લોકડાઉન : નાસમજનું વેકેશન
લોકડાઉન : નાસમજનું વેકેશન


શહેરના સારા વિસ્તારમાં એક સોસાયટી. આ સોસાયટીમાં બધા સભ્ય અને સમજુ તેમ જ ભણેલો અને કહેવાતો બુધ્ધિજીવી વર્ગ.
રાકેશભાઈ એમના પત્ની, બાળકો અને માતા-પિતા સાથે રહે. પુષ્કળ પૈસો, અને પૈસાને કારણે એ જે કરે છે તે સાચું જ છે તેવી ગેરસમજ. રાકેશભાઈનો સ્વભાવ મદદરૂપ થવાનો અને ઝઘડાળુ પણ ખરો. પાર્કિંગ માટે દરેક ને અનુભવ થયેલો.
કોરોના વાયરસ ને પગલે લોકડાઉન જાહેર થયું. રાકેશભાઈ અકળાઈ ગયા, લોકડાઉન જાહેર થયાના ૨ દિવસ પછી સંબંધીઓને પોતાના ઘરે બોલાવી લીધા અને વેકેશનની મજા માણવા લાગ્યા.
સોસાયટીના સભ્યો, વડીલો સૌ જૂએ, એકબીજાની સામે જૂએ અને સમજે પણ ખરા
કે આમને કંઈ કહેવાશે નહીં.
અચાનક, લોકડાઉનના ૧૮મા દિવસે રાકેશભાઈ ના ઘરે પોલીસવાન અને એમ્બ્યુલન્સ આવી. સોસાયટીના સભ્યો પોતાના ઘરની બારીમાંથી ત્યાં શું થાય છે તે કૂતુહલ પૂર્વક જોવા લાગ્યા.
રાકેશભાઈના સંબંધીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે સગાંસંબંધીઓ વેકેશન માણવા આવ્યા હતાં તે સૌ થોડા દૂર ઊભા રહી ગયા.
રાકેશભાઈ જોઇ રહ્યા, આરોગ્ય ટીમ કાર્યરત હતી અને પોલીસ ટીમ પણ તેમના માટે કામ કરી રહી હતી.
પોલીસ, લોકડાઉનમાં કેવી રીતે મહેમાનો અહીં આવ્યા તેના વિશે કડકાઈથી પૂછપરછ કરી રહી હતી અને સોસાયટીના સભ્યો મોબાઇલમાં વિડીયો ઉતારી રહ્યા હતા.