STORYMIRROR

SHOBHA MISTRY

Children Stories Inspirational

4  

SHOBHA MISTRY

Children Stories Inspirational

અનાથાશ્રમ

અનાથાશ્રમ

3 mins
273

શહેરના પ્રખ્યાત બિલ્ડર પારેખ એન્ડ પારેખના એકના એક પુત્ર સૌમ્યનો આજે પાંચમો જન્મદિવસ હતો. પુષ્કળ જાહોજલાલી અને એક જ પુત્ર એટલે એમણે ધામધૂમથી એનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. શહેરનો કોઈ માંધાતા રહી ન જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. એ સાથે જ શહેરના એકોએક ભિક્ષુક ગૃહો, અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમ, દરેકમાં દાનની સરવાણી વહાવી હતી. તેમજ દરેક જગ્યાએ ભાતભાતના ભોજન મોકલ્યાં હતાં.

શિશુવિહાર અનાથાશ્રમના દરેક બાળકો આજે સારું ભોજન ખાવા મળશે. એ વિચારથી ખૂબ ખુશ હતાં પણ કયા પ્રસંગ માટે ભોજન આવવાનું છે. એની એમને ખબર નહોતી. આશ્રમના ગૃહમાતા કોમલબેન નામના જ નહીં હૃદયથી પણ કોમળ હતાં. દરેક બાળકોને એમનામાં પોતાની મા જેવો ભાસ થતો. એક પાંચ વર્ષનો સોહિલ થોડાં દિવસ પહેલાં જ આશ્રમમાં આવ્યો હતો એટલે એને આશ્રમમાં આવતાં આવા ભોજનનો ખ્યાલ નહોતો. એણે કોમલબેનને પૂછ્યું, "મા, આજે બધાં કેમ બહુ ખુશ છે ?"

"બેટા, આજે શહેરના બિલ્ડરના પુત્ર સૌમ્યનો જન્મદિવસ છે. તેથી આશ્રમમાં બધાં માટે સરસ ખાવાનું આવશે."

"મા, જન્મદિવસ એટલે શું ?" ફૂટપાથ પર જન્મી અહીં આવેલા સોહિલને ખરેખર જન્મદિવસ એટલે શું ખબર નહોતી. અરે! એને શું આશ્રમમાં રહેતાં બાળુડાઓનો જન્મદિવસ કદી કોઈએ મનાવ્યો નહોતો. એટલે એ બધાં એનાથી માહિતગાર ન હોય એ સમજી શકાય એવી વાત છે. સોહિલના પ્રશ્નથી એમનું હૈયું વલોવાય ગયું. એમણે તે જ વખતે મનોમન નક્કી કર્યું કે આશ્રમના બધાં બાળકોનો એકવાર સમૂહમાં જન્મદિવસ ઉજવવો. જેથી તેમને પણ જન્મદિવસની ઉજવણીનો આનંદ માણવા મળે.

તે દિવસે તો સૌ બાળકોએ સૌમ્યને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને ભોજનનો આસ્વાદ લીધો. આશ્રમના બાળકોનો જન્મદિવસ ઉજવવા માટે જરૂરી ફંડ એમની પાસે નહોતું. એમણે શહેરમાં કોની પાસેથી ફંડ મળી શકશે એની તપાસ કરવા માંડી. એ જ દિવસોમાં અમેરિકાથી એક કવર આવ્યું. તેમાં ચોખ્ખું લખ્યું હતું, "આ રકમ હું મોકલી રહ્યો છું, તે આપના અનાથાશ્રમના બાળકોના વિકાસ અને આનંદ માટે વાપરવા. ગુગલ પર સર્ચ કરતાં તમારા આશ્રમના તથા તમારા પારદર્શક વહેવારની મને જાણ થઈ છે. તેથી આ દસ લાખ ડોલરનો ચેક હું મોકલી રહ્યો છું. તમને થશે એકદમ આટલાં બધાં ડોલર ? કોઈ જાતની જાત તપાસ વગર ? પણ આજ કાલ ગુગલ પર સર્ચ કરતાં ભલભલી માહિતી મળી જાય છે. મેં મારા સ્ત્રોત દ્વારા તપાસ કરાવી પછી જ આ નિર્ણય લીધો છે. તમારે વધુ કંઈ માહિતી કે રકમ જોઈતી હોય તો સાથેના કાર્ડમાં મારું મેઈલ આઈ.ડી. છે. એના પર મને મેઈલ કરી શકો છો."

કોમલે ઑફિસમાં રહેલા કૃષ્ણ ભગવાનના ફોટા સામે હાથ જોડી એનો આભાર માન્યો. "હે મારા વહાલા! જ્યારે જ્યારે ભીડ પડી છે ત્યારે તેં અદ્રશ્ય રહી મને સહાય કરી છે. બસ, આમ જ મારો અને મારા બાળકોનો હાથ ઝાલી રાખજે."

બીજા અઠવાડિયે કોમલે આશ્રમના ૩૫ બાળકો માટે સરસ નવા કપડાં મંગાવ્યા. એકસરખી નાની નાની કેક મંગાવી. દરેક પાસે ભગવાનને પગે લાગી શિક્ષણ, તંદુરસ્તી અને સેવાભાવી બનવાની પ્રેરણા માંગવા કહ્યું. દરેકને જન્મદિવસની શુભેચ્છા આપી, દરેકને એક એક ભેટ પણ આપી. "બેન, ટી.વી.માં તો ફુંક મારી મીણબત્તી ઓલવી નાંખે. તમે તો અમારી પાસે દીવો પ્રગટાવ્યો, એવું કેમ ?" બે ત્રણ મોટા બાળકોએ પૂછ્યું. 

"બેટા, આપણાં હિંદુ ધર્મમાં દીપ પ્રાગટયનું મહત્વ છે. દીપ ઓલવવાનું નહીં." કોમલે તેમને પ્રેમથી સમજાવ્યું. પછી બધાં બાળકોને બસમાં બેસાડી શહેરના જોવાલાયક સ્થળોની મુલાકાત કરાવી. બાળકોને પહેલી વખત આમ બહાર નીકળવા મળ્યું તેનો અનેરો આનંદ એમના મોઢા પર ઝળહળતો હતો. એણે બધાં બાળકોના ઉલ્લાસભર્યા ફોટા પાડ્યાં. પછી એ બધાં ફોટા એણે જેમણે પૈસા મોકલ્યા હતાં . તેમના મેઈલ આઈ. ડી. પર મોકલી આપ્યાં. મેઈલ આઈ.ડી. પર બાળકોના અને સાથે કોમલના ફોટા જોઈ એની આંખોમાં આંસુ આવી ગયાં. જાણે પોતાના કોઈ પાપનું થોડું પણ નિવારણ ન થયું હોય ! એણે ધ્રુસકે ધ્રુસકે રડતાં નિયમિત રકમ મોકલવાનો નિર્ધાર કર્યો. ત્યાર પછી કોમલને કદી પૈસાની ખેંચ ન પડી અને એનો આશ્રમ શહેરના શ્રેષ્ઠ આશ્રમમાં ગણાવા લાગ્યો.


Rate this content
Log in