STORYMIRROR

MANISH CHUDASAMA

Others

3  

MANISH CHUDASAMA

Others

પૂજાનું નસીબ

પૂજાનું નસીબ

3 mins
330

  બંને પક્ષનાં મહેમાનો હોટલ પર આવી પહોંચ્યા હતાં. વેલકમ ડ્રિંક્સ પીને સૌ પોતપોતાનાં ગ્રૂપ સાથે વાતો કરતાં હતાં. નરેશ અને પુજાનાં માતાપિતાએ સગાઈની રસમ માટેની બધી તૈયારીઓ કરી લીધી. જયંતિભાઈ અને રમીલાબેન દીકરી પુજા બ્યુટીપાર્લરમાંથી તૈયાર થઈને આવે એની રાહ જોતાં બેઠા હતાં.

   પુજા ધોરણ ૧૦ ભણેલી સુશીલ અને સંસ્કારી છોકરી હતી. ઘરનું બધુ કામ પુજા જ સંભાળતી.

    જ્યારે નરેશે અમદાવાદમાં જ કોલેજમાં એમ.કોમ પૂરું કર્યું હતું. એમ.કોમ પૂરું કર્યા બાદ નોકરી માટે કેટલાય ઇન્ટરવ્યુ આપી જોયા પણ નોકરીનો ક્યાંય મેળ ના પડતાં, આખરે નરેશ કંટાળીને પિતા રમેશભાઈ સાથે ધંધામાં જોડાઈ ગયો હતો.

   પંદર મિનિટ પછી પુજા હોટલની અંદર પ્રવેશી. બધાની આંખો પુજાને જોતી જ રહી. આછા ગુલાબી કલરની ચોલીમાં પુજા સ્વર્ગની અપ્સરા જેવી લાગતી હતી.

   થોડીવારમાં સગાઈની રસમ શરૂ થઈ. બંને પક્ષનાં વડીલોએ ગોળ ખાઈ લીધો. નરેશની બહેને અને ભાભીએ પુજાને ચુંદડી ઓઢાડી બાકીની રસમ પૂરી કરી. નરેશે ને પુજાએ એકબીજાનાં હાથની આંગળીમાં રિંગ પહેરાવી. સૌ મહેમાનોએ બંનેને તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધા.

   પુજાની નરેશ સાથે આ બીજીવારની સગાઈ થઈ હતી. પહેલી સગાઈ હિરેન સાથે થઈ હતી. હિરેન સાથે સગાઈ થયાનાં એક મહિના પછી એકત્રીસમાં ડે નાં દિવસે સાંજે હિરેન અને પુજા હોટલમાં જમવા ગયા, ત્યારે પુજાને ખબર પડી કે, હિરેને ડ્રિંક કરેલું છે. જમીને ઘરે આવીને પુજાએ એનાં પિતા જયંતિભાઈને હિરેને કરેલા ડ્રિંક વિશે વાત કરી અને સગાઈ તોડી નાખવા કહ્યું. જયંતિભાઈએ પણ દીકરીનાં નિર્ણયને યોગ્ય ગણી બીજે દિવસે હિરેન સાથે સગાઈ તોડી નાખી.

   નરેશ અને પુજાની સગાઈ થયાને ત્રણ મહિના પૂરા થયા. આજે નરેશની જિંદગીમાં એક નવી ખુશીનો ઉમેરો થયો. નરેશને ૩૦,૦૦૦/- રૂપિયાનાં પગારની બેંકમાં કેશિયરની નોકરી મળી. નરેશને બેંકમાં નોકરી મળ્યાની જાણ થતાં જ પુજા ખુશીની મારી કુદવા લાગી અને મનોમન ભગવાનો આભાર માન્યો.

   નરેશને જ્યારથી બેંકમાં નોકરી મળી ત્યારથી પુજા સાથેનું તેનું વલણ સાવ બદલાઈ ગયું હતું. રાત્રે પુજા ફોન કરે ત્યારે થોડીવાર વાત કરી પછી ઊંઘનું બહાનું કાઢી ફોન મૂકી દેતો. દિવસનાં પણ નોકરી સિવાયનાં સમયમાં પુજા ફોન કરે તો કામનું બહાનું કાઢતો. મેસેજ મોકલે તો પણ તે મેસેજમાં પણ સરખો જવાબ ના આપતો. પુજા મનમાં વિચારતી કે, નરેશ આવું કેમ કરે છે ? તેનાં મનમાં ના આવવાનાં વિચારો આવતા પણ પછી, એમ માનીને મનને મનાવી લેતી કે, દિવસે ઓફિસનાં કામનાં કારણે કદાચ વાત નહિ કરતાં હોય અને સવારે વહેલું ઉઠવાનું થાય છે એટ્લે રાત્રે ઓછી વાત કરતાં હશે.

