માતૃભાષાનું મહત્વ
માતૃભાષાનું મહત્વ
૨૦ ફેબ્રુઆરી અને સોમવારનો દિવસ હતો. શાળામાં વિદ્યાર્થીઓ રમત રમી રહ્યા હતા, તો અન્ય વિદ્યાર્થીઓ વર્ગમાં અભ્યાસ કરી રહ્યા હતા. ધો-૮ નાં વિદ્યાર્થીઓને વિનોદ માસ્તર ભણાવી રહ્યા હતા. ઘરે જવાનો સમય થાય છે ત્યારે માસ્તર વિદ્યાર્થીઓને કહે છે: બાળકો કાલે ૨૧ ફેબ્રુઆરીને વિશ્ચ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો કાલે આપણી શાળામાં વક્તૃત્વ સ્પર્ધા દ્વારા આ દિવસની ઉજવણી કરીશું, આ સ્પર્ધા નો વિષય " વાસ્તવિક જીવનમાં માતૃભાષાનું મહત્વ" એ રહેશે. આટલું સાંભળતા જ વિદ્યાર્થીની વામિકા ખુબ ખુશ થઈ જાય છે. શાળાનો બેલ વાગ્યો અને સૌ ઘરે જાય છે. વામિકા ઘરે જઈને પોતાના મોટા ભાઈની મદદથી વક્તવ્ય તૈયાર કરે છે. સવારે હરખભેર શાળાએ જાય છે. પ્રાર્થનામાં સૌપ્રથમ વક્તૃત્વ સ્પર્ધક તરીકે વામિકાનું નામ બોલાય છે અને ઉત્સાહથી મંચ પર જાય છે, " વાસ્તવિક જીવનમાં માતૃભાષાનું મહત્વ" અને પોતાના શબ્દો દ્વારા વક્તૃત્વ રજૂ કરે છે.
"આજે છે ૨૧મી ફેબ્રુઆરી. આજનો દિવસ તો ખરેખર બહુ જ રૂડો છે. કારણકે આજનો દિન વિશ્વ માતૃભાષા દિન તરીકે ઉજવાય છે. અને તેનો ઈતિહાસ પણ એટલો જ અનેરો છે… એ વાત છે ૧૯પ૨ની કે જ્યારે પાકિસ્તાને તેના તાબા હેઠળના પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશમાં ઉર્દૂ ભાષાને ફરજીયાત બનાવી તેમને ઉર્દૂને માતૃભાષા તરીકે અપનાવવા ફરજ પાડી, ત્યારે તેના વિરોધમાં ત્યાંના બાંગ્લાદેશવાસીઓએ પોતાની માતૃભાષા બંગાળીના ગૌરવને જાળવવા લોક આંદોલન કર્યું. જેમાં તા.૨૧ ફેબ્રુઆરી, ૧૯પ૨ના રોજ ૪ બાંગ્લાવાસીઓ શહીદ થયા. તેની યાદમાં યુનેસ્કો દ્વારા ૨૧ ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આમ આ દિવસનાં પાયામાં ચાર ભાષાપ્રેમીઓની શહાદત રહેલી છે.
વળી આપણી માતૃભાષા ગુજરાતીની વાત કરીએ તો પણ તેની સમૃદ્ધિની વાત જ ન્યારી છે, કેટકેટલો શબ્દભંડોળ છે તેમાં, અને નીતનવાં શબ્દોથી એ સભર છે. અને આપણે ગુજરાતીઓ તો દેશના ખૂણેખૂણે ફેલાયેલા છીએ. અને તે સાથે આપણી ગુજરાતીને પણ ફેલાવીએ છીએ. કહે છે કે પરિવર્તન સંસારનો નિયમ છે, અને આટલું બધું ફરવા અને વસવાને કારણે ગુજરાતીમાં પણ નવા નવા શબ્દો બીજી ભાષાઓના સંપર્કમાં આવતા ઉમેરાય છે, અને માટે જ આપણા શબ્દકોષ ભગવદગોમંડલ ને આપણે વધુ સદ્ધર કરવા પ્રયાસ કરવો જોઈએ, જેથી આપણી ભાવી પેઢી માટે વધુ સારી ભાષાનો વારસો છોડી શકીએ. ત્યારે મને પંક્તિ યાદ આવે છે કે....
લાગણીના જળ વડે મર્દન કરું છું,શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું,
બે ગઝલ, બે ગીતના પુષ્પો ચડાવી, માતૃભાષા ને પ્રથમ વંદન કરું છું.
મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશીએ જેને ‘ગાંધીગિરા’કહી, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જેને ‘દૂધભાષા ‘કહી છે, અને કવિવર રવીન્દ્રનાથ ટાગોર જે ભાષામાં શિક્ષણનો આગ્રહ રાખે છે એ મીઠી માતૃભાષા વિષે મૂળ વાત એ છે કે જે ગુજરાતમાં સાવજ જેવા વીર યોદ્ધાઓ પાક્યા અને અહિંસાના ઉપાસકો પણ અહીં જ પાક્યા હોય એ જોતા વીરતા અને અહિંસા બેયનો એકસાથે સમન્વય એ ગુજરાતીનો જ દ્રષ્ટિકોણ હોય. આજના દિવસે કેટલીક અગત્યની વાતો કરવી બહુ જરૂરી છે,અહી એક સ્પષ્ટતા જરૂરી છે કે કોઈ માધ્યમનો પક્ષ લેવા કે વિરોધ કરવાની અહી કોઈ વાત જ નથી, પણ આ ખરી વાસ્તવિકતા છે.
નાનું બાળક રડતું હોય તો એના આંસુ લુછવા માતાના સાડીનો પાલવ અને માંએ પ્રેમથી માતૃભાષામાં બોલેલા બે શબ્દોથી ઉત્તમ કોઈ ઉપાય નથી..પણ આજે ? આજે તો બહુ દુ:ખ સાથે કહેવું પડે છે કે,“પાલવનું અંગ્રેજી મને પૂછો ના,,અહી તો ‘ટીસ્યુ’થી આંસુ લુછાય છે !"
પાલવ સાથે માંના હૃદયનો ભાવ જોડાયેલો છે એ કાગળના ટીશ્યુમાં ક્યાંથી આવે ? અને એ મન ભાવ જ જેમને નથી પામ્યા એવા ટીશ્યુથી લુછાયેલા આંસુવાળો બાળક મોટો થતા ભાવશૂન્ય થાય તો વાંક કોનો ?
“મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનની ની જોડ સખી નહિ જડે રે લોલ” એ કવિતા ગાતા ગાતા શબ્દોની સાથે હૈયાના ભાવ આંખ દ્વારા વહેશે, દિલથી "માં" સાંભરશે..એ ભાવ “ઓ મધર આઈ એમ યોર સન..આઈ લવ યુ”.....આવું ગાતા આવશે ખરા ? જરા પોતાના પર અનુભવ કરી જાતને પૂછવા જેવો સવાલ છે હો......અંગ્રેજી માં ચોખું કેશુ કે ‘આઈ લવ યુ’ તોય માતૃભાષામાં બોલેલ વાક્ય-“ હું તને ચાહું છું” કે “તું મને ગમે છે” કેવો હૃદયને સ્પર્શી જાય છે ? એ દ્વારા જે ભાવ આંખ ને દિલ અનુભવશે એ ભાવ ની અસર ચિરકાળ રહેશે.
આદિકવિ નરસિહ મહેતાનું પદ ‘મારી હૂંડી શામળીયાને હાથ રે’...કે ,ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાલ...’ગુજરાતીના આવા ભક્તિગીતો જ કુદરતે આપેલું સ્વીકારવા અને જે થાય તે સારા માટે એવી જીવનની પાયાની બાબતો દ્રઢ કરી જીવવાનું બળ પૂરું પાડે છે. તો અખાના છપ્પા “તિલક કરતા તેપન વહ્યા, જપમાલાના નાકા ગયા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ તોય અખા ન પામ્યો હરિ ચરણ” કે ‘શીખ્યું સાંભળ્યું સર્વે ફોક”જેવા કટાક્ષો દ્વારા બ્રહ્મજ્ઞાન તો ગુજરાતી ભાષામાં જ મળે હો !
આજની પેઢીમાં લાગણી નથી, એવું કહેનારી માતાઓને મારે પૂછવું છે કે તમે એ બાળકને લાગણી અભિવ્યક્ત કરી શકે એવી ભાષા શીખવી છે ખરી ? એ મીઠી ગુજરાતી ભાષા કે જે જમીન પર સ્થિર ઉભા રહેવાનો આત્મવિશ્વાસ શીખવે, સ્વપ્ન જોતા શીખવે એ ગુજરાતીમાં તમે તમારા બાળક સાથે વાત કરો છો ખરા ?
