Rashmi Jagirdar

Others

3  

Rashmi Jagirdar

Others

કર્મ-ફળ

કર્મ-ફળ

8 mins
7.8K


રીના એલઆઈસીમાં ડેવલોપમેન્ટ ઓફિસર હતી. તેની કામ કરવાની સ્ટાઈલ અલગ જ હતી. આ જોબમાં જેટલું કામ ઓફિસમાં બેસીને કરવું પડે તેનાથી અનેક ગણું કામ ફિલ્ડમાં જઈને કરવું પડતું.

તેમણે એજન્ટની નિમણૂક કરવાની રહેતી. આ એજન્ટો પોતાના ગૃપમાં, ફરીને ક્લાયન્ટ શોધે અને જીવનવીમાની જુદી જુદી પોલીસીનાં ટર્મ્સ-કંડીશન્સ તેમજ તેના બેનીફીટસ સમજાવે. અને દરેક ક્લાયન્ટને જરૂરિયાત પ્રમાણે પોલીસી આપે. હવે આમાં થાય એવું કે, લોકો એજન્સી લઈ લે અને ક્લાયન્ટ શોધે પછી પોતાના ડી.ઓ સાથે મેળવી આપે. એ ડી.ઓ સાહેબ જ બધું સમજાવે અને જાણકારી આપે અને યોગ્ય પોલીસી વેચે, હવે ખરેખર આ કામ એજન્ટનું કહેવાય, પણ મોટાભાગના ડી.ઓ. ક્લાયન્ટને સમજાવવાથી માંડી ને ફોર્મ ભરવાનું, પ્રીમીયમ ભરાવવાનું આ બધાજ કામ પોતાના એજન્ટને બદલે જાતે કરી લે. જ્યારે રીનાએ પહેલો એજન્ટ બન્યો ત્યારથી જ પોતાની આગવી રીતે કામ ચાલુ કર્યું. રીના પોતાના એજન્ટને બધીજ પોલીસી વિષે વિસ્તૃત જાણકારી આપતી. ક્લાયન્ટ સાથે દરેક પોલીસીની વાત કેવીરીતે કરવી, કયા ક્લાયન્ટ માટે સૌથી વધુ બેનીફીટ્સ આપે તેવી કઈ પોલીસી છે, આ બધીજ વિગતો ઊંડાણથી સમજાવવી તેમજ પોલીસી વેચ્યા પછી જુદા જુદા ફોર્મસ કેવીરીતે ભરવા, પ્રીમિયમની ગણતરી કેવીરીતે કરવી અને પ્રીમીયમ ક્યાં ભરવું. આ બધી વાતો માટે પોતાના દરેક એજન્ટને ઘનિષ્ટ તાલીમ આપતી. એટલે તેનાં એજન્ટો જ્યારે કામ શરૂ કરે ત્યારે પૂરતા માહિતગાર હોય જ, અને એટલે તેના એજન્ટો ફિલ્ડમાં ફરીને ક્લાયન્ટ શોધવાથી માંડીને, ફોર્મ ભરવા, પ્રોમીયમની ગણતરી અને પોલીસી વેચીને, પ્રીમીયમ ભરી દેવા સુધીનું બધ્ધું કામ જાતે કરતાં થઈ જતા. જ્યાં કંઈ ગૂંચ જેવું જણાય ત્યાં રીના અચૂક મદદ કરતી. આ કારણથી રીનાનાં એજન્ટોનો આત્મવિસ્વાસ ખૂબ વધી જતો. પરિણામે તેઓ ખૂબ ખુશ રહેતા અને ઉપરી અધિકારીઓ પણ ખુશ રહેતા. સૌથી મોટો ફાયદો એ રહેતો કે, આવી રીતે તૈયાર થયેલા રીનાનાં એજન્ટો કામમાં ખૂબ આગળ રહેતા અને અનેક એવોર્ડ મેળવતા. એની જાણ સૌને હતી એટલે રીના પાસે એજન્સી લેવા લોકો સામેથી સંપર્ક કરતા. જોરદાર હરીફાઈનાં માહોલમાં એક મહિલા તરીકે આટલી સફળતાથી અને સહેલાઈથી આગળ વધતી રીના બીજા ડીઓની આંખમાં કણાની જેમ ખુંચે તે સ્વાભાવિક હતું. પણ રીના સાલસ અને સરળ સ્વભાવની હતી. તે બીજા ડી.ઓ.ને કહેતી. "ભાઈઓ, તમે બધા ફિલ્ડમાં વધુ ફરો છો, પણ હું તો ઓફિસમાં જ હોઉં છું. તમારા એજન્ટને ટ્રેઈન કરવા હોય કે કંઈ પૂછવું હોય તો મને મળવા જરૂર કહેજો."  

