ઈશાની
ઈશાની
‘ઈશાની ઓ ઈશાનીઈઈઈઈઈ…..’
સાદ પાડતી નિરા ઘરમાં બધે ફરી વળી, પણ ઘરમાં તો ઈશાની ક્યાંય નહોતી. ‘મમ્મા જોને, આ દી ક્યાં ગઈ?’ કહેતી નિરા મમ્મીની આસપાસ ફુદરડી ફરી વળી.
‘અરે, હમણાં તો અહીં જ હતી ને! એટલીવારમાં ક્યાં ગાયબ થઈ ગઈ? અરે હા, કદાચ બગીચામાં હશે, એના પ્રિય ફુલોની સોબતમાં.’ કહી મીનળબહેને બગીચામાં ડોકિયું કર્યું.
‘જો હું કહેતી હતીને, આ રહી અહીંયા બગીચામાં જ. નિરા, તુંય આવી જા અહીં જ.’ ચાલો આપણી બેઠક અહીં જ જમાવીયે..’ કહેતા મીનળબહેન બગીચામાં મુકેલ ઝુલા પર બેસી ગયા.
‘હા બોલ નિરા, શું હતું તે આમ બૂમાબૂમ કરી મુકી?’ કહેતી ઈશાની પણ ઝુલા પર બેસી ગઈ.
‘દી, ઊભી થા તો!’
‘લે, કેમ વળી?’
‘ઊભી થાને પ્લીઈઈઈઈઝ’
‘આ લે બસ’ કહીને ઈશાની ઊભી થઈ તો નિરા નજીક આવીને ઈશાનીને વળગીને ફુદરડી ફરવા લાગી.
‘અરે પડી જઈશ હું,’ એવો જરાતરા વિરોધ કરી ઈશાની પણ ફુદરડી ફરવામાં જોડાઈ ગઈ. બન્ને બહેનોને આનંદ કરતી જોઈ મીનળબહેન સ્નેહભીના થઈ રહ્યાં.
બન્ને બહેનો વચ્ચે ખૂબ સુમેળ હતો. એકબીજા વગર ચૈન ન પડે. પાંચ વર્ષનો ઉમરનો તફાવત જરાયે બાધા નહોતો બન્યો બન્ને વચ્ચે. આખા દિવસ દરમિયાન જે બન્યું હોય તે એકબીજીને કહે નહીં ત્યાં સુધી જાણે દિવસ નકામો ગયો હોય એવું લાગે બન્નેને.
‘બોલ તો નિરા, શું કામ હતું તારે?
‘આજે એને કંઈક થયું છે ખરું! મનેય ફુદરડી ફેરવી નાખી અને તનેય ફેરવી. વળી જોને કેવી ઉમંગથી છલછલ થાય છે!’ કહી હસુ હસુ ચહેરે મીનળબહેન બેય સામુ જોઈ રહ્યાં.
‘અરે દી, એક મસ્ત મજાની વાત શેર કરવાની છે તમારી બન્નેની સાથે. હું કહીશને તો તમે બન્નેય મારી જેમ ફુદરડી ફરવા લાગશો જોજોને.’ કહી ફરી એકલીયે ફુદરડી ફરી લીધી.
‘અરે બેસ જરા અને કહે તો ખરી કે શું વાત છે? કે આમ ફેરફુદરડી ફર્યાં જ કરીશ.’
પાસે આવી મમ્મી અને બેનને વળગીને નિરા ફરી આનંદમાં ઝુમી રહી.
‘હે ભગવાન, આ છોરીને જરા સમતા આપ અને અક્કલ પણ આપ.’ ઊંચે આકાશમાં જોઈ હાથ જોડી મીનળબહેન ઊભા થવા ગયા તો નિરાએ ફરી બેસાડી દીધા.
‘મમ્મા, આ તારી દીકરીમાં ઘણી બધી સમતા અને અક્કલ છે હો, એની ચિંતા ના કર. પણ હવેથી રોજ તારે સવારે મારા માટે ડબ્બો બનાવવો પડશે એની ચિંતા કર માવડી!’ કંઈ સમજ્યા વગર મીનળબહેન અને ઈશાની નિરા સામે જોઈ રહ્યાં.
