કિંમત નથી
કિંમત નથી
ના મમ્મી......મને......એ.....જ......સેન્ડલ....લેવા......તા...મારી બધી જ ફ્રેંડસ પાસે એવા સેન્ડલ છે અને કોલેજમાં ગ્રુપ ડે માં પણ બધી જ છોકરીઓ આવા જ સેન્ડલ પહેરવાની હતી અને તમે મને એ જ સેન્ડલ ન અપાવ્યા....તમને હું વ્હાલી જ નથી.
જયારે પણ તમને કાંઈ પણ લેવાનું કહું તમે એવું જ કહો એ વસ્તુ બહુ કિંમતી છે અને મારે ક્યાં સુધી મારુ મન મારવાનું... કેટલા સરસ સેન્ડલ હતા અને તે કહ્યું એ તો બહુ જ કિંમતી છે આપણાથી ના લેવાય તો તું ક્યારેય મને મારી પસંદગીની વસ્તુ લઈ આપીશ મમ્મી !
મને એ જ સેન્ડલ જોઈએ નહિતર હું ખાવાનું નહિ ખાવું.....અને કાલે કોલેજ પણ નહીં જાઉં ....કહીને રડતાં રડતાં હું સૂઈ ગઈ.
હું શિખા અમારી કોલેજ માં હું બે વર્ષથી ટોપ કરું છું અને મધ્યમ ના .. ના ગરીબ પરિવારમાંથી આવું છું, દર વખતે મારે કાંઈ પણ જોઈતું હોય તો મને ના મળે કેમ કે મને જે પણ વસ્તુ ગમે તે બધી બહુ જ કિંમતી હોય અને એટલે જ મમ્મી મને ના લેવડાવે..... હમણાંની મારી સેન્ડલવાળી જિદ પણ આજ કારણે હતી.
કોલેજમાં ગ્રુપ ડે નિમિત્તે સેમ સેન્ડલ પહેરવાની થીમ રાખેલી હતી અને મારી બધી જ ફ્રેંડસ સેમ દુપટ્ટો વાઈટ કલરનો અને હિલવાળા રેડ કલર ના સેન્ડલ પહેરીને આવવાની હતી એટલે હું પણ મમ્મી ને માખણ લગાડી ને બજાર લઈ ગઈ કે ત્યાં તે મને મારા ગમતા સેન્ડલ લેવડાવે.....પણ...
હું અને મમ્મી જ્યારે બજારમાં ગયા અને સેન્ડલની કિંમત સાંભળીને જ મમ્મી દુકાનની બહાર નીકળી ગઈ મેં ઘણી જિદ કરી પણ મમ્મી એ મારી એક વાત ન સાંભળી ને મને ઘરે લઈ આવી એટલે મેં પણ નહીં જમવાની ધમકી આપી ને હું સૂઈ ગઈ.
આજે તો મેં નક્કી જ કરી રાખ્યું તું કે જો સેન્ડલ મમ્મી સેન્ડલ અપાવશે જ પછી જ હું કોલેજ જઈશ .......પણ સાંજે મમ્મી એ મને વ્હાલથી જગાડી અને મારી ફેવરિટ મેગીની ટેસ્ટી ડિશ મારી સામે ધરી દીધી......હવે તમે જ કહો આખો દિવસ કાંઈ પણ ખાધું ના હોય અને પછી આપણી ફેવરિટ ડિશ પ્રગટ થાય તો મન તો લલચાવાનું જ ને.....!
મેં પણ મેગીની ડિશ જોઈ પણ આ વખતે મેં મનને મક્કમ કરી રાખ્યું કે હું નહિ ખાવું એટલે નહિ જ ખાવું.....ખાવાનું જોઈને મેં મારુ મોઢું મચકોડયું અને નકાર માં માથું હલાવ્યું હું સૂવા જ જતી હતી ત્યાં મમ્મી એ મારો હાથ પકડ્યો અને મને ઊભી કરી અને ખાટલાની નીચે મૂકેલા મારા ગમતા સેન્ડલ મને બતાવ્યા.....હું તો સેન્ડલ જોઈને ખુશ ખુશ થઈ ગઈ પણ આ ખુશી થોડીક ક્ષણ પૂરતી જ હતી
મમ્મી એ કહ્યું કે સેન્ડલ એ તેની બેનપણીની છોકરીના છે અને કાલે કોલેજમાં પહેરવા માટે તે માંગીને લાવી છે. અને કાલે કોલેજ પત્યા પછી મારે જ એમને એમના આ સેન્ડલ પાછા આપવા જવાનું છે.....મમ્મી ની વાત સાંભળીને ફરીથી હું ઉદાસ થઈ ગઈ પણ મમ્મી એ પ્રોમિસ કરી કે આ મહિના પછી એ મને મારા પોતાના જ સેન્ડલ લઈ આપશે એટલે મેં ખુશી ખુશી મેગી ખાઈ લીધી....મતલબ કે મેં મારી જિદ મૂકી દીધી.
