ભાવેશ મીરાણી

Others

3.3  

ભાવેશ મીરાણી

Others

મર્યાદા

મર્યાદા

3 mins
648


મર્યાદા એટલે શું ? કોને કહેશું મર્યાદા ? મર્યાદા એટલે નૈતિકતા અને અનૈતિકતા વચ્ચેની એક બારીક રેખા, જેને પાર કરીને તમે તમારા વ્યક્તિત્વને ઉજાગર કરો છો. મર્યાદા એટલે સુયોગ્ય જીવનનો વર્તાવ. મર્યાદા એટલે વિનય, વિવેક અને સંયમનું સંમિશ્રણ.

મર્યાદામાં રહેવાને અને નમ્ર હોવાનો ગાઢ સંબંધ છે. નમ્ર વ્યક્તિ અભિમાની નથી હોતી. પણ તે બીજાઓને પોતાના કરતાં ઉત્તમ ગણે છે. મર્યાદામાં રહેનાર વ્યક્તિ પોતાને સારી રીતે ઓળખે છે. તેને ખ્યાલ હોય છે કે અમુક બાબતો તે કરી શકતી નથી અથવા એમ કરવાની તેને પરવાનગી નથી.

દરેક માણસે પોતાની મર્યાદામાં રહીને જ જિંદગી જીવવી પડે છે. દરેકને ખબર જ હોય છે કે એની ફરજ શું છે ? બસ, એને એટલું ધ્યાન રાખવાનું હોય છે કે ફરજની મર્યાદા શું છે? ક્યાં અટકી જવું એની જેને ખબર છે એ હોશિયાર માણસ છે.

દરેક વર્તન, દરેક વસ્તુ તથા દરેક સંબંધની એક મર્યાદા, લિમિટ તથા બોર્ડર સુધી રહે એ જ વાજબી છે. કારણ કે કોઈપણની અતિ હંમેશા મતિ ફેરવી નાખે છે. જેમ કે પાગલપન એ બીજું કંઈ નથી પણ એક મર્યાદાથી આગળ નીકળી જવાનું પરિણામ છે. દરેક વાહનની પણ એક ચોક્કસ સ્પીડ લીમીટ હોય છે. તમે જો એમાંથી વધુ દોડાવવા જાવ તો અકસ્માતનો ખતરો રહે છે.  

ક્યાં અટકી જવું એનો જેને અંદાજ નથી હોતો એ ભટકી જાય છે.

કુદરતનું કોઈ પણ તત્વ લઈ લો. બધું જ એની મર્યાદામાં રહે છે. હા, ક્યારેક કુદરત પણ વિફરે છે,  પણ મોટાભાગે એની કોઈ મર્યાદા કે સીમા ઓળંગતી નથી. દરિયો એનો કિનારો ભાગ્ય જ છોડે છે. નદી પણ જે માર્ગે એને જવાનું હોય છે એ જ રસ્તે જાય છે. વાદળ પણ આકાશમાં રહે છે તારા જમીન પર આવતા જ નથી. પૃથ્વી પોતાની ગતિમાં જ ફરે છે. આપણે ક્યારેય સાંભળ્યું છે કે પૃથ્વીની ફરવાની ફરવાની ગતિ વધી ગઈ કે ઘટી ગઈ ?

 અચાનક આવી પડે એને વરસાદ નહીં પણ માવઠું કહેવાય છે. આપણો પ્રેમ, આપણી લાગણી, આપણા સંબંધ, આપણા લગાવ, આપણી ઈચ્છાની મર્યાદા પણ ચોમાસા જેવી હોવી જોઈએ. માવઠા જેવી નહીં. ક્યારે વરસવું અને ક્યારે ગરજવુંની મર્યાદા જ વ્યક્તિને ડાહ્યો બનાવે છે. 

