Sanjay Nayka

Others

4  

Sanjay Nayka

Others

સ્વાર્થ અને વિશ્વાસ

સ્વાર્થ અને વિશ્વાસ

28 mins
14.3K


‘યુવાની છે જ ખુલ્લા આકાશમાં વિહરવાની.યુવાની તો છે યુવાનોની ઇચ્છા પુરી કરવાની ! હાય યુવાની …..નાનપણથી યુવાની સુધીના સફરમાં દિલના એક ખૂણામાં સંગ્રહ કરેલા સપના સાકાર કરવાની.
નાનપણથી જે યુવાનીના વાદળોને જોતા આવેલા તે વાદળો પર સવારી કરવાની.
કોઈની કારકિર્દી પસંદ કરવાની, કોઈને જીવનસાથી પસંદ કરવાની, 
તો કોઈને એકબીજા સાથે જીવનભર સાથ નિભાવવાની. 
નાનપણ ઝાંખું પડી જાય, ઘડપણ ઘરડું થઈ જાય, પણ યુવાની તો એમને એમ રહેવાની. 
યુવાની તો છે યુવાનોની ઇચ્છા પુરી કરવાની ! હાય યુવાની‘

 ચિરાગે પોતાના આશિકી અંદાજમાં કવિતાને પૂર્ણ વિરામ આપ્યો અને સાથે કૉલેજના સાથી
મિત્રોએ તાળીઓ સાથે તેને વધાવી લીધો. કોઈકે તેનો વિડીયો સોશીયલ મિડીયા ઉપર અપલોડ કર્યો
તો કોઈએ ચિરાગ સાથે ચહેરો મચળતા સેલ્ફી પણ ખેંચી. ચિરાગ કૉલેજનો હીરો બની બેઠો છે.ચિરાગના સ્વભાવની વાત કરીએ તો....
ચિરાગ ફક્ત બે જ સાથે પાકી મિત્રતા રાખતો, એક તો છોકરીઓ સાથે અને બીજો તેનો નાનપણનો મિત્ર દીપક સાથે.
ચિરાગ અને દીપકની દોસ્તીની પાર્ટનરશિપ હજી કૉલેજના છેલ્લા વર્ષ સુધી બરકરાર છે. ફિલ્મ શરાબીમાં એક ડાયલૉગ છે ‘મુછે હો તો નથ્થુલાલ જૈસી વરના ના હો
તેમ કૉલેજીયનોએ બન્નેની દોસ્તી માટે કહતા હતા કે ‘દોસ્તી હો તો ચિરાગ ઔર દીપક જૈસી વરના ના હો ‘
પણ..... હકીકત કંઈક જુદી જ હતી. જેમ દીપક અને ચિરાગ સમાનાર્થી નામો છે તેટલી જ અસમાનતા બન્નેના સ્વભાવમાં હતી.

 ચિરાગ ખુશમિજાજ અને રંગેલો વ્યક્તિ હતો. તે જિંદગીના હર એક પલ, હર એક ક્ષણ, હર એક રંગમાં રંગવા માંગતો હતો. હમેશા ખુશ રહેતો અને બીજાને ખુશ કરતો. આટલાં વર્ષની દોસ્તીમાં દીપકે તેને દુ:ખી કે ઉદાસ જોયો ન હતો. દુઃખ તો કદાચ તેનાથી દૂર જ ભાગતું હોય એમ હતું. પણ તેનું મન ખૂબ ચંચલ હતું. કોઈ એક જગ્યા પર સ્થિર જ ના રહેતું કારણ કે અત્યાર સુધી તે કેટલીય છોકરીઓ સાથે લફડા કર્યા હશે. કેટલી છોકરી સાથે હર્યો ફર્યો હશે. પણ કોઈ એવી છોકરી ના મળી કે જેની સાથે તેણે વધુ સમય ગુજાર્યો હોય. એક ઉદાહરણ આપુ તો કોઈ ખોટું નથી કે તે એક ટ્રેન જેવો હતો. જેમ ટ્રેન કૂઇ એક પ્લેટફોર્મ ઉપર વધારે સમય સુધી ઊભી નથી રહેતી. એક સ્ટેશનથી બીજા સ્ટેશન કરતી જ જાય છે તેમ તે પણ એક છોકરીથી બીજી છોકરી તરફ આકર્ષતો ગયો અને લફડા કરતો ગયો. આ બધાં કિસ્સાનો એક માત્ર ગવાહ હોય તો તેનો મિત્ર - દીપક.

હવે વાત કરીએ દીપકની. જેમ ચિરાગ જિંદગીના હર એક પલનો આનંદ લેવા માંગે છે તેમ દીપક બસ જિંદગી સાથે રહેવા માંગે છે. શાંત રહેવું, કામ પૂરતી વાત, ભીડથી અલગ રહેવું. આ બધું તેના સ્વભાવમાં હતું. તે તેના માઁ-બાપનો એક માત્ર દીકરો હતો. માઁ-બાપના પૈસે ભણતો હતો. તેના માઁ-બાપ તેને કેમ-કેમ કરીને ભણાવે છે તે બસ દીપક અને તેના માઁ-બાપ જ જાણે છે. તેથી દીપકનું લક્ષ્ય બસ એટલું જ હતું કે કૉલેજ પાસ કરીને પોતાનો બિઝનેસ શરૂ કરીને માઁ-બાપનું દેવું ઉતારવું અને માઁ-બાપનું નામ રોશન કરવું. તે લક્ષ્ય ને પામવા માટે પોતાને મહેનતની ભઠ્ઠીમાં ઝોકી દીધો હતો.

આમ ચિરાગ છોકરીથી જેટલો નજીક હતો તેટલો જ દૂર દીપક હતો.

ભલે બન્નેના સ્વભાવ અને વિચાર અલગ હોય પણ બન્ને દોસ્તીથી અલગ થયાં નથી. કૉલેજના સાથી મિત્રો આવી દોસ્તી જોઈને થોડા અદેખાઈ પણ કરતા અને કહેતા કે આ બન્નેની દોસ્તીમાં તિરાડ ત્યારે જ પડશે જ્યારે બન્નેની દોસ્તીના વચ્ચે એક છોકરી આવશે.

 શિયાળાની ગુલાબી ઠંડી કૉલેજના યુવાનોને ધ્રુજાવતી હતી. તે સમયે જ નવોદિત વિદ્યાર્થીની 'દીયા'નું આગમન થયું. દીયા ચાલુ છત્રમાં કૉલેજમાં પ્રવેશ લેવાનું કારણ તેના પપ્પાનું ટ્રાન્સ્ફર હતું. દીયાને ભગવાને ગજબનું સૌંદર્ય બક્ષ્યું હતું. આંખો એવી જેને કોઈ પણ અપલક જોવા રાજી થઈ જાય, વાળ કાળા ઘેરાયેલા વાદળ જેવા હતા જેમા કોઈ પણ ખોવાઈ જવા તૈયાર થઈ જાય, હોઠ ગુલાબી ગુલાબ જેવા. જેમ શેર માર્કેટમાં શેરોના ભાવો ઉછાળા મારતા હોય છે તેમ કૉલેજના છોકરાઓના હૈયા ઉછળવા લાગ્યા હતા. દીયા કૉલેજમાં આવતાની સાથે જ છવાઈ ગઈ હતી. દીયા જ્યારે પણ આવતી-જતી હતી ત્યારે હર એક કૉલેજીયનની તેના ઉપર અચૂક નજર કરતા. જેમ ગોળની સુગંધથી ક્યાં ક્યાંથી મંકોડાઓ ભેગા થઇ જતા હોય છે તેમ તેની એક ઝલક પામવા કૉલેજના યુવાનો તેની આજુ-બાજુ ફરકતાં હતા. હર એક છોકરો તેના સાથે વાત કરવા અને ફોન નંબર મેળવવા મથામણ કરતો. સમજી લો કે દીયા સાથે ફ્રેન્ડશિપ કરવાની હરીફાઈ જેવી જામી હતી. હવે જ્યાં આવી હરીફાઈ જામી હોય ત્યાં કૉલેજનો હીરો ચિરાગ કેમ પછાડી રહે ? છોકરી સાથે ફ્રેન્ડશિપ કરવામાં તો તે સૌનો ગુરુ હતો.

