Mitra Writes

Others Inspirational

4  

Mitra Writes

Others Inspirational

અનામી સ્ત્રી...

અનામી સ્ત્રી...

10 mins
13.5K


દરરોજની જેમ આજે પણ મીસીસ. મહેતા, ચોકડી પાસે ઊભી રહેતી શાકની લારી પર ભાવતાલ કરી રહ્યા છે. રોજ બેંકની નોકરી પતાવી, ઘરે પાછા ફરતી વખતે, બીજી કેટલીય લારીઓ છોડીને બસ આ જ લારીએથી શાક લેવું, અને ભાવતાલ કરાવવા નાનીમોટી રકઝક કરવી, આ હવે એમના નિત્યક્રમ નો જ એક ભાગ થઈ ચૂક્યો હતો. જેમ સવારે વહેલા ઊઠી, પતિ સાથે ચા પીવી, અને પછી ઘરનું કામ પરવારી, બેંકની નોકરીએ જવું, એ જેમ એમનો નિત્યક્રમ હતો, એમ જ આ રકઝક કરવી, પણ એમનો નિત્યક્રમ બની ચૂક્યો હતો.

ક્યારેક શાકભાજીવાળો પણ દલીલ કરતો, કે “તમે તો મેડમ છો... શું બે રૂપિયા માટે રકઝક કરો છો...!” અને મીસીસ મહેતા એને હંમેશાની જેમ જવાબ આપતા, “હું તારા ભાગનું લઈ લેવામાં માનતી નથી, કારણકે એમાં તારી મેહનત છે. અને એ જ રીતે હું મારી કમાણી ના બે રૂપિયા પણ વેડફવામાં માનતી નથી... કારણકે એમાં મારી મહેનત છે...!” અને શાકવાળો અબોલ બની, એમની વાતો સાંભળી રહેતો, અને તેઓ પણ બીજી લારીઓ છોડી એની પાસેથી જ શાક લેવાનો આગ્રહ રાખતા, એટલે એ પણ તેમના ભાવે તેમને શાક આપી દેતો.

મીસીસ. મહેતાનું રોજ શાકભાજી લેવું, અને શાકવાળા સાથે રકઝક કરવી, એ જેમ એમનો નિત્યક્રમ હતો, બસ એમ જ તેમને, રોજ આ રકઝક કરતા જોઈ રહેવું એ... લારી જ્યાં ઊભી રહેતી હતી, એ પાસેના કોમ્પલેક્ષમાં બીજા માળે રહેતી સ્ત્રીનો નિત્યક્રમ હતો !

ઉંમરે માંડ ત્રીસી બેઠી હતી, અને છતાંય એ એટલી જ આકર્ષક લાગતી હતી !

રોજ સાંજે બાલ્કનીમાં આવી છોડને પાણી પાવું, અને પછી ત્યાં જ ખુરશીમાં બેસી, ચાની ચુસ્કીઓ ભરવી, અને બાલ્કનીમાંથી દેખાતી દુનિયા, લોકોની ચહેલપહેલ જોઈ રહેવી એ એની સાંજનો નિત્યક્રમ હતો. કદાચ એને બાલ્કનીમાંથી, પસાર થતા હજારો, અનામી લોકોના સંપર્કમાં આવ્યા વિના પણ એમને ઓળખાવું ગમતું હતું!

આપણા જીવનમાં પણ એવા કેટલાય 'અનામી' લોકો હાજર હોય છે, જેને જોવું, અને મળવું આપણા નિત્યક્રમમાં વણાઈ ચુક્યું હોય છે... જેમ કે, રોજ સવારે મોર્નિંગ વોક પર મળતા કેટલાય અજાણ્યા, છતાં ઓળખીતા ચેહરાઓ !