રીના પોતાનાં ઘર-વર અને બાળકોનું પણ પૂરતું ધ્યાન રાખતી. પરિણામે રીનાનો એકમાત્ર દીકરો વિહાન, ભણવામાં ઘણો તેજસ્વી હતો. તે ભણવા માટે સ્ટુડેન્ટ વિઝા પર અમેરિકા ગયેલો. ગ્રેજ્યુએશન અને માસ્ટર્સ કર્યા પછી, તેને સરસ જોબ પણ મળી ગઈ હતી. હમણા સુધી તે શેરીંગમાં મિત્રો સાથે રહેતો હતો. પછી તેણે ભાડે એપાર્ટમેંટ રાખીને મમ્મી-પપ્પાને બોલાવવાનું નક્કી કર્યું.

રીના અને સુજલ ઘરવખરીનો ઘણો સમાન લઈને વિઝીટર વિઝા પર અમેરિકા ગયાં ત્યારે વિહાનને ઘર ગોઠવીને ચાલુ કરી આપ્યું. છ મહિના પછી રીના અને તેનો પતિ સુજલ પાછા ઈન્ડિયા જવાના હતા ત્યારે વિહાન નિરાશ થઈ ગયો. રીના અને સુજલે નક્કી કર્યું કે એક-બે વર્ષમાં અર્લી રીટાયરમેંટ લઈને તેઓ દીકરા સાથે રહેવા આવી જશે. દીકરાએ આ વાત જાણી તો એ પણ ખુશ થઈ ગયો. ત્યાં સુધીમાં વિહાને મમ્મી-પપ્પાનાં પેપર્સ તૈયાર કર્યાં. જોબમાં લેન્થ ઓફ સર્વિસ પેન્શનેબલ થાય એ રીતે ગણત્રી કરીને બંને જણે અર્લી રીટાયરમેન્ટ લઈ લીધું.

પેપર્સ તૈયાર થયાં એટલે અમેરિકા ઊપડી ગયાં. રીનાને સ્વાભાવિક રીતે જ હવે દીકરાને પરણાવવાની ઉતાવળ હતી. સુજલની ઈચ્છા પણ એવી જ હતી પણ બંને ભણેલા અને ફોરવર્ડ એટલે દીકરા પર પોતાની ઈચ્છા થોપવાનું ન વિચારે. આ બાજુ વિહાન પણ વિચારતો કે મમ્મી કંઈ વાત કાઢે તો મારી સાથે જોબ કરતી મિનીને અને તેના મમ્મી-પપ્પને જમવા બોલાવીએ.

બીજા દિવસે સવારે તે ન્હાઈને નીકળ્યો એટલે રીના કહે, "આ મિની કોણ છે?" "કેમ? એ મારી ઓફિસમાં સાથે કામ કરે છે." "સરસ છોકરી લાગે છે, તું ન્હાવા ગયેલો એટલે મારી સાથે વાત થઈ તો કહે, "આંટી આ સેટરડે ડીનર માટે તમે સૌ મારા ઘરે આવો." પછી તેના મમ્મીએ પણ વાત કરીને જમવાનું રાખવા આગ્રહ કર્યો. પણ મેં કહ્યું તમે વિહાન સાથે નક્કી કરજો." મમ્મિની વાત સાંભળીને વિહાને વિચાર્યું, "અરે વાહ મારું કામ તો મિનીએ જ પતાવી આપ્યું." વિહાનને ખુશી તો ઘણી થઈ પણ ઠાવકો બનીને કહે, "સારું હું આજે વાત કરીશ."

શનિવારે મિનીને ત્યાં જમવા જવા નીકળ્યાં એટલે ગાડીમાં સુજલ કહે, "વિહાન, તને છોકરી ગમતી હોય તો અમને કોઈ વાંધો નથી." "તમે તો ખરા છો સુજલ, દીકરાને પરણાવવાની એટલી બધી ઉતાવળ આવી? કોઈ જમવા બોલાવે તેમાંય દીકરા માટે છોકરી જોવા નીકળ્યા હોય તેવું કરો છો." "તને ખબર છે કે, એની ઉતાવળ તો મારા કરતાં તને વધારે છે."

વિહાન મનમાં વિચારે છે, "કદાચ સૌથી વધારે ઉતાવળ તો મને છે."