‘ હેલ્લો હું ચિરાગ ’ – ચિરાગે દીયાને રોકીને કહ્યું

‘ પ્રિન્સિપલની ઓફિસ ...? ’ – દીયા સામો સવાલ પૂછ્યો.

‘ ઓહ્હ ...પ્રિન્સિપલની ઓફિસ ...? હું તમને લઈ જાઉં છું. તમને ખોટું ના લાગે તો એક વાત કહું? મે તમને કશે જોયા છે.’ ચિરાગે દીયા સાથે ફ્રેન્ડશિપ કરવા 1970નો ફિલ્મી ડાયલૉગ માર્યો.

‘મને એવું લાગે છે કે આ ડાયલૉગ જુનો છે’

‘હા ડાયલૉગ જુનો છે પણ હું નવો છું’

દીયા નાનકડું હસી અને બન્ને પ્રિન્સિપલની ઓફિસ તરફ જવા નીકળ્યા. ચિરાગે દીયાને પ્રિન્સિપલની ઓફિસ વચ્ચે કૉલેજના ખૂણે ખૂણાનો પરિચય આપ્યો. ક્લાસરૂમ, સ્ટાફરૂમ, કેન્ટીન, પ્લેગ્રાઉન્ડ અને છેલ્લે તો લેડીસ બાથરૂમનું સરનામું આપી જ દીધું. ચિરાગના પગ સાથે તેની વાત પણ ચાલતી હતી. દીયા મનમાં મનમાં વિચારતી હતી કે ચિરાગને મળ્યાને થોડી ક્ષણ જ થઈ છે પણ ચિરાગ તો એવી રીતે તેના સાથે વર્તી રહ્યો જાણે તે અને દીયા વર્ષોથી એકબીજાને ઓળખતા હોય!

‘આ રહી સામે પ્રિન્સિપલની ઓફિસ‘ ચિરાગે કહ્યું

‘થેન્ક યુ’ – દીયાએ આભાર માન્યો

‘બસ થેન્ક યુ?  

‘તો? શું કહું?’

‘એક કામ કરીએ કાલે મળીને કહું શું કહેવાનું છે. કેન્ટીન તો ખબર છે કાલે મળીએ કેન્ટીનમાં આ સમયે’ - આટલું કહી ચિરાગ ત્યાંથી જવા નીકળ્યો.

‘હેલ્લો ચિરાગ’ – દીયાએ તેને રોકતા કહ્યું.

ચિરાગ ચહેરા પર સ્મિત ફેરવતો દીયાને જોયું.

‘દીયા...મારું નામ દીયા છે’ – દીયાએ વાળની લટને કાનમાં ખોસતા અને હોઠને દબાવતા કહ્યું

દીયાના જવાબથી ચિરાગ એટલો ખુશ થયો કે જાણે કૌન બનેગા કરોડપતિનો પહેલો પડાવ પાર કરી દીધો હોય!

ખરેખર દીયા હતી પણ એવી ખૂબસુરત કે હર કોઈ તેના દિવાના હતાં અને આ દિવાનાઓની લિસ્ટમાં એક નામ ચોરી છૂપે સામેલ થઇ ચુક્યુ હતું અને તે નામ હતું - દીપકનું.

દીપક પણ દીયાની ખૂબસૂરતી સામે તેના વિચારો અને સિદ્ધાંતોને મનમાં દબાવીને દીયાના પ્રેમમાં પડી ગયો અને એવો પ્રેમ, જે લગ્નના સાત ફેરામાં જ સંપૂર્ણ થતો હોય કારણ કે તેણે આજ સુધી કોઈ છોકરી તરફ આવી લાગણી દાખવી ના હતી. હવે તેના લક્ષ્યમાં એક લક્ષ્ય વધુ સામેલ થઈ ગયુ હતું. અને એ હતું દીયા સાથે લગ્ન કરવાનું તે હતું.

જોત જોતાંમાં તો ચિરાગે પોતાની ખાસિયત પ્રમાણે દીયા સાથે ફ્રેંડશિપ પણ કરી નાખી. ચિરાગ અને દીયા રોજ મળવા પણ લાગ્યા અને બીજી તરફ પોતાના નિતી નિયમથી દબાયેલો દીપક દીયા તરફ જોવા પણ ગભરાય હતો. આ ગભરામણ દીપકને  દીયાથી દૂર કરી શકે તેવી હતી તેણે તેની કમજોરીને તાકત બનાવવાની જરૂર પડી કારણ કે દીપકે પહેલી વાર જીવનસાથીનું સપનું જોયું. પહેલી વાર કોઈક સાથે પ્રેમ કરવાનું દિલ થયુ, કોઈ સાથે આખી જિંદગી વિતાવવાનું મન થયુ પણ ....કદાચ ચિરાગ લીધે એ તક પણ ગુમાવી પડશે. કારણ કે દીપક ચિરાગનો સ્વભાવને જાણતો હતો કે ચિરાગ આ બાબતમાં બાઝ જેવી ઝડપ ધરાવતો હતો.

ચિરાગ માટે દીયાને પામવું કદાચ એક શર્ત હશે, હરીફાઇ હશે, એક જીદ હશે કે પછી કામ વાસના પણ......દીપક માટે તો તેનો પ્રથમ પ્રેમ છે, જિંદગી છે અને એ ખુશી છે જેને આખી જિંદગી સાચવવા માંગે છે. ચિરાગ તો કોઈનો ના હતો અને કોઈ નો થશે પણ નહીં. દીપક ને લાગ્યું કે ચિરાગ બીજી છોકરીની જેમ દીયાને પણ તરછોડી દે. તે પહેલા તેણે દીયા નજીક જવાનો કોઈ રસ્તો શોધવો પડશે અને ચિરાગ બાજી મારી જાય તે પહેલા તેણે રમત બદલવું પડશે.ચિરાગ બાઝ જેવી ઝડપથી ધરાવતો હોય તો તેણે ચિત્તાની ઝડપથી આગળ વધવું પડશે.

દીયા અને ચિરાગ કેન્ટીનમાં બટાકા વડા ખાતા-ખાતા વાતોના વડા કરતા હતાં ત્યાં દીપક પહોચી ગયો.

‘હાય! ચિરાગ‘ – દીપકે કહ્યું

‘હેલ્લો દીપક! તું અહીં? ભૂલથી લાઇબ્રેરી સમજીને નથી આવ્યો ને?’ – ચિરાગે દીપકને અચાનક કેન્ટીનમાં જોતા કહ્યું

‘ના યાર કેમ અમારા જેવા કેન્ટીનમાં ના આવે? ‘

‘હા આવે જરૂર આવે .. દીયા આ મારો બેસ્ટ ફ્રૅન્ડ દીપક’ચિરાગે દીયાને દીપકનો પરિચય કરાવતા કહ્યું

‘હાય દીયા! દીપકે દીયા તરફ આત્મવિશ્વાસથી જોતા કહ્યું

‘હેલ્લો દીપક’ દીયા નાનકડું હાસ્ય બનાવીને બોલી

‘દીપક … આ દીયા છે ….અને’ 

‘બસ બસ ભાઇ, ઓળખાણ આપવાની જરૂર નથી. દીયાને કોણ નથી જાણતું?’ – દીપકે ચિરાગની વાત અટકાવતા કહ્યું

‘ઓહ! હવે તું પણ જાણ રાખતો થઈ ગયો ?’ચિરાગે કહ્યું

‘જાણ રાખવું જેવું હોય તો જાણ રાખવું જ પડે ને!’ – દીપકે વળતો જવાબ આપ્યો

‘વાહ ભાઈ વાહ’ ચિરાગે દીપકના જવાબથી ચોકીને કહ્યું.

પછી તો દીપક પણ રોજ તે સમયે અચૂક કૉલેજની કેન્ટીન પહોંચી જતો અને ચિરાગ અને દીયા સાથે કલાકો સુધી ગપ્પા મારતો અને દીયા સાથે નયનથી નયન મળાવતો અને લાગણીની આપ લે કરતો. દીયાને પણ દીપકની કંપની ગમવા લાગી હતી. પછી તો ત્રણે જણા લેકચરો બંક કરતાં અને પિક્ચરો જોવા જતાં. કૉલેજ પત્યા બાદ તેઓ સોશિયલ મીડિયા ઉપર મળતા. એમ તેઓ એક બીજા ની નજીક આવી ગયા હતાં. હવે ‘દીપક’ ‘ચિરાગ’ સમાનાર્થી નામોમાં એક નામ વધુ ઉમેરાઈ ગયુ હતું અને તે હતું - ‘દીયા’ નું.