રોજ સવારે મદિરમાં મળતા એ કાકા ! રોજ બસસ્ટેન્ડ પર એના પપ્પાને મૂકવા આવતો એ છોકરો ! રોજ બસ પાછળ દોડતો એ યુવક, જે હંમેશા લેટ જ હોય છે ! રોજ ઓફીસ જતા મળી જતા એ ચેહરાઓ ! કોલેજ જતા જતા એકબીજાની મસ્તી કરતા એ છોકરાઓ ! રોજ પોતાના બાળકો માટે કંઈક લઈને જઈ રહેલ એક બાપ ! કે પછી પોતાના બાળકને કેડ પર મૂકી કામે જઈ રહેલ એ મજૂરીયાત સ્ત્રી! અને આવા અનેક અનામી લોકો અનાયસે જ આપણા જીવનનો હિસ્સો બની જતા હોય છે!

આમની સાથે આપણી ક્યારેય વાત નથી થઈ, કે નથી એકબીજાને ઓળખતા, અને છતાંય અનાયસે જ, એક લાગણીના તાંતણે તેમની સાથે જોડાઈ જવાય છે... અને એક એવો સંબંધ રચાય છે, જેને કોઈ જ ઓળખ કે નામ નથી આપી શકાતા, એને બસ અનુભવી જ શકાય છે...!

કોઈક દિવસ જો એમને જોવાનું ચૂકી જઈએ, તો મનમાં ક્યારેક કુવિચાર પણ આવી જાય છે, કે 'કંઈક અઘટિત તો નહીં બન્યું હોય ને!?' અને આ લાગણીઓ નથી તો બીજું શું છે! અને આ જ તો છે, જે સબંધોને જીવડાવે છે...!

બસ આવો જ એક સંબંધ, બીજા માળે રહેતી એ સ્ત્રી અને મીસીસ. મહેતા વચ્ચે સ્થપાઈ ચૂક્યો હતો ! રોજ સાંજે શાકની લારીએ મીસીસ.મહેતાનું શાક લેવું, અને એ સ્ત્રીનું હજારો અજાણ્યાઓને જોતા જોતા, મીસીસ.મહેતાને પણ જોઈ લેવું...

આ બંનેના નિત્યક્રમમાં વણાઈ ચૂક્યું હતું. અને ક્યારેક નજરો ના ટકરાવ, સાથે સ્મિતની પણ આપ-લે થઈ જતી. અને આ નિત્યક્રમ લગભગ છેલ્લા એક વર્ષથી તેમના જીવનનો જ એક ભાગ બની ચૂક્યું છે. પણ આજ સુધી બંનેએ ક્યારેય એકબીજા સાથે વાત કરી નથી. રવિવાર કે બેંક હોલીડે હોય ત્યારે, એ સ્મિતની આપ-લે થઈ શકતી નહી, અને તેથી બંને ને દિવસ દરમ્યાન ‘કંઈક’ ખૂટ્યું હોય તેવું લાગ્યા કરતું !

આમ જ સાંજો વીતતી ગઈ, દિવસો વિતતા ગયા, અઠવાડિયાઓ વિતતા ગયા, અને હવે એ નિત્યક્રમને એક વર્ષ ઉપર ત્રણ-ચાર મહિનાઓ વીતી ચૂક્યા! સ્મિતની આપ-લે હજી પણ એમ જ ચાલુ છે, પણ કોણ જાણે કેમ, છેલ્લા કેટલાય દિવસથી પેલી સ્ત્રી તરફથી આવતા સ્મિતમાં એક ખાલીપો, એક ઉદાસી ભળી ગઈ છે...!

એ સ્મિત માત્ર સ્મિત નથી લાગતું, દર્દ છુપાવવા માટે લગાવેલ મુખોટું લાગી રહ્યું છે! અને આ વાત મીસીસ.મહેતાને ખૂંચી પણ રહી છે... પણ તેમનાથી વાત નથી કરી શકાતી.

‘આખરે કયા હકથી એની સાથે વાત કરું? શું છું હું એની? -કોઈ જ નહીં...! માત્ર એક અજાણી સ્ત્રી! અને એના હાસ્ય પાછળના રુદનનું કારણ જાણવાનો હક કેટલો મને?’, આવા અનેક પ્રશ્નો, અને એના જવાબો મીસીસ.મહેતાને રોકી લેતા હતા.

