રંગો દેખાય છે
રંગો દેખાય છે
દસ વર્ષના વૂરાલને તેનાં દાદા પાસે વાર્તાઓ સાંભળવી ખુબ ગમતી. આજે વૂરાલે એવી જીદ પકડી કે દાદા તમારી સાથે બનેલી કોઈ હોરર ઘટના કહો. દાદાએ વૂરાલની તે ઈચ્છા પણ પૂરી કરી.
વર્ષો પહેલા એટલે કે સુરજ જે અત્યારે વૂરાલના દાદા છે તે સાત-આઠ વર્ષના બાળક હતા ત્યારની વાત છે. સુરજની સ્કૂલ તરફથી એક દિવસીય પ્રવાસ રાખવામાં આવેલ હતો. સુરજ પણ તે પ્રવાસમાં ગયેલો. આ પ્રવાસમાં ધોરણ એકથી પાંચના ૨૫ નાનાં બાળકો, ત્રણ શિક્ષકો અને બસનો ડ્રાઈવર એટલાં લોકો હતાં. નાના બાળકો હતા એટલે તે મુસાફરી દરમિયાન થાકી ન જાય તે માટે તે લોકો સાંજના પાંચ વાગ્યે ફરીથી ઘરે જવા માટે નીકળી ગયા.
બાળકોએ આખો દિવસ ખુબ મજા કરી હતી. આખો દિવસ રંગીન રહ્યો. ગામની પહેલા એક મોટું જંગલ હતું. તે જંગલ પાર કરી અને પછી બાળકો પોતાના ઘરે જઈ શકે. કોઈ પણ માણસ સુર્યાસ્ત પછી તે જંગલમાં ન જતું. લોકો કહેતા કે સુર્યાસ્ત પછી તે જંગલમાં આવેલા એક સ્મશાનની બહારના કુવામાં ઘણા બધા ભુત રહે છે.જે પણ માણસ તે જંગલમાં રાતે ગયું છે તે બહાર નથી નીકળ્યું. આખો દિવસ તો લોકો જંગલમાંથી પસાર થાય છે પણ દિવસના કોઈ પણ માણસને આજ સુધી ક્યારેય કાંઈ પણ થયું નથી.
સાંજના છ વાગવા આવ્યા હતા અને જંગલની વચ્ચે નો રસ્તો કોઈ વાહન દ્વારા માત્ર વીસ મિનિટનો હતો એટલે સ્કૂલ પ્રવાસની બસને જંગલમાંથી લઈ જવામાં આવી. હજુ સુર્યાસ્ત થવામાં એક કલાક જેટલો સમય બાકી હતો. હવે બન્યું એવું કે જેવા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને રસ્તાની બીલકુલ વચ્ચે પહોંચ્યા તે જ સમયે બસ ચાલતી બંધ થઈ ગઈ. બધા બાળકો ડરી ગયા અને તેની સાથે સાથે શિક્ષકો અને ડ્રાઈવર પણ ડરી ગયા. ડ્રાઈવરે ચેક કર્યું તો ખબર પડી કે બસના એન્જિનમાં કોઈ ફોલ્ટ થઈ ગયો છે. દસ પંદર મિનિટ મહેનત કરી છતાં તે ફોલ્ટ ન મળ્યો અને બસ ચાલતી ન થઈ.
હવે સુર્યાસ્ત થવામાં માત્ર ૩૦ મીનીટ બાકી હતી. બધા લોકો ખુબજ ડરી ગયા હતા. એક શિક્ષક બાળકો ન ડરી જાય તે માટે બાળકો સાથે વાતચીત કરી રહ્યા હતા. બાકીના બે શિક્ષકોમાંથી એક એ તેના મોબાઈલમાં જોયું પણ નેટવર્ક ન હતું એટલે મદદ માટે બીજી બસ પણ કેવી રીતે બોલાવી શકે ! હજુ ૩૦ મીનીટનો સમય તે લોકો પાસે હતો પણ જો બધા ચાલવાનું શરૂ કરે તો પણ આ બાળકો ખૂબ નાનાં હતાં, એટલે એટલા સમયમાં તે જંગલની બહાર ન નીકળી શકે.
તે શિક્ષકે કહ્યું કે હું મારાથી બનતી ઝડપે દોડી અને ગામ તરફ જવા કોશિશ કરું જેથી મારા મોબાઇલમાં નેટવર્ક આવી જશે અને તે બીજી બસ અહીં બોલાવશે જેથી બધા સહી સલામત રીતે અહીંથી બહાર નીકાળી શકે. તે શિક્ષક ખુબ ઝડપથી દોડી અને ગામ તરફ ગયો જેથી તેનાં મોબાઈલ પર નેટવર્ક આવી શકે. બાકી રહેલા બે શિક્ષકો ખુબ જ ચિંતામાં હતા. પંદર મિનિટ જેટલો સમય થવા આવ્યો હતો છતાં કોઈ પણ બસ આવતી દેખાતી ન હતી.
