હતી એક મીઠી મજા યાદ આવી...
હતી એક મીઠી મજા યાદ આવી...
'આ છોકરી તારા માટે પરફેક્ટ લાગે છે.' એક સિનિયર મિત્રએ મારા કાનમાં કહ્યું. નવરાત્રીનું નવમું નોરતું હોવાથી છેલ્લે છેલ્લે ઝુમી લેવાનું અમારૂ ઝનુન અદ્વિતીય હતું. ત્યાં જ ઓરકેસ્ટ્રાની રમઝટ વચ્ચે અમારા કાનમાં મિત્રના આ સૂર પ્રવેશ્યા.
મેં ગરબા રમવાનું પડતું મૂકી થોડે દુર ખૂણામાં સખી સાથે ઉભી રહેલી ચણીયાચોળીમાં શોભતી એ ગોરી ચશ્મીશ કન્યા તરફ નજર કરી અને એ ગુજરાતી ટ્રેડિશનલ યૌવનની તલવારરૂપી ધાર મારા હ્રદયમાં એક ઘસરકો કરી ગઈ.
'આ પણ તારા જેવી જ ઈમોશનલ છે. કહે છે કે એ કોઈ પ્રેમી માટે અગાઉ સ્યુસાઇડ ટ્રાય કરી ચુકી છે.'
'કોઈ માટે જાન આપી શકે એવી છોકરી માટે જાન કુરબાન કરવી મને પણ ગમશે.'
'તો જા...કોની રાહ જુએ છે?' મિત્રએ ધબ્બો મારતાં કહ્યું.
*****
'હાઈ, મિસ____, તમે કદાચ મને ઓળખતાં જ હશો. હું કોલેજમાં તમારો સિનિયર છું.'
'હા,સરસ.. બોલો શું કામ છે?'
'વાત એમ છે કે દિલની લાગણીઓ હારી જઈને હું તમારો જુનિયર થવાની ઈચ્છા રાખું છું.' મેં શક્ય એટલી સાહિત્યિક ભાષામાં રજુઆત કરી.
'નાઇસ ટુ સી યુ, પણ તમારી કોઈ ભૂલ થાય છે. મારુ નામ____નહીં, પણ ____છે.'
'ઓકે. તમને એક્ટિંગ પણ સારી આવડે છે. જો કે એ નામનો વિવાદ પછી જોઈ લઈશું. હાલ તો મેં તમને કામની વાત કહી દીધી. સી યુ લેટર...'
વહેલી સવાર સુધી ગરબે ઝુમી લીધા પછી ઘરે આવીને પથારીમાં શરીર લંબાવ્યું અને એક નજર ફેસબુક પર કરી ત્યાં તો સવારના સૂરજ ઉગતાની પહેલા જ મારા દિલનો કૂકડો 'કુકડેકુક' કરી ઉઠયો.
'હેલ્લો, તમે આજે થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિગમાં મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે વાત કરી.'
'જુઓ મિસ____, મને વહેલી સવારે મજાક પસંદ નથી. પણ 'વોટસ ધેર ઈન અ નેઇમ?' કહેતો શેક્સપિયર પસંદ છે...'
'પણ સાંભળો...'
'અને હા... તમે મને પસંદ ન કરતા હો તો ક્લિયર ના પાડી શકો. પણ આમ તમારી ઓળખ બદલવાની ચાલાકી ના કરો. ગુડનાઈટ...'
*****
'એ સેકન્ડ યર સ્ટુડન્ટ છે. ને મારુ લેક્ચર આજે એના ક્લાસમાં છે. તું ચાહે તો ત્યાં આવી શકે.' સિનિયર મિત્ર ઉવાચ.
હું તો કોલેજ પુરી કરીને હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતો હતો. પણ આ ચશ્મીશ કમસિન કન્યા માટે ફરીથી કોલેજનું બોરિંગ લેકચર ભરવા તૈયાર થયો. એના ક્લાસમાં જઈને એની બરાબર સામેની બેન્ચ પર એના ચહેરાના પરફેક્ટ દર્શન થાય એ રીતે બંદા ગોઠવાઈ ગયા.
એ પિસ્તાલીસ મિનિટ સુધી અમે ચોરનજરે એકબીજા સામે જોઈ લેતા. ક્યારેક બેયની નજરો ભેગી થઈ તો એની નજરોય ઢળી ગઈ. લેક્ચર પૂરો થતાં એક નિસાસા સાથે હું ક્લાસની બહાર નીકળ્યો. ત્યાં જ મેસેન્જરની રોમેન્ટિક ટોન વાગી. અને સાચું કહું તો આટલા મહિનાઓમાં પહેલીવાર એ ટોન મને આટલી રોમાન્ટિક લાગી.
'હેલ્લો.. તમે મારા ક્લાસમાં આવેલા?'
'હા, હું પોતે જ સદેહે આવેલો. કોઈ શક?'
'ના. પણ હું તો આજે ક્લાસમાં નહોતી. મને તો મારી ફ્રેન્ડએ કહ્યું કે તમે આવેલા.'