અને એવું જ કંઈક સામે પણ અનુભવાઈ રહ્યું હતું... એક અજાણ્યો ખટકાટ...!

પણ એક દિવસે સામેના પક્ષેથી એ ખચકાટ દુર થયો, અને એ સ્ત્રી શાક લેવાને બહાને નીચે આવી.

લાંબા સમયથી સ્મિતની આપ-લે કરતી એ બંને સ્ત્રીઓ આજે એકબીજાની લગોલગ ઊભી હતી, છતાંય અજાણ્યાઓની જેમ વર્તી રહી હતી. 

શાકની ખરીદી બાદ, મીસીસ મહેતા રોજની જેમ રકઝક કરવા લાગ્યા, અને એ જોઈ પેલી સ્ત્રીના મુખેથી સ્મિત વહી ગયું. એ જોઈ, બંને એકબીજા સામું હસ્યા. મીસીસ.મહેતાએ અને પેલી સ્ત્રીએ શાકના પૈસા ચૂકવ્યા. અને થોડુંક ચાલ્યા બાદ, મીસીસ.મહેતાએ એને હળવેકથી પૂછી લીધું... “કંઈક થયું છે!?”

કદાચ પ્રશ્ન પૂછી બેઠાં બાદ તેમને એમ પણ લાગ્યું કે 'ન પૂછવું જોઈતું હતું...!' પણ પોતાના વર્ષોના અનુભવ થકી તેઓ એટલું તો સમજતા જ હતાં કે, કોઈનું દુઃખ નું ભલે નિદાન ન કરી શકીએ, પણ એનું દુઃખ માત્ર સાંભળી પણ લઈએ, તો પણ એનો અડધા ઉપરનો બોજ હળવો કરી શકીએ છીએ !

તેમના એકાએક પ્રશ્નથી ક્ષણભર માટે બંને વચ્ચે મૌન છવાઈ રહ્યું.

“ઘરે ચા પીવા આવશો..?”, પેલી સ્ત્રીએ સામે પ્રશ્ન કર્યો.

મીસીસ.મહેતાને શરૂઆતમાં ખચકાટ થયો, પણ અંતે એમણે આંખો થકી સંમતી દર્શાવી અને બંને જણા કોમ્પલેક્ષમાં પ્રવેશી, બીજા માળે તેના ઘરે પંહોચ્યા.

મીસીસ.મહેતાને બેસાડી અને પાણી આપી, એ સ્ત્રી રસોડામાં ચાલી ગઈ. અને થોડી જ વારમાં ચા બનાવી લાવી. એ પરથી મીસીસ.મહેતાએ અંદાજો લગાવ્યો કે, એણે ચા પહેલાથી જ બનાવી રાખી હતી, અંદર તો માત્ર એ ચા ગરમ કરવા જ ગઈ હતી.

થોડીક મીનીટો સુધી બંને વચ્ચે શબ્દોનો ખાલીપો રહ્યો, એન માત્ર ચાની ચુસ્કીઓ લેવાતી રહી.

“તો શું થયું છે...?”, મીસીસ.મહેતાએ ફરી એ જ પ્રશ્ન કર્યો. “કંઈ જ નહીં... મને ક્યાં કશું થયું છે...!”, એણે નજરો ચુરાવતા જવાબ આપ્યો.

“કદાચ હું તારી માટે અજાણી છું, માટે તું મને કહેતા ખચકાતી હોઈશ... પણ તારા હાસ્ય પાછળનું દર્દ મેં જોયું છે. વાળની આ સફેદી મેં કંઈ તાપમાં ફરીને નથી મેળવી...! જાણું છું, સમજુ છું... અને માટે જ પૂછું છું...!”

“ન છુપાવવા જેવું કંઈ છે જ નહિ... અને સામે, મારી પાસે કહેવા લાયક પણ કઈ જ નથી... !”, અને આટલું બોલતા સુધીમાં એક આંસુ વહીને તેના ગાલ પર આવી અટકી પડ્યું.

