મંગલ ગ્રહનું ઉત્પત્તિ સ્થાન
મંગલ ગ્રહનું ઉત્પત્તિ સ્થાન
ધરણી ગર્ભ સંભૂતમ્ વિધ્યુત કાન્તિ સંપ્રભમ|
કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમાંમયહ્મ||
કાલોનાકાલ મહાકાલ મહાદેવનું જ્યાં નિવાસ સ્થાન છે, એ ક્ષિપ્રા નદીના કિનારે આવેલા ઉજ્જૈનથી સાત કિલોમીટર દૂર ક્ષિપ્રા નદીના કિનારા પર ઊંચાઈ પર આવેલ મંગલનાથ મંદિર કર્ક રેખા પર આવેલું છે. આ સ્થળ પર મંગલગ્રહની ઉપાસના શિવરુપમાં કરવામાં આવે છે. જે વ્યક્તિની જન્મકુંડળીમાં મંગલ ગ્રહનો પ્રભાવ હોય તે વ્યક્તિ આ મંદિરની મૂર્તિના દર્શન કરી અવશ્ય ધન્યતા અનુભવે છે.
મત્સ્ય પુરાણ, શિવ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણમાં આ સ્થાનનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ સ્થળનું પ્રકૃતિ દ્વારા વેરવામાં આવેલું અદભુત અને અનુપમ સૌંદર્ય તથા મંદિરની ઉત્તર દિશામાં પરમ પવન પવિત્ર પાપ નાશિની ક્ષિપ્રા નદીનું દ્રશ્ય જોવા લાયક છે. આ મંદિરે દર મંગલવારે દર્શનાર્થીઓની ખૂબજ ભીડ જોવા મળે છે. દેશ પરદેશથી શ્રધ્ધાળુઓ મંગલદોષની શાંતિ માટે પૂજા અર્ચના કરાવવા આવે છે. આ મંદિરના પ્રાંગણમાં પૃથ્વી માતાની વિશાળકાય આકર્સક મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
મંગલગ્રહની ઉત્પત્તિનો પૌરાણિક ઇતિહાસ સ્કંદ પુરાણના અવંતિકાખંડમાં વિસ્તૃત રૂપે દર્શાવવામાં આવ્યો છે. ઉજ્જૈનને અવંતિકા નામથી પણ ઓળખવામાં આવે છે. એક સમયે ઉજ્જૈનનગરીમાં અંધક નામનો ખૂબજ પ્રસિદ્ધિ પામેલો દાનવ રાજ્ય કરતો હતો. તેના પુત્રનું નામ કનક હતું. તે મહાપરાક્રમી હતો. આ મહાપરાક્રમી પુત્ર કનકે મહારાજ ઈન્દ્રને યુદ્ધ માટે લલકાર્યા ત્યારે ક્રોધાયમાન થયેલા ઈન્દ્રએ તેની સાથે યુધ્ધ કર્યુંને તેને મારી નાંખ્યો. અને તેના પિતા અંધકાસુરના ડરના કારણે ભગવાન ઇન્દ્ર શંકરને શોધવા નીકળી ગયા. શોધતા શોધતા કૈલાસ પર્વત પર ગયા. ત્યાં દેવાધિદેવ ભગવાન શિવના દર્શન કર્યા. અને પોતાની કથા, વ્યથા સંભળાવી અને અંધકાસુરથી બચાવવા પ્રાર્થના કરી. ભગવાન શિવે દેવરાજ ઈન્દ્રને અભયવચન આપ્યું.
ભગવાન શિવ અંધકાસુર સાથે યુધ્ધ કરવા લાગ્યા. આ ભયંકર યુદ્ધ દરમિયાન લડતા લડતા ભગવાન શિવના મસ્તક પર લાગેલા પરસેવાનું એક ટીપું પૃથ્વી પર પડ્યું. તેનાથી આગ સમાન લાલ અંગો વાળા ભૂમિ પુત્ર મંગલનો જન્મ થયો. અને બ્રાહ્મણોએ અંગારક, રક્તાક્ષ, તથા મહાદેવ પુત્ર આ ત્રણ નામોની સ્તુતિ વંદના કરી અને તેને નવ ગ્રહોની મધ્યમાં પ્રસ્થાપિત કર્યા. ત્યારબાદ આજ પાવન પવિત્ર સ્થળ પર બ્રહ્માજીએ મંગલેશ્વર નામના ઉત્તમ શિવલિંગની સ્થાપના કરી. હાલમાં આ મંદિર મંગલનાથ મંદિર તરીકે ઉજ્જૈનમાં પ્રસિધ્ધ છે. મંગલ દેવ જ્યારે બાળકના રૂપમાં જન્મ્યા હતા ત્યારે તેમનું તેજ ખૂબજ વધારે હતું. જેના લીધે દેવતાઓ અને માનવો ખૂબ જ પીડાતા હતા, ત્યારે ભગવાન શિવજીએ તેમને પોતાના ખોળામાં બેસાડ્યાં અને કહ્યુંકે તમે મારી જ રાજસ પ્રકૃતિથી ઉત્તપન્ન થયા છો. એટલે માણસોને અને દેવતાઓને ભયત્રસ્ત ન કરો. અને તમને નવગ્રહના સેનાપતિ તરીકે પદવી પ્રદાન કરું છું. તમે કાયમ અવંતિકા( ઉજ્જૈન) માં નિવાસ કરો અને દરેકનું ભલું કરો. આ પ્રકારે મંગલગ્રહનું ઉત્ત્પત્તી સ્થાન ઉજ્જૈન ( અવંતિકા) માનવામાં આવે છે. જે માણસને મંગલ ગ્રહની તકલીફ હોય તે માણસ આ સ્થળ પર આવીને મંગલદેવનું પૂજનઅર્ચન અને દર્શન કરે છે, તેને મંગલના દોષમાંથી મુક્તિ મળે છે. ખાસ કરીને આ મંદિરે મંગલ દોષની મુક્તિ માટે ભાતપૂજા કરાવવામાં આવે છે.
આ મંદિર જવા માટે મહાકાલ મંદિર પાસેથી ઓટો રિક્ષા મળી રહે છે. જેમાં ઉજ્જૈન દર્શન કરાવવામાં આવે છે. આ દર્શનમાં મહારાજા વિક્રમાદિત્યનું સિંહાસન, બડા ગણેશ, સાંદિપની ઋષિઆશ્રમ, ઋણમુક્તેશ્વરમહાદેવ, ગોપાલ મંદિર, ભર્તુહરિ ગુફા, મંગલ નાથ મંદિર, હરસિધ્ધિ મંદિર, કાલભૈરવ મંદિર, ગઢ કાલિકા, વગેરે જેનો વ્યક્તિ દીઠ ચાર્જ 100 રૂપિયા હોય છે. અને આશરે ત્રણ કલાક જેટલો સમય લાગે છે.
ઉજ્જૈન મહાકાલમંદિરના દર્શનાર્થે આવતા યાત્રિકો મંગલનાથ મંદિરના અચૂક દર્શન કરે છે.
