STORYMIRROR

PRAJAPATI TUSHAR

Children Stories Inspirational Children

4  

PRAJAPATI TUSHAR

Children Stories Inspirational Children

આશાનું કિરણ

આશાનું કિરણ

4 mins
284


એક પચીસેક વર્ષનો છોકરો જે અભ્યાસની સાથે સાથે ઓફિસ-બોયની નોકરી કરતો હતો. તેની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેની પાસે કોઈ વાહન ન હતું, જેથી તેને રોજ ઓફિસે ચાલીને જવાની આદત પડી ગઈ હતી. એટલે એ પોતાની ઓફિસ તરફ આશરે ત્રણ કિલોમીટર જેવું રોજ ચાલીને જતો. ક્યારેક કોઈક બાઈક કે, ગાડીવાળા લોકો નીકળે તો ઓફીસ સુધી તેને લઈ જતા. નહીંતર તે ચાલીને ઓફિસે ક્યારેક વહેલા તો ક્યારેક મોડા સમયે પહોંચતો.

આમ એક દિવસ એ છોકરો ખૂબ જ થાકેલો અને નિરાશ થયેલો સવારમાં આશરે નવ વાગ્યે તેની ઓફિસ તરફ જવા માટે ચાલીને નીકળ્યો. તે દિવસે તેને લાગ્યું કે, આજે વધારે ચાલીશ તો ખૂબ થાકી જઈશ. કેમ કે તે આગળના દિવસે સાંજે ઓફિસથી ચાલીને ઘેર આવ્યો હતો. અને સાંજે ઘેર આવ્યા પછી પણ તે શરીરના સ્વાસ્થ્ય માટે સરકારી સ્કૂલમાં કસરત કરવા અને દોડવા જતો. એટલે આજે તેણે કોઈ નજીક પડે તેવા રસ્તા પર ચાલવાનું નક્કી કર્યું. જે રસ્તા પર એક વિશાળ મેદાન અને મેદાન પછી થોડા મકાનો આવતા. જ્યાં માણસોની અવર-જવર ઓછી થતી અને એ વિસ્તાર પણ શાંત રહેતો હતો. જ્યાં અવાજ ઘોંઘાટ ઓછા થતાં એટલે તે રસ્તા પર તેને ચાલવાનું ખૂબ ગમતું. કેમ કે તે રસ્તા પર તેના મગજને થોડી શાંતિ મળતી. અંદાજે આ છોકરો તેના ઘરથી 800 મીટર જેટલું ચાલે ત્યારે તે મેદાન પાસે પહોંચી જતો.

આમ નિરાશ થયેલો આ છોકરો તે મેદાન તરફ વળ્યો અને આગળ ચાલવા લાગ્યો અને મનમાં વિચારવા લાગ્યો. કે હંમેશા સારા વ્યક્તિ જ કેમ હેરાન થતા હશે. પોતે ખૂબ જ મહેનત કરતો પણ તેને ક્યારેય સફળતા જ ન મળતી. હંમેશા નિષ્ફળતાને શરણે જઈ પડતો. કોઈ સારા અધિકારીએ એને કહેલું કે, જો આપણે મહેનત કરીએ તો ઈશ્વર આપણને નસીબ કરતા પણ વધારે સારું આપવા મજબૂર થઈ જાય. એટલે તે ક્યારેક ક્યારેક નિરાશ થતો પણ પછી પાછો મહેનત કરવા લાગી જતો.

આમ વિચાર કરતા કરતા આગળ ચાલતો જતો હતો કે, દૂરથી અચાનક! તેણે એક દ્રશ્ય જોયું; એક ત્રણેક વર્ષનું નાનું કોમળ બાળક એક દેશી મકાનની ડેલી પાસે ઊભાં ઊભાં ડેલી ખોલવાનો પ્રયાસ કરતું. પેલો છોકરો મેદાન તરફ આવતા આવતા દૂરથી આ દ્રશ્ય નિહાળતા નિહાળતા નજીક આવ્યો અને જોયું કે, બાળકની ઉંચાઈ ડેલી ખોલવાના હેન્ડલની કડી સુધી પહોંચતી જ ન હતી. એ છોકરો થોડો બાળકબુદ્ધિનો એટલે આ દ્રશ્ય જોવા માટે ઊભો રહ્યો અને બાળકના ડેલી ખોલવાના પ્રયાસને હસતાં હસતાં જોવા લાગ્યો. આ નાનું બાળક આગળ શું કરે છે, તે જોવા માટે ખૂબ જ આતુરતાથી રાહ જોવા લાગ્યો. બાળકે ડેલી ખોલવા માટે ખૂબ જ પ્રયાસ કર્યાં. છતાં પણ

