મેહુલિયાની મહેર
મેહુલિયાની મહેર
લગભગ રાતના નવ વાગ્યા હતા. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હતું. ગામના સીમાડાની માટીની મીઠી મહેક પવન સાથે આવી રહી હતી.
ગામના ઝાંપાથી થોડે દૂર રામમંદિરના ઓટલે બેઠેલો મેહુલ બોલ્યો !
કનુકાકા વરસાદ થોડીજ વારમાં આવવો જોઈએ તમારું શું કેવું છે ? કનુકાકા જવાબ આપે તેની પેલા તો કરમશી કાકા બોલી ઉઠયા જો ! અત્યારે વરસાદ આવે તો હું બધાને ભજીયા ખવડાવીશ. એમજ વાતચીતનો દોર ચાલુ હતો, ને સાડા નવ વાગ્યા, ત્યાં તો વરસાદ તૂટી પડ્યો.
ડાયાકાકા અને ચંદુકાકાથી તો રહેવાયું નહીં, એતો ખિસ્સામાંથી પૈસા અને બેવડી વળેલી કાગળની કટકીઓ કનુકાકાને આપી, વરસાદમાં ભીંજાવવા દોડી ગયા. ત્યાં બેઠેલા બધા જ વરસાદ આવવાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. ઓચિંતી મેહુલની નજર મનુકાકા પર પડી તેઓ ઊંડા વિચારોમાં ખોવાયેલા અને ઉદાસ દેખાઈ રહ્યા હતા મનુકાકા સૌથી વધુ હસમુખા ને વાત વાતમાં બધાને હસાવતા. મેહુલે મનુકાકાને ઉદાસીનું કારણ પૂછવું હતું પણ જીભજ ના ઉપડી. મેહુલને ઘરે જઈને થોડી વારતો નીંદર ના આવી.
બીજા દિવસે રાત્રે રામ મંદીરના ઓટે બધા ભેગા થયા ત્યારે પણ મનુકાકા ઉદાસ અને સુનમુન થઈને બેઠા રહ્યા.
વરસાદ થયાના ત્રીજા દિવસે ગામના ખેડૂતો વાવણી કરવા ખેતરે જવા લાગ્યા. મેહુલ પણ તેના બાપુજી અને મોટા ભાઈ સાથે ગાડામાં બેસીને ખેતરે વાવણી કરવા માટે નીકળયો ત્યાંજ રસ્તામાં મનુકાકાનું ખેતર આડું આવતું હતું. ત્યાં ખેતરમાં મેહુલે જોયું તો કોઈ દેખાયુ નહીં. મેહુલ વાવણી કરી ઘરે પાછો જતો હતો ત્યારે પણ મનુકાકાના ખેતરમાં નજર કરી ત્યારે પણ કોઈ દેખાણું નહીં. મેહુલ મનોમન વિચારતો હતો કે મનુકાકા દર વર્ષે વરસાદ થયા પછી બધાની પહેલા વાવણી કરી લે પરંતુ આ વખતે કેમ હજુ ન આવ્યા ? મેહુલના મનમાં તે વિચારો વળ ખાઈ રહ્યા હતા.
તે દિવસે સાંજે પાંચ વાગ્યે ગામના નાકા પાસે ડાયાકાકા ખેતરેથી ગાડુ લઈને ઘરે જઈ રહ્યા હતા. તેમને મેહુલ જોઈ ગયો. મેહુલે બૂમ પાડી ડાયાકાકા ઊભા રહોને એક કામ છે. મેહુલે ડાયાકાકાને કહ્યું કે, મનુકાકા બે દિવસથી ઉદાસ રહે છે. અને આજે તેઓ ખેતરે વાવણી કરવા પણ નથી ગયા. તેનું શું કારણ હશે ? ડાયાકાકાને મનુકાકાની ઉદાસીનું કારણની ખબર હતી કેમકે તેમને તેમની પત્નીએ વાત કહી હતી. ડાયાકાકાએ તે સંપૂર્ણ વાત મેહુલે કહી ને તે સાંભળીને મેહુલની આંખમાં પાણી આવી ગયાં ને મનોમન બોલ્યો કે આટલું બધું થઈ ગયું ને મનુકાકાએ જરા પણ વાત ન કરી.
રાત્રે બધા ભેગા થયા રામ મંદિરના ઓટલે પરંતુ મનુકાકાની ગેરહાજરી હતી. મનુકાકાને ખબર હતી કે હું ત્યા બેસવા જઈશ તો બધા પૂછે છે કે ખેતરે હજુ વાવણી કેમ નથી કરી. તેથી તેઓ બેસવા માટે જ ન આપ્યા.