મિનીને ત્યાં પહોંચ્યાં ત્યારે એ લોકો રાહ જ જોતાં હતા. મિનીએ સૌને પાણી અને વેલકમ ડ્રીંક સર્વ કર્યાં. થોડીવાર બધા વાતો કરતાં બેઠા. બંને પેરેન્ટ્સની નજર વિહાન અને મિની પર હતી. તેઓ બંને એકબીજા માટે કેવી લાગણી ધરાવે છે તે જાણવા માંગતાં હતા. આઠ વાગ્યા એટલે મિની કહે, "મોમ તમે લોકો વાતો કરો, હું જમવાની તૈયારી કરું. "મિની તૈયારી માટે કિચનમાં ગઈ. થોડીવારમાં રીના પણ મિની પાસે ગઈ. તે મિનીનું મન જાણવા માંગતી હતી, એટલે તેની સાથે વાત કરતી હતી. સુજલ અને વિહાન, મિનીનાં પેરેન્ટ્સ સાથે વાતોમાં મશગૂલ હતા. એવામાં રીનાના મોબાઈલમાં રીંગ વાગી, રીના અંદર હતી એટલે વિહાને ફોન ઉપાડ્યો. ફોન ઈન્ડિયાથી હતો. રીનાનાં એજન્ટનો ફોન હતો, તે કહેતો હતો, "હું રીના મેમનો એજન્ટ બોલું છું. આ વર્ષે હું આખા ડીવીઝનમાં ફર્સ્ટ આવ્યો છું. એટલું જ નહિ, પ્રથમ પાંચ એજન્ટો રીના મેમનાં જ છે. રીના મેમ અમને તૈયાર જ એવી રીતે કરતાં કે એમનાં બધા એજન્ટોમાંથી જ કોઈ ને કોઈ દર વર્ષે પ્રથમ હોય છે, પણ આ વર્ષે તો પાંચ એમના જ એજન્ટો પ્રથમ છે એટલે એમને આ સમાચાર આપવા અને અભિનંદન આપવા ખાસ ફોન કર્યો." આટલી વાત સાંભળીને તેણે અંદર જઈ રીનાને ફોન આપ્યો. સમાચાર સાંભળીને રીનાનાં મોં પર ખુશી છવાઈ ગઈ. તેણે ફોનમાં કહ્યું, "મારું કામ તો ટ્રેનીંગ આપવાનું હતું તે મેં કર્યું, પણ ગ્રહણ કરીને મહેનત પુર્વક અમલ કરવાનું કામ તમારું હતું. જે તમે સરસ રીતે કરો છો, તેનું જ આ પરીણામ છે, એટલે અભિનંદનના અધિકારી તો તમે જ છો."

ફોન પત્યો એટલે સૌ જમવા ઊઠ્યાં. જમતાં જમતાં સુજલે રીના એક અધિકારી તરીકે, કેટલી એફિસિએન્ટ હતી અને કઈ ખાસ રીતે કામગીરી કરીને સફળ થઈ હતી તેની વાતો કરી. જમ્યા પછી મિનીનાં મમ્મી કહે, "રીનાબેન-સુજલભાઈ, જુઓ આપણે છોકરાંઓને જોઈ લીધાં અને આપણને ગમ્યાં પણ છે, તો હવે તમારો શું વિચાર છે?" સુજલ કહે, "વિહાન, તું ને મિની મળી લો ને જે પૂછવું હોય તે પુછી લો અને તમારા વિચારો જણાવો." સાંભળીને બંને હસ્યા અને અંદર મિનીનાં રૂમમાં ગયા. બંને એકબીજાને જાણતાં જ હતાં. ગમતાં પણ હતાં. થોડીવાર વાતો કરીને બહાર આવ્યા અને સંમતિ દર્શાવી દીધી. મિનીનાં મમ્મીએ સૌને મીઠું મોં કરાવ્યું. અને છૂટાં પડતાં પહેલાં સૌએ સાથે યુનિવર્સલ સ્ટુડિયો જવાનો પ્રોગ્રામ બનાવી લીધો. તે સાંભળી ને રીના કહે, "બાપરે ત્યાંતો ચગડોળ, ચગડોળ ને ચગડોળની ભરમાર! રાઈડ્સનો મેળો! મને તો એમાં બીક લાગશે!" મિનીનાં મમ્મી કહે, "મને પણ!"  

