STORYMIRROR

Dr. DIPAKKUMAR MEHTA

Others

3  

Dr. DIPAKKUMAR MEHTA

Others

શાને આ રંગ જુદા જુદા

શાને આ રંગ જુદા જુદા

8 mins
2.6K

ઘરના આંગણામાં વહેલી સવારે માં મંદિરમાં ભગવાનને દીવો પ્રગટાવીને ઉંબરામાં, બારસાખમાં, તુલસી ક્યારામાં લાલ કંકુના ચાંદલા કરતી-કરતી બોલી " આજે દીપકને શું થયું છે ? કોઈ દિવસ વહેલો ઉઠતો નથી ને આજે... વહેલો ઉઠી ગયો છે. વળી આ નવું ક્યુ ગીત ગાઈ રહ્યો છે ? ' ઉડે છે રંગ આભમાં રંગો રંગબેરંગી.. ' દીપક માં નો બડબડાટ સાંભળી ગયોને બોલ્યો: " હોળીનો તહેવાર આવી રહ્યો છે ને માં ? એટલે.. વિવિધ રંગો વિશે વિચારતો હતો. ગઈ કાલે સાંજે દાદાએ મને હોળીના તહેવારના મહત્વની વાર્તા કહી અને રંગોની વિશેષતા સમજાવી છે. બજારમાં જઈ વિવિધ રંગોની ખરીદી કરવા. મારા તમામ લંગોટિયા ભેરુઓ સાથે જવાનું છે. એટલે આજે વહેલો જાગી ગયો છું.

" માં બોલી : " દિપક રંગો ખરીદવા જરૂર જજે પણ તારા વ્હાલા કબૂતરો અને પોપટીઓ, ચકલાઓને ચણ તથા પાણી પાવાનું ભૂલી ન જતો." દીપક: " માં એવું ક્યારેય બને ખરું ? " માં : " દીપક તારી વાત સાચી છે. તારો પક્ષીઓ પ્રત્યેનાં વ્હાલ અને નિયમિતતા પ્રત્યે મને પણ ગર્વ છે." દીપક: " માં દાદાએ મને રંગોની ખૂબ સરસ વાત કરી. તે જાણી મને જીવનમાં પણ રંગોનું વિશેષ મહત્વ જોડાયેલું છે તે સમજાયું.

" માં : " દીપક આજે સવારથી તારી આ ચકલીઓમાં સફેદ ચકલીને હું અવાર-નવાર જોઉં છું. તો તે કઈ બોલતી કેમ નથી ? " દીપક : " માં સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. તેને પ્રેમ અને  હૂંફ આપો એટલે તે જરૂર તમારી સામે મલકાશે. આજે લોકો કારણ વગર નફરત અને ગુસ્સો કરતા હોય છે." માં : " વાહ ! દીપક તું ઘણો સમજદાર થઈ ગયો હો ! ફરી માં કહે કે, આ લાલ ચકલી કેમ સવારની મારી સામે જોઈ બુમા-બુમ કર્યા કરે છે ? " દીપક : " માં તે લાલ રંગના ગુણ ઉપર ઉતરી છે. તે ભયભીત થઈ જાય છે એટલે ગુસ્સો કરવા લાગે છે. તેને તૈયાર કરતા વાર લાગશે. માં મને કપાળે આજે તિલક કરવાનું કેમ ભૂલી ગઈ ? " માં : " દીપક બેટા ભૂલી નથી ગઈ પણ તારી રંગોની વાતોમાં હું ખોવાઈ ગઈ એટલે વાર લાગી. નજીક આવ તિલક કરી આપું." દીપક : " માં મને આશીર્વાદ આપ કે હું મોટો થઈ દેશના કામમાં આવી જાઉ અને જરૂર પડ્યે દેશની રક્ષા કાજે ખપી જાઉ. " માં : " દીપકબેટા ખૂબ જીવો અને બધાનું મંગળકાર્ય કર. તેવા મારા આશીર્વાદ હર ક્ષણ તારી સાથે રહેશે.

દીપક : " માં તને ખબર છે. આ હોળીના તહેવારમાં સૌએ નક્કી કર્યું છે કે સોસાયટીમાં કોઈએ નુકશાનકારક રંગોથી કોઈને રંગવા કે રંગ ખરીદવા નહિ." માં : " ના, મને અત્યારે તે કહ્યું ત્યારે ખબર પડી. ખૂબ સારો વિચાર છે. દીપકબેટા એક છેલ્લી વાત કહું, આ કેસરી ચકલી આખો દિવસ એક બીજા સાથે જગડયા જ કરે છે." દીપક : " હા, માં તારી વાત સાચી છે. તેનો રંગ છે તેવા જ તેના ગુણ પણ દેખાય રહ્યા છે. ક્યારેક તે જીવ ન ગુમાવી દે." 