‘કાંઈક તો સમજાય એવું બોલ નિર… આ શું ઉખાણાં બોલે છે?’ મને તો કાંઈ સમજાતું નથી. ઈશાની પણ અસમંજસમાં પડી.
‘અરે, કહે તો ખરી જલ્દી, આમ શું તલસાવે છે! શું છે આ બધું?’
‘હ્મ્મ્મ્મ, મારા વડીલો!’ અદાથી એમ કહી નિરા જરા કમરેથી ઝુકી અને જરા તરા સલામ જેવું કરી બોલી, ટનટનનન, બા મુલાહિજા, બા અદબ, હોંશિયાર, ખબરદાર…. સુનો સુનો,’
ઈશાની અને મીનળબહેન આતુરતાથી કાન આંખ માંડી રહ્યાં. ‘જલ્દી કહે ને ભઈ… તું તો ભારે રમતિયાળ’ આટલું સાંભળ્યું ત્યાં નિરા આગળ બોલી, ‘માબદૌલત નિરાકુમારી કો શહર કે જાને માને બાલસદન મેં બતૌર શિક્ષક નિયુક્ત કિયા ગયા હૈઈઈઈઈઈઈઈઈ…’ અને સલામ કરી ઊભી રહી.
‘ઓહો! એમ ત્યારે! તારું ક્યારનું સેવેલું સપનું સાચું પડ્યું એમ કહે ને’ કહેતી ઈશાની નિરાને બાથ ભરી પોતે જ ફેર ફુદરડી ફરી વળી.
મીનળબહેનેય દીકરીને બાથમાં ભરી લીધી. ‘અરે વાહ, મારી દીકરીનું સપનું સાચું થવાને આરે આવ્યું ને કંઈ! ખૂબ ખૂબ આશિર્વાદ બેટા. જોજેને ડબ્બામાં લઈ જવા માટે રોજે રોજ તને કેવી કેવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી આપું છું! તારી સાથે તારા સહ શિક્ષકોનેય મજા પડી જશે, મારી બનાવેલી નવી નવી વાનગીઓ ચાખીને!
મા દીકરીઓ વચ્ચે આનંદ મંગલ થઈ રહ્યો.
અઠવાડિયા પછી નિરાએ બાલસદનમાં હાજર થવાનું હતું. એને નાના બાળકો ખૂબ ગમતાં. ભારે ભારે દફતર ઊંચકીને એમને શાળાએ જતાં જોતી તો દુઃખી દુઃખી થઈ જતી. આટલાં અમથા બાળકોના ખભા પર આટલું વજન હોતું હશે કદી! એવું વિચારતી એ સ્વપ્નમાં ખોવાઈ જતી કે, ‘જો હું શિક્ષક થઈશ તો બાળકોને આમ શીખવીશ ને તેમ શીખવીશ, પણ સાવ ભાર વિનાનું જ!’ અને હવે એનું આ સપનું સાચું પડવાને આરે આવી પહોંચ્યું હતું. જે ટ્રેનીંગ એણે લીધી હતી એ હવે ઉપયોગમાં આવશે, એવા વિચારે ઉત્સાહથી એ સોમવારની રાહ જોઈ રહી હતી.
ઈશાનીને ફુલો પ્રત્યે ખૂબ પ્રેમ. દિવસમાં જ્યારે પણ સમય મળે એ ઘરની પાછળ બનાવેલાં બગીચામાં પહોંચી જાય. ફુલોની સંભાળ લેવી એને ખૂબ ગમે. જાત જાતના ને ભાત ભાતના ફુલો એણે ઉગાડ્યાં હતાં ને જીવ રેડીને એની માવજત પણ કરતી. આજે તો ઘણાં બધાં છોડ પર કળીઓ બેઠી હતી. અઠવાડિયામાં તો બધી ખીલીને પૂર્ણરૂપે વિકસિત થઈ જશે ને રંગ બે રંગી ફુલોથી આખો બગીચો સુશોભિત થઈ જશે, એમ વિચારતી ઈશાની બધા છોડને પંપાળી ઘરમાં આવી.
