ડોરેમોન
ડોરેમોન
નોબિતા હંમેશાથી સિઝુકાને પસંદ કરતો. પણ ડેગીસુગી તેનાં રસ્તાનો કાંટો બની જતો. નોબિતા એક નંબરનો આળસું છોકરો હતો. પણ તે ક્યારેય કોઈ સાથે ખરાબ વર્તન નાં કરતો. કોઈને હેરાન નાં કરતો. એ તેની ખાસિયત હતી.
"ડોરેમોન...કાલે વેલેન્ટાઇન ડે છે. મારે સિઝુકાને મારાં દિલની વાત કહેવી છે." નોબિતા દર વખતની જેમ મોટાં મોટાં આંસુ સારતો ડોરેમોનની મદદ લેવા આવ્યો.
"આ દિલનો મામલો છે. આમાં હું મદદ નાં કરી શકું. આમાં તો તારે જાતે જ કંઈક કરવું પડશે." ડોરેમોન પોતાનાં વિચારો કહેવા લાગ્યો.
ડોરેમોન હંમેશા નોબિતાને બધી મુસીબતોથી બચાવતો. પણ સાથે સાથે નોબિતા પોતાનાં જીવનમાં કોઈ કામ જાતે કરે. એવી પણ તેની ઈચ્છા રહેતી. પણ નોબિતાએ ક્યારેય તેની એ ઈચ્છા પૂરી કરી ન હતી.
ડોરેમોને આ વખતે નોબિતા જાતે જ સિઝુકાને પોતાનાં દિલની વાત કરે. એ માટે મનોમન મક્કમ નિર્ણય કરી લીધો હતો.
"હું નહીં કરી શકું. હું કોઈ પણ કામ કરું. હંમેશા એમાં કોઈને કોઈ ગરબડ થઈ જ જાય છે." નોબિતા ડોરેમોનને ઈમોશનલ બ્લેકમેઇલ કરવા લાગ્યો.
"તો હું એક ગેજેટ ઓર્ડર કરી લઉં છું. એ તારી મદદ કરશે. પણ હજી એકવાર વિચાર કરી લે. જાતે કહેવાની એક કોશિશ કર." ડોરેમોને મનમાં જ કંઈક વિચારીને કહ્યું.
નોબિતા જાતે કંઈ કરવાનો ન હતો. એ વાત ડોરેમોન જાણતો હતો. ડોરેમોન ગેજેટ મંગાવી લેશે. એવું તેણે નોબિતાને કહી તો દીધું. પણ જેવો નોબિતા બહાર ગયો. એવું જ ડોરેમોને એક નકલી ગેજેટ રમકડાંની દુકાનમાંથી ખરીદી લીધું.
નોબિતા સાંજે ખુશ થતો થતો ઘરે આવ્યો. તેને ખબર હતી, કે ડોરેમોને ગેજેટ મંગાવી લીધું હશે. નોબિતા ફટાફટ પોતાનાં રૂમમાં ગયો.
"ગેજેટ આવી ગયું?? મને એ કેવી રીતે કામ કરે એ શીખવાડ." નોબિતા આવતાવેંત જ ઉત્સાહિત થઈને બોલવાં લાગ્યો.
"આ એક બટન છે. આને દબાવવાથી આમાં બે કલરની લાઈટ થાશે. જો સિઝુકા પણ તને પસંદ કરતી હશે. તો આમાં લાલ લાઈટ થશે, ને જો એ તને પસંદ નહીં કરતી હોય. તો લીલી લાઈટ થશે." ડોરેમોને ગેજેટ વિશે માહિતી આપી.
"ડોરેમોન...ખાલી લાઈટ થવાથી હું સિઝુકાને મારાં દિલની વાત કેવી રીતે કહી શકીશ?? ને ગમે તે સાધનમાં જો જવાબ 'હા' હોય, તો લીલી લાઈટ, ને જવાબ 'ના' હોય તો લાલ લાઈટ એવું હોય. તો આમાં ઉંધુ કેમ છે??" નોબિતા આમ તો અણસમજુ હતો. પણ આવી બાબતોમાં તેનું મગજ કંઈક વધારે પડતું જ કામ કરતું.
