રંગો દેખાય છે
રંગો દેખાય છે
ઉનાળું વેકેશન પૂરું થવા આવ્યું હતું. આવતી કાલે સવારે સુરજ અને તેનો પરિવાર ફરીથી પોતાના ઘરે શહેર તરફ નીકળવાના હતાં. સુરજના બંને બાળકોએ આ દિવસો ખુબ જ ખુશી ખુશી પસાર કર્યા હતા એટલે તે લોકોને હવે શહેરમાં જે ઘર છે ત્યાં જવાનું ગમતું ન હતું. રાત્રીના ભોજન બાદ મમ્મી બધો સામાન પેક કરી રહી હતી.સુરજ અને તેના બંને બાળકો ઘરના ફળિયામાં બેઠા હતા.
સુરજના એક બાળકે તેનાં પપ્પા સાથે વાત વાતમાં પુછી લીધું, "પપ્પા આપણે ફરીથી ક્યારે ગામડે આવશું ?"
"એક વર્ષ પછી જ્યારે તમારે લોકોને વેકેશન હશે ત્યારે આવશું બેટા."
"તમારું બાળપણ કેટલું સારું હતું પપ્પા તમે અહીં ગામડે ખુલ્લા આકાશ નીચે, વૃક્ષો સાથે અને કુદરતી હવા સાથે મોટા થયા."
સુરજે જવાબ આપ્યો "હા બેટા મારું બાળપણ ખુબ સારું હતું અને અત્યારે પણ હું ખૂબ ખુશ છું."
"પણ પપ્પા અકસ્માત બાદ તમારી આંખોની રોશની જતી રહી, તમે ખુબ જ દુઃખ સહન કર્યા છે એ વાત અમે લોકો બરાબર સમજી શકીએ છીએ."
"બેટા જીવનમાં મુશ્કેલીઓ આવવાની જ છે તે વાત નક્કી છે તમે તેનો સામનો કેવી રીતે કરો છો ? તે બાબત વધારે મહત્વની છે."
"પપ્પા તમે આટલું સરસ ગામડું છોડી અને શહેરમાં રહેવા શાં માટે ગયા ?"
"બેટા જ્યારે એક્સિડન્ટમાં મે મારી બંને આંખોની રોશની ગુમાવી દીધી ત્યારે મારું જીવન અંધકારમય બની ગયું હતું. મારુ કોઈ ભવિષ્ય મને નહોતું દેખાય રહ્યું. છતાં પણ માત્ર મારા સ્વર્ગવાસી પિતાજી માટે એટલે કે મારાં પિતાજીનું સપનું હતું કે હું મોટો માણસ બની બતાવું. તે સપનું સાકાર કરવા માટે હું શહેર તરફ નીકળી ગયો."
"હા પપ્પા અને તમે ખુબ મહેનત કરી અને તમે સારા લેખક બની ગયા હે ને ?"
"હા બેટા"
"દાદાજી અત્યારે જીવતાં હોત તો તે ખુબ જ ખુશ હોત કેમકે તમે તેનું સપનું સાકાર કરી બતાવ્યું . પપ્પા દાદાજી જીવતાં હોત તો તે આપણી સાથે શહેરમાં રહેત કે પછી અહી ગામડે ?"
"તમારા દાદાજી આપણી સાથે જ રહેતાં હોત જો તે જીવતા હોત તો. બેટા હું જાણું છું કે તમને ગામડું ખુબ જ ગમે છે છતાં પણ એટલું કહીશ કે શહેર અને ગામડું તે બંને એકબીજાથી અલગ છે તે બધા લોકો જાણે છે ઘણા લોકોને ગામડું ગમે તો ઘણા લોકોને શહેર ગમે છે. બધાના અલગ અલગ શોખ હોય છે, ગામડાંની ઠંડી હવા વૃક્ષો, શાંતી તે બધું મનને ગમી જાય છે, પણ બીજી તરફ સારું એજ્યુકેશન, નોકરીઓ, થોડી આઝાદી, રોક ટોક વગરની જીંદગી એ બધું શહેર તરફ વાળે છે. પણ હા મહેનત કર્યો વગર શહેર હોય કે ગામડું તમે ક્યાંય પણ સુખી જીવન નહીં જીવી શકો."
પપ્પા અને બાળકો વચ્ચે શહેર અને ગામડાં વીશે ઘણી બધી ચર્ચાઓ થઈ અંતે બાળકો સમજી ગયા કે ગામડાં અને શહેરના માત્ર રંગો અલગ છે, પણ આપણે તે રંગોમાં કેટલા રંગાઈ જઈએ તે આપણા પર છે. શહેર અને ગામડું બંને પોતપોતાની આગવી ખાસિયત ધરાવે છે.
