મારા પપ્પા
મારા પપ્પા


બી. એ. ના પ્રથમ-દ્વિતીય વર્ષ દરમિયાન 1994-95માં અમને રાજ્યનીતિ શાસ્ત્રના પ્રાધ્યાપક એ. કે. પરમાર સાહેબ ભણાવતા કે "રાજ્ય એક અનિવાર્ય અનિષ્ટ છે" જેનું સરળ ભાષામાં વર્ણન કરવા માટે રમૂજમાં એમ પણ કહેતા કે જો પિતા દારૂ પીતા હોય તો તેમને સુધારવા માટે તમારે મહત્તમ પ્રયાસ કરવો પડે. એમને ઘરમાંથી બહાર હાંકી શકાય નહીં ! એ ગૃહમાં અનિવાર્ય અનિષ્ટ કહેવાય. . . ભલે તેમનો સ્વભાવ પરિવારમાં બંધબેસતો ન હોય પણ તેમની હાજરી-તેમનું અસ્તિત્વ અનિવાર્ય છે. મારા પિતા નાનપણથી જ મારામાં સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે મને અવનવી ધાર્મિક ઐતિહાસિક પૌરાણિક વાર્તાઓ, 65-71 યુદ્ધકથા, ભૂતકથા, જોક્સ, પ્રેરક પ્રસંગ તેમની અનુભવ કથા-જીવન પ્રસંગો વગેરેનું દરરોજ સાંજે સૂતી વખતે વિશદ વર્ણન કરતા ! એના માટે મારે મામૂલી મૂલ્ય ચૂકવવું પડતું. . . અને તે હતું. . . સાંજે જમ્યા પછી સમયસર પથારી કરવાની ! જો કે વાર્તા કથા જોક્સ સાંભળવાની લાલચે મને નાનપણથી ખૂબ જિજ્ઞાસુ બનાવ્યો હતો. મારા પિતા ભણેલા ન હતા પરંતુ ગ્રામના ગોર મહારાજને બાજરી આપી નહીંવત અક્ષરજ્ઞાન મેળવ્યું હતું. જો કે તેની ખબર પડતાં મારા પિતાજીને એમના પિતાજીના વરદ હસ્તે હસ્તિ પ્રહારનો થોડો ઘણો લાભ પ્રાપ્ત થયો હતો. મારા પિતાજીની કોઠાસૂઝ ગજબની હતી. લગભગ 80 વર્ષ સુધી શ્રવણ શક્તિ અને નજર તેજ હતી. જૈફ વય સુધી સોયમાં દોરો પરોવી શકતા હતા. કૂવામાં ઉતરી શકતા હતા અને ઝાડ પર પણ ચડી શકતા હતા એ હકીકત છે. બહાદુર પણ એટલા જ. . . કોઈનું ખોટું કરે નહીં અને કોઈનું ખોટું સહન પણ ન કરે ! નાનપણથી જ પાતળું પણ કસાયેલું શરીર ! જે જીવ્યા ત્યાં સુધી ટકાવી રાખ્યું. બીડી પીવાની કુટેવ ! દિવસમાં લગભગ ત્રણેક વાર ચા પીવી પડે. . . બપોરે તો ફરજીયાત એક કલાક ઊંઘ લેતા અને ઉઠ્યા પછી તરત જ ચા જોઈએ. દૂધવાળી ચા. . . ઉકાળો ઓછો પસંદ હતો. એટલે ગામમાંથી દૂધ ભરાવવા જતા દૂધવાળા પાસેથી રાહ જોઈને પણ દૂધ લઈ આવે. મારા પિતાજી વાંચનના ખૂબ શોખીન. બજાર ડીસા કાંપ(કેમ્પનું અપભ્રંશ)માં જાય ત્યારે ગુજરાત સમાચાર અવશ્ય લેતા આવે. ગુજરાત સમાચાર ન મળે તો સંદેશ લાવે. મને આબેહૂબ યાદ છે. 1985ની સાલથી મને છાપું વાંચવાની પ્રેરણા પિતાજી પાસેથી મળી.
