આજની વાત - ૨
આજની વાત - ૨
કાલ સાંજથી વરસતો વરસાદ આજે જરાક ધીમો પડ્યો. પણ ખુશ્બુની અંદર ચાલી રહેલા વિચાર થોભવાનું નામ જ નહોતા લેતા. આજે પણ દરરોજની જેમ કામ પતાવીને પોતાની રોજનીશી લખવા બેસી ગઈ. આઠમા ધોરણથી એનો નિયમ હતો કે રોજબનતી ઘટનાઓનું વર્ણન લખવું. એની ડાયરી એની સૌથી સારી દોસ્ત, ક્યારે પણ બોલે નહીં બસ સાંભળ્યા કરે, અને આંખોમાંથી ક્યારેક વરસતા નીરને કોરાપાનામાં સમાવી લે. લગ્ન પછી પણ આ નિયમમાં ઝાઝો ફર્ક ના આવ્યો. પતિ તરીકે દોસ્ત મળે એવું એક સપનું જોઈને બેઠી હતી. નાદાન એ શું જાણે કે સપનાઓ પણ બધાં ક્યાં પૂરા થાય છે ?
પણ આજે ખુશ્બુ જરા વધારે વ્યથિત હતી. કારણ હતું સોશ્યલ મીડિયા પર એની નણંદ અને નણદોઈ એ જે મતિમંદ બાળકો અને વૃદ્ધો ને આપેલા દાન ના ફોટો અને એ ઉમદા કાર્ય માટે લોકો તરફથી મળેલા લાઈક્સ અને કમેન્ટ્સ. ના એવું બિલકુલ ના હતું કે એને આ વાત ગમી ના હોય અથવા તો આવા સારા કાર્ય કરવા ગમતા ના હોય. વાત ઘણી અલગ જ હતી. ખુશ્બુની સામે ૯ વર્ષ પહેલાની ઘટના કોઈ ફિલ્મની માફક ફરવા લાગી. એ દિવસે મારી સગાઈ થઈ હતી અને મોટા અદાના ઘરથી મારી નણંદનું ઘર નજીક હોવાથી મને ત્યાં લઈ જવામાં આવી. એમના બંન્ને બાળકો બહુજ સારી રીતના મારી સાથે ભળી ગયા અને મારાથી પૂછાઈ ગયું દીદી ઘરમાં તમે લોકો જ છો ? તો મારી નણંદ એ જવાબ આપ્યો હતો કે હા કારણ મારી એક નણંદ મતિમંદ છે અને બાળકો જો એની સાથે મોટા થાય તો એલોકો ને સારા સંસ્કાર ના આવે.
ઉદય એ જયારે ખુશ થઈને ફોટોસ બતાડ્યા ત્યારે ખુશ્બુ એ મનમાં રાખેલી વાત ઉદયને પૂછીજ લીધી, કાશ કે અગર દીદીના નણંદ ને સોશ્યલ મીડિયા વાપરતા આવડતું હોત તો એ પણ સચવાઈ ગયા હોત ને ? કોઈ લકવા ગ્રસ્ત બાપ ટોયલેટપોટ માટે પોતાના દીકરાનો મોહતાજ ના હોત જો એને સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતા આવડતું હોત. એક વખત વિચાર કરી ને ખરેખર કહેજો સાચું દાન કયું ?
આજે હિંમત કરી ને બોલ્યા પછી એને ખરેખર સારુ લાગતુ હતું. એક ઊંડો શ્વાસ ભરી એ ફરી પોતાની ડાયરી લખવામાં મશગુલ થઈ ગઈ.