માં : " દીપકબેટા એક વાત જરૂર સમજજે. લોકો પણ બહાર રંગ જુદો દેખાડે છે અને અંદરનો રંગ પણ જુદો દેખાડે છે. " દીપક : " માં, હવે મારે સાથીઓ સાથે વાડીએ કેસુડો અને રંગો લેવા જવાનું મોડું ન થઈ જાય, માટે હું જાવ છું. વહેલો આવી જઈશ. દાદાને કહેજે કે, દીપક કેસૂડો લેવા વાડીએ અને બજારમાં ગયો છે. તેથી મને ગોત્યા ન કરે."

માં : " બપોર થઈ ગયો. દીપક હજી આવ્યો નથી. આ છોકરાને હરખમાં ને હરખમાં ભૂખ પણ ક્યાં લાગે છે ? " દાદા : " વહુ બેટા, નાહકની ચિંતા ન કરો. આવી ગયો આપણો લાડલો. તમે થાળીમાં ભાણું પીરસો. તે હાથ -પગ ધોઈને તરત જમવા બેસી જશે. "

દીપક : " પ્રણામ દાદા." દાદા : " દીપક બેટા બજારમાંથી રંગો કયા લીધા ? " માં બોલી : " પહેલા જમી લ્યો. પછી શાંતિથી બેસીને દાદા-દીકરો વાતો કરજો." જમ્યા પછી દાદા અને દીકરાની વિવિધ વાતો એટલી લાંબી ચાલી કે સાંજ પડી ગઈ. દીપક : " દાદા હું આવતી કાલે હોળી અને પછીના દિવસે ધૂળેટીમાં વિવિધ રંગોની રંગોળી બનાવવાનો વિચાર કરું છું. મારે રંગોથી ક્યારેય ન બની હોય તેવી રંગોળી દોરવી છે." દાદા : " દીપક તારો વિચાર ખૂબ સારો છે. તારે જે મદદની જરૂર હોય તે કહેજે. હું તારી સાથે જ છું." 

દીપક : " અલ્યા કબૂતરો, ચકલીઓ, પોપટીઓ સાંભળો. આવતી કાલે હોળીનો તહેવાર છે. સૌ સાથે મળીને વિવિધ રંગોથી હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી કરવાની છે. તમને બધાને હું આ બે દિવસ પાંજરામાંથી મુક્ત કરી દઈશ. જો..જો હો ! તમે પછી ઉડીને, ઘર મૂકી ને, ન જતા રહેતા... આમ પણ મને તમારા પર પૂરો વિશ્વાસ તો છે જ કે તમે ક્યાંય નહીં જાવ." બધા પક્ષીઓ જાણે દીપકની ભાષા સમજતા હોય તેમ પોતાનું ડોકું હલાવીને ખિલખિલાટ કરવા લાગ્યા.

રાત પડીને દીપક સુઈ ગયો. રાત્રે દીપક ઊંઘમાં બબડવા લાગ્યો ' ઉડે છે રંગ. આભમાં રંગો રંગબેરંગી ' દાદા જાગી ગયા ને બોલ્યા : " અરે બેટા, સુઈ જા. સવાર પડવાની ઘણી વાર છે. આ છોકરો પણ રંગોમાં રંગાઈ ગયો છે. હે ભગવાન. આ છોકરનું જીવન પણ તું સુખમય રંગોથી રંગીન બનાવજે." દાદાને બોલતા-બોલતા ક્યારે આંખો બંધ થઈ ગઈ તે ખબર જ ન રહી.. વહેલી સવારે ઘરના સૌ પોતપોતાના કામમાં મશગુલ બની ગયા. દાદાએ બધાને મોટી બુમ પાડીને કહ્યું : " બધા તૈયાર થઈ ગયા હોય તો ઝડપ કરો વાડીએ જવાનું છે. સુરાપુરાદાદાને ચોખા ધરાવવાના છે. જેટલું મોડું કરશો તેટલી વધુ ગરમી લાગશે." દીપકની માં બોલી : " સૌ તૈયાર જ છે. તમે આગળ ચાલો એટલે અમે બધી વસ્તુઓ લઈને પાછળ-પાછળ ચાલ્યા આવીએ છીએ" દાદા : " ઘી, ગોળ, શ્રીફળ, અબીલ, ગુલાલ, કંકુ અને સિંદૂર વગેરે લેવાનું ન ભૂલતા." દીપકની માં : " બધી જ વસ્તુઓ રાત્રે જ એક થેલામાં મૂકી પૂર્વ તૈયારી કરી લીધી છે. એટલે ચિંતા ન કરો."

