પરત મળે
પરત મળે
1 min
13.8K
નૂતન વરસમાં વહાલથી વ્હાલા પરત મળે
તમને સ્વજનની હૂંફનાં તડકા પરત મળે
આ વર્ષે મોસમોથી બસ એવું જ માંગશું
કલરવ વગરની ડાળને ટહુકા પરત મળે
લાવો તમારો હાથ તમારી જરૂર છે
દુનિયાને માણસાઇનાં દીવા પરત મળે
વીત્યા વખતથી એટલું માંગી રહ્યો છું દોસ્ત
જેમાં તમે હસ્યાં'તા એ ઘટના પરત મળે
અંધારું થઇ ગયું છે તો અજવાળુ પણ થશે
નવલા વરસમાં આટલી શ્રઘ્ઘા પરત મળે