દીપક પ્રથમ વખત કોઇ છોકરી સાથે એટલો નજીક રહ્યો હતો. પ્રથમ વખત કોઇ છોકરીએ દીપક સાથે એટલો સમય વિતાવ્યો હતો. પણ દીપકે એ દિલની વાત નથી કરી જેના માટે તેણે દીયા સાથે દોસ્તી કરી છે એ વાત કે તે દીયાને અનહદ પ્રેમ કરે છે અને તેને જીવનસાથી બનાવવા માંગે છે પણ દીપક એટલો પણ હોશિયાર નથી કે બેફિકર થઈને દીયાને પ્રેમનો એકરાર કરી શકે! દીપકને એ અહેસાસ પણ હતો કે જો તે દીયાને પ્રેમનો એકરારમાં જરા પણ મોડું કર્યું તો તે આખી જીંદગી ભારી પડશે. તેથી સમય જરા પણ વ્યર્થ કર્યા વગર દીપકે આધુનિક જમાનામાં રહીને જુની રીતે પ્રેમનો એકરાર કરવાનું નક્કી કર્યું અને તેણે પોતાની લાગણીઓ અને ભાવનાઓ લખી દીધી એક પ્રેમપત્રમાં અને પહોંચી ગયો રોજની જગ્યા ઉપર.

રોજની જેમ ચિરાગ અને દીયા વાત કરતા હતાં પણ દીપક જુએ છે કે આજે બંનેની વાતો કંઈક અલગ હતી. દીયા આજે ચિરાગની વધારે નજીક હતી. એટલી નજીક દીપકે દીયાને ક્યારેય જોઇ ના હતી અને એટલી ખુશ પણ દેખાતી હતી કે જેવી આજ સુધી ક્યારેય ના હતી. ચિરાગ અને દીયા વાતો ઓછી અને નયનો વધારે મળાવતા હતાં. આ બધું જોઇને દીપકના દિલમાં અવનવી શંકાઓ ઉદ્ભવવા લાગી, દિલના ધબકારાની ગતિમાં વધારો થવા લાગ્યો. તો પણ તે હિમ્મત જુતાવીને આગળ વધ્યો. આગળ વધતાની સાથે તેણે દીયાના હાથમાં લાલ ગુલાબ જોયું. ગુલાબ જોતા જ તેના દિલમાં વધુ બેચેની થઈ અને મનમાં અનેક સવાલોના મોજા ઊછળવા લાગ્યા.

શું થયુ હશે? દીયા કેમ આજે આટલી ખુશ છે ?

તેના હાથોમાં લાલ ગુલાબ? શું તે ચિરાગે આપ્યું હશે?

શું ચિરાગે મારા થી પહેલા પ્રેમનો એકરાર કરી દીધો?

શું દીયાએ ચિરાગના પ્રેમનો સ્વીકાર પણ કરી લીધો?

આ બધાં સવાલો મન અને મગજમાં રમતા મૂકીને પ્રેમપત્ર છુપાવતો આગળ વધ્યો. જેમ આગળ જતો તેમ-તેમ દિલના ધબકારાની ગતિ એક્ષપ્રેસ ટ્રેનના જેમ વધતી જતી હતી. ચિરાગ અને દીયાનું ધ્યાન હજી દીપક પર ગયુ ન હતું કારણ કે તેઓ એકબીજ ની આંખોમાં આંખ મિલાવીને બેઠાં છે. હવે દીપક તેઓથી બસ થોડા જ ડગલાથી દૂર હતો ત્યાં .... તો દીયા ઊભી થઈ અને ચિરાગને બાય  કહીને દીપક તરફ આવે છે. દીપકે પણ એવી પરિસ્થિતિ બનાવી દીધી કે જાણે તેણે કંઇ જોયું જ ના હોય! દીયા સામેથી આવતી હતી અને દીપક જુએ છે કે તેણે હજી સુધી લાલ ગુલાબ હાથમાં પકડી રાખ્યું છે.

અને આ શું? દીયા એ દીપક તરફ ફકત એક નજર કરી, થોડું હસી અને ગુલાબ સંતાડતી- સંતાડતી ત્યાંથી જતી રહી. ઓહ્હ... તેના આ વર્તાવથી અને હાથમાં લાલ ગુલાબથી દીપકનો ચહેરો ફિક્કો પડી ગયો. તે ઉદાસ ચહરે ચિરાગ તરફ જુએ છે પણ ચિરાગનું ધ્યાન હજી પણ દીપક તરફ ગયુ નથી.

હવે દીપકનો સહનશીલતાનો બંધ તૂટી ગયો. હવે તેને ચિરાગ પોતાનો દોસ્ત નહિ પણ દુશ્મન જેવો લાગ્યો અને તેણે નક્કી કરી લીધું કે આજે તો દિલની ભડાશ ચિરાગ સામે કાઢવી જ છે અને તે ચિરાગ પાસે પહોંચી ગયો.

‘ચિરાગ, બહુ ખુશ લાગે છે ને?’ – દીપકે પૂછ્યું

‘ઓહ દીપક! આવ બેસ’ – ચિરાગે આવકાર આપ્યો

‘દીયા આમ અચાનક કેમ જતી રહી? અને તેના હાથમાં ગુલાબ?’ – દીપકે ધીમાં અવાજે પૂછ્યું

‘ઓહ! એટલે પૂછે કે હું કેમ ખુશ છું કેમ? હાં, દીપક તું ઠીક સમજે છે એ ગુલાબ મેં જ દીયાને આપ્યું છે. મેં આજે દીયાને પ્રેમનો એકરાર કરી દીધો અને તને જાણતા અચરજ થશે કે દીયા પણ મને પ્રેમ કરે છે.’

દીપકને ચિરાગના શબ્દો ધારદાર તીરની જેમ વાગ્યાં અને તે યુદ્ધથી હારી આવેલા સૈનિક જેવો પરાસ્ત થઈ ગયો.

‘કેટલાની શરત લગાવી હતી. દીયાને પટાવવાની?’ - દીપક એક્દમ ઉદાસ થઈ બોલ્યો

‘પટાવવાની શરત? હું સમજ્યો નહી દીપક?’ – ચિરાગ એકદમ આશ્ચ્રર્યચકિત થઈને બોલ્યો

‘ચિરાગ! તું જાણે છે હું શું કહેવા માંગુ છું. વધારે ભોળો ના બન. આ ભોળપણ તને નથી શોભતું’

‘દીપક તું શું બોલે છે. અને કેમ બોલે છે. મેં પ્રથમ વખત તારો આવો વર્તાવ જોયો છે.’

‘હાં ચિરાગ, પ્રથમ વખત....કેમ કે આટલી વખત તો ચલાવી લીધું પણ હવે નહિ.’

‘એટલે તું કહેવા શું માંગે છે?’

‘હું શું કહેવા માંગુ છું? તો સાંભળ ચિરાગ. આપણે બન્ને નાનપણથી સાથે છીએ અને હું નાનપણથી તારી બધી વાત પર પરદો ઢાંકતો આવ્યો છું. નાનપણથી જ તું પોતાની જ મનમાંની કરતો આવ્યો છે. રમતમાં પણ તું રાજા અને હું તારો સૈનિક કેમ? તું પોલીસ અને હું ચોર કેમ? અને જેમ-જેમ મોટા થતાં ગયાં તેમ-તેમ તારી મનમાંની પણ વધતી ગઈ. તેં આજ સુધી કેટલીય છોકરીઓ સાથે લફડા કર્યા છે કેટલીય છોકરીઓ સાથે હર્યો ફર્યો છે પણ મેં એક શબ્દ કહ્યો નથી. કેમ કે, મને લાગતું હતું કે તું આજે ને કાલે સમજી જશે કે કોઈના દિલ સાથે રમવું એ સારુ ના કહેવાય અને આ કોઈક દિવસ તને જ ભારી પડશે પણ તું ક્યાં સમજે છે? અને ક્યાં સમજવાનો? તું સમજવાને બદલે વધુ બગડતો ગયો. આગળ વધતો ગયો અને બધાના દિલ તોડતો ગયો. પણ ચિરાગ, જ્યારે તારુ દિલ કોઈ તોડશે ત્યારે તને ખબર પડશે કે બીજાના દિલની અને દિલની લાગણીની શું કિમંત હોય.

