જન્મદિવસ
જન્મદિવસ
‘બેન કાલે હું ભણવા નહીં આવું. મારો જન્મદિવસ છે.’ કહેતીક ને નાનકડી સુમન દોડી ગઈ. નીરુની સાથે એની આ દીકરી પણ કામ કરવા જતી. અને સાથે સાથે ભણતી પણ ખરી. એની ભણવાની ધગશ જોઇ દિપ્તીબેન એને નવરાશના સમયે ભણાવતાં.
સુમનથી નાની એક બહેન અને એક ભાઈ, એમ એ ત્રણ ભાઈ-બહેન. ત્રણેય ભણે, પણ બે બહેનો સરકારી શાળામાં અને ભાઈ દર મહિને ૨૫૦/-ની ફી વાળી પ્રાઇવેટ સ્કૂલમાં ભણે. દીકરા – દીકરી વચ્ચેનો ઊડીને આંખે વળગતો તફાવત, પણ સુમનને એનું કાંઈ દુઃખ નહીં. એને તો ભાઈ સારી સ્કૂલમાં ભણે છે એનું ગૌરવ પણ ખરૂં.
પણ આજે એના દુઃખનો પાર નહોતો. એનો જન્મદિવસ મનાવવાની માએ સાફસાફ ના કહી દીધી હતી. છ મહિના પહેલાં જ ભાઇનો જન્મદિવસ કેવી સરસ રીતે ઊજવ્યો હતો માએ! મા જ્યાં જ્યાં કામ કરતી હતી ત્યાં ત્યાંથી થોડો થોડો ઉપાડ લઈનેય ભાઈનો જન્મદિવસ મનાવ્યો હતો. વળી કેક પણ કાપી હતી. કેવો સરસ હતો કેકનો સ્વાદ! દાઢમાં રહી ગયો છે.
ચારે બાજુ રોશની ઝગમગ થતી હતી. રંગરંગીન ફુગ્ગા અને ફુલોના શણગાર ચમકતાં હતાં. નાની છોકરીઓ નવા-નવા ફ્રોક પહેરી ઘુમી રહી હતી. પોતેય નવા નક્કોર ફ્રોકમાં રાજકુમારી જેવી લાગતી હતી. મા પણ સરસ સાડીમાં સુંદર લાગતી હતી. રૂમની વચ્ચોવચ્ચ ટેબલ પર કેક મુકેલી હતી ને એના પર દસ મીણબતી ખોસેલી હતી. ધીરે રહીને માએ મીણબત્તી પ્રગટાવી.
હળવેથી ફૂંક મારીને એણે બધી મીણબત્તી ઓલવી નાખી અને આંખમાં ચમક સાથે હાથમાં છરી લઈ એણે કેક કાપી. એ સાથે જ ચારે બાજુ ઊભેલા લોકોએ જોરથી તાળીઓ પાડી અને ‘હેપી બર્થડે ટુ યુ’ નો શોર મચી ગયો. સપનું જોતી સુમન ઊંઘમાંયે મરક મરક હસતી હતી. કેકનો ભુલાઈ ગયેલો સ્વાદ ફરી મોંમાં મમળાતો હતો. ત્યાંજ દુરથી વહી આવતો માનો અવાજ એના આનંદમાં વિક્ષેપ પાડી રહ્યો. “ઉઠ! એ ઉંઘણશી, ક્યાં સુધી ઘોર્યા કરીશ? સૂરજ માથે આવી ગયો. જાગ જલ્દી ને ચા પીને ભાગ કામે! દસ વરસની સુમન એકદમ જાગી ગઈ.” આટલાં વરસોમાં ક્યારેય બેઉં બહેનોનો જન્મદિવસ મનાવાયો ન હતો. પણ દસ વરસ પૂરા કરી અગિયારમાં વર્ષમાં પ્રવેશતી સુમન હવે પોતાનોય જન્મદિવસ ઊજવાય એના માટે આતુર હતી.