    આવા ૮ દિવસ વિત્યા. ૯ માં દિવસે સવારે પુજાનાં પિતા જયંતિભાઈ પર સગાઈ કરાવનાર ભરતભાઈનો ફોન આવ્યો.

    “હેલો... બોલો ભરતભાઈ” 

    “જયંતિભાઈ... એક વાત કરવાની હતી તમને” ભરતભાઈએ ચિંતિત સ્વરે કહ્યું.

   ભરતભાઈનાં અવાજ પરથી જયંતિભાઈને અણસાર આવી ગયો કે, નક્કી કઈક ચિંતાજનક વાત છે.

   “બોલો ભરતભાઈ શું વાત છે ?

   “નરેશ પુજા સાથે સગાઈ નથી રાખવા માંગતો. 

   “પણ કેમ ? એવું તો શું થયું કે, સગાઈ રાખવાની ના પડે છે ? મારી દીકરીથી કઈ ભૂલ થઈ છે ?” જયંતિભાઈએ સવાલોનો વરસાદ વરસાવી દીધો. 

   “ના જયંતિભાઈ... તમારી દીકરીથી કોઈ ભૂલ નથી થઈ. વાત જાણે એમ છે કે, નરેશને બેંકમાં સારી એવી પોસ્ટ અને સારા એવા પગારની નોકરી મળી ગઈ એટ્લે પુજાનું ભણતર હવે એને ઓછું પડે છે, એને હવે સમકક્ષ ભણતરવાળી છોકરી સાથે લગ્ન કરવા છે. મે એને કહ્યું પણ ખરું કે, પુજાનાં અભ્યાસ વિશે તને પહેલા જ ખબર હતી તો પછી સગાઈ શું કરવા કરી ? કોઈની જિંદગી ખરાબ કરવાનો તને કોઈ હક નથી, સાથે સાથે નરેશનાં પિતા રમેશભાઈએ પણ એને ખૂબ સમજાવ્યો કે, ખાલી ભણતરથી કશું જ નથી થતું ગણતર પણ જરૂરી છે. પુજા ભલે ઓછું ભણેલી છે. પણ ઘર સંભાળે એવી છે, પણ એ કોઇની વાત માનવા તૈયાર નથી. મને માફ કરજો જયંતિભાઈ.” 

   “અરે ભરતભાઈ તમારે માફી ના માંગવાની હોય. આમાં તમારો કઈ જ વાંક નથી. મારી દીકરીનાં નસીબમાં બીજીવાર આવું બનવાનું લખ્યું હશે અને પરાણે તો કઈ સંબંધ બંધાય નહિ.” કહીને રમેશભાઈએ ફોન મૂકી દીધો.

   ફોન મૂકી જયંતિભાઈએ આંખમાં આંસુ સાથે પત્ની રમીલાબેનને બધી વાત કરી. વાત સાંભળી રમીલાબેન પણ ચોધાર આંસુએ રડી પડ્યા. દીકરીની શું હાલત થશે ? એનાં સપનાઓનું શું ? એની લાગણીઓનું શું ? એ ચિંતા જયંતિભાઈ અને રમીલાબેનને સતાવતી હતી.

   આ બધીય વાત પુજા રૂમનાં દરવાજે ઊભી ઊભી સાંભળતી હતી. એણે રૂમનાં દરવાજે ઊભા રહીને તરત જ નરેશને ફોન કર્યો પણ નરેશે પુજાનો નંબર બ્લોક કરી દીધો હતો. પુજાએ વોટ્સએપમાં મેસેજ મોકલ્યો પણ વોટ્સએપમાં પણ નંબર બ્લોક બતાવતો હતો. તે રૂમમાં દોડતી આવી અને જયંતિભાઈને ભેટીને રડવા લાગી.

   “જે થાય છે એ સારા માટે જ થાય છે બેટા. મેરેજ પછી નરેશને આ નોકરી મળી હોત તો મેરેજ પછી એ તને છોડી દેત અથવા તને સરખી રીતે ના રાખત અને હેરાન કરત અને તારું જીવન નરક બનાવી દેત એનાં કરતાં જે થયું એ સારુ થયું. ભગવાનનો આભાર માન કે શૂળીનો ઘા સોયથી અટકી ગયો.” દિલમાં દર્દને દબાવી રાખી જયંતિભાઈ અને રમીલાબેને પુજાને આશ્વાસન આપતા કહ્યું.


Rate this content
Log in