હું ગુજરાત સમાચારમાં આવતી શબ્દપૂરણી ભરવાનો શોખીન. એના કારણે આજે પણ મને એક જ શબ્દના અનેક અર્થ મોઢે છે ! શબ્દપૂરણી પૂરવાનો મારા મોટાભાઈને પણ ગજબનો શોખ ! તેઓ મને આવડે એટલી પૂરવા દે પછી જ મોરચો સંભાળે. . . આખી શબ્દપૂરણી મોટાભાઈના સુંદર અક્ષરો વડે જોતજોતામાં પૂરાઈ જાય. . . મારા ગામના વડીલ કાળુભાઈ દેવડા મને બનાસના પટમાં સામે મળે એટલે ઊભો રાખે બાવળની છાંયે બેસાડે. તેઓ ફટાફટ શબ્દ પૂરણી પૂરે અને મારી પાસે પૂરાવે. મને ચોખ્ખું યાદ છે કે તેઓ મર્ડરના ત્રણ ગુજરાતી સમાનાર્થી પર્યાય શબ્દો એકસાથે બોલી ગયા હતા. . . કાપાકાપી કત્લેઆમ ખૂનરેજી !
મૂળ વાત પર આવું છું. . . મારા પિતાજી બજારથી ઘરે આવે ત્યારે ક્યારેય ખાલી હાથે ન આવે. . . ખાવા માટે કંઈક લઈને જ આવે. સફેદ ટિકડા ગોળી. . . મોસંબી ગોળી, ચોકલેટ બિસ્કીટ વગેરે. . . છેલ્લે ગૉળ પણ લઈને આવે. . . ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે મારા પિતાએ મારા માટે શું કર્યું ? શહેરમાં ક્યાંક સસ્તો જમીનનો પ્લોટ કે મકાન રાખ્યું હોત તો આજે સુખી થાત ! હું તો કહું છું કે મારા પિતાએ મારા માટે ઘણું બધું કર્યું છે. મને કફોડી આર્થિક સ્થિતિમાં સ્વયં અભણ હોવા છતાં ભણાવ્યો એજ એમનો મારા પર મોટો ઉપકાર છે. મને ન ભણાવ્યો હોત તો હું ક્યાં હોત ? શું કરતો હોત ? એની કલ્પના કરી શકતો નથી. ઘણીવાર હું પુસ્તક નોટબુક મંગાવતો ત્યારે મારા પિતાજી તે લીધા વગર ઘરે આવતા ત્યારે હું પૂછતો કેમ જરૂરી પુસ્તક નોટ લાવ્યા નથી ?
ત્યારે મારા પિતાજી મને કહેતા બેટા,ભૂલી ગયો અથવા આજે દુકાન બંધ હતી ! પણ હકીકત કંઈક જુદી હતી. એમની પાસે પૂરતા પૈસા-નાણાંનો અભાવ હતો તે સમજતાં મને વાર નહોતી લાગી. એટલે જ ધોરણ સાતના વેકેશન દરમિયાન એક મહિનો તગરીના ફૂલ વેચ્યા હતા અને તેની બચત કરીને ધોરણ આઠના પુસ્તકો ખરીદ્યા હતાં ! મારા પિતાજી પાસે હું સમજણો થયો ત્યારથી મેં હિસાબ માટે જરૂરી દોરીવાળી ડાયરી જોઈ હતી અને ખિસ્સામાં એક પેન રાખતા. તેનાથી મને પણ નાનપણથી પેન ડાયરી રાખીને નોંધ કરવાની ટેવ પડી ગઈ હતી. તેઓ ઘડિયાળના પણ ખૂબ શોખીન હતા. પછી ભલે ઘડિયાળ ઈલેક્ટ્રોનિક કેમ ન હોય ! અમારા જમાનામાં નવી નવી એ ઘડિયાળ આવી હતી એટલે અમે તેને "નંબરવાળી" ઘડિયાળ કહેતા. તેમાં લાઈટ પણ ચાલુ થતી ! પહેરવાની મજા પડતી. પિતાજી સ્વભાવે કડક મિજાજના. ઘરે મોડા આવીએ અથવા એલફેલ માણસ સાથે ફરતા હોઈએ તો આવી બન્યું ! ક્યારેય મારે નહીં પણ પ્રાસંગિક ઠપકો ધમકીભરી ભાષામાં મળે. હું તો છેકથી મારા પિતાજીની આંખ જોઈને જ ડરતો. ખાસ માંગ હોય તો મમ્મીને કહેવાનું પછી ત્યાંથી વાત આગળ વધે. ક્યારેક મારી માંગ પૂરી થઈ શકે તેવી ન હોય તો તે માટે મારા પિતાજીનો જરૂરી પ્રકોપ મમ્મીએ પણ વહોરવો પડતો.