જાણીતા સાહિત્યકાર શ્રી રતિલાલ બોરીસાગરે મહુવા ખાતે યોજાયેલ શિક્ષણ શિબિર માં બહુ સરસ કહ્યું હતું કે, ગુજરાતી હાલરડાં કે જે માતા જીજાબાઈએ શિવાજીને સંભળાવ્યા હતા....એ તમે તમારા બાળકને સુવડાવતી વખતે ગાયા હતા ખરા ? ગુજરાતી હાલરડાં જે આપણને વડીલો વારસામાં દઈ ગયા છે એ બાળકમાં નાનપણથી સાહસ,શૌર્ય કેળવવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે
નાના બાળકને નહડાવતી વખતે દાદી કે નાની ગાતા:”વીરો મારો ડાહ્યો ને પાટલે બેસી નાહ્યો,પાટલો ગયો ખસી ને વીરો ઉઠ્યો હસી !"!! અરે કેટલી સાવ સરળ ભાષામાં એ વખતે નાનકડા બાળકના અર્ધજાગૃત મનમાં જીવન ઉપયોગી કેટલી મોટી વાત નું બીજ રોપી દીધું ? કે પાટલો ખસી ગયો,ભાઈ પડી ગયો તો પણ હસવાનું. જીવનની કેટલી મોટી શીખ મળી કે જીવનમાં ક્યારેક ઉઠતા,બેસતા,ચાલતા,દોડતા પડી જવાય તો હસી લેવાનું. પાછા ઉભા થવાનું ને દોડવા લાગવાનું ! નિરાશાને જીવનમાં ક્યાય સ્થાન જ ન હોય.આવો આત્મવિશ્વાસ મેળવવા આજની પેઢી માટે આપણે સેમિનાર ગોઠવવા પડે છે-હજારો ના ખર્ચે વક્તવ્યો રાખવા પડે છે, તાલીમો આપવી પડે છે!!! જે માત્ર નાનપણમાં પેલી ૨ કે ૪ પંક્તિઓમાં બાળકના અજાગૃત મનમાં આત્મવિશ્વાસનું બીજ વાવી દે આવી રૂડી ગુજરાતી ભાષા મેળવી ધન્યતા અનુભવવાની છે...
બાળકને હાલરડાં ન સંભળાવનાર આ અપેક્ષા રાખી જ ન શકે કે મારું બાળક આત્મવિશ્વાસથી ભરપુર હોય !!દુનિયામાં ખુબ દેકારા મચાવાય છે કે આપણી સંસ્કૃતિ નાશ થાય છે...એ લોકોને મારે પૂછવું છે કે શું પૂ.ફાધર વાલેસ ઘણા વર્ષોથી કહે છે ઈ તમે સાંભળો છો ખરા ?કે “ભાષા જશે તો સંસ્કૃતિ જશે”...સુંદર મજાની ગુજરાતી ભાષાવાળું માધ્યમ જ જો તમે તમારા બાળકને ન આપતા હો તો પછી સંસ્કૃતિની અપેક્ષા કેમ રાખી શકો તેની પાસે ?
“સંસ્કૃતિ એ વીજળી છે, પ્રજા એ બલ્બ છે, માતૃભાષા એ વાયર છે”માતૃભાષા સંસ્કૃતિના પ્રકાશને રેલાવે છે. ગુજરાતીનું દિલ મોટું, ગુજરાતીનો આવકાર સુંદર, ગુજરાતીની મહેમાનગતિ આખા વિશ્વમાં વખણાય. આવી ગર્વ આપતી મીઠી ગુજરાતી ભાષા આપણને વારસામાં મળી છે એનો ગર્વ હોવો જોઈએ.. ત્યારે આજે ગુજરાતી અને અંગ્રેજી બે માધ્યમો વચ્ચે પીસાતી પ્રજા બેયની મિશ્ર ભાષા – ‘ગુજલીશ’ ભાષા કે જે આજે મોટાભાગના ગુજરાતીઓ વાપરે છે એ એટલી તો વિચિત્ર લાગે છે કે ગુજરાતીનું દિલ ચીસ પાડી ઉઠે કે,
“કોઈ આંખોથી વાતો કરી જાય છે, કોઈ આંખોમાં વાતો કરી જાય છે, ત્યાં સુધી તો વાંધો નથી પણ દુઃખ ત્યારે લાગે છે દોસ્તો કે જયારે કોઈ “ગુજલીશ” ભાષા બોલી જાય છે!!
ટુકમાં માતૃભાષામાં માનવજીવનના તમામ પાસાનો સમન્વય છે. ૧)વિચાર, ૨) લાગણી અને ૩) અભિવ્યક્તિ..