 પણ.....ચિરાગ, તેં આજે બધી હદો વટાવી દીધી જ્યારે તેં દીયા જેવી ભોળી છોકરીને તારા જુઠ્ઠાં અને વાસના ભર્યા પ્રેમમાં ફસાવી. દીયાનો પણ તું એજ હાલ કરશે ને જે બીજી છોકરી જોડે કરતો આવ્યો છે? મન ભરાય ત્યાં સુધી રાખવાની અને કામ પતે પછી તું કોણ અને હું કોણ? કેમ બરાબર ને?

ચિરાગના મોઢાંમાંથી એક શબ્દના નીકળ્યો બસ દીપકના કડવા વેણના તીર ખમતો રહ્યો. દીપકે તેની ભડાશ ચાલુ જ રાખી.

‘ચિરાગ, દીયા ખૂબ સારી છોકરી છે એક એવી છોકરી છે જેની સાથે આખી જિંદગી જીવવાનું મન થાય, તેના માટે હર મુસીબત, હર દુ:ખ સામે લડવાનું મન થાય. પણ તું આ વાત કદાચ જ ના સમજી શકે. મને માફ કરજે ચિરાગ, ભલે તારા દિલને મારી વાતોના ગમી હોય કે દિલને કોઈ ઠેશ પહોંચાડી હોય. પણ...આ હકીકત છે અને તારે આ હકીકત જેમ બને તેમ જલ્દી સ્વીકારવું પડશે. તું દીયાને સુખ નહી આપી શકે તો કંઈ નહીં પણ દુ:ખના દર્શનના કરાવતો.દુ:ખના દર્શનના કરાવતો ‘

 

ચિરાગ ગમગીની આંખોથી દીપકને ત્યાં સુધી જોતો રહ્યો જ્યાં સુધી દીપક તેની આંખોથી ઓઝલના થયો કારણ કે ચિરાગે દીપકનું આ રૂપ કદી જોયું ના હતું.

બસ તે જ દિવસથી દીપકે ચિરાગ અને દીયાને તેઓના હાલ ઉપર છોડી દીધા અને બધું ભુલાવીને મંડી પડ્યો ભણવા અને સારા માર્કે પાસ થવામાં. દીપકે કૉલેજ સારા માર્ક સાથે પાસ કરી. મંડી પડ્યો પોતાના સપના સાકાર કરવામાં. કોઇ કસર ના બાકી રાખી તેના માટે, હર મુસીબતોનો સામનો કર્યો અને પહોંચી ગયો જે મુકામે પહોંચવા માંગતો હતો અને કરી દીધું તેના માઁ-બાપનું નામ રોશન જે કરવા માંગતો હતો ઉતારી દીધાં જે દેવા જે ઉતારવા માંગતો હતો.

2 વર્ષ પછી

દીપક તેના ઘરે લેપટોપ પર કામ કરી રહ્યો છે.

‘દીપક બેટા, ઘરમાં તો ઘરનો થા, ઘરને પણ ઓફ઼િસ બનાવી દીધી છે બસ 24 કલાક કામને કામ જ. જરા તારા ઘરડા માઁ-બાપ તરફ તો જો કોઈક દિવસ?‘ - દીપકની મમ્મીએ કહ્યું

‘ અરે મમ્મી ચાલુ થઈ ગયુ તમારું રોજનું લેક્ચર!’ - દીપક બોલ્યો

‘ હા અમારી વાતો તને લેક્ચર જ લાગશે. તો શું કરું? તું ક્યાં અમારી વાત માને છે?’

‘ કઇ વાત નથી માનતો. બોલો? ‘ – દીપકે વળતો સવાલ કર્યો

‘ અરે લગ્નની. બીજી શેની? ‘

‘ ઓહ ફરી એજ વાત? ‘

‘ અરે તારી પંસદની છોકરી હશે તો પણ અમને ચાલશે!’

‘ અરે તમારી વાત હજી લગ્નના ઉપર જ અટકી છે?’

‘ તો બીજી કઇ વાત કરુ? કૉલેજના છેલ્લાં દિવસથી આજ સુધી તું એ અમારા સાથે ક્યાં સીધી વાત પણ કરી છે? બસ પૈસા કમાવવાની હોડમાં જે દિવસથી લાગ્યો છે તે આજ સુધી બહાર જ નથી આવ્યો. તેં કોઈ દિવસ જોયું કે તારા મા-બાપ કેવાં છે? કયા હાલમાં છે? શું કરે છે? બસ, બિમાર પડે તો સારામાં સારા ડૉક્ટરને બતાવતો અને મોઘાંમાં મોઘી દવા લાવતો. શું આજ છે એક દીકરાની ફરજ? પણ દીકરા, માઁ-બાપને સારા થવામાં મોઘાંમાં મોઘી દવા નહી પણ દીકરાની એક હસી જ કાફી છે અને સારામાં સારા ડૉક્ટરની નહિ પરતું એક સહારાની જરૂરત છે બસ એક સહારાની ...’ 

દીપકની મમ્મી કહેતા-કહેતા મમ્મીની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. દીપકને પણ લાગ્યું કે તે પોતાના સપના સાકાર કરવામાં માઁ-બાપના સપનાઓ તોડી બેઠો છું માઁ-બાપનું નામ રોશન કરવામાં પોતાની છાપ મમ્મી પપ્પા સામે ખોઇ બેઠો છું.

‘મને માફ કરી દે મમ્મી, મેં મારા પોતાના સ્વાર્થમાં તમારો તો વિચાર જ ના કર્યો. પ્લીઝ ખરેખર મને માફ કર દે. હવે તમે જે કહો તેજ થશે. તમારે મારા લગ્ન કરાવવાના છે ને? બસ, ચાલ તો પછી આંસુ લૂછી કાઢો અને ચાલુ કરી દો છોકરી જોવાનું‘ - દીપકે લગ્ન માટે સ્વીક્રુતી દર્શાવતા કહ્યું

મમ્મી પણ રાજી-રાજી થઈ ગયા.આખરે દિકરાએ કેટલા સમય પછી લગ્ન માટે ‘હાં’ પાડી.

‘પણ મમ્મી, લગ્ન કરવાની હા પાડી તો છે પણ છોકરીની પસંદગીનો ફેસલો મારો જ રહશે. બરાબર ને? – દીપકે કહ્યું

‘હા મારા દીકરા હા તું માની ગયો એ જ મારા માટે તો બસ છે.’ – મમ્મીએ આંખ ભીની કરી.

દીપક ઑફિસમાં અડધો કલાક પછી દીપકની બોસ જોડે ખૂબ અગત્યની મિટિંગ છે અને દીપક તેની તૈયારી કરી રહ્યો છે અને ફોન રણકે છે.

હેલ્લો મમ્મી – દીપક બોલ્યો

'દીપક આ સરનામું લખ'  મમ્મીએ સામેથી કહ્યું

સરનામું? – દીપક આશ્ર્ચર્યચકિત થયો

હા સરનામું લખ.

મમ્મી શાં માટે સરનામું લખાવો છો?

અરે કહું પહેલા તું સરનામું લખ

હા મમ્મી ઉભા તો રહો. લખુ છું. બોલો?

'સ્વામીવિવેકાનંદ રોડ,મથુરા

રો-હાઉસ, બંગલો નંબર-9' મમ્મી સરનામું જણાવ્યું

બંગલો નંબર-9 ... હા બસ લખી લીધું. હવે બોલો શું કામ હતું? મારે બોસ જોડે અત્યારે અગત્ય ની મિટિંગ છે. જલ્દી બોલો. – દીપકે સહેજ ગુસ્સામાં કહ્યું

નહીં તું અત્યારે ને અત્યારે આ સરનામે આવી જા ફટાફટ.

અરે અત્યારે ને અત્યારે? મમ્મી મેં કહ્યુંને મારે બોસ જોડે અગત્યની મિટિંગ છે મારાથી ના અવાય. – દીપકના અવાજમાં ગુસ્સો વધ્યો

બેટા, ખૂબ અગત્યનું કામ છે બસ તું જલ્દી આવ અહીં તારી રાહ જોવાઈ રહી છે. – આટલું કહીને મમ્મી ફોન મૂકી દીધો.