અઠવાડિયું વીતી ગયું. સોમવાર આવી પહોંચ્યો. આજે નિરાનો પહેલો દિવસ હતો બાલસદન જવાનો. તૈયાર થતાં થતાં એને વિચાર આવ્યો કે, આજે પહેલે દિવસે બાળકો સાથે ફુલોથી પરિચય કરું તો કેવું સારું ! એણે ઈશાનીને કહ્યું, ‘હેં દી! આજે પહેલે દિવસે બાળકોની સાથે કેવી રીતે પરિચય કરું? એવું કરું કે બધાનો પરિચય કરતાં કરતાં એક એક ફુલ આપું અને એ ફુલ વિશે માહિતી આપતી જઉં, તો પહેલે જ દિવસે જ પુસ્તકના ભાર વગર જ બાળકોને જાણકારી મળે ને! શું કહે છે તું દી? બોલ ને … તારા વહાલાં ફુલો મને લઈ જવા દઈશ બાલસદનમાં?’
ઈશાનીએ આગળ વધીને નિરાને ગળે લગાડી દીધી. ‘અરે વાહ નિર… તું તો અત્યારથી જ ભાર વગરના ભણતર પર ભાર દેવા લાગી ને! અરે, તારે જેટલાં જોઈયે એટલાં ફુલ લઈ જા ને બાલસદનના ભુલકાઓને રંગ અને ફુલની જાત વિશે સરસ રીતે શીખવ. ચાલ હું તને અલગ અલગ રંગના અને અલગ અલગ જાતના ફુલો ચૂંટી આપું.’ કહી ઈશાની બગીચામાં દોડી ગઈ.
ફુલોને કાગળની થેલીમાં સરસ રીતે પેક કરી એકટિવામાં આગળ વ્યવસ્થિત ગોઠવી નિરા બાલસદન પહોંચી. ઓફિસમાં જઈ પહેલાં દિવસની બધી વિધી પતાવી ફુલોને સંભાળ પૂર્વક સાથે લઈ એ પોતાના વર્ગમાં આવી. ભુલકાઓને જોઈ એનું મન પ્રસન્ન થઈ ગયું. અરસ પરસ ‘ગૂડ મોર્નિગ’ની આપ લે કરી નિરાએ એક પછી એક બાળકને પાસે બોલાવી નામ પૂછ્યાં ને એક એક ફુલ આપી એનો રંગ અને નામ કહી યાદ રાખવા કહ્યું. બધા બાળકોને ફુલ આપી દીધાં પછી એણે વારાફરતી એક એકને ઊભાં કરી ફુલનું નામ અને રંગ પૂછ્યા. જેને આવડ્યું એને શાબાશી અને ન આવડ્યું એને યાદ રાખવાની તાકીદ કરી એણે તમામ ફુલો ભેગા મુકાવ્યાં.
થોડીવાર માટે એણે એક રસપ્રદ વાર્તા કરી બાળકોને રસ તરબોળ કરી દીધા. ત્યાં તો રિસેસ પડી. બધાને બહાર મોકલી એણે જરા સુસ્તાઈ લીધું. પછી બ્લેકબોર્ડ પર એક સરસ મજાનો દીવો અને એની જ્યોત દોરી.
રિસેસ પુરી થતાં તો બધાં બાળકો ક્લાસમાં આવી ગયાં અને પોતપોતાની જગ્યાએ જઈ બેસી ગયાં. સૌનું ફરી અભિવાદન કરી નિરાએ ભણાવવાની શરૂઆત કરી. ચાલો જોઉં, બધાં બોલો તો ….
‘ક’ એ માર્યોં ધક્કો
‘ખ’ એ આપી ખો
‘ગ’ નો ગોળ અર્ધો ને
‘ઘ’ એ ઘૂમ્મટ પૂર્યોં…..