માણસ સિવાય કોઈ જીવ શેમાંય અતિરેક કરતો નથી. અતિની કોઈ ગતિ હોતી નથી અને જે હોય છે એ અધોગતિ તરફ જ લઈ જતી હોય છે. સાચી સમજ એને જ કહેવાય જેને મર્યાદાનું ભાન હોય. વધુ પડતું કાંઈ જ વાજબી નથી. આપણે મીઠામાંથી શીખવા જેવું છે. ભોજનમાં જો મીઠું ન હોય તો ભોજન ભાવતું નથી અને વધુ પડતું થઈ જાય તો ખાઈ શકાતું નથી. મીઠાની ચપટી ભરવાની હોય પણ કેવડી ચપટી ભરવી એેની જાણકારી હોવી જોઈએ. આમ મર્યાદા જ જીવનને ઉત્તમ બનાવે છે. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે તું એ એટલો મીઠો પણ ન થજે કે જગત તને ચાવી જાય, અને તું એટલો કડવો પણ ન થતો કે જગત તને થૂંકી નાખે.

દરેક સંબંધની એક મર્યાદા હોય છે. સંતાનો પ્રત્યે બધાને લાગણી હોય છે પણ અયોગ્ય લાગે ત્યારે એને રોકવા અને ટોકવા પણ જોઈએ. મિત્ર હોય, સહકર્મચારી હોય કે પડોશી હોય. દરેકના સંબંધમાં અમુક સ્થળે અલ્પવિરામ અને નિશ્ચિત સ્થળે પૂર્ણવિરામ હોવું જ જોઈએ.

મર્યાદા માટે એટલું કહી શકાય કે જે કહી દીધું એ શબ્દો હતા, 

જે ન કહી શક્યો એ લાગણી હતી.

જે કહેવું છે છતાં પણ નથી કહી શકતા એ મર્યાદા છે.

મર્યાદાનું અપમાન તો ભગવાન પણ મંજૂર નહોતું એટલે જ ભગવાન કૃષ્ણ પોતાની જ નારાયણી સેનાની વિરુદ્ધ માં અર્જુનના સારથિ બનીને મહાભારતના યુદ્ધમાં ધર્મનો સાથ આપીને ગીતા રચી. મહાભારતનું યુદ્ધ એટલે 'ધર્મયુદ્ધ' એટલે જ્યાં ધર્મ છે , જ્યાં મર્યાદા છે ત્યાં મર્યાદા પુરુષોત્તમ તમારી પડખે જરૂરથી ઉભા રહેશે. તમને સાથ આપવા સર્જનહાર હંમેશ તત્પર રહેશે.

મર્યાદાને ક્યારેય પણ બંધન ગણી એનું ઉલ્લંઘન ન કરવું. મર્યાદામાં રહેવું અને બંધન બંને ભિન્ન વસ્તુઓ છે. બંધન તોડવું ઉચિત છે પણ મર્યાદા તોડવી એ નથી. મિત્રો , તમારા મનમાં કદાચ હજુ પણ એક સવાલ હશે કે મર્યાદા એટલે શું ? 

 તો એનો જવાબ છે જેવો વહેવાર તમે બીજાથી ચાહો છો એ પોતે કરો, જે લક્ષ્મણ રેખા તમે બીજાઓ માટે ખેચી છે. એનું પાલન પહેલા સ્વયં કરો.

મર્યાદા કોને કહેવાય એનો જવાબ તમને તમારી આત્મા આપી દેશે. કારણ આપણું અંતરમન જ છે જે આપણને ઉચિત અને અનુચિતનું ભાન કરાવે છે. એના માટે પોતાના માટે સમય કાઢીને દિવસમાં એકવાર પોતાના આંતરમન સાથે વાત કરો અને મારો દાવો છે મિત્રો કે આંતરમન તમને કોઈ દિવસ ખોટા નહીં જ પડવા દે.


Rate this content
Log in

More gujarati story from ભાવેશ મીરાણી