અરે મમ્મી,મારા થી, હેલ્લો હેલ્લો? (સ્વગત) અહીં તારી રાહ જોવાઈ રહી છે? – દીપક માથે હાથ ફેરવતા બબડ્યો.

દીપક ફરી ફોન લગાવ્યો પણ મમ્મી ફોન ઊચક્યો જ નહી.

‘દીપક સર, બધાં મિટિંગમાં આવી ગયા છે બસ તમારી જ રાહ જોવાય છે.’ – ઑફિસના પટાવાળાએ કહ્યું

‘ઓહ ..અરે..એક કામ કરો આ બધાં પેપર્સ બોસ ને આપી ને કહેશો કે દીપક સરને અત્યારે ઘર થી ખૂબ અગત્ય ના કામ માટે ફોન આવ્યો છે અને હાલ જ બોલાવે છે તેથી મિટિંગમાં હાજરી આપી શકાશે નહી અને આ પેપર્સ માં મિટિંગ ના મુદાઓ લખી દીધા છે.’

દીપક પટાવાળાને વિગતો અને પેપર્સ આપીને પેલા સરનામે નીકળી પડ્યો અને તે સ્થળે પહોંચીને ગાડીમાંથી ઉતરી આજુ-બાજુ નજર કરી. ત્યાં એક ઘર તરફ તેની નજર રોકી જોયું કે તેના મમ્મી-પપ્પા તે ઘર બેસીને ગપ્પા મારી રહ્યાં છે. આ જોઇને દીપકનો ગુસ્સો આસમાને ચડી ગયો અને ગાડીનો દરવાજો જોરથી બંઘ કરીને પહોંચી ગયો તે ઘર તરફ જ્યાં તેના મમ્મી-પપ્પા ગપ્પા મારે છે.

દીપકને આવતા જોઇ તેની મમ્મી સમજી ગઈ કે તે ખૂબ ગુસ્સામાં છે તેથી તે આગળ વધે તે પહેલા મમ્મી તેના સામે આવી ગઈ.

‘મમ્મી આ બધું શું છે?’ – દીપકે ગુસ્સામાં બોલ્યો.

‘હા સમજાવું બેટા, તને બધું સમજાવું. જરા અહીં એક તરફ આવ’ – મમ્મી દીપકને સમજાવતા કહ્યું

‘નહિ ... પહેલા એ જણાવ કે મને શા માટે અહીં બોલાવ્યો છે? તને ખબર છે હું કેટલી અગત્યની મિટિંગ છોડીને અહીં આવ્યો છું ? અને અહીં તો તમે બધાં એકબીજા સાથે ગપ્પા મારો છો, મજાક કરો છો? હું ગભરાતો- ગભરાતો જલ્દી જલ્દી આવ્યો કે શું થયુ હશે? મમ્મીએ આવી રીતે કેમ બોલાવ્યો હશે? શું થયુ હશે? અને અહીં તો ? 

હવે ત્યાંના લોકોનું ધ્યાન પણ દીપક અને તેની મમ્મી પર ઉપર જાય છે.

‘તારા બધાં સવાલોના જવાબ આપુ છું. પણ તું એક તરફ આવ તો જરા. જો બધાં 

આપણી તરફ જ જુએ છે મારો નહિ તો તારા પપ્પાનો તો ખ્યાલ કર!’ – મમ્મી

ધીમા અવાજે બોલી

દીપક તેના પપ્પાનું નામ આવતા થોડો શાંત થાય છે અને મમ્મી સાથે એક તરફ જાય છે.

'અમે અહીં તારા માટે છોકરી જોવા માટે આવ્યા છે.'મમ્મીએ દીપકના સવાલોના જવાબ આપતા કહ્યું

‘શું?’ – દીપકે એવી રીતે પૂછ્યું જાણે તેનો હોશ ઉડી ગયો હોય

‘હા છોકરી જોવા’

‘આવી રીતે?’

‘હા આવી રીતે. કારણ કે કદાચ હું તને સાચી વાત કરત તો તું કંઇકનું કંઈક બહાનું કાઢીને વાતને ટાળી દેત. એટલે મેં તને આવી રીતે બોલાવ્યો અને બીજુ કારણ એ છે કે છોકરી ખૂબ સુંદર છે અને આવું માગું ફરી નહી મળે અને છોકરીના ઘરવાળાઓનું આવતા અઠવાડિએથી બહાર જવાનું થાય એવું છે.’

‘મમ્મી. મેં તમને તે જ દિવસ લગ્ન માટે હા પાડી હતી ને! પછી આવું કેમ કર્યું ?’

‘હા બેટા, પણ એક વાર છોકરીને જોઇ તો લે. પછી છેલ્લો જવાબ તારો જ રહેશે બસ. 

આખરે દીપક મમ્મીની દલીલો સામે દીપક પોતાના હથિયાર નાખીને વાત માની જવું પડ્યું.

કંટાળેલો અને ગુસ્સે ભરાયેલો દીપક એક રૂમમાં બેઠો છે, આમ તેમ નજર કરી રહ્યો છે અને વિચારી રહ્યો છે કે ક્યારે એ આ વાતાવરણમાંથી નીકળે અને રાહતનો શ્વાસ લે! અચાનક રૂમમાં કંગન અને ઝાંઝરના અવાજની હલચલ થઈ. દીપક નોંધ કરે છે કે કોઈ આવી રહ્યું છે. કદાચ તે જ છોકરી કે જેને જોવા માટે તેને વગર આંમત્રણે બોલાવ્યો છે. અવાજ ધીમે-ધીમે વધતો ગયો. દીપક તે છોકરી નજીક આવતા પહેલા પોતાને વ્યવસ્થિત કરી લે છે અને મસ્તક નીચે રાખીને એવી રીતે બેસી ગયો કે જાણે તેને કંઈ ખબર નથી કે રૂમમાં કોઈ આવી રહ્યું છે. હવે તે છોકરી દીપકની નજીક આવી. દીપક પણ તેના ઝાંઝર પર નજર નાખે છે. દીપક તેના પર આશા રાખતો હતો કે વાતની શરૂઆત તે કરે. પણ તેવું ના થયુ. તે છોકરીએ ચા-નાસ્તો ટેબલ પર મૂકીને સામેની ખુરશી પર બેસી ગઈ. દીપક પણ તેનો આવા વર્તાવથી થોડો હેરાન થયો. હવે દીપકને પણ તે છોકરીને જોવાની જિજ્ઞાસા વધી અને તેને જોવા નજર ઉપર કરી.

અરે?આ શું? તે છોકરીને જોતાં જ હક્કો-બક્કો રહી ગયો અને તેની આંખને વિશ્વાસ ના થયો હોય તેમ બે થી ત્રણ વખત પપલાવીને પણ જોઇ કારણ કે તે છોકરી બીજી કોઈ નહિ ‘દીયા’ જ હતી. જે દીપકની કૉલેજ વખતની ફ્રૅન્ડ હતી.

‘દીયા તું?’દીપક એકદમ અચરજ સાથે બોલ્યો.

‘હા દીપક‘ દીયાએ અચરજ વગર બોલી.

‘કદાચ તેં મને પહેલાંથી જ ઓળખી કાઢ્યો લાગે છે?

‘હાસ તો વળી કૉલેજના ફ્રેન્ડને કંઈ ભુલાય?”

‘ઓહ! સારુ કહેવાય! કેવી છે તું? કેટલો સમય પછી મળ્યા કેમ? 

‘શું કેમ? તું તો કૉલેજની ફાઇનલ એક્ઝામ પછી ક્યાં ગયો કોઈને ખબર ના પડી? કેમ શું થયુ હતું? શાં માટે અમારાંથી વિખુટા પડી ગયો હતો? 

‘હા વિખુટા થયો હતો, પણ સાચું કહુ તો. તે સમયે મારુ કંઈ કામ જ ના હતું તને ચિરાગ જેવો સાથી મળી ગયો હતો એટલે પછી હું મારી દુનિયામાં પાછો આવી ગયો કારણ કે જેના લીધે તે દુનિયામાં આવ્યો હતો તેની દુનિયા કંઈક બીજી જ હતી. 

‘શું દુનિયા? કંઈ દુનિયા? મને કંઈ સમજાતું નથી! – દીયા ચહેરા ઉપર સવાલ ઊભરી આવ્યા.

