STORYMIRROR

SHOBHA MISTRY

Children Stories Inspirational

3  

SHOBHA MISTRY

Children Stories Inspirational

સાચી શિખામણ

સાચી શિખામણ

3 mins
178

તરુનો બહુ ઉપકાર જગ પર તરુનો બહુ ઉપકાર.

"બાળકો, આજે હું તમને આપણાં પર ઉપકાર કરતાં કુદરતના મહાન મદદકર્તાઓ વિશે સમજાવીશ." સુધાબેને કવિતાની લીટી બોલતાં બોલતાં કહ્યું.

"બાળકો, તરુ એટલે શું ખબર છે ?"

"હા, ટીચર. તરુ એટલે ઝાડ." બધાં બાળકોએ સાથે જ જવાબ આપ્યો. 

"સરસ. હવે મને કહો, એનો આપણાં પર શો ઉપકાર છે ?" સુધાબેનના સવાલ પર બધાં બાળકો એકબીજાનું મોઢું જોવા લાગ્યાં. પછી બાળકોએ કહ્યું,"ટીચર, આ તરુ એટલે કે ઝાડ આપણને ફળ, ફૂલ, શાકભાજી, દવા, લાકડું, વગેરે કેટકેટલું આપે છે. આ એમનો આપણાં પર ઉપકાર જ કહેવાય."

"બાળકો, ફક્ત ઝાડ જ નહીં. કુદરતે બનાવેલાં એકેએક જીવજંતુ, પશુ, પક્ષી, વગેરેનો માનવજાત પર બહુ બધાં ઉપકાર છે. નાના નાના જીવજંતુ ખેડૂતોને ખેતીના કામમાં ઉપયોગી થાય. અળસિયાં ખેતરની માટીને ઉપર નીચે કરી જમીન ફળદ્રુપ બનાવે. પક્ષીઓ દાણા ચણતાં ચણતાં આમતેમ દાણા પાડે, ફળના બી પાડે. એમાંથી નવી વનસ્પતિ ઊગે. મધમાખી, ભમરાં, જેવાં જીવજંતુ એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસે. તેને લીધે સ્ત્રીકેસર અને પુંકેસરનું મિલન થાય, તેમાંથી નવા ઝાડ છોડનું સંવર્ધન થાય."

"ટીચર, પણ છોડ રોપવાથી બીજા ઝાડ છોડ ન ઊગે ?" નિષ્કાએ પૂછ્યું. 

"ફળના બી અને નાના રોપા લાવી રોપવાથી ઝાડછોડ ઊગે ખરાં પણ બધાં જ ઝાડ ફળના બી કે રોપાથી નથી ઊગતાં. તમે નર્સરીમાં મમ્મી પપ્પા સાથે રોપા લેવા જાઓ છો. ત્યાં તમે ઘણી જાતનાં રોપા જોયાં હશે પણ કદી વડ કે પીપળાનાં રોપા જોયા છે ?" 

બધાં બાળકો એકબીજાને પૂછવા લાગ્યા પણ કોઈએ વડ કે પીપળાના રોપા જોયા નહોતા. એટલે બધાંએ કહ્યું, "ના, ટીચર. અમે આંબા, નાળિયેરી, આસોપાલવ, પપૈયા, એવાં જાતજાતનાં ઝાડના રોપા જોયા છે પણ વડ કે પીપળાના રોપા નથી જોયા. તો પછી વડ કે પીપળાના ઝાડ કેવી રીતે ઊગે ?" બાળકોએ જિજ્ઞાસાથી પૂછ્યું.

"બાળકો, હમણાં જ આપણાં હિન્દુઓના શ્રાદ્ધ પૂરાં થયા, ખબર છે ને ?"

"હા, ટીચર. મારી મમ્મી છે ને પંદર, સોળ દિવસ રોજ ખીર બનાવી અમને પણ ખવડાવતી અને કાગડાને પણ ખવડાવતી. આપણે કાગડાને ખીર ખવડાવીએ તો આપણાં દાદા, દાદી કે બીજા જે મરી ગયાં હોય તેમને મળે. એવું મારા મમ્મી કહેતાં હતાં." અક્ષત બોલ્યો.

"જુઓ બાળકો. એમ કાગડાને ખીર ખવડાવવાથી મરી ગયેલાંને કંઈ ન પહોંચે પણ આ મોસમમાં કાગડાઓનો સંવર્ધન કાળ હોય. કાગડી ઈંડા મૂકી તેને સેવે. તેમાંથી તેના નાના નાના બચ્ચાં નીકળે પણ તે માટે તેને પૌષ્ટિક ખાવાનું જોઈએ. કાગડાને સરસ ખીર ખવડાવીએ તો વધુ કાગડાઓનો જન્મ થાય. આ કાગડાઓ વડ અને પીપળાના ટેટા ખાય તેમના પેટમાં કુદરતી રીતે એ ટેટા પર ક્રિયા થાય. પછી કાગડા ગમે ત્યાં ચરકે તેમની ચરકમાં એ ક્રિયા થયેલાં ટેટા હોય તે પડે. તેમાંથી નવા વડ અને પીપળાના ઝાડ ઊગે. આ પીપળાનું ઝાડ આપણને ચોવીસ કલાક શુદ્ધ પ્રાણવાયુ આપે. તો જેમ કાગડા વધુ, તેમ વડ પીપળાના ઝાડ વધુ ઊગે. તો જ આપણને સૌ સજીવોને શુદ્ધ હવા મળી રહે. તો આ રીતે કાગડા જેવાં પક્ષીઓ પણ આપણાં પર ઉપકાર કરે છે. ખરી વાત કે નહીં ?" 

"હા, ટીચર, તમારી વાત સાચી છે. તો આપણે આ બધાં જીવજંતુ, પશુ, પક્ષી, વનસ્પતિ સૌનું રક્ષણ કરવું જોઈએ કરી વાત ને ?"

"ટીચર, મને પહેલાં કાગડો નહોતો ગમતો પણ હવે હું કાગડાને પથ્થર નહીં મારું પણ ખાવાનું આપીશ. જે આપણાં પર ઉપકાર કરે તેના પર આપણે પણ ઉપકાર જ કરવો જોઈએ, સાચી વાત છે ને ?"

"તમને બધાને મારી વાત જો બરાબર સમજાય હોય તો હવેથી સૌ કુદરતની એકેએક વસ્તુની કાળજી રાખજો." સુધાબેને બાળકોને સાચી શિખામણ આપી.


Rate this content
Log in