ઠઠાબડો
ઠઠાબડો
ઠઠાબડો રોજ એના માથા ઉપર ગૂંચળું વળીને બેસી રહે છે. પછી સાંજ ઢળેને એ અમળાય છે. નળિયાળા ઘરમાં ઉંદરો હડિયો કાડે, ત્યારે ઠઠાબડો જ હડિયો કાઢે છે, એવો ભ્રમ એને કોરી ખાય છે. પણ જ્યારે ઠઠાબડાનું શરીર સડેલા કાદવ જેવું ગંધાય છે, ત્યારે એના ન હોવા વિશેનો ભ્રમ તૂટી જાય છે. છતાંય,એ ડચકારિયો કરીને, ઉંદરોને ભ્રમમાં નાખે, ત્યારે એ ભ્રમને પણ ભ્રમનો સળવળાટ થાય છે.
ઠઠાબડો આખું મોં ફાડીને કોઈ ઉંદર દબોચી લે, ત્યારે કોઈ કોમળ પંજાનો ભાસ થાય છે. પછી ઉંદરોનું પિચકાઈને કણસવું, દરની દિવાલોનું મૌન થઈ ધ્રુજવું, એ દરના ગરમ અંધકારની ચાદર ઓઢીને,એનું ઘસઘસાટ ઊંઘવું, એકાંત ફાડી ખાય છે.
આ ઠઠાબડો રોજ સાવારે બ્રાહ્મમુહૂર્તમાં જાગી સૂર્યસ્નાન કરે છે. ત્યાં સુધી કોઈને પણ ખબર નથી, કે એના પેટમાં કેટલા ઉંદરો હશે ? એ ઉંદરો એના પેટમાં પચી જાય, એ પહેલાં જ એની પીઠને કોરી કોરી દર જેવું બનાવી ફર્યા કરે છે, બહાર નીકળવાનાં ફાંફાં મારતા હોય તેમ.
ઠઠાબડો આમ તો સોનેરી-લીસ્સી સુંવાળી કાયાનો, પણ એ લપસી જાય, ત્યારે પડતો નથી. લબડી રહે છે, ઉંદર જેવો જ આકાર ધરીને.
એક સમય હતો, જ્યારે ઠઠાબડો મોં ખોલીને બેસી રહેતો, અનેે ઉંદરો પોતનો દર સમજીનેે, સ્વયં એનુું ભોજન બનતા હતા. પણ હવે ઉંદરો ખુટી ગયા છે, તેથી છાપરે હડિયો કાઢતા નથી. આખું છાપરું ઊંધું-છતું કરીને થાકી ગયેલો ઠઠાબડો વીલે મોંઢે, અજવાળે અંજાતો અંજાતો, છાપરાને અડીને ઉભેલા સાગવૃક્ષની બખોલમાં ધીમેક રહીને પેસી જાય છે. બખોલમાં કાબરના ચાર ઈંડા, એ ચાઉં કરી જાય, પછી એ બખોલમાં જ ગુંચળું વળીને રાતની ઊંઘ પૂરી કરે છે.
ઠઠાબડો જાગે,ત્યા રે ભોળી કાબર, ઇયળ,અળસિયાં એના મોં આગળ ધરે છે. ઠઠાબડો બહાર નથી આવતો, માત્ર મોં એકલું જ બતાવીને ફરી પાછો પેલી ભ્રમની રમત શરૂ કરે છે. ભોળી કાબર એનું બચ્ચું સમજીને બખોલની બહારથી જ ઇયળ, અળસિયાં ખવડાવ્યે રાખે છે.
ઠઠાબડો હવે હડિયો કાડતો નથી. બેઠાબેઠ ખાઈ-પી ને ફૂલ્યો ફાલ્યો છે. બખોલ પણ હવે નાની પડી છે, તેથી બખોલમાં જ ફસાઈ ગયો છે. કાબર ખવાડી ખવાડીને કટાંળી ગઈ છે, થાકી ગઈ છે. એટલે કાબર હવે આવતી નથી. એ બખોલમાં બરાબર ફસાઈ ગયો છે. એનાથી ભૂખ સહન થતી નથી. એની પીઠમાં પડેલા દરમાંથી ઉંદરો બહાર આવે, કાબરનાં ખાધેલાં ઈંડા હવે, કાબર બની બહાર આવે. તો ઠઠાબડો પાતળો થાય ! તો જ એ બખોલમાંથી મુક્ત થાય !
ઠઠાબડો એવા ભ્રમમાં છે, હજીયે બખોલમાં ગુંચળું બનીને...
(ઠઠાબડો = એક જાતનો અજગર જેવો દેખાતો સાપ)