અમારા ગામમાં મમ્મીને બઈ અને પિતાજીને ભઈ કહેવાની પરંપરા હતી. કેટલાક કુટુંબોમાં પિતાજીને "કાકા" "બાપા" અને "ભજી" કહેવાની પ્રણાલી પણ વિકસી હતી ! મારા પિતાજી ખુમારીવાળા સિદ્ધાંતપ્રિય અને કડક મિજાજના હતા. તે અનુસાર બે બોરવાળી બંદૂક પણ રાખતા હતા. ગ્રામ પંચાયતના સદસ્ય હોવાથી 1965-70 દરમિયાન પંચાયતનો રેડીઓ ઘરે રાખતા હતા અને તેનું એમ્પ્લીફાયર લીંબડાના વૃક્ષ પર ફીટ કર્યું હતું જેના લીધે ગ્રામજનો પણ દેશ વિદેશના સમાચાર સાંભળતા. એ સમયે બનાસ નદીમાં વાજડા કે વાલડા થતા. . . અર્થાત નદીમાં થતી કૃષિ ! સંવત 2023માં બનાસ નદીમાં પૂર આવ્યું અને નદીમાં વાવેતર કરેલ તમામ બટાકા તણાઈ ગયા. કહેવાય છે કે અનેક લોકોએ પાયમાલ થઈ ગયાના ભયે નદી કિનારે જ રીતસરની પોક મૂકી હતી ! અમારા પણ બટાકા તણાઈ ગયા હતા પણ મક્કમ મનના મારા પિતાજી ફરીથી કૃષિ કરીને પગભર થયા હતા. મને અવારનવાર કહેતા કે જીવનમાં ક્યારેય નાસીપાસ-હતાશ ન થવું,ભલેને સર્વસ્વ લૂંટાઈ જાય ! 2004માં જીપીએસસીની મુખ્ય પરીક્ષા આપ્યા પછી ઇન્ટરવ્યૂમાં હું નાપાસ થયો ત્યારે હતાશ થઈ ગયો હતો. એ વખતે પિતાજીએ એટલું જ કહ્યું કે હાથ-પગ તો સાજા છે ને ! ચિંતા મત કર. . . આપણી અક્કલ અનુસાર ગમે તે ધંધો કરવાનો. ભૂખે નહીં મરીએ. . . ગમે તેટલું દેવું હોય તો પણ અમુક રકમ તો હાથ પર રાખવી જ એવો મારા પિતાજીનો દ્રઢ અભિપ્રાય હતો ભવિષ્યમાં બીમારી કે અકસ્માત ગમે તે સમયે કામ લાગે. . . કોઈ વસ્તુ જકડીને પકડી રાખવાની હોય અને હું ઢીલી પકડું તો મને કહેતા. . . દુશ્મનને પકડીએ એમ મજબૂત પકડ ! રાત્રે સૂઈ જઈએ ત્યારે હાથબત્તી લાકડી બુટ વગેરે હાથવગા રાખવાનું કહેતા. વળી ઊંઘ મોર જેવી હોવી જોઈએ. . . થોડોક અવાજ આવે તો તરત જ જાગી જવું નહીંતર પછી જાગવાનો કોઈ જ અર્થ નથી. કોઈક મિત્ર મદદની બૂમ પાડે તો તરત જ હાજર થઈ જવું. ક્યારેય એકલા વસ્તુ ન ખાવી પણ વહેંચીને ખાવી નહીંતર સવારે તેનું ખાતર જ થવાનું છે એમ મને રમૂજમાં વારંવાર કહેતા. રાત્રે કોઈ વ્યક્તિ ઝાંપે બોલાવે અથવા ઉપરવાડે કોઈ વસ્તુ માંગવા આવે તો મારા પિતાજી સાફ ઈન્કાર કરતા. કોઈકની આબરૂ જતી હોય તો તેના માટે સદાય તૈયાર રહેવા મારા પિતાજીએ મને સોનેરી સલાહ ઘણીવાર આપી છે ! હું ઘરે મોડે સુધી પહોંચ્યો ન હોઉં તો મારા પિતાજી મને હું જ્યાં ગયો હોઉં ત્યાં પાછળ લેવા આવી જતા અને જે તે ઘર માલિકને પણ મોડું કરાવવા બદલ ઠપકો આપતા. મને 32 વર્ષ સુધી પિતાજી સાથે રહેવાનું સદભાગ્ય સાંપડ્યું એનો મને આજેય ગર્વ છે !