સવારે કોલેજ ગઈ. મારી ફ્રેન્ડના ફોનમાં ગ્રુપ ડે ની કેટલીય સેલ્ફીઓ લીધી..... ખૂબ જ ફોટોસ પાડ્યા..... ખાસ કરી ને સેન્ડલ ના ફોટોસ પાડ્યા..... અને ઘરે આવી બેગ મૂકીને મેં મારા જુના સ્લીપર પહેર્યા અને હું ઉદાસ મનથી સેન્ડલ આપવા મમ્મીની ફ્રેન્ડ ના ઘરે જતી હતી... હું ઉદાસ હતી.
મમ્મી ની બેનપણી નું ઘર અમારા ઘરથી થોડું દૂર હતું હું ચાલતા ચાલતા જતી હતી અને રસ્તામાં મારી સામેથી મેં એક ભિખારી ને જોયો એ બધા પાસે ભીખ માંગતો હતો અને નીચે બેસી ને હાથ ના ટેકેથી ઘસડાઈ ને ચાલતો હતો કારણ કે એની પાસે પગ જ ન હતા....હું એ ભિખારીની પાસે ગઈ મારી પાસે બે રૂપિયા હતા તે મેં તેમના વાટકામાં મૂક્યા અને કહ્યું કે કાકા તમારે પગ નથી તો પણ તમે ખુશ દેખાવ છો તમને તમારા જીવન સામે કોઈ ફરિયાદ નથી ?
એ કાકા એ ખૂબ જ સુંદર જવાબ આપ્યો તેમને મને આશીર્વાદ આપ્યા અને કહ્યું " ભગવાને પગ નથી આપ્યા તો શું થઈ ગયું હાથ, આંખો અને સાથે બીજા અંગો તો સલામત રાખ્યા છે ને અને સૌથી સારું તો આ માણસ તરીકેનું જીવન આપ્યું છે તો મને શું ફરિયાદ હોવાની બેટા ?" આટલું કહીને તેમણે મારી સામે હળવું સ્મિત કર્યું અને તેઓ ઢસડાંતા આગળ વધ્યા.
એ કાકા તો નીકળી ગયા પણ હું ત્યાં જ રહી ગઈ કે હું કાલે મમ્મીની સામે સારા સેન્ડલ ન અપાવ્યા એટલે આટલી રાડો પાડતી હતી પણ જો મને ભગવાને પગ જ ના આપ્યા હોત તો શું એ સેન્ડલ મારા માટે કામના હતા ? મને તરત જ મારા પગની કિંમત સમજાઈ ....મમ્મીની બહેનપણી ને તેમના સેન્ડલ પાછા આપીને હું તરત ઘરે આવી અને મમ્મીને ભેટી પડી અને કહી દીધું કે મારે સેન્ડલ નથી જો'તા તું પૈસા બચાવી ને તારા માટે નવી મોજડી લઈ લેજે તું રોજ કામ પર ખુલ્લા પગે જાય છે ને એટલે .. અને મેં મમ્મી ને એમ પણ કહ્યું કે આજે મને સેન્ડલની નહિ પણ મારા પગની કિંમત સમજાઈ ગઈ.
સેન્ડલ કિંમતી નથી પણ હા મારા પગ જે મને ફ્રી મળ્યા છે તે વધારે કિંમતી છે ...................
આમ પણ આપણને જે ફ્રી માં ભગવાન આપે તેની તો કિંમત હોતી જ નથી ........
સમાપ્ત.
