DIVYA DESAI

Children Stories Children

4.7  

DIVYA DESAI

Children Stories Children

બુધ્ધિ શાળી બહેનો

બુધ્ધિ શાળી બહેનો

3 mins
718


માનપુર નામે એક ગામ હતું. તે ગામમાં ચોરોનો ખૂબ જ ત્રાસ હતો. વારંવાર ચોરીની ઘટનાઓ બનતી. કોઈના ઘરમાંથી દાગીના, વસ્તુ કે પૈસા ચોરાઈ જાય. તો વળી કોઈનું જાનવર ચોરાય. તો ક્યાંક કોઈના ઘેરથી વાહન ચોરાઈ જાય. પણ ચોર પકડાતા ન હતા. કારણ કે તે હથિયારોથી સજજ થઈ આવતા હતા. અને કોઈ પ્રતિકાર કરે તો તેના પર હુમલો કરતા. અને ઘાયલ કરતા. વળી મોંઢા પણ ઢાંકેલા રાખતા. એટલે કોઈ ઓળખી પણ ન શકે. આખું ગામ ચોરીની ઘટનાઓથી ત્રાસી ગયું હતું. છેવટે ચોરોને કેવી રીતે પકડવા તેના માટે ગામના સરપંચની હાજરીમાં એક મિટિંગ ભરાઈ.

બધાએ પોતપોતાનો મત રજૂ કર્યો. પણ સૌ જાણતા હતા કે બળથી ચોરોને પકડી શકાય તેમ નથી. તે માટે કોઈ યુક્તિ કરવી પડશે. સરપંચે ગામની સભામાં જાહેરાત કરી કે, " જે કોઈ ગામને ચોરોના ત્રાસથી મુક્ત કરશે તેને ઈનામ આપવામાં આવશે. "

 સરપંચે કરેલી જાહેરાતને વધાવી આશા અને આરતીએ ચોર પકડવાનું બીડું ઝડપી લીધું. ગામના સૌ વિચારમાં પડી ગયા કે આ બે બહેનો કેવી રીતે ચોર સામે બાથ ભીડશે. પણ ગામનું કોઈ વ્યક્તિ ચોરનો સામનો કરવા તૈયાર ન હતું. તેથી બધાએ તેમની પર વિશ્વાસ મૂક્યો.  

આશા અને આરતીએ ચોરોને પકડવા એક યોજના બનાવી. ગામમાં પ્રવેશવાનું મુખ્ય પ્રવેશદ્વાર છે. ત્યાં કોઈને ખબર ન પડે તેમ સીસીટીવી કેમેરા તથા લાઈટો લગાડી દેવાની સરપંચને આશા અને આરતીએ સૂચના આપી. આ બંને બહેનોના કહેવા મુજબ પ્રવેશદ્વાર પર સીસીટીવી કેમેરા અને લાઈટો લાગી ગઈ. બંને બહેનોએ તેમના મોબાઈલને સીસીટીવી કેમેરાથી કનેક્ટ કરી દીધા. જેથી મુખ્ય પ્રવેશદ્વાર પરની રાત્રી દરમિયાન થતી ગતિવિધિ જોઈ શકાય. વળી આ બંને બહેનો સવારે આરામ કરતી. અને રાત્રે ઘરમાં જાગતી હતી કે જેથી ચોરોને પકડી શકાય.

 આશા અને આરતી એક વાર મોડી રાત્રે પોતાના મોબાઈલ દ્વારા ગામના પ્રવેશ દ્વારની ગતિવિધિ જોઈ રહી હતી. ત્યાં તેમને બે-ત્રણ ગાડીઓ દેખાઈ. તે ગાડીમાંથી બુકાનીધારી માણસો ઉતર્યા. અને હાથમાં હથિયારો સાથે ગામમાં પ્રવેશતા દેખાયા. બંને સમજી ગઈ કે ગામમાં ચોર આવી રહ્યા છે તેથી તેમણે તરત જ પોતાના મોબાઈલમાંથી 100 નંબર ડાયલ કર્યો. અને પોલિસ અધિકારીને ગામમાં ચોર આવ્યા હોવાની જાણકારી આપી. તથા ચોર પકડવા અત્યારે જ પોલિસ કુમક સાથે ગામમાં આવવાની વિનંતી કરી. માનપુર ગામમાં ચોરી થાય છે એ બાબતની અરજી સરપંચે પોલિસ સ્ટેશનમાં કરી હોવાથી પોલીસ સફાળી જાગી. અને તરત જ પોલિસ અધિકારી ગાડી લઈને રવાના થયા.

 પોલિસ અધિકારીને વાત કર્યા પછી બંને બહેનોએ સરપંચને પણ ફોન કરી ગામમાં ચોર પ્રવેશ્યા હોવાની જાણ કરી. સરપંચને જાણ થતા જ ગામના કેટલાક હોંશિયાર લોકોને મોબાઈલ દ્વારા ચોર આવ્યા હોવાની માહિતી આપી. અને શેરીએ શેરીએ નાકાબંધી કરવાની સૂચના આપી. તથા ઢોલીને ઢોલ વગાડવાની સૂચના આપી કે જેથી ગામના બધા લોકો જાગતા થઈ જાય.

આ બાજુ પોલિસનો કાફલો માનપુરના ગામના પ્રવેશ દ્વાર પર આવી પહોંચ્યો. અને ત્યાં નાકાબંધી કરી દીધી કે જેથી કોઈ બહાર જઈ ના શકે. તથા ત્યાં પડેલા ચોરોના વાહનોને જપ્ત કરી લીધા.  

આ બાજુ ઢોલના અવાજથી ગામના લોકો જાગી ગયા. અને સમજી ગયા કે ગામમાં કોઈક હુમલો થયો છે. તેથી તે શસ્ત્રો સાથે સામનો કરવા ઘર બહાર નીકળી પડ્યા.

 ચોરી કરવા આવેલા ચોર આ બધી વાતોથી અજાણ હતા. એટલે જેવા એક બંધ ઘરમાં ચોરી કરવા એક શેરીમાં તેઓ વળ્યા કે સામેથી એક મોટું ટોળું હથિયારો સાથે એમની તરફ આવતું દેખાયું. આજ સુધી ચોરી દરમિયાન એકલદોકલ માણસ પર હુમલો કરતા ચોરોએ વિશાળ ટોળું જોયું તો ગભરાઈ ગયા. અને પકડાઈ ન જવાય એટલે બહાર તરફ ભાગ્યા. અને ગામના પ્રવેશદ્વાર પર આવ્યા. પણ પ્રવેશદ્વાર પર પહેલેથી જ પોલિસ કાફલો હાજર હતો. જેથી ચોર બહાર ભાગી શકે તેમ ન હતા. અને બધા ચોરને પકડી લેવામાં આવ્યા. તથા પોલિસ સ્ટેશને લઈ જઈ સજા કરવામાં આવી.

 આમ,આશા અને આરતી બન્ને બહેનોની હોશિયારી અને બુદ્ધિથી માનપુર ગામ ચોરોના ત્રાસમાંથી મુક્ત થયું. બધા ગામલોકો ખુશ થયા. આ બંને બહેનોને સરપંચે જાહેરમાં બિરદાવી. તથા તેમને ઈનામ આપવામાં આવ્યું. અને તેમના અભ્યાસનો ખર્ચ સરપંચે ઉપાડી લીધો.

એટલે જ કહેવત છે 'બુદ્ધિ આગળ બળ પાણી ભરે. '


Rate this content
Log in