માયાજાળ
માયાજાળ
“અલય, આ બરાબર નથી હો!”
“શું બરાબર નથી? હું સમજ્યો નહી!”
“આ તું જે રીતે વર્તે છે તે!”
“પણ તું સમજાવ ત્યારે સમજુ ને!”
“તારી સાથે ભલે મારા લગ્ન થયા છે પણ તારે આ રીતે મને અડવું નહીં.”
“કેમ ઈશા, એ રીતે અડકવું બરાબર નથી લાગતું તને?"
“નથી લાગતું મને. તું સમજ, હું તને એ દ્રષ્ટિએ જોઈ કે કલ્પી જ નથી શકતી."
“અરે પણ શા માટે? આખા સમાજની સામે પૂરી રીત રસમથી આપણા લગ્ન થયા છે તો કેમ અળગો રહું કહે તો?”
“એ બરાબર છે અલય, પણ….”
“હવે પણ ને બણ…. તું મારી પત્ની છે ને હું તારો પતિ, પછી તું આમ કરે એ ન ચાલે!”
“સમજું છું અલય! બરાબર સમજું છું. પણ સ્વીકારી નથી શકતી, એનું શું કરૂં?”
અલય ખીજવાઈને ઓશીકું રજાઈ લઈ બાલ્કનીમાં સુવા જતો રહ્યો.
ઈશા વિચારમગ્ન દશામાં અધખુલ્લી આંખે પડી રહી.
નિલય સાથે લગ્ન થયાં ત્યારે એ સાતમા આસમાનમાં વિહરતી હતી. બે ભાઈ અને સાસુમા શોભાબેન. બસ નાનકડો સમૃદ્ધ પરિવાર. ખૂબ ખુશ હતી એ. લગ્નના ચાર વરસ પછી એ એક દીકરી નિનીની મા બની ને જાણે કે સુખ બેવડાઈ ગયું. નિની ત્રણ વરસની થઈ હતી. હસી ખુશીથી દિવસો વિતી રહ્યા હતા, ત્યાં જ એક ઘટનાએ અણધાર્યો વળાંક આપ્યો એની જિંદગીને!
કાર રેસનો ગાંડો શોખ નિલયનો કાળ બનીને આવ્યો અને ઈશાની જિંદગી વેરાન થઈ ગઈ. દિવસો જતાં આ કારી ઘા સહ્ય બનવા લાગ્યો હતો. એ ઓફિસના કામમાં રસ લઈ રહી હતી ત્યાં જ વળી કાળનો એક ગૂગલી દડો એની તરફ વિંઝાયો ને એ ક્ષતવિક્ષત થઈ ગઈ.
નિની ચારે બાજુ પિતાને શોધ્યાં કરતી ને ક્યારેક અલયને પાપા કહી બોલાવતી. અલય પણ ‘મારી દીકરી’ કહી નિનીને ગળે લગાડી લેતો. ઈશાની આંખમાં આંસુ અને શોભાબેનની આંખમાં ઉમ્મીદ ઝળકી ઉઠતી અને નિની અઢળક વ્હાલમાં ભીંજાતી રહેતી.
તે દિવસે તો નિનીએ તોફાન મચાવી દીધેલું. “મને પાપા પાસે જવું છે. પાપા..પાપા કરી એણે ઘર માથે લીધું. કોઈ રીતે શાંત ના થતી નિનીને મનાવવા અલયને ઓફિસેથી આવવું પડેલું. અલયને જોતાં જ નિની દોડીને એને વળગી પડી,‘પાપા પાપા’ કહી હિબકા ભરવા લાગેલી. ત્રણેય અવાક બની એકમેક સામે જોઈ રહેલા. અલય ઘરમાં હોય ત્યાં સુધી નિની એની આસપાસ જ ફરતી રહેતી.
વારંવાર બનતી આ ઘટનાએ ઈશાને વિચારવા મજબૂર કરેલી.
ત્યાં જ ઘરમાં અલયના લગ્નની ચર્ચા થવા માંડી. અલયનું ધ્યાન નિની તરફથી હટીને પોતાના ભવિષ્ય તરફ એકાગ્ર થવા લાગ્યું. હવે નિની રડતી હોય તો અલય એટલો વ્યગ્ર ન થતો. આ અનુભવી ઈશા ઉદાસ રહેવા લાગી હતી ત્યાં જ શોભાબેન એક અનોખી વાત લઈ આવ્યાં. “ઈશા, એક વાત કહું? અલયના લગ્ન થશે ને ઘરમાં કોઈ અજાણી છોકરી એની પત્ની બનીને આવશે. એ કદાચ નિની પ્રત્યેનું અલયનું વ્હાલ સહી નહીં શકે તો! વળી એના પોતાના સંતાન થશે તો એ નિનીને ક્યાં યાદ રાખશે!”
ઈશા ભયભીત વદને શોભાબેન સામું જોઈ રહી. “તો તમે જ કહો મમ્મી, શું કરવું મારે?”
“એક પ્રસ્તાવ છે, કહે તો કહું તને! કદાચ તને ના રૂચે એવું પણ બને! છતાંય ઠંડા કલેજે વિચાર કરજે એના પર.”
“હા કહો તો ખરા!” કહી ઈશા આતુરતાથી જોઈ રહી. “તું અલય સાથે લગ્ન કરી લે તો બધું ઘરમાં જ રહે ને નિનીનેય પાપા મળી જાય.”
એક ઘડી તો ઈશાની આંખ સામે અંધારૂ છવાઈ ગયું. “ના...” કહી એ આંખ મીંચી ગઈ.