‘રહેવા દે, ચલ બીજી વાત કરીએ. શું કરે ચિરાગ? તમે તો બન્ને લગ્નના બંધનમાં જોડાવાના હતા ને? પછી શું થયુ? – દીપકે દિલ ઉપર વજન આપીને કહ્યું

‘હા.....પણ કુદરતને તે મંજુર ના હતું અને અમે બન્ને મળી ના શક્યા – દીયાએ ઉદાસ આંખે કહ્યું

‘કુદરતને કે પછી ચિરાગને? 

‘શું, ચિરાગને ? મને ખબર ના પડી ? જરા સમજાય તેવું બોલ. દીપક ? 

તે સમયે દીપકની મમ્મી આવી ગઈ.

‘દીપક, વાત થઈ ગઈ બેટા.’ – દીપક બોલ્યો

‘હા મમ્મી! બસ બે મિનિટ. તમે જાઓ અમે આવીએ છીએ’ – દીપકે તેની મમ્મીને કહ્યું

મમ્મી હસીને જતા રહ્યાં.

'વાત અહીં થાય તેવી નથી. શું આપણે કશે બહાર મળી શકીએ?  - દીપકે દીયાને કહ્યું.

‘હા હા કેમ નહિ. મારે પણ આ વાત જાણવી છે’ – દીયાએ હકારમાં જવાબ આપ્યો.

તેઓ બન્ને ફોન નંબરની આપ લે કરી અને વિદાય લીધી.

દીપક તેના રૂમમાં બેઠો છે.

 ‘દીપક, કાલે છોકરીના ઘરથી ફોન આવ્યો હતો. તેઓ તારા જવાબની રાહ જુએ છે.’ – મમ્મીએ કહ્યું.

‘ઓહ્હ! દીયાના ઘરથી, પછી તમે શું જવાબ આપ્યો ?’ – દીપકે વાતમાં રસ દર્શાવીને કહ્યું.

‘તેં મને હજી સુધી તારો જવાબ નથી આપ્યો. તો હું તેઓને શું જવાબ આપુ ?’ 

‘તેઓનો જવાબ શું છે ?’

‘તેઓની ‘હાં’ છે બસ તારા જ જવાબની રાહ જોવાય છે.’

‘મમ્મી, તે દિવસે મે લગ્ન માટે હા પાડી હતી ને ? અને તે જ વખતે એક વાત કહી હતી કે લગ્ન માટેનો છેલ્લો જવાબ મારો જ રહશે. ભલે તમને છોકરી પસંદ આવે તો પણ. યાદ છે ને ?’

‘હા હા યાદ છે’

‘મમ્મી, લગ્નનો એટલો મોટો નિર્ણય બસ એક મુલાકાતથી ના લઇ શકાય ’

‘તો પછી તું શું ઇચ્છે છે?’

‘મમ્મી હું દીયાને હજી એક વાર મળવા માંગુ છું અને કદાચ આ મુલાકાત જ નક્કી કરશે કે દીયા મારી જીવનસાથી બનશે કે નહિં?’

‘ઠીક છે. વાત તો તારી પણ સાચી છે આખી જિંદગી તારે તેના સાથે ગુજારવાની છે. ભલે, તું જે ઠીક સમજે તે કર. પણ મને તારો છેલ્લો જવાબ જરૂર કહેજે.’

તે દિવસ આવી ગયો છે કે જ્યારે દીપક અને દીયા મળવાના છે. દીપક મળવાના સમયે પહોંચી ગયો છે અને હૉટલના મુખ્ય દરવાજા તરફ એકિટસે જોઇ રહ્યો છે. થોડાં જ ‍ક્ષણોમાં દીયાનું આગમન થયું, તેના આગમન સાથે કૉલેજના તે દિવસોની યાદોનું પણ આગમન થયુ હોય તેમ દીપક દીયાને જોઇ રહ્યો હતો. દીયા આજે પણ તેટલી જ સુંદર લાગી રહી છે જે કૉલેજના સમયે લાગતી હતી. ત્યાં ઉપસ્થિત બધાં લોકો તેને નિહાળી રહ્યા છે જેમ કૉલેજમાં તેના દિવાના હતા. દીપક પણ દીયાને આવતી જોઇ પોતાના પર એક નજર કરી પોતાને વ્યવસ્થિત કરી લે છે.

‘હાય દીપક !’ – દીયાએ દીપકને બોલાવ્યો

‘હેલ્લો દીયા’ દીપકે દીયાને આવકાર આપ્યો

‘મને આવવામાં મોડુ તો નથી થયુ ને?’ – દીયા પોતાની ઘડિયાળમાં સમય જોતા કહ્યું

‘ના ના, આવ બેસ.’

એમ એકબીજાના ખબર અંતર પૂછતા-પૂછતા બેઠા. થોડો સમય ઑર્ડર આપવામાં અને એમ-તેમની વાતો થઇ અને પછી તો દીયા એ પણ એ જ સવાલ કરી દીધો જે દીપકની મમ્મી એ દીપકને પૂછ્યો હતો.

‘દીપક, હજી સુધી તમારા ઘર તરફથી કંઇ જવાબ આવ્યો નથી. કેમ શું થયુ?‘ – દીયાએ દીપકનો જવાબ માંગ્યો.

‘હા મેં જ મુલતવી રાખ્યું છે’ દીપકે ધીમા સ્વરે કહ્યું.

‘મુલતવી? કેમ, શું વાત છે ? ‘

‘હા જણાવું તેના માટે તો મેં તને મળવા બોલાવી છે પણ પહેલા તું તારો જવાબ જણાવીશ ?

‘દીપક, મારી ‘હા’ છે.’ - દીયા થોડી શરમાતા અને હસતા કહ્યું.

‘પણ દીયા, મારો જવાબ થોડી વાતો પર અટકેલો છે અને એ વાતોના જવાબ વગર મારાથી આગળ વધાય તેવું નથી.’

‘દીપક, એક વાત કહુ? – દીયાએ દીપકની વાતો રોકતા કહ્યું.

‘હા. બોલ?’

‘તે દિવસે પણ તું ઘુમાવી-ફરાવીને વાતો કરતો હતો અને આજે પણ. દીપક તારે જે કંઇ પણ મને પૂછવુ હોય તે વિના સંકોચે પૂછી શકે છે.’ 

‘હા ખરી વાત છે. વાતને ગોળ-ગોળ ફેરવવામાં કંઇ મજા નથી. દીયા હું એ જાણવા માંગુ છું કે તું અને ચિરાગ એકબીજાને પ્રેમ કરતા હતા પછી શું થયુ? તેં કેમ મારા સાથે લગ્ન માટે હા પાડી?’

દીયા એ સપને વિચાર્યુ ના હતું કે દીપક આ સવાલ પૂછશે. તેથી જ આ સવાલ દીયાને કાંટાની જેમ ખૂંચ્યો. તે ચુપચાપ બેસી રહી. દીયાની આ ચુપકી એ દીપકને સહેજ ઉગ્ર બનાવી દીધો.

‘દીયા, તારી ખામોશી મારા સવાલનો જવાબ નથી.’દીપકે વાત ઉપર વજન આપતા કહ્યું.

‘શું તારે માટે આ સવાલનો જવાબ જરૂરી છે?’ દીયા બોલી.

‘હા દીયા, આ જવાબ મારુ અને તારુ ભવિષ્ય નક્કી કરશે.’

દીયા થોડા સમય સુધી વિચારતી રહી અને પછી અચાનક ત્યાંથી ઊભી થઇ.

 ‘મને માફ કરજે દીપક, આ જવાબ આપીને હું તારુ ભવિષ્ય ખરાબ કરવા માંગતી નથી. ચાલ હું રજા લઉં છું.’

 દીયાનો આ વર્તાવ દીપકને પસંદ ના આવ્યો હોય તેમ તેણે બીજો સવાલ પૂછી દીધો.

‘સાચુ બોલ દીયા, ચિરાગે તને છોડી દીધી કે ? કે પછી  તરછોડી દીધી ? ‘ –

દીપકે દીયાની ભાવનાની જરા પણ ચિંતા કરવા વગર સવાલ કર્યો.

દીપકે આ સવાલ પૂછીને બધી સીમાઓ પાર કરી દીધી હોય તેવું દીયાને લાગ્યું અને તે ત્યાંથી આગળ વધી. દીયાને જતા જોઇ તેને અતિશય ગુસ્સો આવ્યો અને તેણે કડવા વેણનો વરસાદ વરસાવવાનું શરુ કર્યું.