૧) સારા અને યોગ્ય વિચારો: બુદ્ધિ-જે દ્વારા આજીવિકા, તર્ક-જે દ્વારા અનુકુલન અને સારાસાર-જે દ્વારા વ્યવસ્થાપન કરી શકીએ. ૨)લાગણી: પ્રેમ, સ્નેહ, આદર, સંસ્કાર દ્વારા જીવનમૂલ્યો, કૌતુંમ્બીકાને સામાજિક સંબંધો, આત્મ ઉન્નતિ, આત્મસંતોષ, આંતરિક વિશ્વાસ, સ્વની ઓળખ મળે. ૩)અભિવ્યક્તિ: વાણી દ્વારા વ્યક્તિત્વ વિકાસ, મધુરતા દ્વારા વ્યવસ્થિત સંબંધો,મહાનતા, લેખન કૌશલ્ય,અને બીજા અનેક અન્ય ગુણો વિકસે છે. આમ વિચારો, લાગણી, અભિવ્યક્તિ માતૃભાષામાં ગુજરાતીમાં જ થાય.
“હું છું અને મારી ભાષા છે, કૈક થશે આવી આશા છે.” ” રમેશ આચાર્ય એ કહેલી આ વાત દ્વારા ગુજરાતી ભાષા મળતા હું ધન્યતા અનુભવું છું એવા મારા દિલના ભાવ કહેવા અંહી વ્યક્ત કર્યાં છે.
આપણે બીજી ભાષાને એ હદે પ્રેમ કરતા થયા છીએ કે લગ્નની કંકોત્રી પણ અંગ્રેજીમાં છપાવીને આપણી જાતને સુધરેલી સમજીએ છીએ. જેને ત્યાં કંકોત્રી આપવાની હોય એ દરેક માણસ ગુજરાતી સારી રીતે સમજતો હોય અને છતાય અંગ્રેજીમાં લગ્નકંકોત્રી છપાય. અરે હદ તો ત્યારે થાય છે કે ગામડામાં રહેતો યુવક કે યુવતી ભણીગણીને થોડો આગળ વધે એટલે બીજા કરતા પોતે વધુ શિક્ષિત છે એવુ બતાવવા અંગ્રેજીમાં કંકોત્રી લખે જે જેને મોકલવાની હોય એને બીચારાને વાંચતા જ ન આવડતું હોય.
આપણું સંતાન અંગ્રેજી ન બોલી શકતુ હોય તો શરમ આવે છે અને ગુજરાતી ન બોલી શકતુ હોય તો આપણે ગૌરવ અનુભવીએ છીએ. છે ને ગુજરાતીઓનો ગજબનો માતૃભાષા પ્રેમ !
હું ફરીથી કહુ છુ કે હું અંગ્રેજીની વિરોધી બીલકુલ નથી. અંગ્રેજી શીખવી જ જોઈએ અને એના વગર ચાલશે પણ નહી. પરંતું અંગ્રેજીના વધુ પડતા પ્રેમમાં માતૃભાષા સાવ ભૂલાય જાય એવુ તો ન જ થવું જોઈએ.
હક્ક થી વાત થઈ શકતી હતી ત્યાં Please આવી ગયું છે,........અને આ શું ? સાચા સંબંધોમાં પણ સોરી હોય છે ?
ખબર જ નથી પડતી કે ફરજમાં થેંક્સ ક્યાંથી ?
માત્ર ને માત્ર બધા ને જેન્ટલમેન જ દેખાવું છે, અને અગ્રેજીમાં જ માસ્ટર થાવું છે.
પણ શું એના માટે માતૃભાષાનો ભોગ લેવો જરૂરી છે
મારે માત્ર એટલું જ જાણવું છે.
મોટા ને પણ કહેવાનું યુ અને નાના માટે પણ યુ ?
તો તો શું મોટાઈ છે આ ભાષાની ?
અરે આની કરતા તો સારી છે માતૃભાષા ગુજરાતી..
સાંભળતા જ હૃદય મોજમાં આવી જાય છે.
જ્યાં માન અને સન્માન નો ભેદ તો દેખાય છે,
જ્યાં હૃદય થી આવકાર મળે છે અને,
છુટા પડતી વખતે આવજોનો આવકાર મળે છે.
મને ગર્વ છે કે હું ગુજરાતી છું !
મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે, અંગ્રેજી શીખવા સાથે પોતાની માતૃભાષાનું લખવા-વાંચવાનું જ્ઞાન પણ એટલું જ આવયક્ષક છે. આપણી સંસ્કૃતિ, શાસ્ત્રો અને સાહિત્યને ખરેખર ઊંડાણથી સમજવું હોય, માણવું હોય તો માતૃભાષાના માધ્યમથી જેટલું અસરકારક રીતે સમજી શકાય તેટલું બીજી ભાષામાં કદાચ શક્ય ના હોઈ શકે. આપણી સમૃદ્ધ માતૃભાષાનો વારસો ટકાવી રાખવા, આપણા સાહિત્ય, કવિતા, લોકગીતોનું રસપાન કરવા, માતૃભાષા શીખવી બહુજ મહત્વની છે. અંગ્રેજી સાથે આપણી યુવાન પેઢી આપણી ભાષાનો મહિમા સમજે અને સુંદર કાબુ મેળવે તો સોનામાં સુગંધ ભળે. વતન સાથેનો પ્રેમ મજબુત થશે, માબાપની વિચારસરણી સરખી રીતે સમજી શકશે અને નિકટ આવવામાં મદદરૂપ થશે.
દરેકને પોતાની માતૃભાષા પ્રત્યે પ્રેમ હોય અને ગૌરવ હોય એ સ્વાભાવિક છે પણ ગુજરાતી તરીકે આપણને આપણી માતૃભાષાનું ગૌરવ નથી. ‘My kid don’t know Gujarati’ આવુ બોલવામાં ગુજરાતી મા-બાપ ગૌરવ અનુભવે છે. સંતાનોને માતૃભાષામાં ભણાવવાને બદલે અંગ્રેજીમાં ભણાવવાની ઘેલછા લાગી છે. એક વાત સમજી રાખજો, બેબીફુડના ગમે એટલા ફાયદાઓ બતાવો કે વખાણ કરો પણ એ માતાના દુધની તોલે નહી જ આવે. માતાનું દુધ બાળકને જે પોષણ આપે એ બેબીફુડ ક્યારેય ન આપી શકે કારણકે માતાના દૂધમાં પોષક તત્વો ઉપરાંત પ્રેમ પણ હોય છે.
અંગ્રેજીનો કોઈ વિરોધ નથી પણ ગુજરાતીના અપમાન સામે ગુસ્સો છે. ભાષા તરીકે અંગ્રેજી ભણવી જ જોઈએ અને એમાં નિષ્ણાંત પણ થવું જોઈએ પણ એ માટે માધ્યમ અંગ્રેજી હોય એવું બીલકુલ જરૂરી નથી. ભાઈઓ કરતા પણ બહેનોને સંતાનો અંગ્રેજી માધ્યમમાં ભણે એના બહુ અભરખા હોય છે અને સંતાન બે ચાર અંગ્રેજી શબ્દો બોલતા થઈ જાય એટલે મા હવામાં ઉડવા લાગે. ખરેખર આ નરી વાસ્તવિકતા છે આપણી માતૃભાષા ગુજરાતીની.
અતે હું મારૂં વક્તવ્ય નર્મદની એક પંક્તિ દ્વારા પૂર્ણ કરીશ,
" મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી,
પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે."
વક્તવ્ય પૂર્ણ થતાં જ તાળીઓનો વરસાદ થઈ જાય છે અને પરિણામ જાહેર થયું જેમાં પ્રથમ નંબરે વંશ વામિકાનું નામ બોલાય છે. વામિકાની આંખમાંથી આંસુઓ વહેવા લાગે છે, અને ખુશીનો માહોલ સર્જાય છે. સૌ કોઈનાં મનમાં પ્રશ્ન થાય કે આટલી નાની ઉંમરમાં આટલો જ્ઞાનનો ખજાનો !
ત્યારે વામિકાનાં વર્ગશિક્ષક વિનોદ માસ્તરની પણ વાહ ! વાહ ! થાય છે કારણ કે તે વામિકાનાં સગાં મોટા ભાઈ તથા એક વર્ગશિક્ષક હોય છે. અને એટલે જ વામિકા જેવી વિધાર્થીનીમાં એટલો જ્ઞાનનો ભંડાર ભયૉ છે, કારણ કે વિનોદ માસ્તર પોતે નાનપણથી જ બહેન વામિકાનું લાલનપાલન તથા સંસ્કારોનું સિંચન કરે છે. ત્યારે વામિકા જેવી વિધાર્થીની અને એક નારી આ દેશ ને મળે છે.
