રૈના
રૈના


દિવાળીના દિવસો ચાલી રહ્યા હતા અને ભાઈ બીજનો તહેવાર આવ્યો. રૈના એકીટસે રસ્તા બાજુ જોયા કરતી હતી અને વિચારતી હતી કે ક્યારે મારો ભઈલો આવશે. પડોશમાં રહેતી શોભનાનો ભાઈ ક્યારનો સવારમાં આવી ગયેલો. શોભના ચાર વાર તો રૈનાને પૂછી ગઇ, તારો ભાઈ ના આવ્યો. રૈના તેના ચહેરા પર ભાવ વિપરીત ભાષામાં કહેતી આવતો જ હશે.
એમાં ણે એમાં બપોર થઇ ગઇ. શોભના તેના ભાઈને વિદા કરવા બહાર નીકળી. રૈના બહાર ઉભી હતી. શોભના એ તેના ભાઈને વિદા કર્યો પછી રૈના પાસે આવી અને કહેવા લાગી ”રૈના આ જો મારો ભાઈ મારા માટે સાડી લાવ્યો” અને રૈના એ હસતા હસતા સાડી જોઈ અને કહ્યું “હા ,’બવ જ મસ્ત સાડી છે.“ શોભના સાડી લઇને બીજા કોઈને બતાવા ગઇ. રૈના હજી રસ્તાને જ કોશ્યા કરતી હતી. પછી તેટલામાં તેની નણદને ત્યાં ગયેલો તેનો પતિ રઘલો આવ્યો. થાકીને આવેલા તેને રૈનાએ પાણી આપ્યું અને પછી બોલી “સાંભળો છો તમે તો જઈ આવ્યા બેન ના ઘરે પણ, મારો ભઈલો હજીય નથ આવ્યો.” એટલું બોલતા બોલતા તેના આંખમાંથી આંસુની ધાર વહી ગઇ. તેટલામાં રઘલાને બોલાવા કોઈ આવ્યું અને રઘલો ખેતરે ચાલ્યો ગયો.
રૈના નિરાશ થઇને બેસી ગઇ તેટલામાં રમવા ગયેલો તેનો દીકરો દોડતો આવ્યો અને તેના ખોળામાં પેસી ગયો અને બોલ્યો “મમ્મી મામા ના આવ્યા ? મારા માટે કઈ ના લાવ્યા ?'
વાટ જોતા જોતા સાંજ પડી ગઇ અને રૈનાએ રસ્તા તરફ નજર કરી તો તેની બા આવી રહી હતી. બાને આવતી જોઈ રૈના સહજ ઉત્સુકતાથી જોવા લાગી કે તેનો ભાઈ પણ આવ્યો હશે. પરંતુ તેમ ના હતું. બા ના આવતાની સાથે જ રૈના એ એકી સાથે ચાર સવાલો પૂછી નાખ્યા. બા કઈ બોલ્યા વગર ઢાળેલા ખાટલા પર બેસી ગયા. અને પછી કહ્યું તારો ભઇલો એ ફરે મુંબઈમાં, હાજો હમ. રૈના બોલી ‘મુંબઈ ગયો છે, મારો ભઈલો એમ, એ એકલો ગયો છે ?' ફરી પાછો બીજો સવાલ બાએ કહ્યું. તેટલામાં ખેતરે ગયોલો રઘલો પરત ફર્યો અને બાને આવેલ જોઇને બોલ્યો “ક્યારે આવ્યા બા, ચાલો આપડે હારે જમીએ” એમ કહી બંન્ને સાથે જમવા બેઠા. બાએ કહ્યું “રૈના હું સવારે વહેલી નીકળી જઈશ, તારે તારા ભાઈને મળવું હોય તો આજે ગુરુવાર થયો છે, ઈ મંગળવારે પાછો આવાનો છે તું આવી જજે.” અને બા સવારે ઘરે જવા રવાના થઇ ગયા.
અહી બાના ગયા પછી રૈનાને તેના ભાઈની ખુબ યાદ આવવા લાગી. તે મંગળવારની રાહ જોઈ રહી હતી, પણ હવે એક દિવસ પરાણે વીત્યો. અને શુક્રવારે રૈનાએ જીદ કરી. અને રાઘલાને કહી તેના દીકરાને લઇને તેના પિયર આવી ગઇ. તેની બા ઘરની બહાર ઓટલે બેઠી હતી. અને રૈનાને આવતી જોઈ. રૈના ઘરે પહોંચી અને બોલી ‘બા હું ભઈલાને મળવા વહેલી આવી ગઇ છું, ખબર છે એ મંગળવાર આવાનો છે પણ મારાથી રહેવાયું નહી. આમેય દિવાળીની રજાઓ ચાલે છે એટલે હું આવી ગઈ” બા એ કહ્યું, 'હારું હારું ભલે આવી. રહેજે ને અહી.”
અને રૈના તેના ભાઈની રાહ જોતી અહી જ રહેવા લાગી. સમય જતા સોમવાર આવ્યો અને રૈનાએ તેના ભાઈને આવશે ત્યારે આ બનાવીશ તે બનાવીશ કહી કહીને તેની બાનુ માથું ખાઈ જતી. હવે તો અડધા ગામને ખબર પડી ગઇ કે રૈનાનો ભાઈ અવાનો છે,અને તે જ સોમવારે સાંજે બાજુમાં રહેતા છગનભાઈ આવ્યા અને રૈના કહે “રૈના લે આ ચિઠ્ઠી તારી બા ક્યાંક ગયેલી ત્યારની પેલો પોસ્ટમાસ્તર મને આપી ગયેલો. હું આપવા નું ચુકી ગયેલો લે” રૈના એ છગનભાઈના હાથ માંથી ચિઠ્ઠી લીધી અને વાંચી
ત્તોયાં તેના પગ તળિયેથી જમીન સરી પડી અને તે બોલી” બાલી મારો ભઈલો ......” તેની બા ઉતાવળિયા પગલે આવી તેણે રૈનાને સંભાળી.
તેના ભાઈનું મુંબઈમાં કોઈ એક્સીડેન્ટમાં મૃત્યુ થયું હતુ. હર્ષ અને ઉલ્લાસ ભરેલો આજનો દિવસ શોકાતુર બની ગયો !