‘દીયા, જે વાત મારાથી છુપાવા માંગે છે તે મને ખબર છે કે ચિરાગે તને તરછોડી દીધી છે. દીયા,  હું ચિરાગને તારાથી વિષેશ જાણું છું. ચિરાગ કોઈનો હતો નહિ અને કોઇનો થશે પણ નહિ.’

દીયા આગળ વધતા થંભી ગઇ પણ તેણે દીપક તરફ મોંઢુ ના ફેરવ્યું.

‘દીયા ચિરાગ માટે તો આ બધું એક રમત છે અને આ રમત નવા નવા ખેલાડી સાથે રમે છે. તારા જેવી કેટલીય છોકરીઓના દિલ સાથે રમી ચૂક્યો હશે અને કેટલાય દિલ તોડ્યા પણ હશે. તેનો તો એક નિયમ હતો. કામ પતે પછી તુ કોણ ને હું કોણ? તેને હું નાનપણથી ઓળખુ છું અને તેના રગ રગથી વાકેફ છું.

આટલું બધું સાંભળ્યા પછી પણ દીયા તરફથી કોઇ જવાબ આવતો નથી અને દીપક તેના કડવા શબ્દ ચાલુ જ રાખ્યા.

‘દીયા મને માફ કરજે પણ મેં તને આ જ વાત જાણવા માટે મળવા બોલવી હતી અને તારા વર્તાવથી અને ખામોશીથી મને મારો જવાબ મળી ગયો. તું મારો જવાબ જાણવા માંગતી હતી ને? દીયા મારો જવાબ ના છે...ના છે... ના છે ના છે. ‘

‘ના’ શબ્દ તો દીયાના મગજમાં પડઘાની જેમ ધુમતો રહ્યો. ત્યાંનું વાતાવરણ એક્દમ શાંત થઇ ગયુ.

દીપકની નજર હજી દીયા પર જ હતી. હવે દીયા પાછળ ફરે છે અને દીપક તરફ નજર કરે છે. દીયાની આંખમાંથી આંસુંની ધારા એકધારી વહી રહી છે. દીપકને દીયાના આંસુ જોઇ થોડો પસ્તાવો થયો હોય તેમ તેના મોંઢામાંથી કડવા વેણ પણ થંભી ગયા.

દીયા આંસુ લૂછતી-લૂછતી દીપક સામે ઊભી રહી. દીયાના આંખમાં જાણે દીપકના બધા સવાલોના જવાબ હોય તેમ દીપકની આંખથી આંખ મિલાવીને બોલી.

‘હા દીપક તું સાચું બોલે છે કે ચિરાગ કોઇનો હતો નહિ અને કોઇનો થશે પણ નહિ. પણ તેં એક વાત ખોટી કરી કે ચિરાગને તું સૌથી વધારે જાણે છે અને તું તેને રગ રગથી ઓળખે છે. ખોટી વાત.... કારણ કે હું ચિરાગ વિષે જેટલું જાણુ છું કદાચ તને ખબર નહિ હોય!

તને શું લાગે? મારો અને ચિરાગનો પ્રેમ કેટલો ચાલ્યો હશે? બોલ?

દીપકથી એક શબ્દ ના બોલાયો. દીયાએ તેની વાત આગળ વધારી.

‘બોલ દીપક? કેટલો ચાલ્યો હશે અમારો પ્રેમ? 

1 વર્ષ? 

6 મહિના? 

1 મહિનો? 

તને જાણતા નવાઈ લાગશે પણ મારો અને દીપકનો પ્રેમ ફક્ત એક દિવસ ચાલ્યો. ફક્ત એક દિવસ... અને આ જ દિવસે ચિરાગે મને જે હકીકત કહી કે તે તેના નાનપણના મિત્રને પણ ના કહી હતી. અફસોસ! અને બોલે છે કે તું તેના રગ રગથી વાકેફ છે.

 જે દિવસે ચિરાગે મને પ્રેમનો એકરાર કર્યો તેના બીજા દિવસે અમે મળ્યા. તે દિવસે તેણે તેની જિંદગીની ચોપડી મારી સમ‍ક્ષ ખુલ્લી કરી. દીપક ફક્ત તારી જાણ ખાતર જણાવી દઉ કે ચિરાગે મને સ્પર્શ પણ નથી કર્યો અને મને શું બીજી કોઈ છોકરીને પણ સ્પર્શ નથી કર્યો. હવે તને મગજમાં આ સવાલો ઊઠતા હશે કે તો પછી ચિરાગે કેમ આટલાં લફડાઓ કર્યા હશે કેમ આટલી બધી છોકરીના દિલ સાથે રમ્યો હશે?

 

એનો પણ જવાબ આપુ છું દીપક, તેં ચિરાગના આ વર્તાવને ઉચિત નહીં ગણ્યો પણ તેં તેના વર્તાવનું કારણ પણ ના પુછ્યુ કે તે આમ શાં માટે કરતો હતો? બસ હર એક વાતમાં તેને દોષી ગણતો ગયો. દીયાએ તેના પર્સમાંથી એક કાગળ કાઢ્યો અને દીપકને તે બતાવતા કહ્યું કે આ પ્રેમપત્ર કોનો છે ખબર છે? દીપકે તેના પર નજર કરતાં ખબર પડી કે તે તેજ પ્રેમપત્ર છે જે દીયા માટે લખ્યો હતો. દીપક તે જોતા જ સ્તબ્ધ થઈ ગયો અને વિચારતો રહી ગયો કે આ પત્ર દીયા પાસે કેવી રીતે આવ્યો?

 ‘તું વિચારતા હશો ને કે આ પત્ર મારી પાસે કેવી રીતે આવ્યો. તેનો પણ જવાબ આપુ. તે દિવસ આ પત્ર ભૂલથી તારાથી ત્યાં જ પડી ગયો હતો અને તે ચિરાગના હાથે આવી ગયો ચિરાગને ખબર પડી કે તું પણ મને પ્રેમ કરતો હતો અને તેણે મને બીજા દિવસે બોલાવીને આ હકીકત કહી.

દીયા ચિરાગ સાથેની મુલાકાતનું વર્ણન કરે છે.

‘દીયા... દીપક મારા કરતાં વધારે પ્રેમ કરશે. તારે તેના જોડે લગ્ન કરવા જોઇએ. હા દીપક થોડો અટપટાં સ્વભાવનો છે પણ દિલનો અત્યંત પ્રેમાળ છે અને તને જિંદગીભર ખુશ રાખશે હું જ તેના રસ્તામાં આવી ગયો.’ – ચિરાગે દીયાને સમજાવતાં કહ્યું

‘નહિ ચિરાગ હું તને જ પ્રેમ કરુ છું અને સારી જિંદગી કરતી રહીશ.’ – દીયા આંસુંનો વરસાવતા કહ્યું

‘તું ભલે મને પુરી જિંદગી પ્રેમ કરીશ પણ... ‘ – ચિરાગ વાત કરતો અટક્યો.

‘ચિરાગ તું ગમે તે કહે કે પછી કોઈનો પણ વાસતો આપે પણ હું તને જ પ્રેમ કરીશ અને પુરી જિંદગી કરતી રહીશ જ. ‘

 ‘દીયા મારા બસમાં હોત તો, એક જીવન શું સાત જીવન સુધી પ્રેમ કરત..પણ! ભગવાને સાલી જિંદગી જ થોડી આપી છે. ‘

‘શું? ‘ દીયા અચરજમાં પડી.

‘દીયા મને કૅન્સર છે અને હું હવે થોડા જ સમયનો મેહમાન છું.’ચિરાગે દિલ ઉપર પથ્થર રાખીને કહ્યું.

આ સાંભળતા જ દીયાના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેમ સ્તબ્ધ બની ગઈ.

‘દીયા હું તને ખુશ જોવા માંગુ છું અને સાચો પ્રેમ પણ એક બીજાને ખુશ જોવામાં જ છે ને! સાથેના રહી શકાય તો શું થયુ ?’’ ચિરાગે ભીની આંખે કહ્યું.

‘નહી ચિરાગ હું તો તારી જ બનવા માંગુ છે ભલે એ જિંદગી થોડા ક્ષણોની  હોય. હર એક ક્ષણ તારા સાથે ગુજારવા માંગુ છું.’ – દીયા અશક્ત અવાજે બોલી.

