દેખાય છે
દેખાય છે
નથી થતું ધરા અને ગગનનું મિલન,
તોય દૂરની ક્ષિતિજ કિનારે દેખાય છે.
બસ એવી જ રીતે તું નથી હોતી જ્યાં,
ત્યાં તારી અસર ખૂબ વધારે દેખાય છે.
હું લખું ને તરત જ તું જીવંત થાય છે;
તેને જ તો આ જગમાં પ્રેમ કહેવાય છે!
તું કંઈ ના કહે તો પણ બધું સમજાય છે,
તેને જ તો આ જગમાં પ્રેમ કહેવાય છે.
ગઝલને નથી લાગતી નજર દુનિયાની,
એ તારા રૂપની સ્યાહી ઓઢીને જાય છે.
ના વરસાદ હોય કે ના વાછટ હોય છે,
માત્ર તને જ જોતાં લાગણી ભીંજાય છે.
તારી ચાહમાં ખુદને જ ભૂલી જવાય છે,
તેને જ તો આ જગમાં પ્રેમ કહેવાય છે.
અહીં ચારેબાજુ તું હોવાનો અહેસાસ છે,
તો પણ હંમેશા તારી ઉણપ વર્તાય છે.
પથ્થરો લાગ્યા નહીં આજ સુધી દોસ્તો!એક જ ફૂલથી જિંદગી આખી ઘવાય છે.
તારા વિશે લખું ને તને ક્યાં સમજાય છે,
“અંકિત” તેને જ જગમાં પ્રેમ કહેવાય છે.