મેહુલે મોકો જોઈને મનુકાકાની વાત ત્યાં માંડી કહ્યુ, આપણે બધાએ મળીને દસ હજાર રૂપિયા ભેગા કરીને મનુકાકાને આપવાના છે. તો કરમશી કાકા બોલ્યા કેમ ? શા માટે ? પછી મેહુલે વિગતવાર વાત કહેતા કહ્યું કે મનુકાકાની દીકરીના લગ્ન થોડા સમય પહેલા થયા, ત્યારે લગ્નમાં તેમની પાસે જે રૂપિયા હતા તે બધા જ રૂપિયા ખર્ચાઈ ગયા હતા. મનુ કાકા પાસે મગફળીનું બિયારણ લેવાના રૂપિયા ન હોવાથી તેમણે વ્યાજે રૂપિયા લીધા હતા. તેઓ મગફળીનું બિયારણ લેવા ગયા ત્યારે તેમના રૂપિયા ખોવાઈ ગયા કે કોઈ ચોરી ગયું તે ખબર ન પડી. જયાં જયાં તેઓ ગયા હતા ત્યાં બધે શોધ્યા પણ ક્યાંયથી મળ્યા નહીં. ગરમીથી રેબઝેબ થઈને એક વડલાના છાંયડે બેસ્યા. કંઈપણ સૂઝતું ન હતું કે હવે શું કરવું ઘરે જઈને ઘરવાળીને ખબર પડશે એટલે તે પણ ભાંગી પડશે એવા વિચારો તેમના મનમાં આવી રહ્યા હતા. છેવટે મનુકાકાને બિયારણ લીધા વગર જ ઘરે પાછું ફરવું પડ્યું.
આ વાત સાંભળીને બધાજ મંત્રમુગ્ધ થઈ ગયા. ને મનુકાકાને મદદ કરવા રાજી થયા. કરમશી કાકા બોલ્યા મનુ આપણા પૈસા હાથોહાથ તો નહીં રાખે તેની મને ખાતરી છે. તેને ખબર ન પડે તેવી રીતે આપવા પડશે. રમેશકાકા બોલ્યા તો કેવી રીતે આપશું ? મેહુલ બોલ્યો તે કામ મારા પર છોડી દો. બધાએ કીધુ ઠીક છે.
સવારે મેહુલ એ બધા પાસેથી ઉઘરાણું કરી દસ હજાર રૂપિયા ભેગા કરી દસ વાગ્યા પેલા જ મનુકાકાની ડેલી ખખડાવી, મેહુલ બોલ્યો મનુકાકા છે ? અંદરથી મનુકાકાનો અવાજ સંભળાયો હા હજુ તો છે, કોણ છે ? મેહુલિયો, મેહુલ બોલ્યો હા કાકા. મનુકાકા બોલ્યા, આવતોરે અંદર ડેલી ખોલીને. મેહુલ અને મનુકાકા ફળિયામાં ખાટલો ઢાળીને વાતોમાં વળગ્યા મેહુલે મનુકાકાનું ધ્યાન ન પડે એ રીતે દસ હજાર રૂપિયા બાજુમાં પડેલા ઓશિકા નીચે રાખી દીધા ને મેહુલનું કામ થઈ ગયું. મેહુલે લીંબુડીના પાંદ નાખેલી ચા પીધી ને પછી કહ્યું હાલો હવે મારે ખેતરે ચક્કર મારવા જવું છે. ચાલો હું જાવ છું.
મનુકાકાની પત્ની સરલા કાકીને નાના છોકરાં ખૂબ વ્હાલા તે પાડોશીની નાનકડી ખુશીને રમાડવાં લઈ આવતા ખુશીને હજુ બોલતા નો'તું આવડતું, તે ખુશીને દસ હજાર રૂપિયા ઓશિકા નીચેથી મળ્યા ને તેનાથી ઓસરીમાં બેસીને રમી રહી હતી. સરલા કાકીની ધ્યાન પડી ગઈ, દોડીને રૂપિયા લઈ લીધા, થોડીવારમાં મનુકાકા આવ્યા, સરલા કાકી બોલી કેમ ? જ્યાં ત્યાં આટલાં બધા રૂપિયા મૂકી દયો છો ? આ છોકરીએ નોટો ફાડી નાખી હોત તો ! સરલા કાકીને એમ હતું કે તે રૂપિયા તેઓ કોઈની પાસેથી ઉછીના લઈ આવ્યા ને મનુકાકા ને એમ થયું કે હું તે દિવસે રૂપિયા ઘરે જ ભૂલી ગયો હતો. આમ એકબીજાને ખબર જ ના પડી કે રૂપિયા ક્યાંથી આવ્યા ? તે દસ હજારનું મનુકાકા મગફળીનું બિયારણ લાવ્યાને તેજ દિવસે ખેતરે વાવણી કરી આવ્યા.
રાત્રે રામ મંદિરના ઓટલે બેસીને બધા વાતો કરી રહ્યા, ને મનુકાકા આવ્યા હાથમાં થેલી હતી. બધાએ તેમની સામે જોયું, મેહુલે તેમનો હસતો ચહેરો જોય પૂછ્યું મનુકાકા આ થેલીમાં શું લાવ્યા ? મનુકાકા બોલ્યા તેમાં તમારા બધા માટે ગરમા ગરમ ભજીયા બનાવી લાવ્યો છું. કરમશીએ તો ન ખવડાવ્યા પણ હું ખવડાવી દઉં. મનુકાકા એટલા ખુશ હતા કે વાત ન પૂછો. છેક સુધી વાતો તેમણે જ કરી કોઈને બોલવાજ ન દીધા. મનુકાકા ફૂલની જેમ ખીલી ઊઠ્યા તે જોઈ મેહુલે મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી કે હે ઈશ્વર આવી જ રીતે મને નિમિત્ત બનાવી કોઈને મદદ કરવાની પ્રેરણા આપતા રે'જો. થોડી જ વારમાં વરસાદ પણ મનુકાકાની ખુશીમાં ભાગીદાર બનવા આવ્યો હોય તેમ વરસી પડ્યો.