‘દીયા આવું કહેવું જેટલું સરળ છે તેટલું નિભાવવું એટલું જ મુશ્કેલ છે. તારી પાસે આખી જિંદગી છે. આ જિંદગી તું મારી યાદમાં ગુજારશે. તો મને અને મારી આત્માને શાંતિ મળશે ? નહિ દીયા. મારી આત્માને શાંતિ નહિ મળે. હું તને ખુશ જોવા માંગુ છું. પણ કદાચ તું મને ખુશ જોવા નથી માંગતી.’

‘ચિરાગ તને હું ખુશ જોવા માંગુ છું.’

‘તું ચાહે છે કે મારા મૃત્યુ પછી મારી આત્માને શાંતિ ના મળે? ‘

‘નહી ચિરાગ એવું ના બોલ!’

‘પણ હું શું કરુ દીયા. ભગવાને મને ફકત થોડા દિવસની જ જિંદગી આપી. એટલે જ તો હું થોડી જિંદગીને ભરપૂર જીવતો આવ્યો છું. પણ તને મળ્યા પછી પહેલી વાર પોતાની કિસ્મતને દોષ આપુ છું કે કાશ મારી પાસે પણ પુરી જિંદગી હોત તો? હું તને એક ક્ષણ માટે પણ મારાથી અલગ નહીં કરત. પર અફસોસ છે મને.

મને માફ કરજે દીયા પણ હું તને ખુશ જોવા માંગુ છું બસ. મારા ગયા પછી તું ખુશ રહેશે તેનું વચન આપ તો જ મારા આત્માને શાંતિ મળશે. દીયા મને વચન આપ કે મારા માટે... મારી ખુશી માટે. દીપકને મળીશ અને હું જાણુ છે દીપક દિલનો ખૂબ સારો છે. તે તારો સાથ આપશે અને તે સાથ આખી જિંદગીભર નિભાવશે. 

બસ તુ મને સાચો પ્રેમ કરતી હોય અને મને ગયા પછી પણ ખુશ જોવા માંગતી હોય તો વચન નિભાવજે. 

‘આમ આટલી વાત કહીને અને પેલો પ્રેમપત્ર આપીને ચિરાગ ત્યાંથી ચાલ્યો ગયો 

અને થોડા દિવસ પછી ખબર મળી છે કે તે હમેશા માટે દુનિયા છોડીને ચાલ્યો ગયો છે. દીયા અને ચિરાગની વાતોનું વર્ણનનો અંત આપતા કહ્યું.

‘દીપક...ચિરાગના ગયા પછી મને વિચાર આવ્યો કે મારે જીવીને શું કરવું? મને જીવન ટુકાવવાનો વિચાર આવ્યો પણ ચિરાગના વચને મને રોકી લીધી અને પછી તને મળવાનું થયુ.

અને તું શું બોલ્યા કે તેં મને મળવા બોલાવી છે. કેમ? પણ દીપક હવે તું મને માફ કરજે કેમ કે હકીકતમાં હું તને મળવા નહિ પણ ચિરાગ માટે આવી હતી. મને દુ:ખ છે કે ચિરાગ પણ ગલત સાબિત થયો અને હું પણ. 

કારણ કે ચિરાગે તેના નાનપણના મિત્ર પર વિશ્વાસ રાખ્યો અને હું પોતે ચિરાગના કહેવા પર આવી. તને મળતા ખબર પડી કે ચિરાગ તારા પર ખોટી આશા રાખી હતી. ચાલ એ ભ્રમ પર દૂર થયો. ચાલ દીપક હું રજા લઉં છું મારે જે કહેવું હતું તે કહી દિધુ અને મારે માથે જે ચિરાગનો બોજ હતો તે પણ ઉતરી ગયો.’

દીયા જવા માટે ડગલા ભર્યા.

‘નહિ દીયા.. ચિરાગનું એક કામ હજી પણ બાકી જ છે. તે ઇચ્છતો હતો ને કે તું અને હું એક થઈ જઈએ. અને હું તારો જિંદગીભર સાથ નિભાવું?’દીપક દીયાને જતા રોકતા કહ્યું.

‘દીયા મને માફ કરજે મે હકીકત જાણ્યા વગર ચિરાગ અને તને કેટલા ખોટા ગણ્યા પણ હવે હું જાણી ગયો છું કે હું કેટલો ખોટો હતો. હા દીયા હું જ ખોટો હતો જેણે ચિરાગ જેવા સાચાં મિત્રને સમજી ના શક્યો અને તારા જેવી જેવી પવિત્ર અને નિર્દોષ છોકરી પર કેવાં કેવાં આ‍ક્ષેપ લગાવ્યાં. પણ હવે હું એ ભૂલ સુધારવા માંગુ છું જે કડવા વેણ બોલીને જે પાપ કર્યું છે તેનો પ્રાયશ્ચિત કરવા માંગુ છું. હા દીયા હું તને જિંદગીભર પ્રેમ કરવા માંગુ છું. અને તારો સ્વીકાર કરવા માંગુ છું. દીયા મારી હા છે.’

દીયા આ સાભળીને પાછળ ફરીને દીપક સમક્ષ ગઈ.

 ‘દીપક,હું ખુશ થઈ કે તને તારી ભૂલનો અહેસાસ થયો. સારુ છે તેં ચિરાગની અને મારી જે છાપ તારા દિલમાં રાખી હતી તે છાપ દૂર કરી પણ જરા મોડી કરી. આગળ પણ કહ્યું કે મે તને સમજવામાં ભૂલ કરી હતી અને એ ભૂલ બીજી વાર કરવા નથી માંગતી’ – દીયાએ બનાવટી હાસ્ય બનાવતાં કહ્યું

‘હું સમજ્યો નહિ દીયા? ‘- દીપક મુઝવણ ભર્યા અંદાજે કહ્યું

‘દીપક.. હું તો હા જ લઈને આવી હતી કોઈ સ્વાર્થ વગર. પણ તેં જ્યારે હા પડી કે જ્યારે તને ખબર પડી કે ચિરાગે મને સ્પર્શ પણ નથી કર્યો. મારી ‘હા’ કરવામાં મારો નિઃસ્વાર્થ પ્રેમ હતો પણ તારી ‘હા’ માં ફકત સ્વાર્થ અને સ્વાર્થ જ હતો. આજ તો તફાવત છે સ્વાર્થ અને વિશ્વાસમાં

ચિરાગ મને તારી સાથે ખુશ જોવા માંગતો હતો પણ હવે તે પણ જોતો હશે ને કે તું કેટલો સ્વાર્થી છે હવે તને હા પાડીને હું ચિરાગની આત્મા અને મારા આત્મસંમાનને ઠેશ પહોંચાડવા માંગતી નથી.’ 

‘તો શું દીયા? તુ મને માફ નહિ કરે? ‘

‘માફ કરવાવાળી હું કોણ? માફ કરવા માટે મને કોઈ અધિકાર નથી.

 જે નાનપણના મિત્રને જાણી ના શક્યો તે શું મને જાણશે? 

જે દોસ્તીના નિભાવી શક્યો તે શું મારો સાથ નિભાવશે? 

 અને તું ખરેખર ચિરાગનો બોજ ઉતારવા જ માંગતો હોય તો મારો જવાબ પણ સાંભળ,હવે મારી ના છે. ના છે.ના છે... ના છે... ના છે...

 આ ‘ના’ શબ્દ તો દીપકના દિલો દિમાગ પર એવો માર કર્યો કે દીયાએ બોલેલા શબ્દ એક પછી એક તેને યાદ આવતા જ ગયા.

“જે નાનપણના મિત્રને જાણી ના શક્યો તે શું મને જાણશે? 

જે દોસ્તીના નિભાવી શક્યો તે શું મારો સાથ નિભાવશે? “

દીપકે ના ધાર્યું એ થઈ ગયું. તેણે વિચાર્યું પણ ના હશે કે તેની સાથે આવું પણ થશે કે તેને દોસ્તી પણ નહિ મળશે અને પ્રેમ પણ નહીં મળશે. દીયા ત્યાં થી જતી રહી પણ દીપકએ મુદ્રામાંથી બહાર ના નીકળી શક્યો અને ત્યાં જ અસમંજસમાં ઉભો રહ્યો.

 

 

 


Rate this content
Log in