દાદા : " દીપકને વાડીએ આવતા વાર લાગશે. તે રંગોળી કરીને આવશે. તેથી તેની વાટ ન જોતા જડપથી ચાલજો. થોડું પણ મોડું ન કરતા." દીપકની માં : " હા.. થોડીવારમાં જ અમે વાડીએ પહોંચી જઈશું. દીપક તું પણ ઉતાવળ રાખી વાડીએ પહોંચી જ જે." દીપક : " રંગોળી પુરી થશે એટલે હું પહોંચી જઈશ."

વાડીમાં સુરપુરાદાદાના મંદિરમાં બધા બેઠા-બેઠા વાતો કરે છે કે " દીપક ક્યારે આવશે ? " 

દીપક ઘરમાંથી બધા રંગો લઈ ફળિયામાં આવીને ગીત ગાય છે. ' ઉડે છે રંગ, આભમાં રંગો રંગબેરંગી ' ચકલીઓ, પોપટીઓ અને કબૂતરો પણ ગીત ગાઈ રહ્યાં છે. દીપક બોલ્યો : " તમને કઈ ગીતમાં ખબર પડે છે ? વાહ! તમે પણ આજે ખૂબ સરસ ગીત ગાઈ રહ્યાં છો. મને તમારી ભાષામાં કઈ ખબર પડી નહિ. પણ તમારા બધાનો અવાજ ખૂબ ગમ્યો હો ! હવે તમે બધા શાંત રહો. હું તમને થોડીવારમાં જ બહાર કાઢું છું. તે પહેલાં મારે વિવિધ રંગોથી રંગોળી બનાવી તેમાં રંગો પુરવા છે. પણ મને રંગોળી બનાવીને તેમાં ક્યાં રંગો પુરવા તે નથી આવડતું. હવે શું. કરવું ? દાદા અને માં તો વાડીએ જતા રહ્યાં છે. હવે મને કોણ રંગોળી દોરતા અને તેમાં રંગો પૂરતા શીખવશે ? " દીપક માથું ખજવાળતા- ખજવાળતા વિચારે છે. કે કઈ સમજાતું નથી ? તે દુઃખી થઈને રડવા લાગ્યો.

પાંજરના તમામ પક્ષીઓ પણ રડવા લાગ્યા. પક્ષીઓના રુદનથી દીપક રડવાનું ભૂલી ગયો અને બોલ્યો: "તમે શા માટે રડો છો. શાંત થાઓ. હું તમને બધાને બહાર કાઢું છું. આ કંકુ, અબીલ અને  ગુલાલ જેવા વિવિધ રંગોની ઢગલીઓ કરી છે. તેનું તમે બધા ધ્યાન રાખજો. હું બાજુના ઘરે મિત્રોને બોલાવીને આવું છું. તમે ક્યાંય બહાર ઉડવા ન જતા રહેતા, હો ! " 

દીપક ઘરની બહાર જતા દરવાજો બંધ કરીને મિત્રોને બોલાવવા જાય છે એક પછી એક ઘરે મિત્રોને શોધે છે. પણ એક પણ ઘરે કોઈ હોતું નથી.

ચકલીઓ, પોપટીઓ અને કબૂતરો વગેરે દીપકની ચિંતા જોઈને બહારના પક્ષીઓને બોલાવે છે. ફળિયામાં રંગોની ઢગલીઓ જોઈને કેવા પ્રકારની રંગોળી દોરવી અને તેમાં ક્યા ક્યા રંગો પુરવા. તેવો પક્ષીઓને અનુભવ ન હતો. બધા પક્ષીઓ આનંદમાં આવીને રંગોની ઢગલીઓમાં નાચવા-કૂદવા લાગ્યા. રંગોળીની વાત તો બાજુ પર રહી ગઈ. તેવામાં એક સમજુ સફેદ ચકલી બોલી : " અરે ! તમે બધા આનંદમાં આવીને આ રંગોની ઢગલીઓનું શું કરી નાખ્યું ? દીપક રંગોળી માટે કેટલો દુઃખી-દુઃખી થઈને બહાર મિત્રોને મદદ માટે બોલવા ગયો છે. એટલામાં તમે બધાએ તો નખ્ખોદ વાળી નાખ્યું." બહારના પક્ષીઓ ઉડીને જતા રહ્યાં. દીપકના બહાર કાઢેલ પક્ષીઓ જાતે પોતાના પિંજરામાં જઈને છાનામાના બેસી ગયા. 

