પ્રેમની ભાષા
પ્રેમની ભાષા
વૈદેહી: ડુ યુ બિલીવ ઈન મૅજિક ?
મંદ મંદ મુસ્કાન સાથે મેં જવાબ આપતાં કહ્યું, " યસ, આઈ ડુ "
વૈદેહી (આંખોમાં ઉદ્દગારચિહ્નન સાથે ) : સાચે !!!?
હું : હા. નાની હતી ત્યારે જયારે મને આવેલા ભયંકર તાવ જેવી મોટી કે ઉધરસ જેવી નાનામાં નાની તકલીફ બીજે દિવસે મારામાંથી ગાયબ થઈને પપ્પા પાસે જોવા મળતી. રાતોરાત થતી આ ઘટનાને નાનપણમાં હું ' મૅજિક કહેતી. અને હંમેશા મારાં અંદરની ઉત્સુકતા એ શોધવા પ્રયત્નો કરતી કે આખરે આ જાદુ માટે જવાબદાર જાદુગર છે કોણ ? થોડી મોટી થઈ સમજણ આવી ત્યારે ખબર પડી. એક રાત્રે મને ભયંકર તાવ હતો અને હું લગભગ બેહોશ જેવી. બસ સૂતા સૂતા મમ્મીની ચિંતા સાંભળી રહી હતી. નાઈટ શિફ્ટમાં ગયેલા પપ્પા 11 વાગ્યે પાછા આવ્યા અને માથા પર હાથ મૂકી કહ્યું, "આ તાવ મારી ઢીંગલીમાંથી મારામાં આવી જાય." ત્યારે સમજ પડી કે જાદુગર તો પપ્પા છે અને આ જાદુ એમનો પ્રેમ. બીજે દિવસે બપોરે મારાં માથા પરનાં મીઠાંવાળા પોતાંએ પપ્પાના કપાળ પર કબજો કરેલો હતો. પણ મારા માટે આ જાદુ ખુશી નહી માયૂસી લાવતો. આજની તારીખમાં પણ એમનું મારાં માથા પર હાથ મૂકી તકલીફ પોતાને મળે એવી વાત કરવી મને ઉદાસ કરી મૂકે છે. ઘણીવાર તો હાથ જ નથી મૂકવા દેતી, પણ.......... પ્રેમની તાકાત સામે મારું શું ગજું. અને, હવે તો હું પણ આ જાદુ શીખી ગઈ છું. પણ મારો પ્રેમ એમનાં પ્રેમ સામે કંઈ જ નથી. એમનાં પ્રેમ જેટલો તાકાતવર નથી. પણ કોશિશ તો હું કરતી જ રહીશ, આખરે ક્યારેક તો જાદુ મારાથી પણ થશે જ ને ! અત્યારે દૂર હોવાં છતાં જાદુની અસરમાં કોઈ ફર્ક નથી પડ્યો !
આ છે મારા માટે પ્રેમની ભાષા... પ્રેમની વ્યાખ્યા આપી શકું એટલી સક્ષમ તો હું નથી પરંતુ, મારા માટે આ "જાદૂ" જ પ્રેમ છે.
