"સ્વમાન"
"સ્વમાન"
રેલવેની પ્લેટફોર્મ ટિકિટ લઈ હું ઉતાવળે ચાલતો હતો, ત્યાં જ મારાં કાને શબ્દો અથડાયા એ સાહેબ... એ સાહેબ... મારી પાછળ એક દસ વર્ષનો ભિખારી જેવો બાળક દોડતો હતો. હું મારી સ્પીડ વધારતો જતો હતો. તેમ તે બાળક પણ એ... સાહેબ... મોટા સાહેબ... ઉભા તો રહો... કહી બુમ પાડે જતો હતો.
"સાહેબ... લો... ભગવાન માટે લેતાં જાવ."
"બેટા મારે નથી જોઈતો ફૂલ-હાર !"આ બાળક મારી પાછળ પાછળ ફૂલ-હારનો સુંડલો લઈ સાહેબ... ઓ સાહેબ...એમ કરતું ફરે છે હું ચાલવા માંડું છું.
થોડેક સુધી મારી પાછળ આવે છે મને કહે "સાહેબ લ્યોને, મંદિરે ભગવાનને ચડાવજો, ભગવાન ખુશ થશે."
હું એને એમજ કહું છુ "મારે નથી જોઈતા."
અને ત્યાંજ બાળક એવું બોલે છે, "સાહેબ મને ભૂખ લાગી છે !અને તમે આ દસ રૂપિયાનો ફૂલ-હાર લો તો હું કંઈક ખાઈ શકું. આજે સવારથી કંઈ ખાધું નથી અને મારા પગ થંભી ગયા ! ઓહહ..!
મેં દસ રૂપિયાની નોટ એને આપી અને કહ્યું "જા કંઈક ખાઈ લે, મારે ફુલ-હાર નથી જોઈતા."
"ના સાહેબ ફૂલ-હાર તો તમારે લેવાજ પડે હું ભીખ નથી માંગતો? સાહેબ હું મજૂરી કરું છું પણ ભીખ માંગીને નથી ખાતો !"
મેં ફૂલ-હાર લીધો અને પૈસા આપ્યાં. બાળક ખુશ થઈ ગયો.
હું મંદિરમાં ગયો અને ફૂલ-હાર ભગવાને ચડાવ્યાં. બસ ભગવાનને એટલીજ પ્રાર્થના કરી કે આ બાળકનું સ્વમાન જળવાઈ રહે. એટલું તો એને રોજ આપજે કે એને કોઈ દિવસ ભૂખ્યાં સુવાનો વારો ના આવે અને મોટો થઈ પોતાની ખુદ્દારી અને સ્વમાનથી આગળ આવે. દરેકને પોતાનું આગવું સ્વમાન હોય છે. સ્વમાન એટલે પોતાનાનું માન પોતાની રીતે જાળવવું. જો આ આવડી જાય તો સ્વમાન ગુમાવાનો વારો ક્યારેય ન આવે.
મનમાં વિચારવા માંડ્યો કે સ્વમાન રોડ પર પણ હોય ? અંતરાત્માએ જવાબ આપ્યો 'હાં' હોય. એવું નથી કે મોટા ઘરમાં રહો કે પછી તમારી પાસે પૈસા હોય તો જ સ્વમાનથી રહેવાય. સ્વમાન અને ખુદ્દારી માણસમાં પોતાની હોવી જોઈએ જે મેં આ ગરીબ ફૂલ-હારવાળા બાળકમાં જોઈ. મેહલોમાંજ સ્વમાનથી જીવાય એવું નથી હોતું, રોડ ઉપર મજૂરી કરીને પણ પોતાનું સ્વમાન પોતાની રીતે જાળવી રાખે, તે જ સાચો માણસ.
આ સ્વમાન મેં એક દસ વર્ષના બાળકમાં જોયું.