મીસીસ.મહેતાની અંદર રહેલ મમતા જાગી ઊઠી, તેનું આંસુ લુંછવાની અને તેને બાથમાં લઈ લેવા સુધીની ઈચ્છા તેમને થઈ આવી, પરંતુ હમણાં તેમણે ભાવના પર કાબુ રાખી, હાથમાં રહેલ કપની ફરતે પકડ જમાવી સંતોષ માન્યો. ક્ષણભર રહી તે સ્વસ્થ થઈ, અને એણે બોલવાનું ચાલુ કર્યું...

“હું મૂળ મુંબઈથી છું. પણ અભ્યાસ અહીં ગુજરાતમાં, મોસાળમાં રહીને કરેલ. અને ભણવામાં પણ ખૂબ હોંશિયાર હતી. કોલેજમાં પણ હમેશાં ટોપ-ટેનમાં મારું નામ રેહતું. અને એ જ કોલેજમાં ભણાવતા એક યંગ પ્રોફેસર સાથે મારે પ્રેમ સંબંધ બંધાયો. તેઓ પણ મને એટલો જ પ્રેમ કરતા હતા. મારી કોલેજ પત્યા બાદ, અમે લગ્ન કરી લીધા...! પણ મારા માતા-પિતાને અમારો સંબંધ ના-મંજૂર હતો, એટલે તેમણે મારી સાથેના દરેક સંબંધ કાપી નાખ્યા.

થોડા વર્ષો પહેલા તેમની બદલી અહીં થઈ, અને અમે અહીં રેહવા આવી ગયા. લગ્નની શરૂઆતી વર્ષોમાં બધું જ ઠીક હતું... ! પણ ત્યાર પછી મારા પ્રત્યે તેમનું વર્તન બદલાવા માંડ્યું હતું... ક્યારેક તેમની શર્ટમાંથી મુવીની ટીકીટસ મળતી, તો ક્યારેક શર્ટ પર લીપ્સ્ટીકના દાગ... ! હું તેમને પ્રશ્ન પૂછતી, તો તેઓ ક્યારેય સરખો જવાબ આપતા નહી... !

હું, પતિ પર શંકા કરનારી ટીપીકલ પત્ની નહોતી બનવા માંગતી, પણ તેમનું બદલાતું વર્તન મને એ તરફ ઢસડી રહ્યું હતું. એક વખત મેં તેમને અન્ય સ્ત્રી સાથે કઢંગી હાલતમાં રંગે હાથ પણ પકડ્યા છે... ! પણ ત્યાર બાદ મારા માટે જીવવું મુશ્કેલ બની ગયું છે, નાનીનાની બાબતે તેઓ મારી સાથે મારપીટ કરે છે... અને એ બધા પાછળ મને જ દોશી ઠેરવે છે... કે તું મને સંતાન નથી આપી શકતી, તારી સાથે રેહ્વાનો પણ કોઈ અર્થ નથી...! અને મને છોડી દેવા સુધીની ધમકીઓ તેમણે આપેલ છે...!

અને હમણાં છેલ્લા થોડા દિવસ પહેલા તો એ માણસે તેની હેવાનીયતની બધી જ હદો પાર કરી નાખી, જ્યારે એ એના કોઈ મિત્રને ઘરે લાવ્યો, અને મને તેની સાથે સહશયન કરવા કહ્યું....”

તેના એ છેલ્લા શબ્દોથી મીસીસ.મહેતાના શરીરમાંથી કરંટ પસાર થઈ ગયો, અને હાથમાં દબાવીને પકડી રાખેલ કપ અચાનક જ છુટીને પડી ગયો. ફર્શ આખા પર, ચા અને પોર્શેલીનના ટુકડા પથરાઈ ગયા.

પેલી સ્ત્રી ચોધાર આંસુએ રડી રહી હતી... અને અહીં મીસીસ.મહેતા પાસે પણ કહેવા માટે કોઈ શબ્દ ન હતા... કહે તો શું કહે...? ‘હિંમત રાખ, બધું સારું થઈ જશે’ એમ !? એ સ્ત્રી પોતાના સ્મિત પાછળ લાંબા સમયનું દર્દ છુપાવી લેતી હતી, એણે હજી કેટલી હિંમત રાખવી... !?