તે ડેલીના હેન્ડલ સુધી પહોંચી ન શક્યો, એટલે તે તેના પગની આંગળીઓ પર ઊંચો થઈ થઈને હેન્ડલ સુધી પહોંચવા ફરી પ્રયાસ કરવા લાગ્યો. પણ જેવો તે હેન્ડલ પકડે કે તરત જ નીચે પડી જતો. ફરી એ બાળક ઊભું થયુ અને આજુ-બાજુ જોવા લાગ્યું અને થોડી વાર ઊભું રહ્યું. વળી પાછું ઉપર આકાશ તરફ જોવા લાગ્યું. ખબર નહિ કે, તેના મનમાં શું ચાલતું હશે. આસપાસ જોવે અને ફરી પ્રયાસ ચાલુ કરે.

આમ ખૂબ જ પ્રયાસ કર્યા પછી તે થાકી ગયો અને રડવા લાગ્યો. અને ઊભો રહી ગયો. થોડી વાર થઈ ત્યાં પાછો તે ડેલી ખોલવા રડતાં રડતાં ડેલી પાસે ગયો અને ફરીવાર પ્રયાસો ચાલુ કર્યાં. આમ લગભગ દશેક મિનિટ આ દ્રશ્ય પેલો પચીસ વર્ષનો છોકરો હસતાં મોઢે જોતો રહ્યો. પછી તેને આ બાળકના રડવા પર દયા આવી એટલે તે ડેલી પાસે જઈ અને તે બાળકને ડેલી ખોલી આપી. ડેલી ખોલતા જ નાનું બાળક ખૂબ ખુશ થયુ અને હસવા લાગ્યું અને ડેલી કૂદી દોડીને અંદર જતું રહ્યું.

આ બાજુ પેલો નિરાશ થયેલો છોકરો તેની ઓફિસ તરફ વિચાર કરતો કરતો ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા ખુશ પણ થતો જતો; પહેલીવાર તેને એક નાના બાળક પાસેથી એ શીખવા મળ્યું કે મહેનત કરીએ તો ઈશ્વર પણ મદદ કરવા મજબૂર થાય છે. તે સમજી ગયો હતો કે શા માટે તેને આજે આ નજીક પડે તેવા રસ્તા પર ચાલવાનું મન થયું. જેનું કારણ એક જ હતું કે, ઇશ્વર આજે બે વ્યક્તિની મદદ કરવા માંગતા હતા. એક તો પેલું બાળક કે, જે વારંવાર ડેલી ખોલવા માટે પ્રયાસ કરતું હતું અને બીજી તરફ જે પોતે જ નિરાશ થયેલો હતો એટલે તેને પ્રેરણા મળે અને તે પાછો મહેનત કરવા લાગે. આમ એ છોકરાને હવે સમજાય ગયું હતું કે, મહેનતમાં કેટલી તાકાત છે. તેને આ દ્રશ્ય જોઈને લાગી આવ્યું કે નસીબના ભરોસે ક્યારેય ન બેસી રહેવું જોઈએ અને સતત મહેનત કરતા રહેવું. 

આમ છોકરાએ મનમાં વિચાર્યું કે, પેલું બાળક જો ડેલી ખોલવા માટે પ્રયાસ ન કરતું હોત અને ફક્ત ડેલી પાસે ઊભાં ઊભાં કોઈની રાહ જોયા કરે કે, કોઈ આવશે અને ડેલી ખોલશે. તો હું કે બીજી કોઈ વ્યક્તિ તેને ડેલી ખોલવા મદદ ન કરી શક્યા હોત. કારણ કે બધાને એવું જ લાગ્યું હોત કે બાળક એમ જ ખાલી રમતું હશે.

માટે આ બાળકની જેમ જો સતત મહેનત કરતા રહીએ તો ક્યારેક ઈશ્વર પણ આપણી આ મહેનત જોઈને આપણને મદદ કરવા મજબૂર થશે. આમ આ છોકરાને એક ત્રણ વર્ષના બાળક પાસેથી; મહેનત કરવાથી ઈશ્વરની મદદ મળે છે. એવું એક આશાનું કિરણ મળી ગયું.

બોધ :- ઈશ્વર નસીબની રાહમાં બેસી રહેતા લોકને નહીં પરંતુ મહેનત કરતા લોકોને મદદ કરે છે.


Rate this content
Log in