મન નામે મકાન
મન નામે મકાન
કયારેક ભરશિયાળે ધોધમાર વરસાદ પડે તો કેવો અનુભવ થાય ? બીજ બની અંકુરીત થયેલ છોડ પણ અકાળે આવેલ મવઠાથી કરમાઈ જાય. જિંદગીમાં પણ કયારેક એવા સંજોગો ઊભાં થાય કે વિકસતા પંથ વચ્ચે જ મોટી ખાણ આવી જાય. ન પાછુ વળી શકાય કે ન ખાણમાં પડી શકાય.
અનિકેત સ્વભાવે ઉતાવળ્યો, વધારે પડતો ઉત્સાહી, ધૂની, ટૂંકી દ્રષ્ટિવાળો યુવાન. તેના માતા પિતા જુની રૂઢીના ઓછું ભણેલા અને દયાળુ તેમજ માયાળુ સ્વભાવના માણસો. પરિવારમાં માતા પિતા અને બે ભાઈઓ. પિતા સરકારી કચેરીમાં કારકુન, માતા ગૃહિણી. નાના બે ભાઈ એમાં એક આઠમું ધોરણ અને બીજો અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરે. અનિકેત ઉચ્ચ અભ્યાસ કરી પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી કરતો હતો. અનિકેત પોતાના પરિવાર સાથે બે રૂમ, રસોડું અને બહાર ફળિયાવાળા ઘરમાં રહેતો હતો. તેના પિતાએ કરકસર કરીને આ ઘર બનાવ્યુ હતું. આ ઘર સાથે તેના માતા પિતાને ખૂબજ લાગણી બંધાયેલ હતી.
અનિકેત નવી પેઢીનો યુવાન. તેને આ ઘર જુનવાણી જેવુ લાગતું હતું. તેના સહ કર્મચારીઓને આ ઘરે લાવતા પણ તેને શરમ આવતી હતી. અનિકેતને પોશ એરિયામાં આવેલ ફલેટ ખરીદી વૈભવી જીવન જીવવાની ઈચ્છા હતી. એક પોશ વિસ્તારમાં આવેલ ફલેટ તેને ગમી ગયો અને તે લેવાની અને તેમાં રહેવા જવાની તેની અદમ્ય ઈચ્છા હતી.
અનિકેતએ તેના માતા પિતાને આ ફલેટ લેવાની વાત કરી. આ ફલેટની કિંમત ખૂબજ વધારે હતી એટલે પોતાનું જૂનું ઘર વેચીને અને બીજી લોન લઈ આ ફલેટ લેવાની વાત અનિકેત એ તેના માતાપિતા આગળ કરી. આ વાત સાંભળી અનિકેતના માતાપિતા એ આ ઘર વેચવાની સ્પષ્ટ ના પાડી. અનિકેતને ફલેટ લેવાની જિદ હતી. તે ઘરે કોઈને પણ બોલાવતો નહીં અને ઉદાસ રહેવા લાગ્યો. અનિકેતના માતા પિતા પોતાના પુત્રની જિદ આગળ ઝૂકી ગયા અને દુ:ખી હૃદય સાથે આ ઘર વેચી નવા ફલેટમાં રહેવા ગયા.
નવા ફલેટમાં સ્થાયી થયા બાદ અનિકેતના માતા પિતા આ ફલેટમાં સાવ ઉદાસ રહેતા હતા. તેના નાના ભાઈઓને પણ ફલેટ બંધિયાર લાગતું હતું. ખુદ અનિકેત ને પણ પોતાનું નાનું પણ જૂનું ઘર ખુબ જ યાદ આવતું હતું. થોડો સમય નહીં ગમે પણ પછી ફાવી જશે તેમ વિચારી બધા એડજસ્ટ કરતા હતાં. બે મહિના જેવો સમય વિતવા છતાં બધાના ઉદાસ વદન જોઈ અનિકેત પોતાનું જૂનું ઘર જેમને વેંચ્યુ હતું તેમની પાસે ગયો અને પોતે જેટલી રકમમાં આ મકાન વેચ્યુ હતું એની ડબલ કિંમત આપવા તૈયાર થયો. આ મકાનના માલિકએ કોઈપણ કિંમતમાં આ મકાન વેચવાની સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે, " આ ઘરમાં માત્ર બે માસ રહ્યાં એ સમયગાળામાં અમને અદ્ભુત માનસિક શાંતિ મળેલ છે અને આ ઘર સાથે અમારી લાગણીઓ જોડાઈ ગઈ છે.
અનિકેતે ઘણી વિનંતીઓ કરી પણ મકાન માલિક એકના બે ન થયા અને અનિકેત અપાર પસ્તાવા સાથે પરત ફર્યો.