થોડીવાર એમ જ બેસી રહી, મીસીસ.મહેતા એકાએક ઊભાં થઈ ગયા, અને પૂછ્યું..., “તો તું હજી સુધી અહીં છું જ કેમ...!?”

પેલી સ્ત્રી નજરો ઉઠાવી એમને જોતી રહી, નિશબ્દ ! તેની પાસે આપવા માટે કોઈ જવાબ ન હતો, અને કદાચ આ એ જ સવાલ હતો, જે એ પોતાના અંતરમનને પૂછવાથી ભાગી રહી હતી ! એ જ સવાલ, જે એ ક્યારેય પોતાને કરવા નહોતી માંગતી, અને આજે એ જ સવાલ, એક અજાણી સ્ત્રીએ એની સામે લાવીને મૂકી દીધો હતો !

મીસીસ.મહેતા બીજું કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા... એ સ્ત્રી એમ જ ભીંજાયેલી આંખોથી તેમને જતા જોઈ રહી... અને તેમના ચાલ્યા ગયા બાદ પણ કેટલાય સમય સુધી એ ખુલ્લા દરવાજાને જોતી જ રહી... અને પોતાને જ પૂછતી રહી, કે ‘શા માટે એ, આજ સુધી એ ઉંબરો વટાવી જવાની હિંમત નથી કરી શકી !’ પણ જવાબમાં કોઈ એવું ખાસ કારણ પણ મળ્યું નહી... અને એ વાત તેને વધુ દુઃખી કરી ગઈ !

બીજા દિવસે સાંજે બંને ફરીથી એકબીજા માટે અજાણ્યા બની ગયા, અને ફરી પહેલા ની જેમ સ્મિતની આપ-લે થઈ. અને આ સ્મિતમાં કોઈ સહાનુભુતિ કે આશ્વાશન પણ ન હતું. કદાચ મીસીસ.મહેતા કોઈને હમદર્દી જતાવી કમજોર બનાવવામાં માનતા નહીં હોય ! આમ જ બે-ત્રણ અઠવાડિયા વીતી ગયા.

એવી જ એક સાંજે પેલી સ્ત્રીએ બાલ્કનીમાંથી ઈશારો કરી, મીસીસ.મહેતાને રોકાવા જણાવ્યું, અને નીચે આવી. આજે તેના ચેહરા પર એક અલગ જ નૂર છલકતું હતું. તેણે મીસીસ.મહેતાને એક પરબીડિયું પકડાવ્યું અને કહ્યું “થેંક યુ...!”

“થેંક યુ ? એ શા માટે...? અને આ પરબીડિયામાં શું છે...?”

“એમાં તમારા માટે એક પત્ર છે... જે તમારે કાલે સવારે નવ વાગ્યે જ ખોલવાનો છે... !”

“પણ કાલે સવારે જ કેમ...? મારા માટે જ છે તો હમણાં વાંચવા દે ને...” કહી તેમણે પરબીડિયું ખોલવાનો પ્રયાસ કર્યો... પણ એણે તેમના હાથ પકડી લઈ, રોકી લીધા, અને કહ્યું... “કાલે સવારે નવ વાગ્યા પહેલા આને ન ખોલતા, તમને મારા સોગંદ છે...” અને એ ચેહરા પર સ્મિત રમાવી ચાલી નીકળી.

ઘરે આવી તેમણે એ લેટર ટેબલ પર મૂક્યો અને ઘરકામમાં લાગી ગયાં, પણ જ્યારે જ્યારે એ લેટર પર નજરો અથડાતી, ત્યારે મનમાં પ્રશ્નો નું વાવાઝોડું ઉઠતું... કે ‘આખરે એવું તો છે શું એ પત્રમાં... !?’

પણ આખરે એ પરબીડિયું ખોલવાનો પણ સમય આવી ગયો, સવારે ૮:૫૫થી જ મીસીસ.મહેતા ઘડિયાળની એક એક સેકન્ડની હરકત નોંધી રહ્યા હતા, અને નવના ટકોરે એમણે એ પત્રમાં રહેલ શબ્દોને આઝાદી અપાવી, પત્ર વાંચવાનું શરુ કર્યું...