"આ પ્રેમનો મામલો છે. એટલે હાં હશે તો લાલ લાઈટ થશે. બીજી વાત એ, કે સિઝુકા તને પસંદ કરતી હશે. તો આ ગેજેટ તારે તેની સાથે શું વાત કરવી. એ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે." ડોરેમોને ગેજેટ કેવી રીતે કામ કરશે. એ અંગે જાણકારી આપી.
નોબિતા તો ગેજેટ પોતાનાં ઓશિકાં પાસે રાખીને, ખુશ થઈને સૂઈ ગયો. ગેજેટ નકલી છે. એ વાત માત્ર ડોરેમોન જ જાણતો હતો. નોબિતા એ વાતથી અજાણ હતો.
વહેલી સવારે ઉઠીને નોબિતા સિઝુકાને મળવાં જવાં તૈયાર થવા લાગ્યો. નોબિતાએ સિઝુકાને મુવી જોવા લઈ જવાનો, અને તેને આઈસ્ક્રીમ ખવડાવવાનો પ્લાન બનાવ્યો હતો. નોબિતા પોતાનાં પર્સમાંથી રૂપિયા લેવાં માટે પર્સને ખોલતો હતો. ત્યારે પર્સ ખોલતાં જ તેમાં રૂપિયા નથી. એવું તેને માલુમ પડ્યું.
"ડોરેમોઅઅઅઅઅન.... મારી પોકેટમનિ તો પૂરી થઈ છે. હવે હું સિઝુકાને મુવી જોવા કેવી રીતે લઈ જાવ??? તેને આઈસ્ક્રીમ કેવી રીતે ખવડાવું??" નોબિતા પોતાની પરેશાનીનું વર્ણન કરતાં કરતાં ફરી મોટાં મોટાં આંસુ સારવા લાગ્યો.
"કંઈ વાંધો નહીં. તું મારી પોકેટમની લઈ જા." ડોરેમોને પોતાની પોકેટમની નોબિતાને આપી દીધી.
"ડોરેમોન... તું બહું સારો છે. તું જ મને સમજે છે." નોબિતા ડોરેમનને માખણ લગાવવા તેનાં વખાણ કરવાં લાગ્યો.
નોબિતાને રૂપિયા મળતાં જ તે ફટાફટ સિઝુકા પાસે જવાં નીકળી ગયો. સિઝુકા તેનાં ઘરનાં દરવાજે જ નોબિતાની રાહ જોતી હતી. નોબિતાના આવતાંની સાથે જ બંને મુવી જોવા નીકળી પડ્યાં. મુવી જોઈને નોબિતાએ સિઝુકાને આઈસ્ક્રીમ ખવડાવ્યો.
રાત થવા આવી હતી. ધીમે-ધીમે અંધારું વધી રહ્યું હતું. બંને એક તળાવની પાસેથી પસાર થયાં. વાતાવરણ ખૂબ જ સુંદર હતું. નોબિતા અચાનક જ ચાલતાં ચાલતાં રોકાયો. સિઝુકા પણ તેની પાસે ઉભી રહી ગઈ. નોબિતાએ પોતાનાં પોકેટમાંથી ગેજેટ કાઢ્યું. ગેજેટ જેવું બહાર નીકળ્યું. તેમાં લાલ લાઈટ થઈ. લાલ લાઈટ થતાં જ નોબિતા ઉછળી પડ્યો. તે એકદમ સિઝુકાની લગોલગ ઉભો રહી ગયો. ત્યારે અચાનક જ નોબિતાને કોઈનો અવાજ સંભળાયો.