“કંઈ વાંધો નહીં ઈશુ, નિનીના ભવિષ્ય વિશેય વિચારજે ને નિરાંતે જવાબ આપજે.” કહી શોભાબેન ચાલ્યાં ગયાં.
ઈશાના મનમાં વિચારોનું તુમૂલ યુદ્ધ ચાલ્યું. “શું અલય પણ આવું જ વિચારતો હશે? એ શા માટે મારી સાથે લગ્ન કરવા રાજી થાય! એને તો જોઈએ એવી સુંદર ને કાબેલ છોકરી મળી રહે.” વિચાર દ્વંદથી એ થાકીને બેસી પડી. એનું માથું ફાટ ફાટ થવા લાગ્યું. ક્યારે એ સોફા પર ઢળી પડી એનુંય એને ભાન ન રહ્યું.
એની આંખ ખુલી ત્યારે શોભાબેન એના માથા પર હાથ ફેરવી રહ્યાં હતાં ને અલય ચિંતાતૂર ચહેરે બાજુમાં ઊભો હતો. “શું થયું ઈશુ? બેભાન થઈ ગઈ હતી તું. શું થાય છે તને?” જવાબ દીધાં વગર એ શોભાબેનને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.
“અરે અરે બેટા આ શું!” એને બાથમાં લઈ શોભાબેન મમતાથી એને પસવારી રહ્યાં.
“તમે કહો એમ કરીશ મમ્મી, મને કાંઈ સમજ નથી પડતી. અલય શું કહે છે?”
“એ બધું હું જોઈ લઈશ. તું ચિંતા ન કર. બધા સારાવાના થશે. મ્હોં ધોઈ તું બહાર આવ, ચા નાસ્તો કરી લઈએ.” નીચું જોઈ બેઠેલી ઈશાના માથે હાથ ફેરવી એમણે અલય સામું આંખ મિચકારી. ને બંને બહાર નીકળી ગયા.
થોડા જ દિવસમાં અલય સાથે એના લગ્ન થઈ ગયા, પણ હજુ એ એને પતિના રૂપમાં સ્વીકારી શકી ન હતી. હજુ એ એનાથી દુરદુર જ રહેતી.
એક મહીનો થવા આવ્યો હતો લગ્નને. એક રાતે એ અચાનક જાગી ગઈ. સોફા પર જ સુઈ રહેતો અલય ત્યાં ન હતો. એણે બાથરૂમ તરફ નજર કરી પણ ત્યાં તો અંધારું હતું. આળસ મરડી એ ઊઠી, દરવાજો ખોલી એ બહાર નીકળી. સૂમસામ રાતમાં ડ્રોઈંગરૂમમાંથી અસ્પષ્ટ અવાજ આવી રહ્યો હતો. એણે એ તરફ પગલાં માંડ્યાં. અલય અને શોભાબેનનો ગુસપૂસ અવાજ એણે ઓળખ્યો. એ વધુ પાસે સરી. હવે વાતચીત સ્પષ્ટ સાંભળી શકાતી હતી. એણે દરવાજો ખોલવા હાથ લંબાવ્યો ને પોતાના નામનો ઉલ્લેખ થતો સાંભળી એ થંભી ગઈ.
“બેટા, ઈશા તારા વશમાં આવી કે નહીં?” શોભાબેનનો અવાજ સાંભળી એ થીજી ગઈ.
“ના મમ્મી, હજુ એ નિલયને ભુલી નથી. નિલયનો તો કાંટો કાઢી નાખ્યો આપણે, પણ આ ઈશુડી એને ભુલતી નથી ને મને પાસે આવવા દેતી નથી. બેય મા દીકરીને એ જ રસ્તે મોકલી દઉં જ્યાં નિલયને મોકલ્યો, પણ મિલકત બધી એના નામે છે. બધું હાથમાં આવી જાયને પછી તો એક ઘડી એને જીવવા નહીં દઉં. આ મારા બાપાનેય તારી પર ભરોસો નહીં હોય તે બધું નિલયના નામે કરી મેલ્યું’તુ!”
“હા, સેવા કરવાનો દેખાડો તો ઘણો કર્યો’તો, પણ એ રીઝ્યો નહી. ને ઉપર જતાં જતાંય આ સાવકા છોરાને નામે બધું કરી આપ્યું. તું ને હું ઠનઠન ગોપાલ જ રહ્યાં. કેટલી મહેનત કરી આ ઈશાને તારી સાથે લગન કરવા માટે મનાવવામાં. નિનીને દીકરી માનવાના ને ભુલી જવાના નાટકો કર્યાં ત્યારે એના મનમાં રામ વસ્યાં. પણ આ તું તો સાવ નકામો નીકળ્યો. આ મહીનો થવા આવ્યો પણ તું એને મનાવી નથી શક્યો હજુ? ગમે તેમ કરી મિલકતના કાગળિયા ઉપર એની સહી લઈ લે એટલે પાર આવે.”
ઈશાની તો કાપો તોય લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. ચૂપચાપ રૂમમાં પાછી ફરી એ પલંગમાં પછડાઈ પડી. આંસુથી ઓશિકું ભીંજાઈ રહ્યું. થોડીવારની હતાશ મનોદશા પછી મનોમન આ બંને મા દીકરાને પાઠ ભણાવવાનો મક્કમ નિર્ણય કરી એ નિનીને બાથમાં લઈ નિરાંત જીવે સુઈ ગઈ.
