STORYMIRROR

Sarla Sutaria

Others

3  

Sarla Sutaria

Others

માડી મારી શીતળ છાંય

માડી મારી શીતળ છાંય

1 min
27.6K


માડી તારી છાયામાં જોને શીતળ લહેરખી વાય.

તે આપ્યા મને જિંદગીભરના હાશ અને મલકાટ
માડી તારી છાંયામાં જોને શીતળ લહેરખી વાય

તડકો તો હડી કાઢી ભાગે તું જો માથે હાથ જ મૂકે
ટાઢને બકરી ચરી જાયે તું તારા પાલવે મને ઢબૂરે
તવ મમતાની છાયામાં મને તાપ ના વર્તાય
માડી તારી છાયામાં જોને શીતળ લહેરખી વાય

નિશાળમાં તું મૂકવા આવે પાલવની ધરી છાંયા માથે
પ્રેમથી પટાવી મને કેડે બેસાડે દફતર ઉંચકે એક જ હાથે
અલક મલકની વાતો કરતી રસ્તો કાપતી જાય
માડી તારી છાંયામાં જોને શીતળ લહેરખી વાય

તું લાગણીની વહેતી સરીતા ડુબકી દઈ હું વ્હાલે ભીંજાઉં
ભરતીની કોઈ સીમા નડે ના તારા વ્હાલની હુંફમાં ભીંસાઉં
તું મારી નૈયાની નાખુદા તું જ મારી પતવાર
માડી તારી છાંયામાં જોને શીતળ લહેરખી વાય

કદી રિસાઉં કદી તોફાન મસ્તી કદી કરું હું ઝાઝી ધમાલ
તારી આંખે અમી વરસતાં જાણે એ હો મારી કમાલ
તું મારા જીવતરની ગાડી પાટા પર લઈ જાય
માડી તારી છાંયામાં જોને શીતળ લહેરખી વાય

આજ હું દુર તારાથી તોયે તારા હ્રદયમાં વાસ જ મારો
દિલની વાતો દિલથી પરખે તું છે મારા જીવનનો પાયો
તારા વિના મારા મન મંદિરમાં કદી ઉજાસ ન થાય
માડી તારી છાંયામાં જોને શીતળ લહેરખી વાય






Rate this content
Log in