બાળકોને તો મજા પડી ગઈ. સૌ સાથે મળી કલશોર કરવાં લાગ્યાં. અત્યાર સુધી તો ‘ક કલમનો ક’ ‘ખ ખડિયાનો ખ’ એમ જ શીખ્યાં હતાં. આ તો કૈંક નવું મજાનું શીખવતાં હતાં આ નવા મેડમ….
‘શાંતિ રાખો સૌ બાળકો, ચાલો આને આપણે રમતમાં ઉમેરીયે. બધાં લાઈનસર ઊભા રહો.’ બધાં ઊભા થઈ લાઈનબદ્ધ ગોઠવાઈ ગયાં.
‘હવે જેનું નામ ‘ક’ પરથી હોય તે અલગ લાઈન બનાવો. એમ જ ‘ખ, ગ, અને ઘ’ પણ અલગ અલગ ઊભા રહો. પછી આપણે રમીયે.’
બધાં પોતપોતાના નામ પ્રમાણે અલગ અલગ લાઈનમાં ગોઠવાઈ ગયાં. ‘એક બટકબોલી છોકરી બોલી ઊઠી… ‘મેડમ, ‘ઘ’ પરથી તો કોઈનું નામ જ નથી.’
‘કંઈ વાંધો નહી, ચાલો, હું એક નામ આપું ‘ઘ’ પરથી?’
‘હા મેડમ’ કહી એ ઉત્સૂકતાથી નિરા સામે જોઈ રહી.
ઘ પરથી ‘ઘટના’
‘હે મેડમ ! આવું કોઈનું નામ હોય?’
‘હા, હોય ને. મારી ભત્રીજીનું નામ જ છે ‘ઘટના’ કહી નિરાએ ‘કૌશિકનો હાથ પકડી, ખ્યાતિને હળવેથી ધક્કો મરાવ્યો અને બોલી, ‘બધાં બોલો, ‘કે, ‘ક’ એ માર્યો ધક્કો… બાળકોમાં એકદમ શોરબકોર થઈ રહ્યો. ‘ક’એ માર્યો ધક્કો….
ખ્યાતિનો હાથ પકડી ગણેશને ખો આપી ને કહ્યું, ‘બોલો, ‘ખ’એ આપી ખો’ બધાં એક સાથે બોલી ઉઠ્યાં, ‘ ખ’એ આપી ખો’
ગણેશને પકડી અર્ધું ચક્કર ફેરવી કહ્યું, ‘બોલો જોઉં ‘ગ’નો ગોળ અર્ધોં… બધા અર્ધ ગોળાકાર ફરી બોલવા લાગ્યાં, ‘ગ નો ગોળ અર્ધો’ ત્યાં સીમા જાતે જ બોલી ઊઠી, ‘ને લાકડીએ પૂરો.’
‘અરે વાહ, સીમા! તે તો ‘ગ’ને આખો કરી દીધો હો! કેમ તને લાગ્યું કે લાકડીએ પૂરો?’
સીમા શરમાઈ ગઈ, પણ બોલી ખરી કે, મેડમ! ‘ગ’ના અર્ધા ગોળ પછી લીટી છે ને! એટલે મને લાગ્યું કે લીટી લાગે તો ‘ગ’ પૂરો એટલે કે આખો થઈ જાય….’
‘વાહ સીમા! અને જુઓ બાળકો, આ સીમાએ કેવી સરસ કલ્પના કરી! એમ જ બધાંએ કલ્પના કરવાની અને અધૂરી વાત પૂરી કરવાની હોં ને!’ કહી નિરાએ સીમાને શાબાશી આપી. પોતાના પર્સમાંથી એક સરસ મજાની પેન્સિલ કાઢી સીમાને આપતાં કહ્યું, ‘જે પણ સરસ કલ્પના કરશે એને ઈનામ મળશે, એટલે આપણાં ક્લાસ દરમિયાન સરસ સરસ વાત વિચારવાની અને ક્લાસ વચ્ચે ઊભાં થઈને કહેવાની.. બરાબર? પોતાની આવડતને ઈનામ મળશે એ વાતે બાળકો ખુશ ખુશ થઈ ગયા.