દાદા અને તેમનો પરિવાર વાડીએથી ઘર તરફ આવતા હતા ત્યારે રસ્તામાં તેમણે દીપકને જોયો. દાદાએ રાડ નાખી : " દીપક ઘર રેઢું મૂકી ક્યાં રખડે છે ? " દીપકે રડતા-રડતા રંગોળીની આખી વાત કહી. દાદા એટલે હું વાડીએ ન આવી શકયો. માફ કરજો." દાદા : " દીપક ઘરે ચાલ. પરિવારના બધા સભ્યો ભેગા મળીને તને ખૂબ સુંદર રંગોળી બનાવી આપી તેમાં રંગબેરંગી રંગો પૂરી આપીશું. આખું ગામ તે રંગોળીને જોયા કરશે. હોળી- ધૂળેટીનો તહેવાર ઈતિહાસમાં યાદગાર બની જશે ! " 

જ્યાં ઘરનો દરવાજો ખોલી બધા અંદર પ્રવેશ કરે છે, ત્યાં બધા આશ્ચર્ય ચકિત બની જાય છે. માં બોલી : " દીપક આ રંગોળી અને તેમાં રંગો તે પૂર્યા ? આવી રંગોળી અમે આજ સુધીમાં ક્યારેય નથી જોઈ. " દાદા બોલ્યા : " હા. વહુ બેટા આવી રંગોથી સજેલી રંગોળી કેવી સુંદર દોરી છે ! દીપક એટલે જ વાડીએ નહી આવ્યો હોય. આતો સરપ્રાઈઝ આપવા માંગતો હશે, હેને !

 વાહ ! દીપક બેટા તારો રંગોની સજાવટથી સજાવેલી રંગોળીની કરામત અમને બહુ ગમી. પણ રંગો આખા ફળિયામાં ખૂબ ઉડાડયા છે." દીપક : " પણ.. મારી વાત તો કોઈ શાંતિથી સાંભળો ? " દાદા : " દીપક બધા ખૂબ થાકી ગયા છે. તારી વાત પછી કરજે. હવે આરામ કરવો પડશે. સાંજે આખું ગામ તારા રંગોથી સજાવેલ રંગોળીને જોવા આવશે. " 

દીપક : " કોઈને મારી વાત સાંભળવામાં સમય જ ક્યાં છે ? પક્ષીઓ તમારી પાસે સમય છે ? " પક્ષીઓ તરફ નજર કરી તો બધા પોતાના પાંજરામાં રંગોથી રંગાયેલા હતાં. તરત દીપક બધું સમજી ગયો. દીપક બોલ્યો “ બસ, આને જ કહેવાય સાચી હોળી-ધૂળેટીનો ઉત્સવ. પક્ષીઓ તમે મને આજે એકતાના સાચા રંગનું મહત્વ સમજાવી દીધું છે. " 

     સાંજે આખું ગામ દીપકના ઘરે વિવિધ રંગોળી અને તેમાં વિવિધ રંગોની રંગ પુરણી જોઈ આશ્ચર્ય ચકિત બનીને જોતા દંગ રહી ગયુ. ગામના દરેક ગ્રામજનોના મુખેથી એક જ શબ્દ નીકળતો હતો કે વાહ ! દીપક... વાહ ! તે રંગો ખૂબ સુંદર પૂર્યા. અમે 

 આજ સુધીમાં રંગોળીની આવી ડીઝાઈનનો બનેલી ક્યારેય જોઈ જ નથી. કોઈને વિશ્વાસ પણ નથી બેસતો કે શું ખરેખર, દીપકે રંગોળીમાં વિવિધ રંગોનું આવું સુંદર સુશોભન કર્યું હશે ? પાંજરે પુરાયેલા પક્ષીઓ દીપકની સામે તેમજ દીપક તે બધા પક્ષીઓની સામે અરસ-પરસ જોતા-જોતા હરખથી હરખાઈને મલકી ગયા.


Rate this content
Log in

More gujarati story from Dr. DIPAKKUMAR MEHTA