લાડકડીનાં લગન લીધા
લાડકડીનાં લગન લીધા
1 min
284
તોરણ બાંધી મંડપ રૂડા બાંધિયા,
આંગણામાં ફૂલડાં વેરાવ્યા છે આજ,
લાડકડીનાં લગન લીધા...
ગ્રહશાંતિને ગણેશ હરખે બેસાડયા,
રૂડા આવ્યા મામેરાને મે'માન આજ,
લાડકડીનાં લગન લીધા...
મમતાનું મીંઢળ બાંધીને પાનેતર રૂડા પહેર્યા,
દીકરીએ સોળે સજ્યા છે શણગાર આજ,
લાડકડીનાં લગન લીધા...
આવી-આવી આંગણિયે જાન રૂડી,
વરને હરખે પોંખે છે માતા આજ,
લાડકડીનાં લગન લીધા...
જવ-તલ હોમાયને હસ્તમેળાપ થાય,
એવા મંગલફેરા ફરાય છે આજ,
લાડકડીનાં લગન લીધા...
આવી-આવી વસમી વેળા કન્યા વિદાયની,
કઠણ હૈયાનો બાપ રડી રહ્યો છે આજ,
લાડકડીનાં લગન લીધા.
રહેજો સુખેથી મારી લાડકડી સાસરે,
બેટા તુતો છે બે કુળની તારણહાર,
લાડકડીનાં લગન લીધા.
