દગો
દગો


સીમ વચાળે આવેલા હનુમાનજીના મંદિરે એ સામાન લઈને સૌથી પહેલાં પહોંચી ગયો. પરિવારજનો અને મિત્રો પાછળથી આવવાના હતાં. રિક્ષાચાલક જ રસોઇયો હતો એટલે તેઓ બન્ને રસોઈની ગોઠવણ કરવા લાગ્યા. આજે એનો પહેલો પગાર આવ્યો હતો એનો જલ્સો હતો, સાથે માનતાનો મલીદો પણ.
તેના પિતાજીનું અકાળે અવસાન થવાથી ભણવાનું છોડ્યાને બે વર્ષ થયા છતાં નોકરી ધંધાનો મેળ પડતો ન હતો. ધંધો કરી શકે એટલા રૂપિયા ન હતા અને ન તો નોકરી કરી શકે એટલો અનુભવ ! ત્રણ-ત્રણ પેઢીથી જામેલો ધંધો કડડભૂસ થાય પછી એના દીકરાને મજૂરી કરવાનો વારો આવે તો વસમું તો લાગેને !
એની માએ ટોકટોક કરીને એના પપ્પાના મિત્રની પ્રા.લિ. કંપનીમાં નોકરીએ ચડાવ્યો હતો. શેઠ ધનસુખલાલના પેટમાંય મિત્રના ઘરનું અન્ન પડેલું. તેથી આ છોકરાને ઑફિસબોય તરીકે રાખી લીધો. મા-દીકરો તો આ નોકરીથી ખુશ હતા. બહેન સાસરે હતી, પણ જ્યારે તેના લગ્નમાં તો આખું ગામ ધુંમાડાબંધ જમેલું. બહારગામથી આવેલી મોટરકારને પાર્કિંગ કરવામાં શેરીઓ સાંકળી પડેલી. બહેનના સાસરે ઘણા વાના છે પણ ત્યાં લાંબો હાથ થોડો કરાય !
આ બે વર્ષમાં કોઈ સગા-સંબંધી ડોકાયા ન હતા, જો કે આજે મિત્રો અને સગાં-વહાલાં બધાં આવી ગયા. રસોઈ તૈયાર હતી પણ આરતી પછી જ પંગત પાડવાનું નક્કી થયું. અમૂક આરતીમાં જોડાયા અને બાકીના બગીચામાં ગપ્પા મારતા હતા. આરતી પૂરી થઈ એટલે ભોજન પિરસાયું. મંદિરનાં નિત્યક્રમ મુજબ કેસેટ પર ભજનના શબ્દો સંભળાયા, ‘કોઈ દિન પહેરણ હીર ને ચીર તો, કોઈ દિન સાદા ફરીએ ,ઓધવજી રામ રાખે તેમ રહીએ.’
જમતાં જમતાં એક સજ્જને એને પૂછ્યું, ‘બેટા, ભજન સાંભળે છે ને ?’ સજ્જનનો કહેવાનો અર્થ સમજી ગયો હોય એમ એણે જવાબ વાળ્યો, ‘હા કાકા, બધા નસીબના ખેલ છે. બે વર્ષ પહેલાં ભારત –ઈંગ્લેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચમાં જીત માટે ભારતને ત્રણ દડામાં ચાર રનની જરૂર હતી. વિરાટ કોહલીએ દગો ન દીધો હોત તો આજે આ દિન ન હોત ! ’
એણે મારેલા ઓચિંતા છક્કાથી સજ્જન અવાક્ રહી ગયા.