'ઓહહ મિસ_____, તમે આ નામના ચક્કરમાં મને કન્ફ્યુઝ કરીને શેક્સપિયર પરથી મારો ભરોસો ઉઠાડી દેશો..'
'ઇટ્સ ઓકે, પણ શું કામ આવેલા ક્લાસમાં?'
'તમને કહ્યું તો ખરા કે, જિંદગીભર તમારા જુનિયર બનીને રહેવાનું એક સપનું છે મારું.'
'આઈ સી. પણ તમારી હજી ભૂલ થાય છે.'
'ભૂલ વગર તો પ્રેમ કેમ કરી શકું!'
'સરસ.. બોલો શું જોઈ લીધું મારામાં?'
'એક્ચ્યુલી, તમારા ભૂતકાળની કહાણી જાણીને તમારી સાથે પહેલી નજર મળતા પહેલાં જ પ્રેમ થઈ ગયો અને વર્તમાનને બાકીના ભવિષ્ય મસ્ટ તમારું છલકાતું રુપ ઘણું થઈ રહેશે.'
'ઇન્ટરેસ્ટિંગ....'
*****
દિવસો વીતતાં રહ્યા. વાતોનો દૌર આગળ ચાલતો ગયો. અલકમલકની વાતોમાં ઘણીવાર રાતો પુરી થઈ જતી. ક્યારેક હું મહેમાન કલાકારની જેમ કોલેજમાં પહોંચી જતો. આંખોના ઇશારાઓ-નજરોના કામણથી છુપા સંદેશાઓની આપ લે થઈ જતી. અમે બેય દોસ્તો-સખીઓથી ઘેરાયેલા રહેતા હોવાથી અંગત મુલાકાત શક્ય નહોતી. અને વધારે આગળ વધી જવાની કોઈ ખેવના પણ નહોતી. એના દર્શન થઈ જતા અને મેસેજીસમાં સ્વીટ સ્વીટ વાતો થયા કરતી એટલામાં ઘણો બધો સંતોષ મળી રહેતો.
'મેડમજી, મેસેજ મેસેજ તો ઘણું રમી લીધું, હવે જો તમારી ઈચ્છા હોય તો કોઈ કોફીશોપમાં પેસ્ટ્રીની સોબતમાં ઇશ્ક થઈ શકે તો આ જિંદગી જીવવા જેવી લાગે..'
'અફકોર્સ.. આઈ ડોન્ટ માઈન્ડ..'
'તો કયારે આપો છો એપોઇન્ટમેન્ટ?'
'એનીટાઈમ, પણ હું હજી તમને કહી દઉં કે..'
'ઓહ કમ ઓન યાર, તારી કેસેટ હજી નામ પર જ અટકેલી છે. ચાલ હું આવું છું કાલે કોલેજમાં. આજ તો યે ભી ઇમ્તેહા લે હી લેતે હૈ..'
*****
'તમારું કોલેજ આઈડી બતાવો તો મિસ____.'
સવારના પહોરમાં કોલેજના ગેટ પર એને અટકાવતા મેં કહ્યું.
'લ્યો. જોઈ લો...'
અને પછી જે ધડાકો થયો એ જાણ્યા પછી તો શેક્સપિયર મને દુશ્મન લાગવા માંડયો, અચાનક.
'થઈ ગયું સાબિત? મારુ નામ _____નહીં, પણ_____છે.'
'ઓકે, યુ કેન ગો...' એટલું જ જેમતેમ બોલી શકાયું.
*****
જીવાતી લાઈવ જિંદગી કોઈ ફિલ્મ તો નથી કે, સમાધાન કરીને પ્રેમથી શકે. એટલે આવી કહાણીઓમાં એન્ડ બહુ હેપ્પી કે ખાસ કરુણ હોતો નથી, બસ એન્ડ હોતો જ નથી. એક અલ્પવિરામ જેવું કઈક હોય છે. પણ મજાની વાત એ હતી કે હું એ બન્ને છોકરીઓને પ્રેમ કરતો હતો. એકનું રૂપ મને આકર્ષી ગયું હતું અને બીજીની સંવેદનશીલ વાતો... આનાથી પણ વધુ મજેદાર વાત એ હતી કે એ બંને છોકરીઓ પણ મને પ્રેમ જેવું કંઈક કરતી હતી. પણ પહેલા કહ્યું એમ, વાસ્તવિક જિંદગીમાં ક્યારેક પ્રેક્ટિકલ બનીને હેપ્પી એન્ડિંગ અશક્ય બની જાય છે. એટલે અમુક કહાણીઓ અધૂરી જ રહી જવાની છે... કાયમને માટે..
હજી એક મજ્જાની વાત કહું કે એ બીજો ચહેરો જે એ ધડાકા સુધી અદ્રશ્ય હતો એ આજે પણ અદ્રશ્ય જ છે. એ ચહેરો જોવાની ક્યારેય ઝંખના મેં કરી જ નહીં.
ખેર, હજી દિલના કોઈ ખૂણામાં એક ઝંખના ખરી કે હજી આવી જ નવરાત્રીની આવી કોઈ રાત આવે તો અગાઉ કરેલી ભૂલો ના કરીને બગડેલી બાજી સુધારી નાખું...!

