માણસ ઊભો કરવો છે
માણસ ઊભો કરવો છે
1 min
170
જાતપગેરું શોધે એવો માણસ ઊભો કરવો છે.
પડછાયાનો પીછો છોડી, ખુદનો પીછો કરવો છે.
નીકળે તો સામેવાળાની આંખોમાંથી પણ નીકળે;
આંસુ માટે મારે એવો સીધો રસ્તો કરવો છે.
એ પોતે કણસે છે અંધારાનાં કાળા કળતરથી;
જેની હેઠે અજવાળું હો, એવો દીવો કરવો છે.
કાં તો મારામાં સંકેલું, કાં તો ખુદને ઘોળી નાંખું;
ગમે એ રીતે પણ આજે, દરિયો મીઠો કરવો છે.
સુકાન તારા હાથોમાં છે, એ બાબતની ફિકર નથી;
મારે કેવળ તેં પકડેલો નક્શો સીધો કરવો છે.
એણે બંધ કર્યાં છે એ બાજુના સઘળા રસ્તાઓ.
મારે આ બાજુનો એક જ રસ્તો ખુલ્લો કરવો છે.
