અમારી ગૂર્જર ભૂમિ
અમારી ગૂર્જર ભૂમિ


જ્યાં સંત શૂરા દાતાર નરોની છલકે છે અમીરાત,
સો લાખનમાં એક અમારી ગૂર્જર ભૂમિ માત.
નરસૈં,અખો, દયારામને દલપતનાં ગીત ગુંજે,
નર્મદ, ગોવર્ધન,જોશી વળી મુન્શીને સૌ પૂજે;
કવિ કાગને મેઘાણીની કલમે નવલી ભાત,
સો લાખનમાં એક અમારી ગૂર્જર ભૂમિ માત.
અંબા બેઠાં ઉત્તરે ગબ્બર, પાવે માતા કાલી,
ચોટીલાના ડુંગર માથે ચામુંડા હાવજ વાળી,
ગગનચુંબી ઊંચેરા ગિરનારની ન્યારી વાત,
સો લાખનમાં એક અમારી ગૂર્જર ભૂમિ માત.
બનાસ, રૂપેણ, સરસ્વતીના ઉત્તરે ગુણ ગવાય,
મહિસાગરને સાબરમતી તો દરિયા સમ લહેરાય;
મા રેવાનાં મીઠાં નીર તો પ્હોંચે છે દિનરાત,
સો લાખનમાં એક અમારી ગૂર્જર ભૂમિ માત.
સત્ય, અહિંસા, વૈષ્ણવજનની મૂરત ગાંધી બાપુ,
સરદાર પટેલની હિંદમાં ચારેબાજુ થાતી વાતું,
કૈક થયાને થાશે અહીંયા એવા બંકા બાળ,
સો લાખનમાં એક અમારી ગૂર્જર ભૂમિ માત.