‘લો આ ‘ઘ’ તો એકલો પડી ગયો!’ કહી નિરા હસી પડી. ચાલો આપણે એને ય આમાં સામેલ કરીયે.’
‘હા મેડમ, ઘ’એ ઘૂમ્મટ પૂર્યોં’ કહેતાં બધાં બાળકો બે બે વાર અર્ધ ગોળ ફરી ઊભાં રહી ગયા.
‘સરસ … તમે તો બધાં બહુ હોંશિયાર હોં! તમને તો આવડી ગયો ને ‘ઘ’નો ઘૂમ્મટ!’ નિરા પણ ખુશ થઈ ઊઠી.
‘હવે આવતીકાલે ચ’ છ, જ. ઝ, વિશે આપણે શીખીશું. આજે હવે એક બીજી રમત રમીયે,’ કહી નિરાએ શોરબકોર કરતાં બાળકોને શાંત કર્યાં. ‘બે જ મિનિટ બધાં એકદમ શાંતિથી બેસો. જરા પણ અવાજ નહીં કરવાનો, તમારું ધ્યાન અહીં આ બ્લેકબોર્ડ પર જે દીવો દોર્યોં છે ને એના પર લગાવો. એકટક દીવાને જુઓ. પછી હું તમને કૈંક પુછીશ.’
બાળકોએ દીવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું એ દરમિયાન નિરાએ બધાં ફુલોને વ્યવસ્થિત ગોઠવ્યાં. એક બે છોકરાંઓ તો ઊઠીને એની પાસે આવી ગયાં મદદ કરવાં પણ નિરાએ સ્નેહથી ના પાડી. બે મિનિટ પૂરી થતાં પહેલાં જ બાળકોમાં ફરી કલબલાટ ચાલું થઈ ગયો.
બાળકોમાં જિવંતતા અનુભવી નિરાએ ખુશીનો શ્વાસ ભર્યો. પૂતળાની જેમ હુકમને તાબે થઈ બેસી રહેતાં બાળકોમાં એને ઉદાસી કળાતી. એને તો જિવંત લાગણીઓથી ભર્યું ભર્યું બાળકોનું અસ્તિત્વ જોઈતું હતું. અને આજે પહેલાં દિવસે એણે બાળકોમાં એ અનુભવ્યું હતું. ત્રણ બાળકો ગેરહાજર હતાં, પણ એ ય આ બધાં જેવા જ હશે એમ વિચારી એણે રમત રમાડવાનું શરું કર્યું.
‘જુઓ, અહીં આવીને મેં તમને સૌને એક એક ફુલ આપી એનો રંગ અને નામ કહ્યું હતું ખરું ને?’
‘હા મેડમ!’
તો… સૌથી પહેલાં કોણ અહીં આવી મને ભુરા રંગનું ફુલ આ ઢગમાંથી અલગ કરી બતાવશે?
આવડતું હોય કે ન આવડતું હોય, બધાંએ હાથ ઊંચા કરી દીધા.
નિરાના મોં પર સ્મિત ફરી વળ્યું.
‘હ્મ્મ, આલોક, આવ તો અહીં, ને ભુરા રંગનું ફુલ મને આપ આમાંથી!
આલોકે પાસે આવી ફુલોના ઢગમાંથી કૃષ્ણવેલનું ફુલ બહાર કાઢી નિરાના હાથમાં મુક્યું.
‘શાબાશ આલોક, તે બરાબર રંગ ઓળખ્યો.’
‘હા મેડમ, મારે ઘરે કૃષ્ણવેલ છે. ને મારા દાદીએ મને કહેલું કે ભગવાન કૃષ્ણનો રંગ ભુરો છે અને એટલે આ વેલમાં આવતાં ફુલો ભગવાનને ચડે છે. રોજ મારા દાદી ઘરમંદીરમાં કાનુડાને આ ફુલોથી શણગારે છે.’ પોતાની વાત સાચી પડ્યાની ખુશી આલોકના મોં પર ઝળકતી હતી.
