એક મુઠ્ઠી રાઈ
એક મુઠ્ઠી રાઈ
એક વિધવા સ્ત્રી હતી. તેને એક પુત્ર હતો. તે પોતાના એકના એક દીકરાને લાડકી ઉછેરતી.
એક દિવસ તેનો પુત્ર બીમાર પડ્યો. માતાએ પોતાના પુત્રની ઘણી સારવાર કરી. તેને સારામાં સારા દાક્તરની દવા આપવામાં આવી. આમ છતાં, તે બચી શક્યો નહીં.
એકના એક પુત્રનું અવસાન થતા એ સ્ત્રીને ભારે આઘાત લાગ્યો. તેેે હૈયાફાટ રૂદન કરવા લાગી. તે પોતાના મૃત પુત્રને વળગીને બેસી રહી. લોકોએ સબને સ્મશાને લઈ જવાની તૈયારી કરી પણ માતા કોઈને પોતાના મૃત પુત્ર પાસે આવવા દેતી ન હતી.
વિધવાના ઘરમાં ભેગા થયેલા પરગજુ લોકોની મૂંઝવણ વધી ગઈ. અવસાન પામેલી વ્યક્તિ કદી સજીવન થઈ શકે નહીં, આ વાત સમજવા એ સ્ત્રી તૈયાર ન હતી.
એક સજ્જનને એક યુક્તિ સૂઝી. તેમણે તે સ્ત્રીને ભગવાન બુદ્ધ પાસે જવાની સલાહ આપી.
વિધવા સ્ત્રી તરત જ પોતાના મૃત પુત્રને ભગવાન બુદ્ધ પાસે લઈ ગઈ. એણે પોતાના પુત્રને સજીવન કરવા ભગવાન બુદ્ધને આજીજી કરી.
ભગવાન બુદ્ધે તેને આશ્વાસન આપ્યું અને કહ્યું, તારા પુત્રને સજીવન કરવાનો એક જ ઉપાય છે. જે કુટુંબમાં કોઈનું અવસાન ન થયું હોય એવા ઘરેેથી તું એક મુઠ્ઠી રાઈ લઈ આવે તો તેના વડે હું તારા પુત્રને સજીવન કરી શકું.
તે વિધવા એક મુઠ્ઠી રાઈ માંગવા માટે ઘેર ઘેેર ફરવા લાગી. પરંતુ આખા નગરમાં તેને એક પણ એવું ઘર ન મળ્યું કે જ્યાં કોઈનું અવસાન ન થયું હોય !
આથી તેને જ્ઞાન થયું કે આ સંસારમાં જન્મ અને મરણનું ચક્ર સતત ફર્યા જ કરે છે. જે જન્મે છે, તેનું મૃત્યુ અનિવાર્ય છે. તેથી તેનો શોક કરવો વ્યર્થ છે.
અંતે સ્ત્રીનો પુત્ર માટેનો મોહ દૂર થયો.
