Sagar Mardiya

Others

4  

Sagar Mardiya

Others

શક્તિ

શક્તિ

3 mins
17


‘શારદા વિદ્યા મંદિર’માં વિશ્વ મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું, જેમાં ઘણાબધા વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત કરતા પ્રિન્સિપાલ ભાવનાબેને ભાગ લેનાર વિદ્યાર્થીનો આભાર વ્યક્ત કરી તેમની હિંમતને બિરદાવી અને મહિલા દિન વિશે થોડી માહિતી આપી.

કાર્યક્રમના સંચાલક વિશાખા મેડમે કાર્યક્રમોની શરૂઆત કરાવી, જેમાં ઘણા વિદ્યાર્થીઓએ નારીશક્તિ વિશે સુંદર વક્તવ્ય આપ્યું, કવિતાપઠન અને વાર્તાનું પઠન કર્યું તો કેટલાક વિદ્યાર્થીઓએ મળીને નારીશક્તિનું મહત્વ સમજાવતું નાટક રજૂ કર્યું. જેમ જેમ કાર્યક્રમ આગળ વધતો ગયો તેમ તેમ બધાને મજા પડવા લાગી.

વિશાખા મેડમે કાર્યક્રમની અંતિમ રજૂઆતની જાહેરાત કરી કહ્યું, “હવે આપ સૌની સમક્ષ ધોરણ નવમાં અભ્યાસ કરતી જાગૃતિ એકોક્તિ રજૂ કરશે.” જાગૃતિ આગળ આવી.

(આજુબાજુમાં નજર ફેરવી ગભરાયેલા અવાજે) “બચાવો... બચાવો...”(પોતાના કાન આડા હાથ ધરી દીધા.)

(બધા સામે જોઈને) “તમને સંભળાય છે કોઈ અટ્ટહાસ્ય !... તમને સંભળાય છે કોઈ સ્ત્રીની મદદ માટેનો પોકાર... કોઈ સ્ત્રીના ડુસકાંભર્યા રુદનનો અવાજ કોઈ સ્ત્રીની પોતાની જાતને બચાવવા માટેની ચીખ ! (સહેજ મોટા અવાજે) કશું સંભળાય છે ?... નહીઁ ને. તમને ક્યાંથી સંભળાય, આ બધું તો એક વાસના અને મદભર્યા પુરુષના અટ્ટહાસ્યમાં દબાઈ ગયું છે. તમારા કાન ક્યાં એ સાંભળવા જ માંગે છે. ભરીસભામાં નિર્વસ્ત્ર થતી દ્રોપદીની અને રાવણ દ્વારા હરણ થતાં માતા જાનકીની મદદ માટેની ચીસ સાંભળનાર સાક્ષાત ભગવાન સિવાય કોઈ નહોતું. ત્યારે પણ પોતાની જાતને શક્તિશાળી માનતા પુરુષો મૂકપ્રેક્ષક બની દ્રોપદીના ચીરહરણ જોઈ રહ્યા હતા. પાંડવોની લાચારી અને રાજસભાના અન્ય લોકોની વિવશતાનો લાભ ઉઠાવનાર કૌરવો હતા, તેમ આજે પણ છે. તો શું આજે પણ કોઈ લાચાર છે ?”

"મંદિરમાં રહેલી માતાજીની મૂર્તિને જેમ આદ્યશક્તિ માનો છો તેમ સ્ત્રી પણ પૃથ્વી પરની એક શક્તિ જ છે. એક એવી શક્તિ જે બે હાથો વડે અનેક કામો કરે છે. પોતાની જાતને, પોતાની ઓળખને બીજા માટે ઓગાળે છે. પોતાની ઝંખનાઓને હડસેલી હસતાંહસતાં પરિવારની ઈચ્છાઓને વધારે મહત્વ આપે છે. બહારથી ભલે એક માત્ર સ્ત્રી દેહ દેખાય, પણ તેની અંદર તો અનેક સ્વરૂપો વસે છે. માબાપ માટે સારી દીકરી, પતિ માટે સારી પત્ની, સાસુ –સસરા માટે ગુણવાન અને સંસ્કારી પુત્રવધુ, બાળકોના ઘડતર માટે શ્રેષ્ઠ માતા બની જતી એ શક્તિને તમે ઓળખી શકયાં છો ખરા ? તમને ક્યાંથી ઓળખાય, તમારી આંખો પર તો બાંધેલી છે પુરુષ તરીકેના અહમની પટ્ટી !... એ હટે તો જ શક્તિ સ્વરૂપા સ્ત્રીના દર્શન થાય.”

(પુરુષના અટ્ટહાસ્યનો અવાજ)

(મોટેથી) “ત્યાં જ થોભી જાઓ. હું લાગણીની વહેતી નદી છું, તો એક ધગધગતી અગ્નજ્વાળા છું. હું મૌન સહનશક્તિનું રૂપ છું તો રણચંડી બની લડનારી યોદ્ધા છું. હું સર્જક છું તો સંહારક પણ છું. હું લક્ષ્મી, સરસ્વતી છું,તો હું સાથે મહાકાલી છું.”

 “હે નારીશક્તિની અવગણતાં પુરુષપ્રધાન સમાજ વારસની લાલચમાં જે સ્ત્રીનો તમે ગર્ભમાં નાશ કરો છો, એ જ તો તમારા પોતાનું પૃથ્વી પર આવવાનું દ્વાર છે. સ્ત્રી વિના આ સંસારચક્રનું કોઈ અસ્તિત્વ જ નથી. શિવ અને શક્તિના મિલનથી જ આ સંસારના માનવ જીવો અસ્તિત્વમાં આવ્યા છે. જેટલી પુત્રની જરૂર છે તેટલી જ પુત્રીની પણ છે. શક્તિ વિના શિવ પણ અધૂરાં છે તો આ પૃથ્વી પરના પોતાની જાતને સર્વ સમર્થ માનતા પુરુષની વાત જ શું કરવી ?”

એકોક્તિ પૂર્ણ થતાની સાથે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તાળીઓનો ગડગડાટ કર્યો.


Rate this content
Log in