‘સરસ વાત કરી તે આલોક. જુઓ બાળકો, આપણે રોજબરોજના જીવનમાં જે જોતાં હોઈયે, એનું બરાબર અવલોકન કરીએ, એટલે કે એ ધ્યાનથી જોઈને મનમાં એની નોંધ કરી રાખીયે તો જ્યારે જરૂર પડે ત્યારે એ આપણને યાદ આવી જ જાય. ખૂબ સરસ આલોક, આમ જ તારી આસપાસ બનતી ઘટનાઓનું નિરીક્ષણ કરતો રહેજે, ને તમે બધાં પણ આ વાત ધ્યાનમાં રાખજો હોં.’
‘હવે નિશાંત, તું આવ જોઈયે… એમ એક પછી એક બધાને બોલાવી રંગ પ્રમાણે ફુલો અલગ કરાવી, નિરા ફુલ અને રંગ વિશેની સમજણ આપતી રહી. એમ કરતાં શાળાં છૂટવાનો ઘંટ વાગ્યો.
‘બાય મેડમ… કાલે પણ આવું સરસ ભણાવજો’ કહેતાં બધાં છોકરાંઓ ક્લાસરૂમની બહાર નીકળી પોતપોતાની સ્કૂલ રીક્ષામાં બેસવાં લાગ્યાં. નિરા સ્નેહ નિતરતી નજરે સૌને જોઈ રહી.
ઘરે પહોંચી ત્યાં મમ્મી અને ઈશાની એની રાહ જ જોતાં હતાં. ‘કેવો રહ્યો પહેલો દિવસ નિર? મજા આવી? કેવા છે તારાં સ્ટુડન્ટ્સ? શું શું ભણાવ્યું તે?’ કહેતાં ઈશાની નિરાને ઘેરી વળી.
‘અરે મારી લાડલીને જરા શ્વાસ તો લેવા દે! ભુખ લાગી હશે એને … ચાલો પહેલાં નાસ્તો કરી લઈયે, પછી બધી વાતો કરશું.’ કહી મીનળબહેન રસોડામાં જઈ ચા મુકી નાસ્તાની પ્લેટ તૈયાર કરવા લાગ્યાં. બન્ને બહેનો પોતપોતાનાં આખા દિવસના શિડ્યુલની વાતો શેર કરતાં કરતાં ડાઈનિંગ ટેબલ પર આવીને મમ્મીના હાથની ગરમાગરમ ચા અને નાસ્તો કરવા લાગી.
નાસ્તો કરી રહ્યા પછી હાથ મોં ધોઈ ઈશાની બોલી, ‘નિર… ચાલ હવે એકડે એકથી બધું કહે કે, કેવો રહ્યો પહેલો દિવસ?’
‘હાં, દી! આજે પહેલાં જ દિવસે બહુ મજા આવી હો. નાના નાના ગભરું બાળકોની સાથે સમય ક્યાં વિતી ગયો એનીયે શરત ના રહી. તારાં પ્રાણપ્યારા ફુલોએ તો બધાને ખૂબ સમજ આપી હો દી ! તારો ખૂબ ખૂબ આભાર’ કહી હસતાં હસતાં નાટકીય રીતે નિરા ઈશાનીના ચરણોમાં ઝુકી પડી… ‘અરે અરે! મારી બેનડી! આ શું કરે છે? તારું સ્થાન તો મારા દિલમાં અવિચળ છે.’ કહી ઈશાનીએ નિરાને ગળે વળગાડી દીધી. બન્ને બહેનોનો પ્રેમ જોઈ મીનાબહેન સજળ આંખે ઈશ્વરને પ્રાર્થી રહ્યાં… ત્યાં તો નિરા અને ઈશાનીએ મીનળબહેનનેય બાથ ભરી અને મા દીકરીઓના કલરવથી આખું ઘર ગુંજી ઉઠ્યું…