કાલે તો મારો જન્મદિવસ! હવે હું મોટી થઈ તો મા મારા માટેય કેક લાવશે. હું યે નવું ફ્રોક પહેરી ફૂંક મારી મીણબતી ઓલવીશ, ને બધા “હેપી બર્થડે ટુ યુ” ગાશે ને તાળીઓ પાડશે..! એવા વિચારમાં ગરકાવ સુમન ત્યારે હતાશ થઈ ગઈ જ્યારે માએ ફટાક દઈને ના જ પાડી દીધી. ‘વાલામુઈ, જન્મી છે ઝુંપડીમાં ને શોખ તો જો… શેઠ લોકો જેવા રાખવા છે! તું તે કાંઈ છોકરો છે? તે તારા જન્મદિવસના અભરખા પૂરાં કરું! જા, છાનીમાની કામ પર જા.’
બિચારી સુમન રોતી રોતી કામ પર ચાલી ગઈ. આંસુના ઓઘરાળાવાળું એનું મોં જોઈ દિપ્તીબેને પૂછ્યું, ‘અરે શું થયું તને? કેમ રોતી રોતી આવી છો? આજે તો તારો જન્મદિવસ છે ને! જો તારા માટે ચોકલેટ લાવી છું, લે લઈ લે.’
ત્યાં જ સુમન બોલી ઊઠી : ‘પણ બેન, મારે તો કેક કાપવી હતી. ને મારો જન્મદિવસ ઊજવવો હતો. પણ મારી માએ તો સાવ ઘસીને ના જ પાડી દીધી. મારા ભાઈનો જન્મદિવસ તો કેવો સરસ મનાવ્યો હતો ને મારો નહીં! ભાઈ તો કૈં કામ પણ કરતો નથી.. હું તો કામ પણ કરૂં છું ને ભણું પણ છું.
દિપ્તિબેન અવાક થઈ ગયા. જાણે કે એમના મનની ચોરી પકડાઈ ગઈ. પોતે પણ શું આવું જ નો’તા વિચારતાં! ઉચ્ચ મધ્યમવર્ગમાં પરવરીશ, ઉચ્ચ અભ્યાસ છતાંય વિચારો તો રૂઢિગત જ હતાં. દીકરા દીકરી વચ્ચે એમના મનમાંય ભેદભાવ હતો જ. એટલે તો દીકરા ધ્રુવનો જન્મદિવસ દર વરસે ધામધુમથી મનાવતાં હતાં ને દીકરીઓનો બે ચાર વરસે એકાદ વાર. બાર વરસની દીકરી ધારાનો જન્મદિવસ અત્યાર સુધીમાં ત્રણેક વખત જ મનાવ્યો હતો. બાકીના તો કંઈ ને કંઈ બહાને ટાળી દીધાં હતાં.
આજે સુમનની વાત સાંભળી એમના મનમાં કંઈક ઉગ્યું, કંઈક અસ્ત થયું ને સમજણની ધાર તેજ બની રહી. એમણે ધારાને બૂમ મારી, ‘ધારા, અહીં આવ તો બેટા. એક કામ કરને ચાર દિવસ પછી તારો જન્મદિવસ આવે છે ને તો કોને કોને બોલાવવા એનું લિસ્ટ તથા કેક કેવી બનાવવી છે તે અને બીજી બધી બાબતોની ચર્ચા કરી લઈયે. અને જોને બેટા, આ સુમનનો આજે જન્મદિવસ છે તો એને માટેય કેક લેતા આવીયે ને અહીં જ એનો જન્મદિવસ મનાવીયે.’ સાંભળી ધારા અચરજથી મમ્મીને જોઈ રહી. ‘અરે! જુએ છે શું? ચાલ જલ્દી કર.. મોડું થશે પછી.’ કહેતા દીપ્તિ બેન આડું જોઈ હાથમાં પર્સ લઈ દરવાજાની બહાર નીકળી ગયા.
બન્ને જઈને ‘સુમન’ લખાવેલ સરસ મજાની કેક, નાસ્તો અને એક સુંદર ફ્રોક લઈ આવ્યાં. નીરુ તથા સુમનની સખીઓનેય બોલાવી. નવું ફ્રોક પહેરીને સુમને કેક કાપી અને ‘હેપી બર્થડે ટુ યુ સુમન’ સાંભળી સુમનની આંખ હર્ષાશ્રુથી છલકાઈ ગઈ. ધારાએ પણ છાનામાના પોતાની આંખ લૂંછી નાખી ને મનોમન મલકાઈ ઊઠી.
