સરકારી કર્મીનો પ્રેમપત્ર
સરકારી કર્મીનો પ્રેમપત્ર
માન. મહોદયા,
મારા દિલની વાત સાદર રજૂ છે.
ખરું કહેતા લખવા સિવાય મારું બીજું કોઈ ગજુ નથી. ને એટલે આપના પ્રત્યેના મારા પ્રેમને શબ્દોમાં રજૂ કરી આપના નમ્ર ધ્યાને મૂકવા પ્રયાસ કરું છું.
ધ્વજ - અ પરની મારી લગત લાગણીઓ શબ્દશ: સ્વયંસ્પષ્ટ છે જે વંચાણે લેવા વિનંતી છે.
મારી સપ્રમાણ સંવેદનાઓ પરીશિષ્ટ - ક પર સાદર કરેલ છે, ગ્રાહ્ય રાખવા જોગ લાગે તો આપની વિચારણા હેઠળ લેશો. આમ તો સરકારી નોંધ પર લાગણીઓ બહુ શોભે નહિ, અને સાચું કહુ તો એ અમને પોષાય પણ નહિ, એટલે લાગણીઓને અલગથી એક પરબિડિયામાં બીડેલ છે, જે આ પ્રેમપત્રનું બિડાણ છે.
આપને વારંવારના સ્મૃતિપત્રો પાઠવ્યા છતાં, મારો પ્રેમ પ્રસ્તાવ આપની કક્ષાએ વિચારાધિન અને લાંબા સમયથી પડતર છે.
આમ હવે, પ્રસ્તુત બાબતે વધુ વિલંબ ન કરતા આપની કક્ષાએથી ઘટતું કરવા વિનંતી છે.
યોગ્ય તે નિર્ણય અર્થે સાદર.
લી. તમારો જ,
અબક