હવે સુર્યાસ્તમાં માત્ર પંદર મિનિટ બાકી હતી.બસનો ડ્રાઈવર તો વૃક્ષ પર ચડી અને તેના મોબાઈલમાં નેટવર્ક આવવાની આશા પર બેઠો હતો પણ બધું વ્યર્થ ગયું. સુર્યાસ્ત થવા આવ્યો હવે માત્ર દસ મિનિટ બાકી હતી. જંગલમાં શિયાળ તેનો ડરાવનો અવાજ કાઢવા લાગ્યા. બસમાં અત્યારે માત્ર વિધાર્થીઓ જ ડરેલી હાલતમાં બેઠાં હતાં. બંને શિક્ષકો બીજી બસની રાહ જોઈને રોડ પર ઊભા હતા. જેવો શિયાળના બોલવાનો અવાજ આવ્યો કે બસમાં કોઈ ડ્રાઇવર સીટ પર બેઠું ન હતું છતાં તે બસ એકલી એકલી ચાલવા લાગી. બધા બાળકો બુમો પાડવા લાગ્યા બચાવો...બચાવો.. બંને શિક્ષકો બસની પાછળ દોડવા લાગ્યા. બસનો ડ્રાઈવર વૃક્ષ પરથી કુદીને દોડતો બસની પાછળ દોડવા લાગ્યો. ડ્રાઈવરે દોડી અને બસને રોકવા માટે બસની અંદર માંડ માંડ ગયો કેમકે બસ જંગલમાં રહેલ સ્મશાન તરફ જતી હતી. બસમાં કોઈ પણ ભોગે બ્રેક પણ નહોતી લાગી રહી અને ન તો બીજી કોઈ દીશા તરફ આગળ વધી રહી. ડરેલી હાલતમાં ડ્રાઈવર બધા બાળકોને નીચે ઉતારતો રહ્યો. બસની સ્પીડ ખુબ ઓછી હતી એટલે બધા બાળકો પાંચ મિનિટમાં તો નીચે ઉતરી ગયા.
સ્મશાન પાસે કુવો હતો બધાનું માનવું હતું કે બધા ભુત તેમાંથી નીકળતા હતા. કેમકે હજુ સુર્યાસ્તમાં પાંચ મિનિટ બાકી હતી અને સામેથી કોઈ બીજી બસનો અવાજ સંભળાય રહ્યો હતો એટલે બે શિક્ષકો અને બસનો ડ્રાઈવર મહેનતથી ધક્કો મારી અને બસને પેલા કુવામાં ધકેલી રહ્યા હતા જેથી તે ભુત બહાર નીકળી શકે તેની પહેલા બધા બાળકો બીજી બસમાં બેસી અને સલામત જંગલની બહાર નીકળી શકે. બન્યું એવું કે બસ મોટી હતી એટલે તે ત્રણેય વ્યક્તિઓના ધક્કાથી તે બસ વધારે આગળ નહોતી ખસી રહી. સુરજ દોડતો ગયો અને બસને ધક્કો મારવા લાગ્યો. બીજા બધા બાળકો પણ તેની પાછળ પાછળ ગયા અને બસને ધક્કો માર્યો બસ કુવામાં પડી ગઈ. કુવો આખો દટાઈ ગયો.
હજુ સુર્યાસ્તને બે મીનીટ બાકી હતી એટલામાં તો બધા બાળકો બસમાં બેસી ગયા અને બસને ફુલ સ્પીડથી ચલાવી અને આગળ નીકળી ગયા. તે બધાં ભુત હજુ સુધી તે કુવામાંથી બહાર નીકળી નહોતાં શકયા કેમકે તે બસનાં લીધે કુવામાંથી તે ભૂતનું બહાર નીકળવું અઘરું હતું. દસેક મિનિટમાં તો બાળકો અને શિક્ષકો ડ્રાઈવર બધા સહી સલામત રીતે જંગલની બહાર નીકળી ગયા.
વૂરાલના દાદાએ તેની વાત ખતમ કરી. વૂરાલ- દાદૂ તમે લોકો બચી ગયા. સારું થયું કે તમારા તે શિક્ષક બસ લઈ અને સમયસર પહોંચી ગયા.
દાદા - (હસતાં હસતાં) "જો બેટા વૂરાલ આ કોઈ સત્ય ઘટના નથી આ તો તારી જીદ હતી કે તારે હોરર ઘટના સાંભળવી છે એટલે મે તને કહી."
વૂરાલ- "દાદુ હું તો ડરી ગયો હતો કે .. મને લાગ્યું કે હજુ પણ તે જંગલમાં ભુત હશે !"
દાદા- "ના બેટા આ એક કાલ્પનિક વાર્તા છે. જે મે અત્યારે તારાં માટે જ બનાવી છે. આજ સુધી મારી સાથે એવું કોઈ ભુત મળ્યું કે ડરાવની ઘટના નથી બની."
વૂરાલ અને તેના દાદા હસી પડ્યાં.