“થેંક યુ સો મચ અગેઈન...
હું ધારું છું ત્યાં સુધી, તમે મારી વાત નું માન રાખ્યું જ હશે, અને હમણાં આ પત્ર વાંચતી વખતે નવ જ વાગ્યા હોવા જોઈએ...!

આ પત્ર તમને આ જ સમયે વંચાવવા પાછળ પણ એક કારણ છે... તમે જ્યાં સુધી આ પત્ર ખોલીને વાંચશો ત્યાં સુધીમાં હું ચાલી ગઈ હોઈશ... તમારાથી ઘણી જ દુર...”

મીસીસ.મહેતાનો શ્વાસ અધ્ધર થઈ આવ્યો, તેમણે આગળ વાંચ્યું...

“ના..ના, તમે એમ ન ધારતા કે હું આત્મહત્યા કરીશ... માનું છું જરા ડરપોક છું, પણ એટલી પણ નહિ કે જિંદગી જ જીવવાની છોડી દઉં. અને એ પણ જાણું છું, કે આ જિંદગીએ એવું કઈ ખાસ આપ્યું પણ નથી, પણ હવે આપશે...! કારણકે હું માંગીશ... અને એણે આપવું જ પડશે... નહી આપે તો છીનવી ને પણ લઈશ... પણ હવે હું મારી જિંદગી મારી મરજી પર જીવીશ !”

મીસીસ.મહેતાની આંખનો ખૂણો સહેજ ભીનો થઈ આવ્યો, તેમણે આગળ વાંચ્યું...

નાનપણથી સ્ત્રીને સહન કરતા જ શીખવવામાં આવ્યું છે, પણ જ્યારે સ્વમાન હણાય ત્યારે બળવો કરતા કેમ કોઈ નથી શીખવતું...!? મારા અંદર પણ બળવો પોકારવાની એક આગ હતી, જે કદાચ હું સહનશક્તિ નીચે ઢાંકી, ઓલવવા જઈ રહી હતી... પણ તમે મારી સામે એક પ્રશ્ન મૂકી જઈ, એ આગને હવા આપી...! એ બદલ તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો પડશે...!

“ક્યાં જાઉં છું, શું કામ જાઉં છું, એ નથી ખબર... પણ બસ આ નર્કમાંથી જાઉં છું એટલી જ ખબર છે...! અને શક્ય છે, કે હવે આપણે ક્યારેય ન પણ મળી શકીએ, એટલે જ આ પત્ર થકી તમારો આભાર માનું છું...!

થેંક યુ, ......, અરે ! મને તો તમારું નામ પણ ખબર નથી...! હું તો તમને હંમેશા મારા જીવનને વળાંક દેનારી, એક ‘અનામી સ્ત્રી’ તરીકે ઓળખીશ... અને તમે પણ મને એક અજાણી સ્ત્રી તરીકે જ ઓળખજો... ! આપણા સંબંધ ને ક્યારે નામ ની જરૂર રહી જ છે... ! અસ્તુ.”

અને મીસીસ.મહેતાની આંખો ચોધાર આંસુએ વહેવા માંડી, તેમણે એ પત્ર છાતી એ ચાંપી લીધો, કારણકે મનના એક ખૂણે, એને છાતીએ ચાંપી ન શકવાનો એક વસવસો રહી ગયો હતો.

આજે પણ મીસીસ.મહેતાનો નિત્યક્રમ એ જ છે... પણ બસ ફક્ત સામેની બાલ્કનીમાંથી આવતું સ્મિત ચાલ્યું ગયું છે... ! અને ‘એ જ્યાં પણ હશે ત્યાં એના ચેહરે સ્મિત રમતું હશે’, એવો ભાવ રાખી આજે પણ મીસીસ.મહેતા એ ખાલી બાલ્કની તરફ જોઈ સ્મિત રેલાવી દે છે...!


Rate this content
Log in