી ગઈ ત્યાં સુધી તમે લખતાં ગયાં! તમારી આંખોમાંથી આંસુઓ ટપકતાં રહ્યાં, ત્યાં સુધી તમે લખતાં ગયાં! શબ્દોએ તડપીને દમ તોડી દીધો, ત્યાં સુધી તમે લખતાં ગયાં! લાગણીઓ ગૂંથાતી-ગૂંથાતી તમારા હ્યદયનાં ભારને એક પત્રનો આકાર આપી રહી, ત્યાં સુધી તમે લખતાં ગયાં! પાનાંઓ ભરાતાં ગયાં!
હવે?

એ બધા જ કાગળો લઈને તમે એક કવરમાં બંધ કરી દીધાં અને ગુંદર લગાવી દીધું એ કવર ઉપર...
હવે બાકી રહ્યું નામ અને સરનામું લખવાનું. જે હવે ક્યારેય લખાવાનું ન હતું. કારણ કે એ કવર તમે 'રૂપ'ને ક્યારેય પહોંચાડવા માંગતા જ ન હતાં!

એ દિવસથી એ પત્ર તમારી લાગણીઓનો ખજાનો બની ગયો. જેમ ટાઈટેનીક ડૂબીને મહાસાગરનાં તળીયે બેસી ગયું એમ એ દિવસથી એ પત્રમાં સંઘરાયેલી તમારી લાગણીઓ, એ 'રૂપ'નાં નામ અને સરનામાં વિનાનાં એ કવરમાં છુપાઈને બેસી ગઈ!

'રૂપ' એ પાછાં મોકલેલાં તમારા સામાનમાં કઈ વસ્તુઓ હતી કે નો'તી, એ જોવાની પણ તમને ક્યારેય દરકાર ન થઈ! કારણ કે એ પાછું મોકલનાર 'રૂપ' હતી! એ સામાન નહીં, તમારી કચડાયેલી, છુંદાયેલી અને તાર-તાર થયેલી લાગણીઓ પાછી આવેલી! છુટાછેડાનાં મોકલેલ કાગળો ઉપર 'રૂપ'ની સહી જોઈને, કાંઈપણ બોલ્યા વિનાં તમે સહી કરી આપેલ!

એ વાતને ત્રણેક મહીનાં જેટલો સમય વિત્યો હશે, કે તમારાં કાનોમાં વાત પહોંચી કે એ 'રૂપ'નાં આજે લગ્ન છે! એ રાતે તમારા રૂમનાં અંધારામાં એ કવરને છાતીએ દબાવીને તમે વહાવેલાં આંસુઓથી થયેલી તમારા ઓશિકાની ભીની કોર અને લાલ આંખો, તમારી માઁથી છુપાવી ન શકેલાં! પણ એ માની આંખોની થઈ ગયેલ ભીની કોર તમે જોઈ ન શકેલાં! તમારો જાહેર કરેલો નિર્ણય કે હવે મારા લગ્નની કોઈવાત આ ઘરમાં ન કરવી! એ નિર્ણયનાં કિલ્લાનાં પથ્થરો ખેરવવાનો અથાગ પ્રયત્ન તમારા માએ કરેલો. પાંચ વર્ષનાં એ અથાગ પ્રયત્ન સામે નહીં, પણ તમારી માનાં આંખોનાં આંસુઓ તમારાં નિર્ણયને પીગળાવી ગયાં!

આજે તમારાં ઘરમાં બે બાળકોની કિલકારીઓ ગૂંજી રહી છે! અને 'સુંદરતા' પાંચ વર્ષથી તમારા ઘરને રોશન કરી રહી છે! પણ તમારા હસતા હોઠો પાછળ તમારી છુપાયેલી લાગણીઓ આજેય કોઈ વાંચવા સક્ષમ નથી!

તમારા અગત્યનાં કાગળોની નીચે હંમેશા માટે તમે સાચવીને રાખેલ એ નામ અને સરનામાં વિનાનું કવર- તમારું ડૂબેલું ટાઈટેનીક, જ્યારે પણ એ 'રૂપ'નાં સ્મરણનાં વાદળો તમારા મન, હ્યદય અને આત્મામાં ઘેરાઈ જાય છે તેવા હર પ્રસંગે આજપણ તમે ચોક્કસ હાથમાં લ્યો જ છો! એ કવર પર ક્યાંક જામેલી ધૂળ આંખોમાં આંજીને, થોડી લાલાશ આંખોમાં ભરીને ફરી પાછું એને એ જ રીતેે તમારાં પ્રેમની કબર પર ફૂલ ચઢાવતાં હોવ એમ સાચવીને કબાટમાં મૂકીને એ કબાટ બંધ કરો છો!


Rate this content
Log in