ત્યાર પછીનાં, બંને ફેમિલીને અનુકુળ એવાં, એક વીકેન્ડમાં મિની અને વિહાન બંને કુટુંબો સાથે, એલ એ પહોચ્યા અને ત્યાંથી યુનિવર્સલ સ્ટુડીઓ ગયાં. અઢારે અઢાર રાઈડ્સની સૌ માટેની ટીકેટસ લેવાઈ ગઈ. એક રાઈડ માટે સૌ લાઈનમાં ઊભા હતાં, તે દરમ્યાન એક ઉંમર લાયક કાકા પાસે આવ્યા અને રીના તરફ જોઈને કહે, "હેલો રીનામેમ કેમ છો? તમે અહીં ક્યાંથી?" રીના થોડીવાર જોઈ રહી પછી કહે, "અરે, રમેશ અંકલ તમે? તમે અહીં જ છો?" "હા તમને યાદ હોય તો હું તમારો સૌથી પહેલો એજન્ટ, તમે ઘનિષ્ટ ટ્રેનીગ આપીને મને એવો તૈયાર કરેલો કે, ધીમે ધીમે મારી કમાણી વધતી જ ગયેલી. હું પ્રેસિડેન્ટ ટીમ સુધી પહોચેલો. આખી બ્રાન્ચમાં સૌથી પહેલો પ્રેસીડેંટ ટીમ સુધી પહોંચનાર એજન્ટ હું હતો. તમારો એજન્ટ. અને મેમ, એ કમાણીમાંથી જ મારા દીકરાને મેં ભણાવ્યો જે આજે એક મોટી કંપનીમાં ખૂબ કમાય છે. જુઓ, હું એને તમને મળવા બોલવું, "અને એમણે બુમ પાડી. "નીખીલ, અહીં આવ જો આ રીના મેમ તને યાદ છે કે ભૂલી ગયો?" નીખીલ ત્યાં આવ્યો, એને જોઈને વિહાન કહે, "ઓહ સર તમે?" "યા, યા વિહાન, હાઉ આર યુ?" વિહાન રીનાને કહે, "મોમ આ એપલમાં મારા બોસ છે. અને મારી એબિલીટી વધારવાનું અને તે ને અનુરૂપ કામગીરી માટે એ જ મને હેલ્પ કરે છે." નીખીલ કહે, "છોડ યાર, હું આજે જે કંઈ છું તે આ રીનામેમને લીધે જ છું. મારા ડેડ કાયમ કહેતા કે રીનામેમને લીધે જ હું આટલું કમાઈને તને ભણાવી શકું છું." અને એમ કહીને તે રીનાને પગે લાગ્યો. રીના કહે, "માય ગોડ, નીખીલ તું કેટલો મોટો થઈ ગયો? તું તારા ડેડ સાથે ઘણીવાર ઓફીસ આવતો ત્યારે કેટલો નાનો હતો! યાદ છે?" નીખીલ કહે, "હા, મેમ હું તમારાથી એટલો બધો ઈમ્પ્રેસ્ડ હતો કે હું ડેડને કહેતો મારે રીનામેમ જેવા બનવું છે. અને મેં'મ મારી ટીમના સૌ કર્મચારીઓને તમારી જેમજ ઘનિષ્ટ ટ્રેનીંગ આપું છું અને તે દરેક પોતાના કામમાં નિષ્ણાત બને તે માટે તકેદારી રાખું છું. પરિણામે અમારી ટીમ કંપનીમાં હંમેશાં અગ્રેસર રહે છે. આ બધું મારા ડેડ તમારો દાખલો આપીને સમજાવતા. એટલે જ મારે તમારા જેવા બનવું હતું, અને હું બન્યો પણ ખરો." રીના ખુશ થઈને કહે, "નીખીલ તારી વાતોથી, તારા કામથી અને તારી સફળતાથી મને ખરેખર ખૂબ આનંદ થયો. આપણે  આ રીતે કામ કરીએ ત્યારે આપણા સબોરડીનેટ્સને તેમજ કંપનીને તો ફાયદો થાય જ, પણ સૌથી મોટો લાભ તો ખુદ આપણને જ મળે." સુજલ કહે, "સાવ સાચી વાત તમારા આવા કાર્યોને લીધે તમે એટલાં બધાં લોકપ્રિય થઈ જાવ કે, વર્ષો સુધી તમને લોકો યાદ કરે. અને આતો ચગડોળ જેવું જ થયું, રીનાની ટ્રેનીંગથી રમેશ અંકલ નિષ્ણાત બન્યાં અને ઘણું કમાયા. એને લીધે તેમનો દીકરો સરસ ભણી શક્યો, અને એ દીકરો ભણીને મોટો સાહેબ થયો. તેણે વળી રીનાના દીકરાને ટ્રેનીંગ આપી! અને ઉજ્જવળ કારકિર્દી માટે મદદ કરી રહ્યો છે. એ રીતે ખરો ફાયદો પાછો રીનાને થયો, ગુડ. આતો ચગડોળ જેવું થયું, જ્યાંથી શરુ- ત્યાં જ પૂરું." એટલામાં નીખીલના ડેડ રમેશભાઈનો મોબાઈલ રણક્યો, તેની કોલરટયુન હતી, "ચરર ચરર મારું ચગડોળ ચાલે, ચરર ચરર મારું ચગડોળ ચાલે, ચક્કર ચૂં  ચીં ચીં, ચક્કર ચૂં ચીં ચીં બોલે, આજે રોકડા ને ઉધાર કાલે....." 


Rate this content
Log in