"તું મારી સાથે હોય, તો મારો દિવસ બહું સારો જાય છે. તું મારી પાસે હોય, ત્યારે મને બહું ખુશી મળે છે. તું ક્યારેય મારાથી દૂર નાં જતી. એમાં પેલાં ડેગીસુગી પાસે તો ક્યારેય નાં જતી. મને એ બિલકુલ પસંદ નથી. હું તને પસંદ કરૂં છું. આઈ લવ યુ સિઝુકા..." નોબિતા એ અવાજ સાંભળીને એ મુજબ જ બોલવાં લાગ્યો.
નોબિતાની વાત સાંભળી, સિઝુકાના ગાલ લાલ થઈ ગયાં. નોબિતા પણ સિઝુકાને એ રીતે જોઈને શરમાઈ ગયો. બંને ચુપચાપ શરમાતાં શરમાતાં એકબીજાને પ્રેમભરી નજરે જોતાં ઘર તરફ આગળ વધવા લાગ્યાં.
"ડોરેમોન...સિઝુકા પણ મને પસંદ કરે છે. મેં તેને મારાં દિલની વાત કરી. તો એ પણ શરમાઈ ગઈ. થેંક્યું સો મચ...તે મારી મદદ કરી." નોબિતા ઘરે પહોંચીને, ઉછળી ઉછળીને ડોરેમોનને બધી વાત કરવા લાગ્યો.
"મદદ?? મેં તો કોઈ મદદ નથી કરી." ડોરેમોન આછું સ્મિત કરતાં કરતાં બોલ્યો.
"તે જ તો મને ગેજેટ આપ્યું હતું. એટલે તો હું સિઝુકાને મારાં દિલની વાત કરી શક્યો." નોબિતાએ ઉછાળવાનુ બંધ કરીને, શાંત થઈને કહ્યું.
"એ તો એક રમકડું હતું. કોઈ ગેજેટ નહીં. એ રાતનાં અંધારામાં લાલ રંગનો પ્રકાશ ફેલાવતું. એમાં માત્ર લાલ લાઈટ જ થતી. ને તે સિઝુકાને જે કહ્યું. એ તારાં જ દિલનો અવાજ હતો.કોઈ ગેજેટનો નહિં. તું તારાં જ દિલનો અવાજ સાંભળી શકે. એવું એક ગેજેટ મેં તારાં દિલ પર લગાવી દીધું હતું." ડોરેમોને બધી હકીકત જણાવી.
નોબિતા પોતાનો શર્ટ કાઢીને ત્યાં કોઈ ગેજેટ છે કે નહીં. એ જોવાં લાગ્યો. ત્યાં સાચે જ એક ઘડિયાળ જેવું ગેજેટ હતું.
નોબિતાએ ગેજેટની મદદ જરૂર લીધી હતી. પણ એમાં તેને તેના જ દિલનો અવાજ સાંભળાયો હતો. આમ ડોરેમોને નોબિતા પાસેથી તે ખુદ સિઝુકાને પોતાનાં દિલની વાત કરે. એ ઈચ્છા પૂરી કરી લીધી હતી.
"ડોરેમોઅઅઅઅઅન.... સિઝુકા મને પસંદ નાં કરતી હોત તો?? એ મારી વાત સાંભળીને હંમેશાને માટે મારાથી દૂર થઈ જાત તો??" નોબિતા બધું સરખું થઈ ગયું હતું. તો પણ જોરજોરથી રડવા લાગ્યો.
ડોરેમોન તેને જોઈને હસતો હતો. કેમકે તે જાણતો હતો, કે સિઝુકા નોબિતાને પસંદ કરે છે. એટલે જ તેણે બધો પ્લાન બનાવ્યો હતો, કે નોબિતા કોઈ ગેજેટની મદદ વગર પોતાનાં દિલની વાત સિઝુકાને કરે.
ડોરેમોનનો પ્લાન પણ સફળ રહ્યો હતો. છતાંય ભોળો નોબિતા ખુશ થવાને બદલે રડતો હતો.
