ઉમ્રભર
ઉમ્રભર
1 min
13.4K
એક પળ ખાતર જિવાયું ઉમ્રભર,
એક પળનું સુખ સવાયું ઉમ્રભર.
કમનસીબી કલ્પનાને દાદ દે,
કલ્પનામાં તો મળાયું ઉમ્રભર.
એક સાદું વાક્ય જે ના કહી શક્યો,
એ ગઝલ રૂપે લખાયું ઉમ્રભર.
ના કદી વરસ્યું, ન વિખરાયું કદી,
વાદળું મનમાં છવાયું ઉમ્રભર.
કોણ ધક્કો મારતું- અટકાવતું,
કેમ ના કૈં પણ થવાયું ઉમ્રભર?
'હર્ષ' કેવું ભાગ્ય જાવું'તું કશે,
ક્યાંક બીજે જઈ ચઢાયું ઉમ્રભર.